મેટિની

સંબંધ મનથી હોવો જોઈએ, મતલબથી નહીં!

અરવિંદ વેકરિયા

અજાણી વ્યક્તિએ સારો અભિનેતા આપ્યો તો શ્રેષ્ઠ અભિનેતા એવા મુરબ્બી જયુકાકા(જયંત વ્યાસ), એવો જવાબ આપી બેઠા કે પૂરા થયેલા કાસ્ટિંગમાં એક નાની ફાંસ જાણે આંગળીમાં પેસી ગઈ. કામ કરવાની સીધી ના પણ નહીં અને કરશે એવી ચોખ્ખી હા પણ નહીં. આવું દુ:ખ કોને કહેવું? તાત્પૂરતું તો ગળી ગયો. આ દુ:ખ પણ કેટલું હોંશિયાર હોય છે, સહનશીલતાવાળાને શોધી જ કાઢે, મને પણ શોધી લીધો. હું સહનશીલ એક કારણે હતો કે કદાચ જયુકાકા છટકે તો ફ્રી રાખેલી મારી જાતને હું એ રોલમાં ફીટ કરી દઉં જેથી નાટક ન અટકે. મારે એક દિગ્દર્શક તરીકે શોમાં હાજર રહી, ‘જયુકાકા કેટલું ટકશે?’ એ વિચાર મનમાં ઘોળ્યાં કરવાનો… જયુકાકા મને દીકરો જ ગણતાં, પણ એમનો જવાબ ઓરમાયો હતો. મને નાટકમાં એમનું ‘નામ’ મળે એવું કદાચ એમના મનમાં હોઈ શકે. આ એમની મારા પ્રત્યેની લાગણી હોઈ શકે. લાગણી એટલે માણસની અંદર રહેલાં માણસનું સરનામું.

આનંદ મસ્વેકરનાં મૂળ મરાઠી નાટક જોડી જમલી તુજી માજીનું દિનેશ કોઠારીએ કરેલું પરફેક્ટ ગુજરાતીકરણ. સાંજે બધાની જેમ જયુકાકા પણ છ વાગે શાંતિ નિવાસ આવી ગયાં. અમે રીડિંગ શરૂ કર્યું. નિર્માણ નિયામક ધનવંત શાહ, જે મારા નાટક માટે ખંતથી કામ કરતાં. નાટકમાં કદાચ કલેક્શન ઓછું હોય તો પોતે પોતાનું ‘કવર’ ન લેતાં. નિર્માતાની એનાથી કોઈ મોટી રકમ બચે નહિ, પણ સ્વેચ્છાએ પોતાની નિષ્ઠા જરૂર બતાવતાં. એમણે મારાં લગભગ ઘણાં નાટકોમાં આ જવાબદારી નિભાવતા સંબંધ જાળવી રાખ્યો, હયાત હતા ત્યાં સુધી. સંબંધ ભલે ગમે તે હોય, મનથી હોવો જોઈએ, મતલબથી નહીં….અમારો સંબંધ એવાં તાંતણે બંધાયેલો હતો.

રીડિંગ સમયે દિનેશ સાથે આનંદ પણ હતો. બધાએ પાત્રનુંસાર રીડિંગ શરૂ કર્યું. આનંદ મસ્વેકરના મરાઠી શો પૂરા થવામાં હતાં. નિર્માતાનો ખર્ચ બચાવવા એણે પોતાના મરાઠી નાટકનો સેટ રંગરોગાન કરી વાપરવા કહ્યું.માત્ર એક દોસ્તી દાવે આ સૂચન હતું. દોસ્તી એટલે એવો સંબંધ જ્યાં ભગવાન પણ પૂર્ણવિરામ નથી મૂકી શકતાં. અત્યાર સુધી મારાથી સેટનું કામ શરૂ કરનાર પ્રવીણ ભોસલે જ મારાં સેટ બનાવતો. મેં આનંદની સેટ બાબત તુષારભાઈને વાત કરી તો એમણે તરત હામી ભણી દીધી. સ્વાભાવિક છે કે ખર્ચ બચતો હતો. નાટકમાં જેટલો ખર્ચ બચાવો એટલો નફો. નાટક એટલે આખી ‘બ્લાઈંડ’ની રમત, પડદો ખુલ્યા પછી પ્રેક્ષકો કેવો પ્રતિસાદ આપે એના ઉપર વળતરના દાખલા માંડવા પડે. મેં સેટ બાબત આનંદને વાત કરી. બીજે દિવસે એ સેટના ડિઝાઈનર ઉલ્હાસ સુર્વે મળવા આવી ગયા. જૂનાને નવા સેટમાં ફેરવી નાખવા મેં એ સમયે 10,500/- ચૂકવેલા. આજે તો સેટ ખૂબ ખર્ચાળ બની ગયા છે.

મને યાદ છે એક પ્રસંગ. મરાઠી નાટક દુર્ગી પરથી ‘બહુરૂપી’ સંસ્થાએ એકાકી મનના ઉઘડ્યાં કમાડ. રિલીઝ સમયે લાલુશાહ હયાત હતાં. એ પછી એમનું નિધન થયેલું. નાટકનાં પચીસમા શો પહેલાં. તરત પચીસમો શો તેજપાલ બપોરનાં હતો. મને હતું કે કદાચ ચંદ્રિકા શાહ (લાલુ શાહના પત્ની) શો રદ કરશે પણ ‘શો મસ્ટ ગો ઓન’. એમણે શો કર્યો. નાટક કમલાકર સારંગે ડિરેક્ટ કરેલું. સંગીત અજિત મર્ચન્ટે આપ્યું હતું જયારે ઉત્તરા કેળકરે પ્રથમવાર એ નાટકમાં પોતાનો કંઠ આપેલો. કમલાકરનાં પત્ની, લાલન સારંગ એ શો જોવા આવેલાં. એમાં એક સીન હતો. એક વિધવા નોકરાણી દયનીય દશામાં મંદિરની બહાર ભીખ માગી રહ્યાં છે અને હાથમાં રહેલ માળા ફેરવી રહ્યાં છે. પહેલાં અંકની સમાપ્તી બાદ લાલન સારંગ પોતાનાં દિગ્દર્શક પતિ કમલાકર ઉપર ભડકી: ‘નાટકમાં ભિખારી જેવી દુર્દશામાં જીવતું પાત્ર હોય તો સ્વાભાવિક એનાં કપડાં ફાટેલાં હોય જયારે અહીં તો ઈસ્ત્રીટાઈટ સાડી પહેરીને ભીખ માગે છે?!’. ત્યારે કમલાકરે આપેલ જવાબ મને આજે પણ યાદ છે. : ‘આ ગુજરાતી પ્રેક્ષકોની જરૂરીયાત છે. પડદો ખુલે ત્યારે એ અંજાય જવા જોઈએ. ઝૂંપડી પણ બતાવવી હોય તો લાખેક રૂપિયાની બનાવવી પડે.’

પ્રેક્ષકોની નાડ કમલાકર પારખી ગયેલા. મારા અનુભવે કદાચ એટલે જ સેટ સાથેનું રાચરચીલું અવ્વલ દરજ્જાનું શરૂ થયું હશે, આમાં અપવાદ હોઈ શકે. અમે ઉલ્હાસનો સેટ ફાઈનલ કરી લીધો.

રિહર્સલમાં જયુકાકા નિયમિત આવતા. એ આવે પછી રાજેશ જોશીની વાત એકાદ વાર તો નીકળે જ.! કદાચ જયુકાકા ન કરે તો હું કરું. એ બાબત મને વધારે ચિંતા રહ્યાં કરતી. હું નાટકની તૈયારી આ વિચાર સાથે પણ દિલથી કરતો રહેતો. બધા સાથી કલાકારો પણ પૂરી નિષ્ઠા સાથે નાટક માટે મહેનત કરતાં, સફળતા મળવાની આશાએ. શૈલેશ દવે સાચું કહેતા કે પડદો ખૂલે ત્યાં સુધી દિગ્દર્શકનું નાટક, પછી કલાકારનું અને નાટક સફળ કે નિષ્ફળ એ ફાઈનલ સિક્કો મારવાનું કામ પ્રેક્ષકો કરે. કદાચ એવું બને કે નાટકને બે હાથે તેડી લે અથવા ધક્કો પણ મારી દે. જે નાટક માટે એ પૈસા ખર્ચીને આવ્યા હોય અને વાત એમને અપીલ ન કરે તો એવું કરવાનો એમને પૂરો હક છે પછી નિર્માતાએ ભલે નાટક પાછળ ખૂબ નાણાં વાપયાર્ં હોય.

આજે પણ આ વાત સાચી લાગે. નાટકની સફળતા એ બધા માટે હરખનો ઉત્સવ બને પણ જો… સફળતાનું કોઈ રહસ્ય નથી તે ફક્ત પરિશ્રમ ઈચ્છે. શક્ય બને કે તમારો પરિશ્રમ પ્રેક્ષકો ન પણ સ્વીકારે. ત્યારે એ કથન સાચું લાગે કે પ્રેક્ષકો જ આપણા માઈ-બાપ છે.

અમારું નાટક સેટ થતું ગયું. પહેલો જ સોલ્ડઆઉટ શો પણ મળી ગયો. લેનાર હતા, ચામુંડા જવેલર્સ. (આજે બોરીવલીમાં-પ્રબોધન ઠાકરે થીયેટરની સામે એનાં નામે ‘ચામુંડા સર્કલ’ છે.)

હવે સમય આવી ગયો નાટકનું શીર્ષક નક્કી કરવાનો. નાટકમાં ત્રણ જુદા-જુદા સ્વભાવ અને વર્તણૂક ધરાવતાં દંપતીની વાત હતી. એ વખતે ટી.વી. ઉપર ખૂબ દેખાતું એક સોંગ, ‘મિલે સૂર મેરા તુમ્હારા તો સૂર બને હમારા’…

બસ! એ જ નામ અમે બહુમતીથી નક્કી કર્યું :

‘મળે સૂર જો તારો મારો’

ભૂરો: (દુકાનદારને) એક કેલેન્ડર આપશો?

દુકાનદાર: કેવું આપું?

ભૂરો: રજા વધારે હોય એવું આપો.

આ પણ વાંચો:  દેશમાં દંડે… વિદેશમાં વંદે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button