મેટિની

કવર સ્ટોરીઃ રેખા-પ્રિયંકા: કમાલની કમબેક કહાણી…

હેમા શાસ્ત્રી

રેખા ગણેશન અને પ્રિયંકા ચોપડા… હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બે નામવંત અભિનેત્રી. બંને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી અદાકારા. બંનેએ કારકિર્દીમાં વિવિધ પ્રકારની ભૂમિકા ભજવી અભિનય કૌશલ દેખાડ્યું છે. ફિલ્મોની વાત કરતી વખતે રેખાની ‘ઉમરાવ જાન’ અને પ્રિયંકાની ‘મેરી કોમ’નો વિશેષ ઉલ્લેખ અનિવાર્ય છે. બંને પ્રભાવી પાત્ર અને એ પાત્રોને બંને એક્ટ્રેસે લાજવાબ ન્યાય આપ્યો છે.

રેખા-પ્રિયંકાને દમદાર પરફોર્મન્સ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ એનાયત થયો છે. જોગાનુજોગ એવો સર્જાયો છે કે આ બંને એક્ટ્રેસ કમબેક કરવા થનગની રહી છે. પ્રિયંકાએ તો ભવ્ય નિર્માણ માટે જાણીતા એસ એસ રાજામૌલીની ફિલ્મ સાઈન કરી લીધી છે. બીજી તરફ રેખા મનીષ મલ્હોત્રાની ફિલ્મ કરતાં કરતાં રહી ગઈ, પણ પોતે ફરી કામ કરવા ઉત્સુક છે એવો ઈરાદો તેણે વ્યક્ત કર્યો છે.

રેખા ગણેશન… 55 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ‘સાવન ભાદો’ (1970)થી અભિનેત્રીનો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ થયો. ફિલ્મ સુપરહિટ નીવડી અને રેખાને સાઈન કરવા પડાપડી થવા લાગી. ત્યારબાદ સતત 37 વર્ષ મેડમ હિન્દી ફિલ્મોમાં છવાયેલા રહ્યાં. ગૌતમ ઘોષ દિગ્દર્શિત ‘યાત્રા’ (2007) પછી એક્ટ્રેસની ફિલ્મો ગણવા બેસીએ તો બે આંગળીના વેઢા પણ વધી પડે એવું છે.

જોકે, 2013ની ‘ક્રિશ 3’ની સોનિયા મેહરાના પાત્રમાં રેખા દર્શકોના સ્મરણમાં રહી ગઈ. ત્યારબાદ ગુજરાતી નાટક પર આધારિત ‘સુપર નાની’ અને એકાદ બે સ્પેશ્યલ અપીયરન્સ (જેમ કે અમિતજીની ‘શમિતાભ’) બાદ કરતા રેખા અંગત એકલવાયી દુનિયામાં રહેવા લાગી હતી. હવે અચાનક મેડમને ફિલ્મોમાં કામ કરવાના અભરખા જાગ્યા છે.

રિપોર્ટ અનુસાર પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની ફિલ્મ નિર્માતા તરીકે પ્રથમ ફિલ્મ ‘ગુસ્તાખ ઈશ્ક’માં રેખા કામ કરે એવી સંભાવના જાગી હતી. ફિલ્મના એક્ટર વિજય વર્માએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ‘મનીષ ‘ગુસ્તાખ ઈશ્ક’ના એક રોલમાં રેખાજીને લેવા માગતો હતો. જોકે, એ રોલ બહુ જ નાનો હોવાથી રેખા માટે યોગ્ય નથી એવી દલીલ ફિલ્મના ડિરેક્ટર વિભુ પુરીએ કરતા વાતનો વીંટો વળી ગયો.’

ખુદ દિગ્દર્શકનું કહેવું હતું કે ‘રોલની લંબાઈ બહુ નાની છે, પણ એ રોલ મહત્ત્વ ધરાવે છે, કારણ કે એની મારફત વિજય વર્માનું પાત્ર નસીરુદ્દીન શાહના પાત્ર સુધી પહોંચે છે. મનીષ સતત આગ્રહ કરતો હતો, પણ માત્ર અડધા દિવસના કામ માટે રેખાજીને બોલાવવા મને યોગ્ય નહોતું લાગ્યું. અલબત્ત, ઓફર કરી હોત તો મનીષ સાથેની મૈત્રીને કારણે એ જરૂર તૈયાર સુધ્ધાં થયા હોત, પણ મારું દૃઢપણે માનવું છે કે રેખાજીનું કમબેક વ્યવસ્થિત રોલથી થવું જોઈએ.’

એ દિવસ માટે બહુ રાહ નહીં જોવી પડે એવું લાગે છે. આ તર્ક સંબંધે વિજય વર્માએ ખુલાસો કર્યો છે કે ‘રેખાજી કમબેક કરવા ઉત્સુક છે. એક વાર તેમણે મને કહ્યું હતું કે વિજય, હમ સાથ મેં કબ કામ કરેંગે? હું જે ફિલ્મો કરી રહ્યો છે એ તેમણે મારી પાસેથી જાણી લીધું અને ફિલ્મ ડિરેક્ટરોને એમના નામની ભલામણ કરવા પણ કહ્યું છે. આજે નહીં તો આવતીકાલે રેખાજીનું કમબેક ચોક્કસ થશે એમાં કોઈ શંકા નથી.’

‘અંદાઝ’ (2003)થી ‘ગંગાજલ’ (2016) સુધી સતત હિન્દી ફિલ્મોમાં વ્યસ્ત રહેલી પ્રિયંકા સૌને આશ્ર્ચર્યમાં મૂકી હોલિવૂડ પહોંચી ગઈ. છેલ્લા દશકમાં ‘ધ સ્કાય ઈઝ પિન્ક’ (જેની એ સહ નિર્માત્રી પણ હતી)ના અપવાદને બાદ કરતા ‘પીસી’ના હુલામણા નામથી જાણીતી અભિનેત્રીએ એક રીતે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે છેડો જ ફાડી નાખ્યો હતો એમ કહી શકાય.

અલબત્ત, હોલિવૂડમાં વ્યસ્ત થયેલી પીસી છેલ્લા ત્રણેક વર્ષથી હિન્દી ફિલ્મોમાં કમબેક કરવા થનગની રહી હતી. ભારત આવતી ત્યારે ફિલ્મમેકરોને મળતી પણ વાત ચર્ચાથી આગળ નહોતી વધતી. ‘દિલ ચાહતા હૈ’ના નારી અવતાર જેવી ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે જરા’નું પાકું થયા પછી પણ ફિલ્મ ફ્લોર પર ગઈ જ નહીં.

જોકે, આખરે ઉત્સુકતા-આતુરતાનો અંત આવી ગયો છે. ‘બાહુબલી’ અને ‘આરઆરઆર’ જેવી ભવ્ય ફિલ્મો બનાવનારા એસ એસ રાજામૌલીની આગામી તેલુગુ ફિલ્મ ‘વારાણસી’માં પ્રિયંકા ચોપડા કામ કરી રહી છે. સાઉથના બે ટોચના કલાકાર મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન સાથેની આ ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં પ્રિયંકા મંદાકિનીનું પાત્ર ભજવી રહી છે અને એનું પોસ્ટર સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

બિગ બજેટની ‘વારાણસી’ આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાનો ઈરાદો હોવાથી રાજામૌલી ઈન્ટરનેશનલ અપીલ ધરાવતી એક્ટ્રેસ ઈચ્છતા હોય એ સ્વાભાવિક છે અને એ વ્યાખ્યામાં પ્રિયંકા ફિટ બેસે છે. હિન્દી ફિલ્મથી નહીં પણ ભારતીય ફિલ્મથી પ્રિયંકા ચોપડા પુનરાગમન કરી રહી છે. આ ફિલ્મ સફળ થઈ તો હિન્દી ફિલ્મોની ઓફરો શરૂ થશે એવી સંભાવના નકારી ન શકાય.

આ બંને કમબેકમાં દર્શકોને વધુ આતુરતા રેખાના પુનરાગમન માટે હશે એ દલીલમાં જરૂર દમ છે. 2000માં ‘મોહબ્બતેં’થી અમિતજીનું જોરદાર-દમદાર પુનરાગમન સિને પ્રેમીઓને યાદ હશે. રેખાનું કમબેક જ્યારે પણ થશે ત્યારે કેવું નીવડશે? એ તો આવનારો સમય જ કહેશે. અત્યારે તો રેખા-પ્રિયંકાના કમબેક અંગે કુતૂહલ રાખવાથી વિશેષ તો શું કરીએ? એક વાત આનંદ આપનારી જરૂર છે કે અભિનેત્રીને સાઈન કરતી વખતે એની ઉંમર સામે નથી જોવામાં આવતું.

આ પણ વાંચો…કવર સ્ટોરીઃ ચિલ્ડ્રન્સ ફિલ્મો માટે કેમ ઘોર ઉદાસીનતા?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button