ફિલ્મનામાઃ ‘પીસીસ ઑફ હર’: ટૂકડાં ટૂકડાં જિંદગીની ફાંસ | મુંબઈ સમાચાર
મેટિની

ફિલ્મનામાઃ ‘પીસીસ ઑફ હર’: ટૂકડાં ટૂકડાં જિંદગીની ફાંસ

નરેશ શાહ

ભૂતકાળની નોંધપોથી પરથી જ તમારો વર્તમાન લખાતો હોય છે એવી એક જાણીતી ઉક્તિ છે. વાતેય સાચી છે. ભૂતકાળના પડછાયા ક્યારેય લંબાઈને માણસના આજને પણ અંધકારમય બનાવી દેતા હોય છે.

અમેરિકાના જ્યોર્જિયામાં પતિથી અલગ થઈને જુવાન દીકરી સાથે રહેતી લોરા ઓલિવર સ્પીચ થેરાપિસ્ટ છે. બાવન વરસે ય કાર્યરત છે, પણ પોલીસ ડિપાર્ટમેન્ટની હેલ્પલાઈન (નાઈનનાઈનવન) પર કામ કરતી દીકરી એન્ડીને સતત કહેતી રહે છે કે, દીકરી બીજા કોઈ રાજ્યમાં જઈને પોતાની રીતે ભવિષ્ય કંડારે. આ મુદ્દે માતા-પુત્રીની વચ્ચે ચણભણ થયાં કરે છે. ગભરુ એન્ડીને માતાનો આવો આગ્રહ સમજાતો નથી.

પોલીસ હેલ્પલાઈનના કોલ રિસીવ કરવાની નાઈટ ડયૂટી ખતમ કરીને આવેલી પુત્રી એન્ડીનો આજ બર્થ- ડે હોવાથી માતા લોરા સાથે એ એક ફુડ કોર્ટમાં જમવા જાય છે, જ્યાં એક યુવક એન્ડી તરફ ઘુરક્યા કરતો હોવાનું માતા નોંધે છે પણ…

એ જ વખતે પેલો યુવક ઊભો થઈ એમની તરફ આવીને ખિસ્સામાંથી રિવોલ્વર કાઢીને તાકે છે અને એન્ડી-લોરા સાથે વાત કરવા આવેલી ગર્લફ્રેન્ડ તેમ જ એની માતાને વિંધી નાખે છે. ફુડ કોર્ટમાં બધા ભયભીત થઈને ટેબલ નીચે છૂપાઈ જાય છે, પણ હવે એ યુવક જમીન પર ઝૂકી ગયેલા માતા-પુત્રી લોરા-એન્ડી પર નિશાન તાકે છે, કારણ કે એન્ડી પોલીસનો યુનિફોર્મમાં છે અને…

એક દુર્ઘટના પછી મમ્મી લોરાના હાથે પેલા યુવકની હત્યા થઈ જાય છે અને મીડિયામાં લોરાની બહાદુરીની વાહ વાહ થતાં ઘટનાની વીડિયો પ્રસારિત થવા લાગે છે… પણ ઑપરેશન પછી ઘરે પાછી ફરેલી લોરા ઈચ્છે છે કે, હવે દીકરી એનાથી દૂર ચાલી જાય છે, પરંતુ એન્ડી ઘરે જ મા પાસે રહે છે.

એક રાતે ફરી મા-દીકરી પર એટેક થાય છે. એન્ડી હુમલાવરનો સામનો કરી માતાને બચાવે છે, પણ બચવાના – છૂટવાના પ્રયાસમાં હમલાવર ઘાયલ થઈને એ બેહોશ બની જાય છે.

માતા લોરા બળજબરીથી પુત્રીને શહેર છોડીને ચોક્કસ સ્થળે જઈ હોટેલમાં પહોંચી જવાનું કહે છે. કમને એન્ડી માતાની વાતને અનુસરે છે, પણ માતાએ બતાવેલી જગ્યાએ રાખેલી કારમાંથી એન્ડીને ડૉલર ભરેલી બેગ મળે છે, સાથોસાથ માતાના જુદા જુદા નામના આઈકાર્ડ પણ મળે છે.

એન્ડી હવે ચકરાવે ચઢે છે. મમ્મી લોરાની એકપણ વાત સમજાતી નથી. વિવિધ નામના માતાના આઈકાર્ડ, ડૉલર ભરેલી બેગ, થઈ રહેલા હુમલા, પોતાના માટેનો માતાનો ડર… એન્ડી ભેદભરમના આ ચક્રવ્યૂહને ભેદવાનો નિર્ણય લે છે અને…

આ પણ વાંચો…ફિલ્મનામાઃ એક ફિલ્મની હેરાનગતિએ સુભાષ ઘઈને પ્રોડ્યુસર બનાવ્યા!સુભાષ ઘઈના ‘મુકતા આર્ટસ’ બેનરના જન્મ પાછળની કહાણી

એક જન્મારો ઓછો પડે એવું ક્ધટેન્ટ ધરાવતા ઓટીટી પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ પર સ્ટ્રીમ થયેલી ‘પીસીસ ઑફ હર’ (એની જિંદગીના વિવિધ ટૂકડાં) એક નિતાંત અને દિમાગને સતત બિઝી રાખે તેવી રોમાંચક વેબ સિરીઝ (હિન્દીમાં પણ) છે. અહીં હીરો કોઈ નથી અને જેની દહેશત માતા-પુત્રીને છે એ વિલન પણ સાતમા એપિસોડમાં આપણી સમક્ષ સ્પષ્ટ થાય છે. માતાની સચ્ચાઈ જાણવા પુત્રી એન્ડી અમેરિકાના ત્રણ ત્રણ રાજ્યોમાં રહસ્ય ઉકેલતી સાનફ્રાન્સિકો પહોંચે છે ત્યારે…

આઠેક કલાકની અવધિ ધરાવતી ‘પીસીસ ઑફ હર’ વેબસિરીઝની કહાણી બારામાં વધુ લખીને તમારા રસભંગ નથી કરવો, પરંતુ કેરિન સ્લોટર નામની લેખિકાની બુક પરથી છ-છ રાઈટર-ક્રિએટરે સ્ક્રીપ્ટ વર્ક એવું જબ્બરદસ્ત કર્યું છે કે મળતા દરેક જવાબની સાથે અનેક સવાલ દર્શકોના દિમાગમાં ઊભા થતાં રહે અને એ આગળ જોવા માટે મજબૂર થતો રહે.

આમ પણ, બાવન વર્ષની પાકટ વયે પહોંચેલી એક માતા એની દીકરી માટે શા માટે ચિંતિત રહે છે એ વાત તો પ્રથમ એપિસોડથી જ ઘુંટાવા લાગે છે. માતા લોરાનું પાત્ર ટોની કલોટે (ધ સિકસ્થ સેન્સ, ત્રિપલ એક્સ ફ્રેન્ચાઈઝીની એક ફિલ્મ વગેરે) પૂરી પીઢતા સાથે ભજવ્યું છે. એની લાચારી, ડર અને પુત્રી માટેની કાળજી સતત એના કિરદારમાં તરવરે છે. પુત્રી એન્ડી બનતી બેલા રેથકોટ પણ સરસ છે.

ત્રણ ડઝન જેટલી વેબસિરીઝના બે-ચાર, બે-ચાર એપિસોડ ડિરેક્ટ કરી ચૂકેલી મિન્કી સ્પિરોએ ‘પીસીસ ઑફ હર’ના તમામ એપિસોડ એવી રીતે ડિરેક્ટ કર્યા છે કે એને સોમાંથી સો માર્ક આપવાનું મન થાય…
ટૂંકમાં ‘પીસીસ ઑફ હર’ જોવા જેવી વેબ સિરીઝ છે. ચૂકશો નહીં…

આ પણ વાંચો…ફિલ્મનામાઃ મુંબઈ માફિયા: પોલીસ વર્સિસ ધ અન્ડરવર્લ્ડ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button