રવીન્દ્રનાથ ટાગોર: એક સુપરહિટ ફિલ્મ-લેખક…હેં?! | મુંબઈ સમાચાર
મેટિની

રવીન્દ્રનાથ ટાગોર: એક સુપરહિટ ફિલ્મ-લેખક…હેં?!

મહેશ નાણાવટી

જરા વિચારીને જવાબ આપજો… થોડા સમય પહેલાં છેક ઓસ્કાર એવૉર્ડઝ માટે આંટો મારી આવેલી ‘લાપતા લેડિઝ’ અને છેક 1983માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘મહિયરની ચૂંદડી’ અને 2011માં બનેલી રિતુપર્ણ ઘોષ નામના આર્ટ-ફિલ્મ ડિરેક્ટરની ‘નૌકા ડૂબી’ નામની ફિલ્મ આ ત્રણેય વચ્ચે કોમન કડી શું છે?

એ છે ભારતના નોબેલ વિજેતા મહાન લેખક રવીન્દ્રનાથ ટાગોર! જીહા, ‘લાપતા લેડિઝ’માં માત્ર ઘુમટાને કારણે બે નવવધૂની અદલાબદલી થઈ જાય છે, પરંતુ રવીન્દ્રનાથ ટાગોરની બંગાળી વાર્તા ‘નૌકા ડૂબી’માં એક નાવડીને અકસ્માત થતાં બે ઘુમટાવાળી નવવધૂઓની અદલાબદલી થઈ જાય છે!

એ જ પ્લોટ ઉપરથી આપણા ગુજરાતી લેખક કેશવ રાઠોડે જે પટકથા લખી, જેમાં હોડીને બદલે ટ્રેન અકસ્માત થયો!
જોવા જેવી વાત એ છે કે આ ગુજરાતી ફિલ્મ ‘મહિયરની ચૂંદડી’ ઉપરથી એક મરાઠી ફિલ્મ બની ‘માહેરચી સાડી’… એ તો સુપરહિટ નીકળી! એની ઉપરથી એક બંગાળી ફિલ્મ પણ બની ગઈ!ં તેણે બંગાળમાં જ ધૂમ મચાવી! અને પછી એ જ સ્ટોરી ઉપરથી તામિલ અને તેલુગુમાં પણ ફિલ્મો બની અને ખૂબ ચાલી!

આમાં મૂળ ‘કથાબીજ’ કોનું?
અલબત્ત, કવિ રવી ઠાકુર એટલે કે રવીન્દ્રનાથ ટાગોરનું જ ને?!
જયારે સાહિત્યકૃતિ ઉપરથી ફિલ્મ બનવાની વાત નીકળી છે ત્યારે બંગાળના જાણીતા લેખક શરદબાબુ યાને કે શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનું નામ સૌથી ‘ટોપ’માં ગણાય છે, કેમકે એમની વાર્તાઓ અને નવલકથાઓ ઉપરથી જે જે ફિલ્મો બની છે તે લગભગ તમામ ફિલ્મો હિટ રહી છે. એમાંય ‘દેવદાસ’ તો છ વાર બની! (હિન્દીમાં જ ત્રણ વાર ! )

આ બધા વચ્ચે કોઈ કારણસર રવીન્દ્રનાથ ટાગોરનું નામ આ ‘હિટ-લિસ્ટ’માંથી બહાર રહી જાય છે. જુઓને, જે ‘નૌકા ડૂબી’ની શરૂઆતમાં વાત કરી એ જ વાર્તા ઉપરથી 1960માં હિન્દી ફિલ્મ બની હતી. ‘ઘુંઘટ’ (જોયું? મામલો ઘુમટાનો જ નીકળ્યો ને?) એ ફિલ્મમાં ભારત ભૂષણ, પ્રદીપ કુમાર, બીના રાય અને આશા પારેખ જેવા એ જમાનાના મોટા સ્ટાર હતા. ગાયનો પણ યાગદાર હતાં… ‘લાગે ના મોરા જીયા’ ‘મોરી છમ છમ બાજે પાયલિયા…’ (સંગીતકાર: રવિ)

હવે રવીન્દ્રનાથ ટાગોરની બીજી એક હિટ સ્ટોરીની વાત કરીએ તો એ છે ‘કાબુલીવાલા’. 1962માં આ ફિલ્મ આવી હતી, જેમાં બલરાજ સહાનીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. મૂળ તો કાબૂલના દેશ અફઘાનિસ્તાન માટે લખાયું હતું, પણ આજે આપણે એને ભારત માટેની સમજીને છાતી ફૂલાવીએ છીએ!

ખેર, આ ‘કાબુલીવાલા’ પણ વારંવાર બની છે… 1957માં એ બંગાળીમાં બની ચૂકી હતી. એ પછી એક 2019માં ડેની ડેન્ઝોગ્પાને મુખ્ય ભૂમિકામાં લઈને ‘બાયોસ્કોપવાલા’ બની. હજી બાકી રહી ગયું હોય તેમ 2023માં મિથુન ચક્રવર્તી પણ ‘કાબુલીવાલા’ બનીને આવી ગયા! જોકે બલરાજ સહાનીવાળી સફળતા આ બંનેને મળી નહીં. (પણ એમાં રવીન્દ્રનાથનો શું વાંક?)

ટાગોર સાહેબની વધુ એક હિટ વાર્તા એટલે ‘અતિથિ’. બંગાળીમાં તપન સિંહાએ એ જ નામે જે ફિલ્મ બનાવી તેને નેશનલ એવૉર્ડ મળ્યો હતો, જેમાં ભરપૂર પ્રમાણમાં ‘ગાયનો’ યાને કે ગીત પણ હતા. જોવાની વાત એ છે કે 1965માં આવી ગયેલી આ ફિલ્મ ઉપર તારાચંદ બડજાત્યાની નજર પડી અને તેનો હિન્દી અવતાર બની ‘ગીત ગાતા ચલ’ (જેની વાત આપણે અગાઉ આ કોલમમાં કરી ગયા.)

એ જ રીતે બે ભાષામાં બનેલી વધુ એક વાર્તાનું નામ છે ‘સમાપ્તિ’. આ વાર્તા સત્યજીત રેની ફિલ્મ ‘તીન કન્યા’માં હતી, જેમાં ટાગોર સાહેબની ત્રણ વાર્તા હતી. એક ‘પોસ્ટમાસ્ટર’ બીજી ‘સમાપ્તિ’ અને ત્રીજી એક હોરર સ્ટોરી હતી ‘મોનિહારા’! એમાંથી આ ‘સમાપ્તિ’ ઉપરથી હિન્દીમાં 1971માં બની ‘ઉપહાર’! યાદ આવી, જયા ભાદુરીની એ ફિલ્મ? અહીં પણ પ્રોડકશન કંપની હતી બડજાત્યા સાહેબની ‘રાજશ્રી ફિલ્મ્સ’.

આમ તો ભારતનું નામ ઈન્ટરનેશનલ લેવલે મૂકી આપનાર દિગ્દર્શક સત્યજીત રે પણ રવીન્દ્રનાથ ટાગોરની વાર્તાઓ ઉપર ઓળઘોળ હતા. એમણે 1964માં બનાવી ‘ચારુલતા’, 1984માં બનાવી ‘ઘરે બાહિરે’ અને પેલી ‘તીન કન્યા’ની ત્રણ વાર્તા તો ખરી જ. આ ‘ઘરે બાહિરે’ પણ બીજી વખતે બંગાળીમાં જ બની. આના દિગ્દર્શક હતા રિતુપર્ણ ઘોષ અને ફિલ્મનું નામ હતું ‘ચોખેર બાલી’. જોકે રિતુપર્ણ ઘોષે વાર્તાનું ઈન્ટરપ્રિટેશન જરા અલગ રીતે કર્યું હતું.

આ પણ વાંચો…ફોકસઃ ‘શોલે’ના 50 વર્ષ: ક્લાઈમેક્સ પર કાતર ફેરવી, છતાં ફિલ્મ સુપરહિટ!


અચ્છા, આ રિતુપર્ણ ઘોષે ‘નૌકા ડૂબી’ તો બનાવી જ હતી, એ ઉપરાંત ‘ચિત્રાંગદા’ નામની ફિલ્મ એ જ નામની વાર્તા ઉપરથી બનાવી, જેમાં ટાગોર સાહેબ જાણે આજના મલ્ટિપ્લેક્સના ‘આધુનિક’ ઓડિયન્સ માટે લખી હોય એવી ‘મોડર્ન’ વાર્તા હતી કે એક રાજ્યની ચિત્રાંગદા નામની રાજકુમારી ને બાળપણથી જ ‘રાજકુમાર’ તરીકે ઉછેરવામાં આવી છે, પરંતુ હવે જ્યારે તે ‘અર્જુન’ને મળે છે ત્યારે એને ‘સ્ત્રી’ બનવાનું મન થાય છે!

આ ઉપરાંત દિગ્દર્શક કુમાર સહાની, જે હંમેશાં ‘અઘરી આર્ટ ફિલ્મો’ બનાવવા માટે વિખ્યાત (કે કુખ્યાત) હતા, એમણે રવી બાબુની એક કહાણી ‘ચાર અધ્યાય’ ઉપરથી એ જ નામે હિન્દી ફિલ્મ બનાવી હતી.

એક મિનિટ વાત હજી થોડી બાકી છે… ‘તાશેર દેશ’ એટલે કે પત્તાંનો દેશ નામની કલ્પના કથા કૌશિક મુખર્જીએ 2012માં બનાવી, ‘ચતુરંગા’ (2008) સુમન મુખર્જીએ બનાવી, ‘દરબાન’ (2020) અને ‘ડાક ઘર’ (1965) આ બે શોર્ટ ફિલ્મો પણ રવિન્દ્રનાથ ટાગોરની એક વાર્તા અને એક નાટક ઉપરથી બની છે.!

આમ જોવા જાવ તો કુલ સત્તર ફ્લ્મિો થઈ! બોલો, આ કંઈ નાનો સૂનો આંકડો છે? ખાસ કરીને જયારે રવીન્દ્રનાથ ટાગોરને આપણે બહુ અઘરા અને ‘ઊંચા માંહ્યલા સાહિત્યકાર’ માનતા હોઈએ ત્યારે !

અરે, હા… હજી એક પ્રેતકથા તો રહી જ ગઈ! તમને થશે કે રવીન્દ્રનાથ ટાગોર અને ભૂતકથા? તો સાહેબો, ‘તીન ક્ધયા’માં ‘મોનિહારા’ એક ભૂતકથા જ હતી!

એ સિવાય, હિન્દીમાં આપણા ગુલઝાર સાહેબે એક ફિલ્મ બનાવી હતી, જેનું નામ હતું ‘લેકિન’… જેમાં ડિમ્પલ કાપડિયા, વિનોદ ખન્ના અને અમજદ ખાન હતા. જેનું પેલું ગાયન… ‘યારાં સિલી સિલી રાત કા ચલના…’ આજે પણ યાદ છે ને? બસ, તો? સાથે સાથે રવીબાબુ યાને કે રવીન્દ્રનાથ ટાગોરને પણ યાદ કરવાનું રાખો….

આ પણ વાંચો…ફિલ્મનામાઃ ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’ની આંટીઘૂંટી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button