સ્ટાર-યાર-કલાકારઃ ‘પ્યાસા’ના પાણીદાર લેખક-પાર્ટનર ઓફ ‘ધ ગુરુદત્ત’: અબરાર અલ્વી

સંજય છેલ
‘તુમ કોમ્યુનિસ્ટ હો?’
‘જી નહીં, મૈં કાર્ટૂનિસ્ટ હૂં.’
‘ગર્મી ચાહે મૌસમકી હો યા દૌલત કી સિર્ફ ગધે હી મગન રહતે હૈં ઉસ મેં!’
….
‘બડે ઘરકી ઓરતોં કા કામ હી ક્યા હોતા હૈ? ગહને બનવાઓ ગહને તુડવાઓ ઔર કોડીયોં સે ખેલો.
સો આરામ સે..
આવા અનેક યાદગાર સંવાદ ને કથાપટકથા લખનારા સફળ અને સત્વશીલ લેખક અબરાર અલ્વી વિશે મારી પાસે એક અલગ જ યાદગીરી છે. 1993ની આસપાસ ડર-બાઝીગરની સફળતા બાદ રાતોરાત સ્ટાર બનેલા શાહરુખે માલદાર એન.આર.આઇ. પ્રેમ લાલવાની નામનાં અજાણ્યા જ નિર્માતા નિર્દેશક સાથે ‘ગુડ્ડુ’ ફિલ્મ શરૂ કરેલી, જેમાં સંગીત ક્યારનાયે રિટાયર થઇ ગયેલા એક જમાનાનાં મહાન સંગીતકાર નૌશાદજીનું હતું!
એ ફિલ્મની સ્ક્રિપ્ટ શાહરુખ સાથે સાંભળેલી. ખૂબ જુ નવાણી કથા, અતિ આઉટડેટેડ સંગીત ને તોયે શાહરુખે એ ફિલ્મ કરી! જ્યારે કે બોલિવૂડનાં ટોપનાં નિર્માતા નિર્દેશકો એની પાછળ પડેલા! મેં કારણ પૂછ્યું તો શાહરુખે લુચ્ચું હસીને કહ્યું: ‘યે ફિલ્મ મેરી હોમ પ્રોડક્શન હૈ!’
‘ક્યા? તુમ ઇસે પ્રોડ્યુસ ભી કર રહે હો?’ હું ચોંક્યો.
‘અરે ના ના, ‘હોમ પ્રોડક્શન’ યાનેં મુઝે મુંબઇ મેં બડા ઘર ખરીદને કે લિયે બહોત સારે પૈસે એકસાથ મિલ રહેં હૈં! પૂરે 35 લાખ! અને ત્યારે શાહરુખે ખાર દરિયાકિનારે મોટો ટેરેસ ફ્લેટ ખરીદેલો!
ઓફકોર્સ, અબરારજીએ લખેલી શાહરુખ મનીષા કોઇરાલાવાળી છેલ્લી ફિલ્મ ‘ગુડ્ડુ‘ ફ્લોપ હતી, પણ જ્યારે જ્યારે ગુરુદત્ત વિશે કે એમની ફિલ્મોનો ઉલ્લેખ થાય ત્યારે ગુરુદત્તના આ પ્રિય એવા લેખક અને નજીકના મિત્ર અબરાર અલ્વીનો ઉલ્લેખ ચોક્કસ આવે જ. અયોધ્યામાં જન્મેલા અબરાર અલ્વીએ નાગપુર કોલેજમાં નાટકો લખ્યાં ને રેડિયો નાટકોમાં અભિનેતા ને લેખક તરીકે શરૂઆત કરી.
વકીલાતની ડિગ્રી બાદ, અબરારજી અભિનેતા બનવા મુંબઈ આવ્યા. પ્રખ્યાત નાટક નિર્દેશક, લેખક, કવિ અને અભિનેતા હબીબ તનવીર જે નાગપુર કોલેજમાં એમના સિનિયર હતા એમણે ‘ઈપ્ટા’ નાટય સંસ્થામાં જોડાવાની સલાહ આપી. અબરારજીએ નાટકો કરીને ફિલ્મો માટે ખૂબ સંઘર્ષો કર્યો. રીતસર ફૂટપાથ પર રાત વિતાવતા.
એક દિવસ અબરારજીના મામાનો દીકરો, ઇર્શાદ હુસૈન જે ‘જસવંત’ના નામેથી ફિલ્મોમાં કામ કરતો એ ગુરુદત્તની ‘બાઝ’માં હતો તો અબરારજી ઇર્શાદના ડ્રાઇવર બનીને રોજ ‘બાઝ’ના સેટ પર જતા. ત્યાં એમની મૈત્રી ‘મેરા સાયા’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘દો રાસ્તે’ જેવી ફિલ્મોના પ્રખ્યાત ડાયરેક્ટર રાજ ખોસલા સાથે થઈ. ત્યારે એ ગુરુદત્તના આસિસ્ટંટ હતા.
એક દિવસ વાતવાતમાં અબરારજીએ રાજ ખોસલાને કહ્યું, ‘ફિલ્મના સંવાદો પાત્રોને અનુસાર હોવા જોઈએ’. આ વાત ગુરુદત્તે સાંભળી લીધી. પછી ગુરુદત્તને ખોસલા પાસેથી ખબર પડી કે અબરાર નાટ્ય લેખક છે તો આગામી ફિલ્મ, ‘આર-પાર’ માટે ડાયલોગ લખવા આપ્યા. 1954માં ‘આર પાર’ સુપરહિટ થઈ ને પછી તો ગુરુદત્ત ને અબરાર અલ્વી છેક સુધી મિત્રો બની રહ્યા.
અબરારજી ‘મોર્ડન મેરેજ’ નામનું કોલેજમાં નાટક લખેલું, જે ગુરુદત્તને એટલું બધું ગમ્યું કે એના પરથી એમણે ‘મિસ્ટર એન્ડ મિસિસ 55’ નામની ફિલ્મ બનાવી. જો કે ફિલ્મના ટાઇટલ્સમાં અબરાર અલ્વીનું ફક્ત સંવાદ લેખક તરીકે છે, જોકે કથા પટકથા પણ લખેલી.
તરુણ વયે અબરારજી કોલેજમાં હતા ત્યારે હૈદરાબાદના જમીનદારના દીકરો અબરારજીને એક વેશ્યા પાસે લઈ ગયેલો. એ વેશ્યા ગુજરાતના કોઇ પૂજારીની દીકરી હતી ને એના પ્રેમી સાથે ઘરેથી ભાગી આવેલી એને પ્રેમીએ દગો કરીને વેશ્યાવાડમાં વેચી દીધેલી. અબરારજીને એ વેશ્યાની બોલવાની રીત એમને ખૂબ મજેદાર લાગતી. વર્ષો પછી અબરારજીએ ‘પ્યાસા’માં ગુલાબોનું વહીદા રહેમાને ભજવેલ પાત્ર, એ વેશ્યાને ધ્યાનમાં રાખીને લખેલું.
ભારતીય સિનેમાની ક્લાસિક ‘કાગઝ કે ફૂલ’ (1959 )અબરાર અલ્વીની પટકથા સંવાદ લેખક તરીકે પહેલી ફિલ્મ હતી પણ ત્યારે ફ્લોપ ગયેલી. પછી ગુરુદત્તે પ્રખ્યાત ગાયિકા નૂરજહાંના પતિ ને નિર્માતા-નિર્દેશક શૌકત હુસૈન રિઝવીએ લખેલ ‘પહેલી ઝલક’ પર કામ શરૂ કર્યું. પણ ભાગલા બાદ શૌકત પાકિસ્તાન જતા રહેલા.
અબરારજી પાસે ગુરુદત્તે સ્ક્રિપ્ટ ફરી લખાવી અને અબરારજીએ એ હિટ ફિલ્મનું નામ ‘ચૌદવી કા ચાંદ’ આપ્યુ. એ પછી ગુરુદત્તે વિખ્યાત બંગાળી નવલકથાકાર બિમલ મિત્રાની નવલકથા ‘સાહિબ, બીવી ઔર ગુલામ’ પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, જેના સંવાદો પટકથા અબરાર પાસે લખાવ્યા. ત્યારે અબરારજી બીજી ફિલ્મોમાં એટલા બધા બિઝી કે અગાઉની જેમ શૂટિંગમાં ગુરુદત્ત સાથે હાજર નહોતા રહી શકવાના.
ગુરુદત્તે એમની પાસે 4 કલાકની સ્ક્રિપ્ટ ‘સ્પૂલ’ (ત્યારનું રેકોર્ડિંગ મશીન) પર આખી સ્ક્રિપ્ટ રેકોર્ડ કરાવી, જેથી શૂટિંગમાં કામ આવે. પછી રોમાંસ, ફેમિલી પ્રોબલેમ અને માનસિક તાણને લીધે ગુરુદત્તે અબરારજીને ફિલ્મ ડિરેક્ટ કરવા કહ્યું. અબરારજી જરા ખચકાયા પણ ગુરુદત્તે સમજાવ્યું કે સ્પૂલમાં જે રેકોર્ડિંગ કર્યું છે એ જ ફિલ્મ બનાવો.
1962માં ‘સાહિબ, બીવી ઔર ગુલામ’ સુપરહિટ રહી. ફિલ્મફેર એવોર્ડમાં ફિલ્મને ‘બેસ્ટ ફિલ્મ’નો, અબરાર અલ્વીને ‘બેસ્ટ ડિરેકટર’નો અને મીના કુમારીને ‘બેસ્ટ એક્ટ્રેસ’ના 3-3 એવોર્ડ મળ્યા. આમ નિર્દેશક અબરારજીએ ડિરેક્ટ કરેલી આ પહેલી જ ફિલ્મ માટે રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનના હસ્તે ‘રજત-ચંદ્રક’ પણ મેળવ્યો.
‘સાહિબ બીવી ઔર ગુલામ’ પછી અબરારજી ખૂબ વ્યસ્ત હતા એટલે ગુરુદત્તે તેજાબી ઉર્દૂ લેખિકા ઇસ્મત ચુગતાઈ પાસે સ્ક્રિપ્ટ લખાવી ‘બહારેં ફિર ભી આયેંગી’. ઇસ્મતજીના પતિ શાહિદ લતીફને દિગ્દર્શન સોંપાયું. જોકે, 3 રીલ બન્યા બાદ ફિલ્મ અટકી ગઇ. અમુક વરસો બાદ ગુરુદત્તે ફિલ્મના મૂળ વાર્તાકાર બિનોય ચેટરજીને કોલકાતાથી મુંબઈ બોલાવીને અબરારજી સાથે સ્ક્રિપ્ટમાં ફેરફારો કર્યા.
શાહીદ લતિફને બદલે ગુરુદત્તે જ નવેસરથી શૂટિંગ શરૂ કર્યું પણ હજુ તો 12-13 રીલ બનેલી ગુરુદત્તે એક રાતે અચાનક આત્મહત્યા કરી લીધી. ગુરુદત્તના છેલ્લા સમયના એકમાત્ર સાથી અબરાર અલ્વી આત્મહત્યાનું કારણ, ગુરુદત્તનો પ્રેમભંગ બધું જાણતા પણ ક્યારેય એક શબ્દ કોઇ પણ ખિલાફ ઉચ્ચાર્યો નહીં.
આત્મહત્યા બાદ ગુરુદત્તના નિર્માતા ભાઈ આત્મારામ દત્તને ભારે નુકસાન થાત એટલે અબરારજીએ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું. ગુરુદત્તને બદલે ધર્મેન્દ્ર સાથે ફિલ્મ બનાવી અને એ માટે અબરારજીએ શૈલેન્દ્રની ‘તીસરી કસમ’ જેવી ક્લાસિક ફિલ્મ છોડેલી. એવી ગુરુદત્તના પરિવાર કે કંપની માટેની એમની નિષ્ઠા. ટેકનિકલ કારણોથી ફિલ્મમાં નિર્દેશક તરીકે શાહિદ લતીફનું જ નામ આપવામાં આવેલું પણ પછી અબરાર અલ્વીએ ‘પ્રોફેસર’, ‘સૂરજ’, ‘પ્રિંસ’ જેવી અનેક સફળ ફિલ્મો લખેલી.
આપણી હિંદી ફિલ્મોને નાટકી ઉર્દૂ હિંદી ભાષામાંથી છોડાવીને બોલચાલની બંબૈંયા ભાષા આપવાનો શ્રેય અબરારજીને જાય છે. આજે એમની પુણ્યતિથિ છે, પણ અબરાર અલ્વી (1927-2009) સદાયે અમર રહેશે, ગુરુદત્તની કાવ્યાત્મક ક્લાસિક ફિલ્મ ‘પ્યાસા’ના આ ડાયલોગ માટે:
‘મુઝે શિકાયત હૈ ઉસ તહેઝીબ સે, સંસ્કૃતિ સે, જહાં મુર્દા પૂજા જાતા હૈ ઓર ઝિંદા ઇન્સાન પૈરોં તલે રોંદા જાતા હૈ!.’



