મેટિની

શો-શરાબાઃ એક્શન નહીં, ઓક્શનની દીવાનિયત!જાણો, સ્ટાર્સની અજીબ વસ્તુઓની ખરીદીના અતરંગી કિસ્સા

  • દિવ્યકાંત પંડ્યા

સેલિબ્રિટીની દુનિયામાં હંમેશાં થોડી ક્રેઝી સાઈડ રહી છે, પણ આજના ઇન્ટરનેટના સમયમાં આ ક્રેઝ તો આખું એક માર્કેટ બની ગયો છે. પહેલાં ફિલ્મ મેમોરેબિલિયામાં પોસ્ટર, કોસ્ચ્યુમ, સીડીઓ એવું બધું આવતુ હતું. હવે તો લોકો એવી એવી વસ્તુઓ ખરીદે છે કે સાંભળો તો પણ હસવું આવે: વાપરેલું ટીસ્યુ, ચવાયેલું ચ્યૂઇંગ ગમ, અર્ધું ખાધેલી ટોસ્ટ, ફેંકી દીધેલી પ્રોપ. ફેન્સને લાગે છે કે આ વસ્તુઓમાં સ્ટારની કોઈ એનર્જી હોય છે. હોલિવૂડ હોય કે ભારતીય સિનેમા, આ પાગલપંતી બંને તરફ સરખી જોવા મળે છે.

આમાં સૌથી ચર્ચામાં રહેલું ઉદાહરણ છે રોબર્ટ ડાઉની જુનિયર (RDJ)) નું ચવાયેલું ગમ. કોઈએ ઑનલાઇન લિસ્ટિંગ નાખ્યું કે આ ગમ RDJએ ચાવ્યું હતું અને તેને જોન ફેવરોના વોક ઑફ ફેમ સ્ટાર પર ચોંટાડ્યું હતું. હકીકતમાં આ ગમ સાચું હતું કે નકલી એ બીજી વાત છે. મહત્ત્વની વાત એ છે કે ફેન્સ કેટલી ઝડપથી એ જ વસ્તુ માટે દીવાના થઈ જાય છે. લિસ્ટિંગમાં તો આટલું પણ લખ્યું હતું કે ખરીદદાર ઇચ્છે તો ગમમાંથી RDJનું DNA ચેક કરી લે. આ તો સેલિબ્રિટી કલ્ચરનો ખાલીપો પણ બતાવે છે અને એની મજેદાર સાઈડ પણ.

આ પછી આવે છે સ્કાર્લેટ જોહાન્સન. એક ટોક શોમાં તેને જરા છીંક આવી એટલે ટીસ્યુ લઈ નાક સાફ કર્યું અને હોસ્ટે મજાકમાં એ ટીસ્યુને પ્લાસ્ટિક બેગમાં મૂકી દીધું. મજા મજામાં કરેલો આ જોક થોડા કલાકોમાં સાચા eBay ઓક્શનમાં ફેરવાઈ ગયો. એ ટીસ્યુ હજારો ડૉલરમાં વેચાઈ ગયું અને એ પૈસા ચેરિટી માટે ગયા. આખી દુનિયાના મીડિયાએ આ ઘટનાને લઈને મજા લીધી.

જસ્ટિન ટિમ્બરલેકને લઈને પણ મજાનો કિસ્સો છે. એક ટીવી શોના નાસ્તામાં તેણે અર્ધું ખાધેલું ફ્રેન્ચ ટોસ્ટ પાછું ટેબલ પર મૂકી દીધું અને એક ટીનએજરે એ ટોસ્ટ ખરીદી લીધું. એ પણ હજાર ડૉલરથી વધુમાં! તે છોકરીએ કહ્યું હતું કે એ ટોસ્ટ વર્ષો સુધી ફ્રીઝરમાં રાખશે જે રીતે કોઈ મૂલ્યવાન ખજાનો રાખે. માત્ર ટોસ્ટના ટુકડાને સેલિબ્રિટી મેમોરેબિલિયા માની લેવાની મનોદશા કેટલી અનોખી છે તે આ એક ઉદાહરણથી જ સમજાઈ જાય.

2000ના દાયકામાં પોપ સિંગર એકટ્રેસ બ્રિટની સ્પિયર્સની ફેમ ટોચ પર હતી ત્યારે eBay પર અનેક લિસ્ટિંગ આવતી હતી: બ્રિટનીનું વાપરેલું ગમ, કોન્સર્ટમાં ફેંકેલું ગમ, બેકસ્ટેજ ગમ ઘણી વસ્તુઓ સાચી હતી કે નહીં તે કહેવું મુશ્કેલ, પણ ફેન્સ તો બિડ કરતા જ જતા હતા.

ક્યારેક સ્ટાર્સ પોતે પણ આવી હરકતો કરતા હોય છે. સિડની સ્વીની તો ફેન્સની ક્રેઝને એકદમ નવા લેવલ પર લઈ ગઈ. તેણે પોતે નહાયા પછી બાથરૂમના પાણીના થોડા ટીપા મિક્સ કરીને લિમિટેડ એડિશન સાબુ લોન્ચ કર્યો, જે ઓનલાઇન મુકાતાં જ મિનિટોમાં વેચાઈ ગયો અને વેબસાઇટ પણ થોડી વાર માટે ક્રેશ થઈ ગઈ. સ્વીની પોતે મજામાં કહેતી હતી કે ફેન્સ વારંવાર પૂછતાં બાથવોટર ક્યાં મળે એટલે જ તેણે આ આઈડિયાને પ્રોડક્ટમાં ફેરવ્યો. એમાં પણ શરૂઆતની કિંમત માત્ર આઠ ડૉલર હતી, પણ રિસેલ માર્કેટમાં એ જ સાબુ eBay પર સોથી લઈને હજારો ડૉલર સુધીમાં વેચાવા લાગ્યો…!

આખી ઘટના ફરી એક વખત સાબિત કરે છે કે આજના સેલિબ્રિટી કલ્ચરમાં ફેન્સને સ્ટારના કામ ઉપરાંત, સ્ટારની પર્સનલ અને અજીબ વસ્તુઓને પણ કલેક્શન તરીકે મેળવવાની અનોખી મજા લેવી છે. બોલિવૂડના પણ રોમાંચક કિસ્સાઓ છે. સલમાન ખાનના ‘જીને કે હૈ ચાર દિન’ ગીતવાળા ફેમસ ટાવલ માટે જ્યારે ચેરિટી ઓક્શન થયું ત્યારે લોકોએ મજબૂત બિડ કરી હતી. કેમ કે એ માત્ર ટાવલ નહોતો, એ સલમાનની સ્ટાઇલ હતી અને એક પ્રખ્યાત ગીતની ઓળખ હતી.

કુમાર સાનુ સાથે પણ એક વાર ખૂબ જ મજાની ઘટના થઈ. એક સ્ટેજ ઇવેન્ટમાં તેમણે પહેરેલો શોલ એક ફેનને એટલો ગમ્યો કે તેણે મોટી રકમ ઑફર કરી નાખી. આજ રીતે શાહરૂખ ખાનના ફેન્સનું ડેડિકેશન તો દુનિયામાં અનોખું છે. એક પ્રસિદ્ધ ઘટના એવી છે કે તેના જૂના વ્હીકલ સાથે જોડાયેલી એક નંબર પ્લેટને લઈને ઑનલાઇન મોટી બિડિંગ થઈ. આ પ્લેટ ખરેખર શાહરુખની હતી કે નહીં એ પરવા કર્યા વિના લોકો એ ખરીદવા માટે તૂટી પડ્યા હતા.

આ બધી ઘટનાઓ બતાવે છે કે સ્ટાર્સનો પ્રભાવ કેટલો ઊંડો હોય છે. ફેન્સ સ્ટારને માત્ર કલાકાર તરીકે નથી જોઈ શકતા. ફેન્સ સ્ટાર્સને પોતાની જિંદગીનો ભાગ માને છે. એ માટે જ વાપરેલું ટીસ્યુ હોય, છોડી ગયેલો ટોસ્ટ હોય, ગમ હોય, પ્રોપ હોય, આ બધું ફેન્સ માટે સ્ટારની નાની ઝાંખી બની જાય છે. સાથે સાથે, આવી વસ્તુઓ અત્યંત રેર હોય છે. પોસ્ટર તો ઘણાં મળે, પણ ચવાયેલું ગમ? એક જ!

-અને જ્યાં સુધી સ્ટારડમ રહેશે, ત્યાં સુધી આ અજબ-ગજબ ઓક્શનનો ખેલ ક્યારેય બંધ નહીં થાય. લોકો હંમેશાં સ્ટારની જિંદગીમાંથી એક નાનો ટુકડો પોતાના ઘરે રાખવા ઉતાવળા થશે પછી ભલે ને એ નહાયેલું ગંદું પાણી પણ કેમ ન હોય!

લાસ્ટ શોટ

‘ટાઇટેનિક’ ફિલ્મના સેટ પર વપરાયેલો પેલો જાણીતો લાકડાના દરવાજાનો ટુકડો હજારો ડૉલરમાં વેચાયો હતો.

આપણ વાંચો:  ફિલ્મનામાઃ રાજકારણમાં બધું ચાલે, પણ સિનેમામાં રાજકારણીઓ નથી ચાલતાં!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button