મેટિની

આરકે – આરકે ઔર એક આરકે.!

વાત રાજ કપૂર- ઋષિ કપૂર અને રણબીર કપૂરની

ફિલ્મનામા -નરેશ શાહ

‘હિન્દી ફિલ્મોમાં મારી જાતને ખૂબ વૈભવશાળી માણસ માનું છું. આ વૈભવ ધનનો નથી, પણ મને વારસામાં મળેલી અકલ્પનીય વિરાસતને કારણે હું વૈભવશાળી છું…. મેં મારા દાદા- પિતા-કાકા અને ભાઈથી લઈને ભત્રીજી કરિશ્મા-કરિના અને પુત્ર રણબીર સુધીની ચાર પેઢીને અભિનયના ક્ષ્ોત્રમાં સક્રિયપણે કામ કરતાં જોઈ છે… મારા માતાના ભાઈઓ અને મારા મામા પ્રેમનાથ- રાજેન્દ્ર નાથે અને નરેન્દ્ર નાથ પણ અભિનય કરતાં તો મારા માસા પ્રેમ ચોપડા પણ એક સ્ટાર એકટર છે… દિલીપકુમાર- દેવ આનંદ- રાજેન્દ્રકુમાર- મનોજકુમાર આ બધા જ સ્ટાર એકટર તો મેરે ચાચા થે…! ’

ઋષિ કપૂર કેટલી ઊંચી વિરાસતમાં ઉછરીને મોટા થયા હતા તેનો ખ્યાલ આ શબ્દો આપે છે. હવે આ વાંચો.

અમારી વચ્ચે જે અંતર છે, એ અસ્સલ એવું જ છે, જેવું મારું અને મારા પિતા વચ્ચે હતું. રણબીર અને હું એકબીજાને જોઈએ તો છીએ , પણ એકબીજાને મહેસૂસ નથી કરી શક્તા. કમ સે કમ, હું તો નથી જ કરી શક્તો. ક્યારેક ક્યારેક મને લાગે છે કે હું પણ મારા પોતાના પુત્રને દોસ્ત બનાવવાનો અવસર ચૂકી ગયો છું. રણબીરે જ એક ઈન્ટરવ્યુમાં કહેલું કે, ‘મારા પિતા એક દોસ્ત નથી. એ એક પિતા છે. હું એમની પીઠ પર ધબ્બો નથી મારી શક્તો કે નથી એમની સાથે મજાક કરી શક્તો એ રણબીર એની માતા નીતુનો દોસ્ત છે, પણ મારો દોસ્ત નથી. આ એક એવું સત્ય છે, જેનો મને સખત અફસોસ છે… ’

૩૦ એપ્રિલ, ર૦ર૪ના દિવસે જેમની ચોથી પુણ્યતિથિ હતી એ ઋષિ કપૂરનો આ સ્વીકાર કોઈ ઈન્ટરવ્યુમાં પ્રગટ થયો નથી, પણ આ એકરાર એમણે સ્વયં પોતાની બાયોગ્રાફીમાં ર્ક્યો છે. હિન્દી સિનેમાવાળાઓએ લખેલી – લખાવેલી બાયોગ્રાફીમાં કદાચ સૌથી વધુ ઈમાનદાર લાગી હોય તો તે ઋષિની બાયોગ્રાફી છે. બાયોગ્રાફીની સમરી આપતી હોય તેમ અંતમાં લખાયેલું નીતુ સિંઘ-કપૂરનું નિવેદન એટલું બેબાક અને સશક્ત છે કે તેના પર પણ સ્વતંત્ર લેખ લખી શકાય તેમ છે.

નીતુ સિંઘ-કપૂરે બેધડક લખ્યું છે કે આ માણસને (પતિ ઋષિને) છોડી દેવાનો વિચાર મને દરેક દિવસે આવ્યો છે…

નેચરલી, ઋષિ કપૂરે બાયોગ્રાફીમાં શો મેન પિતા રાજ કપૂરથી માંડીને ટેલેન્ટેડ પુત્ર રણબીર કપૂર સુધીની વાતો પણ બિન્દાસપણે લખી છે. રાજ કપૂર અને કપૂર ઘરાનાની લેગસીના દેખીતા વારસદાર અને ઓળખ ûષિ કપૂર જ બન્યા. જો કે પ્રથમ ફિલ્મ ‘બોબી’ વખતે સૌથી વધુ ડાંટ (ઠપકો- ગુસ્સો) રાજ કપૂર તરફથી ઋષિને જ મળતો હતો. ભૂલ નવીસવી હિરોઈન ડિમ્પલ કાપડિયા કરે કે સનકી મામા પ્રેમનાથ અવળચંડાઈ કરે કે બીજા એકટર મોડા પડે કે ટેકનિશ્યન ભૂલ કરે તો રાજ કપૂર પોતાનો ગુસ્સો પુત્ર ઋષિ પર જ કાઢતાં, પણ પછી રાજ કપૂરને પોતાના આ સફળ અભિનેતા પુત્ર માટે વિશેષ માન થઈ ગયું હતું.

ઋષિના ઘેર રિધ્ધિમા પછી પુત્રનો જન્મ થયો ત્યારે પણ સૌથી વધુ ખુશી દાદા રાજ કપૂરને જ થઈ હતી, કારણકે કપૂર ઘરાનાનો એ પ્રથમ વારસદાર પુત્ર (રણધીર કપૂરને બે દીકરી જ હતી) હતો. એ સમયે એમણે પૌત્રને એક સોનાનો સિક્કો ભેટમાં આપ્યો હતો , પણ…

પિતા પ્રત્યેનો અહોભાવ તો કાયમી રહે એમ ઋષિએ પુત્રનું નામ જ રણબીર પાડી દીધું. બહુ ઓછાં લોકોને ખબર છે કે શો- મેન રાજ કપૂરનું મૂળ નામ રણબીર રાજ કપૂર હતું (શમ્મી કપૂર એટલે સમશેર કપૂર અને શશી કપૂર એટલે બલબીર કપૂર) .

એ રીતે જોઈએ તો રણબીર કપૂર થકી ઈન્ડસ્ટ્રીઝને બીજો આરકે મળી ગયો છે. આ નવો આરકે અભિનયનો શો- મેન છે. રણબીર કપૂરે સાવરિયા’ (ર૦૦૭) થી ર૦ર૪ સુધીમાં ‘એનિમલ’ સહિતની ૨૨ ફિલ્મોથી એ સાબિત કરી દીધું છે કે, એ એક મેથડ એકટર છે ,પણ શરૂઆતની એની ફિલ્મોની પસંદગી ઋષિ કપૂરને ખૂબ અકળાવતી હતી. એ ઈચ્છતા હતા કે પોતાની જેમ પુત્ર પણ રોમાન્ટિક રોલ કરે, કારણકે આવા એકટરની કેરિયર લાઈફ લાંબી હોય છે, પણ રણબીર કપૂરે તો ટપોરીથી લઈને સરદાર (‘સેલ્સમેન ઓફ ધ ઈયર’) સુધીના રોલ કરવા માંડયા હતા. પ્રથમ ફિલ્મ ‘સાવરિયા’ પણ એની ફલોપ હતી. રણબીર કપૂરે જયારે રાજનીતિ’ (પ્રકાશ ઝા) સાઈન કરી ત્યારે ઋષિ કપૂર અંદરખાનેથી ખૂબ અપસેટ થઈ ગયા હતા , કારણ કે અજય દેવગન, નાના પાટેકર, કેટરિના કેફ, મનોજ બાજપાઈ, નસીરુદીન શાહ, અર્જુન રામપાલ જેવા એકટરોનો ફિલ્મ ‘રાજનીતિ’માં જમાવડો હતો. આ ફિલ્મ ફલોપ જાય કે હિટ થાય, તેનાથી રણબીરને કોઈ ફાયદો થાય તેમ નહોતું પણ…

‘બર્ફી’ ફિલ્મથી ઋષિ ખુદ પુત્રની પસંદગી અને અભિનય પ્રતિભાને મનોમન સ્વીકારતા થયા. પછી તો એમને એ પણ સમજાયું કે પિતાની જેમ પુત્ર પણ (પોતાના કરતાં) અત્યંત તેજસ્વી જ છે. બેશક, આ વાત એમણે ક્યારેય રણબીરને કહી નહોતી, પણ લખીને સ્વીકાર્યું કે મને મારા પિતા -રાજ કપૂર અને મારા પુત્ર રણબીર માટે પણ ગૌરવ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…