મનોરંજનનું મેઘધનુષ: આયુષ્યમાન ખુરાના: ‘હટ કે’ ફિલ્મ કરી સફળતા મેળવી પણ હવે છ વર્ષથી ‘હીટ’ની આશા | મુંબઈ સમાચાર
મેટિની

મનોરંજનનું મેઘધનુષ: આયુષ્યમાન ખુરાના: ‘હટ કે’ ફિલ્મ કરી સફળતા મેળવી પણ હવે છ વર્ષથી ‘હીટ’ની આશા

  • ઉમેશ ત્રિવેદી

‘હટ કે’ ફિલ્મ કરવા માટે જાણીતા એવાં આયુષ્યમાન ખુરાનાની રશ્મિકા મંદાના સાથે મલ્ટિસ્ટારર ફિલ્મ ‘થમ્મા’ આજે રિલીઝ થઈ રહી છે. આયુષ્યમાનની મોટાભાગની ફિલ્મો સોલો હીરો ફિલ્મ હોય છે. આ વખતે તેણે રોમાન્ટિક કોમેડી અને હોરરના મિશ્રણ સમી ફિલ્મ પસંદ કરી છે. ‘થમ્મા’ની સ્ટારકાસ્ટમાં રશ્મિકા મંદાના, સપ્તમી ગૌડા, ડાયના પેન્ટી, નવાઝુદ્દીન સિદ્દીકી, અપારશક્તિ ખુરાના, સંજય દત્ત, પરેશ રાવળ અને વરુણ ધવનનો સમાવેશ થાય છે.

આયુષ્યમાન ખુરાનાનું સાચું નામ નિશાંત ખુરાના છે. તેણે અભિનયની શરૂઆત ટેલિવિઝનથી કરી હતી અને પછી તે ફિલ્મોમાં પ્રવેશ્યો છે. બોલિવૂડમાં તે એક અભિનેતા અને ગાયક તરીકે લોકપ્રિય છે. 14 સપ્ેટમ્બર 1984માં ચંદીગઢમાં જન્મેલા આયુષ્યમાને 2004માં ટેલિવિઝનના રિયાલિટી શો ‘એમટીવી રોડીઝ’માં ભાગ લીધો હતો. ત્યાર પછી તેણે થોડો સમય ટી.વી. શોના સંચાલક તરીકે કામ કર્યું હતું.

સન 2012માં આવેલી ‘વિકી ડોનર’ ફિલ્મથી તેણે બોલિવૂડમાં પદાર્પણ કર્યું છે. પહેલી જ ફિલ્મમાં સફળતા મળ્યા પછી તેણે ‘હટ કે’ વિષયોવાળી ફિલ્મો પસંદ કરવા માંડી અને તેમાં તેને ભરપૂર સફળતા મળવા લાગી. 2012થી 2019 સુધી તેણે અનેક સફળ ફિલ્મો આપી. આમાંની મોટાભાગની ફિલ્મો સોલો હીરો તરીકેની હતી. ‘દમ લગા કે હૈઈશા’ (2015), ‘બરેલી કી બરફી’ (2017), ‘શુભ મંગલ સાવધાન’ (2017), ‘બધાઈ હો’ (2018), ‘ડ્રીમ ગર્લ’ (2019), ‘બાલા’ (2019), જેવી ફિલ્મોમાં તેને ખૂબ સફળતા મળી, પણ 2019 પછી તેને જોઈએ એવી સફળતા મળી નથી.

2020માં તેની અમિતાભ બચ્ચન સાથેની ‘ગુલાબો-સિતાબો’ આવી. પછી ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ પણ તેજ વર્ષે રિલીઝ થઈ, પણ આ બંને ફિલ્મો ફ્લોપ ગઈ. 2021માં ‘ચંદીગઢ કરે આશિકી’માં પણ તેને જોઈતી સફળતા ન મળી. 2022માં તેણે એક્શન ફિલ્મો પર હાથ અજમાવી જોયો, પણ લોકોને તે ન ગમી તેમાં ‘અનેક’ અને ‘એન એક્શન હીરો’નો સમાવેશ થાય છે. આ દરમિયાન જ તેની રકુલપ્રીત સિંહ સાથેની ‘ડોક્ટર જી’ આવી. તેય બોક્સ ઓફિસ પર ધબાય નમ: થઈ.

2023માં ‘ડ્રીમ ગર્લ-ટુ’ આવી. એમાં અનન્યા પાંડે, પરેશ રાવળ, અન્નુ કપૂર, અસરાની અને વિજય રાજ જેવાં કલાકારો હતાં. 2019માં તેની ‘ડ્રીમ ગર્લ’ની આ સીક્વલ હતી. તેમાં તેને સફળતા મળી.

2018નું વર્ષ આયુષ્યમાન ખુરાના માટે મહત્ત્વનું સાબિત થયું હતું. આ વર્ષે તેની તબુ સાથેની થ્રીલર ફિલ્મ ‘અંધાધૂન’ રિલીઝ થઈ હતી અને લોકોએ તેને ઉમળકાભેર આવકારી હતી. 2018માં જ ‘બધાઈ હો’ કોમેડી ફિલ્મ રજૂ થઈ હતી. એમાં ‘લાઈમલાઈટ’માં ગજરાજ રાવ અને નીના ગુપ્તા આવી ગયા હતા, પણ આયુષ્યમાન ખુરાના અને સાન્યા મલહોત્રાને પણ લોકોએ યાદ રાખ્યા હતા.

2004થી ટેલિવિઝન પર પદાર્પણ કરનારા આયુષ્યમાન ખુરાનાએ 2011 સુધી એમટીવી પર સંચાલક તરીકે અનેક કાર્યક્રમો કર્યા હતા. પણ બોલિવૂડમાં પદાર્પણ કર્યાં પછી તે ટેલિવિઝન પર પાછો નથી ફર્યો.

OTTનું હોટસ્પોટ

18 ઑક્ટોબરથી 24 ઑક્ટોબર ભારત-ઓસ્ટ્રેલિયા વન-ડે સિરીઝ અને ઈન્ડિયન આઈડલ-16મી સિઝનનું આકર્ષણ…

આજકાલ ક્રિકેટના રસિયાઓ માટે ‘દિવાળી’ ચાલી રહી છે. રવિવાર, તા. 19એ તેમાં સૌથી મોટો તહેવાર છે. જિયો હોટસ્ટાર-સોની લીવ પર રવિવારે એક સાથે બે મેચ જોવા મળશે. તેમાં પહેલી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ‘વન-ડે’ની સીરિઝની પહેલી મેચ છે, જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પુનરાગમન કેટલું સાર્થક નિવડે છે એ જોવા મળશે અને તે જ દિવસે ભારતની મહિલા ટીમ અત્યારે વન-ડે વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે, તેની ખૂબ જ મહત્ત્વની મેચ ઇંગ્લેંડની મહિલા ક્રિકેટ ટીમ સાથે છે.

જિયો હોટસ્ટાર: અક્ષયકુમાર, કરણ જોહર, મનીષ મલહોત્રા અને મલાઈકા અરોરાના સંચાલન હેઠળ ‘પીચ ટુ ગેટ રીચ’ નામનો કાર્યક્રમ શરૂ રહ્યો છે. તેમાં નવીન જિંદાલ, ધ્રુવ શર્મા, ગૌરવ દાલમિયા, ગૌરવ ડુગ્ગર જેવા ઉદ્યોગપતિ પણ ભાગ લેશે.

‘જિયો હોટસ્ટાર’ પર જ 19 ઓક્ટોબરથી ‘ઈન્ડિયન આઈડલ’ની 16મી સિઝન શરૂ થવાની છે, જેમાં જજ તરીકે વિશાલ દદલાની, બાદશાહ અને શ્રેયા ઘોષાલ નજરે ચડશે. જોકે શોના સંચાલક તરીકે અત્યારે આદિત્ય નારાયણના સ્થાને તેનાં પિતા ઉદિત નારાયણનું નામ બોલાઈ રહ્યું છે. સંગીતના ચાહકોને તો શનિ-રવિ ‘જલસો’ પડી જવાનો છે.

ઝી ફાઈવ: ઈન્સ્પેક્ટર વિશ્ર્વાસ ભગત પર આધારિત ફિલ્મ ‘ભગવત ચેપ્ટર-વન: રાક્ષસ’નું પ્રસારણ શરૂ થઈ ચૂક્યું છે. એમાં ઈન્સ્પેક્ટર ભગવતની ભૂમિકામાં અર્શદ વારસીની સાથે જીતેન્દ્રકુમાર અને આયેશા કુડસકર દેખાશે. રાહુલ બોઝ અને રિતુપર્ણા સેનગુપ્તા અભિનિત ‘મેડમ સેનગુપ્તા’નું પણ પ્રસારણ શરૂ થયું છે.

નેટફ્લિક્સ: આ અઠવાડિયામાં એનિમેશન ફિલ્મ ‘ધ ટ્વિસ્ટ’. ઉપરાંત ‘ધ પરફેક્ટ નંબર’ અને ‘ધ ડિપ્લોમેટની સિઝન-થ્રી’ ચાલુ થઈ રહી છે.

આપણ વાંચો:  માસિક આવક કરતાં માનસિક આવક વધુ હોય તો આનંદ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button