મનોરંજનનું મેઘધનુષઃ સાન્યા મલ્હોત્રા બોલિવૂડમાં લાંબી ઇનિંગ રમવા તૈયાર

- ઉમેશ ત્રિવેદી
નવ વર્ષની કારકિર્દી દરમિયાન બોલિવૂડની સૌથી વધારે કમાણી કરનારી બે ફિલ્મ ‘દંગલ’ અને ‘જવાન’માં દેખાયેલી સાન્યા મલ્હોત્રાએ અનેક સફળ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને કમર્શિયલ હીટની સાથે જ એણે પોતાના અભિનય દ્વારા સમીક્ષકો અને પ્રશંસકોની વાહ-વાહી પણ મેળવી છે.
‘દંગલ’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કરનારી સાન્યાએ ‘બધાઇ હો’ અને ‘સેમ બહાદુર’ જેવી પણ ફિલ્મ કરી છે. પચીસ ફેબ્રુઆરીએ 1992માં દિલ્હીમાં પંજાબી કુટુંબના જન્મેલી સાન્યા એક સારી ડાન્સર પણ છે. આ સિવાય તે બેલે પણ સારી રીતે કરી શકે છે. ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ નામના રિયાલિટી શોમાં ટોચના 100 નર્તકમાં સ્થાન મળતાં એ દિલ્હીથી મુંબઇ આવી અને આવતાંની સાથે જ બોલિવૂડમાં એ ઓડિશન આપવા લાગી હતી.
મુંબઇમાં ટકી રહેવા માટે એણે ટેલિવિઝન માટે કમર્શિયલ (જાહેરખબર) બનાવનારાના સહાયક તરીકે કામ કરવા માંડયું. તે સમયે ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની એના પર નજર પડી અને એને આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ મળી. આ ફિલ્મ અગાઉ એને કુસ્તી એટલે શું એ ખબર નહોતી એટલે કુસ્તીને લગતા સેંકડો વીડિયો જોયા. આ દરમિયાન જ શારીરિક તાલીમ પણ લીધી. ભૂતપૂર્વ રેસલર કૃપાશંકર પટેલ બિશ્નોઇ પાસેથી એણે આ તાલીમ મેળવી.
કારકિર્દીની પહેલી જ હિન્દી ફિલ્મમાં સખત મહેનત, જેનું ફળ એને મળ્યું કે બોલિવૂડની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ તરીકે ‘દંગલ’ છવાઇ ગઇ. ત્યાર પછી આમિર ખાનની ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’માં એણે કોરિયોગ્રાફર તરીકે નામના મેળવી અને બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવવામાં એ એકદમ સફળ થઇ ગઇ.
આ પછી 2018માં વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘પટાખા’ કરી, ત્યારબાદ 2019માં ‘ફોટોગ્રાફર’ કરી, જેમાં એના અભિનયના ખૂબ જ વખાણ થયા. 2020માં ‘શકુંતલા દેવી’માં એણે વિદ્યા બાલનની પુત્રીની ભૂમિકા ભજવી અને એ જ વર્ષમાં આદિત્ય રોય કપૂર સાથેના ‘લુડો’ ફિલ્મમાં પણ એણે લોકોનું ધ્યાન ખેંચ્યું.
આજ રીતે 2021માં મલયાલમ ફિલ્મ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કિચન ’ પરથી બનેલી હિન્દી ફિલ્મ ‘મિસિસ’માં એના અભિનયના ખૂબ વખાણ થયા. એ પછી ‘પગલેટ’, ‘મિનાક્ષી સુંદરેશ્ર્વર’, 2022માં ‘લવ હોસ્ટેલ’, ‘હીટ ધ ફર્સ્ટ કેસ’, 2023માં ‘કટહલ’, ‘જવાન’ અને ‘સેમ બહાદુર’, 2024માં ‘મિસીસ’, ‘બેબી જહોન’, ‘ઠગ લાઇફ’ જેવી ફિલ્મો કરી.
2025ની શરૂઆતમાં અનુરાગ કશ્યપની ‘બંદર’ ફિલ્મમાં એને આંતરરાષ્ટ્રીય સફળતા મળી. આ ક્રાઇમ થ્રીલર ફિલ્મમાં એની સાથે બોબી દેઓલની મુખ્ય ભૂમિકા હતી અને 2025ના ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનો પ્રીમિયર યોજાયો હતો.
આ અઠવાડિયે એની ‘સન્ની સંસ્કારી કી તુલસી કુમારી’ નામની ફિલ્મ રિલીઝ થઇ રહી છે. જેમાં એની સાથે વરુણ ધવન, જહાન્વી કપૂર, રોહિત શરાફ અને મનીષ પોલ જેવાં કલાકારો છે. કરણ જોહરના ‘ધર્મા પ્રોડકશન’ની આ રોમાન્ટિક કોમેડી ફિલ્મનાં દિગ્દર્શક શશાંક ખેતાન છે. સાન્યા મલ્હોત્રા બોલિવૂડની કમર્શિયલ ફિલ્મોની સાથે જ ‘હટકે’ ફિલ્મોમાં ય પોતાનું નામ ઉજાગર કરી ચૂકી છે. હજી તો 33 વર્ષની ઉંમરે સાન્યા સફળતાનો સ્વાદ ચાખી ચુકી છે અને તે લાંબી ઇનિંગ રમવાની તૈયારી સાથે બોલિવૂડમાં આવી છે.
OTTનું હોટસ્પોટઃ 4 ઑક્ટોબરથી 10 ઑકટોબર સુધી શું શું જોશો…
ભારત-વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ શ્રેણી અને હૃતિક રોશન-એનટીઆર (જુનિયર)ની ફિલ્મ…
સુકાની શુભમન ગીલના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ બીજી ઓકટોબરથી અમદાવાદમાં વેસ્ટ ઇન્ડિઝ સાથે ટેસ્ટ સિરીઝમાં ટકરાઇ ચુકી છે, જેનું લાઈવ પ્રસારણ દરરોજ સવારે 10થી સાંજે પાંચ વાગ્યા સુધી જોવા મળશે. છઠ્ઠી ઓકટોબર સુધી ક્રિકેટપ્રેમીઓને તો મજજા જ છે. એશિયા કપ જીતીને આવેલી ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે. આ ઉપરાંત…
*‘નેટફિલક્સ’ પર હૃતિક રોશન, કિયારા અડવાણી, જુનિયર એન.ટી.આર અને આશુતોષ રાણા અભિનિત ફિલ્મ ‘વોર-ટુ’નું પ્રસારણ નવમી ઓકટોબરથી શરૂ થવાનું છે. એ અગાઉ, ‘નેટફિલક્સ’ પર સાતમી ઓકટોબરે ‘ટ્રુ હન્ટિંગ’ નામની સિરીઝ પ્રસારિત થશે. 10 ઓકટોબરે એનિમેશન ફિલ્મ ‘કુરુક્ષેત્ર’ રજૂ થશે. આ સિરીઝની લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. ‘મહાભારત’ના યુદ્ધ પર આધારિત આ એનિમેશન સિરીઝ જંગી બજેટ સાથે બનાવવામાં આવી છે.
*જિયો હોટસ્ટાર: પાંચમી ઓકટોબરે વિજય સેતુપતિના સંચાલન હેઠળ ‘બિગબોસ’ તમિળની નવમી સિઝનની શરૂ થઇ રહી છે, તો 10 ઓકટોબરે કોંકણા સેન શર્માને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી સિરીઝ ‘સર્ચ: ધ નયના મર્ડર કેસ’ રજુ થવાની છે.
*એમએકસ પ્લેયર: ‘નિયત’ની સાથે ‘વીઆઇપી-ટુ’, ‘ચહેરે’, ‘રાઇસ એન્ડ ફોલ’, ‘સિકસર’, ‘યુઆરમાય હીરો’, ‘ડે ફ્રીમર’,‘વ્હેન આય ફલાય ટોવર્ડસ યુ’ જેવી ફિલ્મો અને સિરીઝ રજૂ થશે.
આપણ વાંચો: શો-શરાબાઃ લાઇટ્સ-કેમેરા…ઔર આરામ?!