સ્ટાર-યાર-કલાકારઃ પાજી-ધરમપાજી: સદાબહાર-દિલદાર દેશની માટીના અદાકાર

સંજય છેલ
ધરમજીને પહેલીવાર સદેહે નહીં, પણ સ-સ્વરે મળ્યો 2001-2માં.
ધરમજીની પુત્રી એશા દેઓલ-જીતુપુત્ર તુષાર કપૂર સાથે હું `ક્યા દિલને કહા’ ફિલ્મ બનાવી રહ્યો હતો, જેનું શૂટિગ હૈદરાબાદમાં મોડી રાત સુધી લંબાતું.
એકવાર ધરમજીએ મને ફોન પર ગંભીર અવાજે કહ્યું :
`પુત્તર, બચ્ચી કો લેટ તક શૂટિગ કરવાતા હૈ? થક નહીં જાયેગી? પેક અપ કરો!’
ત્યારે ધરમજીનો `ખૂન પી જાઉંગા’વાળો ડાયલોગ મનમાં ગુંજ્યો એટલે તરત એશાને હોટેલ પરત મોકલી. આવું સતત 2-3 રાત ચાલ્યું પછી એકવાર એશાએ કહ્યું, `સિર્ફ પહેલે દિન ધરમજીને ફોન કિયા થા, બાકી સારે ફોન ધરમજી કે ભાઈ અજીતસિંઘ દેઓલને કિયે થે. ઉનકી આવાઝ સેમ-ટુ-સેમ હૈ. ધરમજી સબસે ઐસી મઝાક સબસે કરતે હૈ. પ્રોડ્યુસર સે પૈસે નિકલવાને ભી!’
આવા હતા પાજી-ધરમપાજી!
મારી પહેલી સદેહે મુલાકાત, ધરમજીના લોનાવાલાના ફાર્મ હાઉસમાં 2004માં થઈ. ત્યારે સની સ્ટારર હું `જો બોલે સો નિહાલ’ લખતો હતો. હું બગીચામાં સનીની રાહ જોતો હતો ત્યાં માથે ફાળિયું પહેરેલ, ગંજીધારી, ખભે ગમછાવાળો તડકામાં કાળો પડેલ મજૂર જેવો માણસ આવ્યો.
મેં એને પૂછ્યું, `સની કહાં હૈ?’
એણે મને ભડકીને કહ્યું:
`સની કો છડ્ડ….મેં ધરમ તૈનું નહીં દિખતા?!’
આખા શરીર પર માટી, કાદવ-આવા કપડામાં ધરમજીને કેમ કલ્પી શકાય? એ અરસામાં ધરમજી ફાર્મહાઉસમાં ખેતી કરતાં. પછી થોડીવારે બહાર ઢોલ-શરણાઈના અવાજ આવ્યા, જાણે ઘરમાં કોઈ શુભપ્રસંગ હોય. બહાર જોયું તો નાનકડું નવું ટ્રેક્ટર ખરીદવામાં આવેલું. ટ્રેકટરની આસપાસ ધરમજી ખુદ અને એમના સગાંવહાલાં ભર બપોરે ભાંગડા કરતા હતા…!
55 વરસ સુધી 230 ફિલ્મ કરનારો આટલો મોટો સ્ટાર આટલો ભોળો, સરળ ને માટીથી જોડાયેલો હતો. આવું મેં પહેલી ને છેલ્લીવાર જ જોયું છે. કોઈ આડંબર, સ્ટારડમ-કોઈ નખરાં નહીં. એક પંજાબી કિસાન, જે છેલ્લે માટીમાં મળી ગયો ત્યાં સુધી માટીનો જ માણસ બનીને રહ્યો.
આમેય ધરમજી ઘણી બધી રીતે ખરેખર અલગ માટીના માણસ હતા. ધરમજી શરૂઆતના સંઘર્ષના દિવસોમાં બાંદ્રાના `મરિના ગેસ્ટ હાઉસ’માં રહેતા. ત્યાંની મનમૌજી માલકણ ક્યારેક કલાકારોને કાઢી મૂકતી ને પછી પાછા બોલાવીને રાતે જમાડતી. ધરમજી-મનોજ કુમાર જેવાં બેકાર કલાકારોનું એ માવતર. એ સ્ત્રી જીવી ત્યાં સુધી ધરમજી એને પૈસા મોકલતા-એને સાચવતા.
ધરમજીના સ્ટારડમ-અફેર્સ-સફળતા પર ઘણાં લખી ચૂક્યા છે-લખે છે પણ મને રસ છે ધરમજી નામના નખશીખ માણસમાં. ખામી ને ખૂબીવાળા ખૂબસૂરત ઈન્સાનમાં, જેમને 1958માં `ટાઇમ’ મેગેઝિને `સૌથી હેન્ડસમ ચહેરા’ તરીકે બિરદાવેલો. ધરમજી એવા દિલદાર કે સ્ટાર બન્યા બાદ પોતાના બંગલામાં મસમોટો સંયુક્ત પરિવાર બોલાવી લીધેલો. એમના ગામથી શું, પંજાબથી યે કોઈ નોકરી-ધંધા કે એક્ટર બનવા આવે તો ધરમજીને ત્યાં જ ધામા!
જુહૂમાં યશ ચોપરાની બાજુમાં જ ધરમજીનો બંગલો. યશજી સાથે એમના સંબંધો થોડા ખાટા-મીઠાં, પણ યશજીની ફેમિલીમાં કોઈ લગ્નપ્રસંગ હતો ત્યારે યશજીને મદદ કરવા ધરમજીએ બે બંગલા વચ્ચેની આખી દીવાલ જ તોડવીને કહ્યું,
`યે લો સાડ્ડા ઘર.. ત્વાડા ઘર!’
ધરમજી ભલે એક્શન હીરો હતા, પણ દિલના કોમળ કવિ હૃદય. હૃષિકેશ મુખર્જી સાથે `સત્યકામ’ જેવી, મારામારી-મસાલા વિનાની ફિલ્મ નિર્માણ કરેલી ને નુકસાન વેઠેલું. કહેવાય છે કે `સત્યકામ’ની પબ્લિસિટી એટલી બધી કરેલી કે ગ્રાંટરોડ અને ચર્નીરોડ બે સ્ટેશનની વચ્ચે બેઉ બાજુ `સત્યકામ’નાં જ પોસ્ટર્સ …
એ દિવસોમાં ફિલ્મલાઇનમાં મજાક થતી:
`મુંબઈ મેં નયા સ્ટેશન આયા હૈ. ગ્રાંટરોડ કે બાદ `સત્યકામ’ ઔર ઉસકે બાદ ચર્નીરોડ!’
`સત્યકામ’ પછી પણ `દિલ્લગી’ (1978) જેવી રોમેંટિક કોમેડી (બંગાળી નોવેલ `કાલિદાસ ઓ કેમેસ્ટ્રી) પરથી બનાવેલી ને 1981માં `સની’ જેવી ગંભીર ફિલ્મ બનાવેલી. દિલદાર ધરમજી ગરીબ પ્રોડયુસરોનાં પૈસા છોડી દેતા. દેવેન વર્મા જેવા મિત્ર-નિર્માતાના શૂટિગમાં રાત રાત જાગીને કામ કરતાં, જ્યારે કે એ એમનો મહેફિલનો સમય હોય! એકવાર ગોવામાં શૂટિગના છેલ્લા દિવસે સૂર્યોદયનું શૂટિગ હતું.
ધરમજીનાં કપડાં ભૂલાઈ ગયેલા. આસિસ્ટંટ ડિરેક્ટરે ધરમજીને વિનંતી કરી કે કાલે ફરી આવવું પડશે ને બજેટ છે નહીં. ધરમજી તરત રસ્તા પર દોડ્યા, કોઇ ટ્રક ડ્રાઇવરને રોકયો. પંજાબીમાં એને પટાવીને એનો મેલો કૂર્તો પહેરીને શૂટિગ કરવા આવ્યા, જેથી સવારની `સન-લાઇટ’ જાય નહીં.
`ટ્રક ડ્રાઇવર’થી યાદ આવ્યું કે એ જ ધરમજી બગડે તો કોઈના નહીં. `શોલે’ ને `રામ-બલરામ’ પછી ક્યારેય અમિતાભ સાથે કામ ન કરવાની કસમ ખાધેલી. એકવાર હૈદરાબાદમાં અમિતજીની ફિલ્મ `આખરી રસ્તા’નું શૂટિગ ચાલતું, એમાં ટ્રક ડ્રાઇવરનો મહેમાન કલાકાર જેવો એક સીન હતો. અમિતજીના નિર્માતાએ હૈદ્રાબાદમાં જ શૂટિગ કરી રહેલા ધરમજીને વિનંતી કરી. 2-4 પેગ પીને રાજાપાઠમાં આવેલા ધરમજી તરત માની ગયા ને સીન શૂટ કર્યો. ફિલ્મ પૂરી થઇ ત્યારે નિર્માતા `ડબિંગ’ માટે ધરમજી પાસે ગયા. ધરમજીએ નિર્માતાને ઓળખવાથી જ ઇનકાર કર્યો ને કહ્યું, `વો તો લંબુકી ફિલ્મ હૈ. મૈં ક્યું ઉસકી ડબિંગ કરૂ?’ નિર્માતાએ બહુ સમજાવ્યું પણ ધરમજીને એ શૂટિગ યાદ જ નહીં. ખુદ અમિતાભે વિનંતી કરી પણ એય વ્યર્થ!
વાત ફિલ્મનિર્માતા સંઘ પાસે ગઈ. સૌએ ધરમજીને વીડિયો પર એ સીન દેખાડ્યો, તોયે ધરમજી કહે: `સાલે કમાલ કે ફ્રોડ લોગ હૈ! જિસકી શૂટિગ હી નહીં કી ઉસમેં મુઝે `ટ્રિક ફોટોગ્રાફી’ સે ડાલ દિયા, મૈં કોર્ટ જાઉંગા…’ આખરે કોઈ મિમિક્રી કલાકાર પાસે એ સીનનું ડબિંગ કરીને ફિલ્મ રીલિઝ કરવી પડી, પણ ધરમપાજી ના જ માન્યા!
આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકારઃ ‘તીખી આવાઝ, તીરછી ભ્રમર’ના આ હિંદી કલાકારનું શું છે ગુજરાતી કનેક્શન?!
ધરમજીની રાજેશ ખન્ના સાથે ઓન ને ઓફ, દોસ્તી-દુશ્મની ચાલે. કાકાજીને એ `ટકલો’ કહેતા ને ખન્ના એમને પહેલવાન. ધરમજી હૃષીદાને રીસાઇને કહેતા કે `હાં, હાં, ખન્ના તો બડા `કલાકાર’ હૈ ના? હમ તો ફાઇટર ઠહેરે!’ (`ગુડડી’ ફિલ્મમાં ધરમજીએ ખન્ના પર ટોણો પણ મારેલો) કારણ એટલું જ કે હૃષીદાએ `આનંદ’ ફિલ્મનો રોલ પહેલાં ધરમજીને સંભળાવેલો પછી રાજેશ ખન્ના સાથે ફિલ્મ એનાઉન્સ કરી. એ રાત્રે ધરમજીએ નશામાં આખી રાત હૃષીદાને `આનંદ’ માટે ધમકાવેલા ને સવારે માફી માગેલી.
ધરમજી નવા નવા હતા ત્યારે એક્ટિંગમાં કાચા ઠરે તો બિમલ રોય જેવાં નિર્દેશક સામે બાળકની જેમ રડી પડતા ને `મૈં ગાંવ ચલા જાઉંગા’ની ધમકી આપતા. કહેવાય છે પંજાબના પોતાના ગામમાં ધરમજી એકવાર શૂટિગમાં તળાવની પાળ પર બેઠેલા. પછી આખું ગામ એ `પાળ’ને જોવા રોજ સાંજે ભેગું થાય કે `અહીં આપણો ધરમ બેઠેલો, બોલો!’ કદાચ એ ગામ જ ધરમજી જેવું લાગણીશીલ કે ભોળું હશે?
`દોસ્તી’ ફિલ્મ રિલીઝ પહેલાં ના ગમી તો નિર્દેશક દુલાલા ગુહાને ગાળો આપી ધમકાવેલા. પછી એ જ ફિલ્મ હિટ થઇ તો સવારસવારમાં દુલાલ ગુહાના ઘરે જઇને પગે પડીને માફી માગેલા એવા સરળ, ધરમજી!
બીજી તરફ, 1970-80 ની ગોસિપ પત્રકાર દેવયાની ચૌબલે ધરમજી-હેમાજી વિશે કશુંક એલફેલ લખેલું પછી ધરમજી જ્યારે દેવયાનીને જુએ ત્યારે સ્કૂલના બાળકની જેમ મારવા દોડતા!
ધરમજી એટલે બોલિવૂડમાં પહેલીવાર શર્ટ ઉતારનાર હીમેન… `ચુપકે-ચુપકે’ કે `પ્રતિજ્ઞા’ જેવી ફિલ્મોમાં બેનમૂન કોમેડી કરનાર દિલદાર સદાબહાર સ્ટાર ને દેશની માટીનો કલાકાર.
…અને હા, ધરમજી કહેતા: `મેરે જાને કે બાદ જુહૂ કે કૂત્તે મુઝે ઝરૂર યાદ કરેંગે કિ `કૂત્તે-કમીને તેરા ખૂન પી જાઉંગા’ અબ કોઇ નહી કહેગા…’
સાચે જ…!
આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકારઃ ‘પ્યાસા’ના પાણીદાર લેખક-પાર્ટનર ઓફ ‘ધ ગુરુદત્ત’: અબરાર અલ્વી



