સ્ટાર-યાર-કલાકારઃ મુગલ-એ-આઝમ: શાનદાર દંતકથાના 3 ગુજરાતી કનેક્શન…

સંજય છેલ
મારા માટે જીવનનો દિવસ સૌથી યાદગાર દિવસ હતો જ્યારે ‘મુગલ-એ-આઝમ’નાં 54મા વરસે નવેમ્બર – 2004માં એનું રંગીન વર્ઝન મુંબઇનાં ‘ઇરોઝ’ સિનેમામાં રિલીઝ થયું ત્યારે પ્રીમિયરમાં દિલીપકુમારજીની હાજરીમાં હું માતાપિતા સાથે સપરિવાર ગયેલો ને મેં અને મારા 7-8 વરસના દીકરાએ સ્ક્રીન પર સિક્કાઓ ફેંકેલા…
એ વખતે ઇન્ટરવલમાં દિલીપકુમારે અદ્ભુત સ્પીચમાં કહેલું: ‘યે લાજવાબ તસ્વીર (ફિલ્મ) બતાતી હૈ કિ કિતના મહાન મુલ્ક હૈ યે હિંદુસ્તાન! ક્યા રિવાયત, પરંપરા, સંસ્કાર થે ક્યા શહેનશાહ થે ઔર આજ?’
એ વખતે બાજુમાં અમરસિંહ નામના ચલતાપૂર્જા નેતા ઊભા હતા. એમનું મોઢું પડી ગયું. પછી તો દરેક વાક્યે દિલીપસા’બ ભારત અને ફિલ્મની તારીફ કરે ને માત્ર ‘આજ?’ કહીને અમરસિંહ સામે જુએ ને લોકો તાળી પર તાળી પાડે…! આખરે અમરસિંહ સ્ટેજ પરથી વિલા મોઢે ઊતરી ગયા ને પછી પછી તો દર્શકો શ્રોતાઓએ બમણી તાળીઓ પાડી.!
એ રંગીન ‘મુગલ-એ-આઝમ’ ને ફરી લખલૂંટ ખર્ચે રજૂ કરનાર હતા આપણાં ગુજરાતી કલાપ્રેમી હીરાના વેપારી, નિર્માતા વિતરક (‘તેઝાબ’ ફિલ્મ ફેમ) સ્વ.દીનેશ ગાંધી, જેઓ થોડાં વરસો પહેલાં ગગનચુંબી ઇમારતમાં લાગેલ આગમાં અવસાન પામ્યા.
તમને ખબર છે એ ફિલ્મમાં ‘મોહે પનઘટ પે..’ ગીત આપણાં ગુજરાતી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે જૂની રંગભૂમિનાં નાટક માટે લખેલું ને એમનું નામ પણ ફિલ્મમાં નહોતું અપાયેલું. પછી વરસો સુધી એમના પરિવારે એ વિશે વિરોધ કર્યો ને આખરે કલર કોપીમાં એમનું નામ ઉમેરાયું! ગુજરાતીઓ માટે દુ:ખની અને હરખની બેઉ વાત છે.
જ્યારે 1960માં ડિરેક્ટર કે.આસિફે મરાઠામંદિર થિએટરમાં ‘મુગલ-એ-આઝમ’નું ભવ્ય પ્રીમિયર યોજ્યું ત્યારે ફિલ્મની રીલ્સને હાથીની અંબાડી પર, ઢોલ-નગારાને શરણાઈ સાથે શાહી સવારી જેમ લાવવામાં આવેલી. ફિલ્મનું ટિકિટનું બુકિંગ શરૂ થયું, એના ત્રણ જ દિવસ પહેલાં મુંબઇમાં ભારે વરસાદ, છતાં ટિકિટબારી પર લોકોની લાઈન લાગી હતી ને પહેલી ટિકિટ સંપતલાલ લોઢા નામના સિનેમા રસિકે ખરીદેલી.
આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર : નીરજ વોરા: મારો ઓલરાઉન્ડર કલાકાર દોસ્ત…
‘મુગલ-એ-આઝમ’નાં પ્રીમિયરમાં દિલીપકુમાર કે મધુબાલા બેઉ હાજર નહોતાં. દિલીપકુમાર નિર્માતા નિર્દેશક કે. આસિફ સાથે નારાજ હતા, કારણ કે આસિફે દિલીપકુમારની બહેન સાથે ચોરીછૂપી શાદી કરેલી. જ્યારે મધુબાલા દિલીપકુમારનાં અબોલા હતા માટે એ હૃદયની બીમારીનાં બહાને હાજર નહોતી. મરાઠા મંદિરમાં સતત 77 અઠવાડિયા સુધી ‘મુગલ-એ-આઝમ’ના તમામ શો હાઉસફુલ રહેલા!.
સંગીતકાર નૌશાદ એ દિવસોમાં ‘ઉડન ખટોલા’નું સંગીત બનાવી રહ્યા હતા. આસિફે કહ્યું, ‘તું હંમેશાં કહેતો હતો કે મોટું કામ કરીને બતાવ! તો, હું ફરી ‘મુગલ-એ-આઝમ’ બનાવું છું, એનું સંગીત તારે આપવું પડશે.’ નૌશાદે કહ્યું,: ‘સોરી, હમણાં ખૂબ વ્યસ્ત છું ને તબિયત પણ સારી નથી રહેતી…’ આસિફે એ જમાનામાં એક લાખ રૂ. નૌશાદના હાર્મોનિયમ પર મૂક્યા. નૌશાદને લાગ્યું કે આસિફ એમનું ને કલાનું અપમાન કરે છે માટે ગુસ્સામાં નૌશાદે પૈસા ફેંકી દીધા. આ જોઇ આસિફ ફક્ત મલકાતા રહ્યા.
એવામાં નૌશાદના ચા લાવનાર નોકરે રૂમમાં નોટો ફંગોળાયેલી જોઈ. એણે નૌશાદની પત્નીને દોડીને આ વાત જણાવી. નૌશાદની પત્નીએ કે.આસિફને પૂછયું: ‘આ બધું શું છે?’ ત્યારે આસિફે ચા પીતાંપીતાં કહ્યું : ‘તમારા મિયાંને પૂછો.’ ને પછી નૌશાદને કહ્યું: ‘નૌશાદસાબ, ઝિદ ના કરો… પૈસા રાખો… સંગીત તમારે જ આપવાનું છે!’ છેવટે નૌશાદ પીગળી ગયા ને કહ્યું: ‘પૈસા પાછા લો. હું સંગીત આપીશ ને પછી જ મારી ફી લઈશ!’
બીજી તરફ, નવાઈ પમાડે એવી વાત એ હતી કે ફિલ્મ માટે સેંકડો હાથીઘોડા, ભવ્ય સેટ્સ, સાચા હીરામોતી ને સોનાનાં દાગીના બનાવનાર કે.આસિફ પોતે ભાડાની ટેક્સીમાં ફરતા ને ઉધારીમાં સિગરેટ લેતા એવા મુફલિસ હતા, પણ એ નિર્માતા નિર્દેશકમાં એક કલાકાર જીવ હતો.15-15 વરસ ઝઝૂમીને યાદગાર ફિલ્મ બનાવીને જ એ જંપ્યા .
નૌશાદને ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો’ ગીત માટે કે. આસિફે કહ્યું કે એ ગીતનાં નૃત્યમાં વાજિદઅલી શાહના દરબારની ઠુમરીદાદરાની યાદ આવવી જોઇએ….કથકમાં ચહેરા ને હાથના હાવભાવ હોય, પરંતુ મધુબાલાને કથક નથી આવડતું, પણ એ પછી વિખ્યાત કથકગુરુ લચ્છૂ મહારાજે મધુબાલાને દિવસો પ્રેક્ટિસ કરાવી ને કોઇ ડુપ્લિકેટ વિના ગીત મધુબાલા પર જ શૂટ કરેલું.
કે. આસિફ ફિલ્મને વાસ્તવિક બનાવવા માટે પાગલ હતા. અકબર તરીકે પૃથ્વીરાજ કપૂર જ્યારે સલીમ ચિશ્તીની મઝાર પર જાય ત્યારે એમણે ગરમ રેતીમાં ભર તડકામાં જ સીન શૂટ કરેલો!
એ જ રીતે દેવામાં ડૂબેલા કે.આસિફે અકબર પૃથ્વીરાજ કપૂર માટે એ સમયે 4000 રૂ.ના ખાસ જૂતા બનાવ્યા ત્યારે કેમેરામેન આર.ડી. માથુરે કહ્યું : ‘આટલા મોંઘા જૂતાનો શું ફાયદો? શોટમાં બરોબર દેખાશેય પણ નહીં.’ ત્યારે ધૂની ને જિદ્દી આસિફે કહ્યું : ‘અકબર શાહી જૂતા પહેરશે તો જ એમની ચાલમાં મુગલ શહેનશાહની શાન આપોઆપ આવશે! !
એજ રીતે શહેજાદા સલીમ માટે સાચા વજનદાર લોખંડનું બખ્તર બનાવેલું, જે દિલીપકુમારને પહેરીને ચાલતા દિવસો લાગેલા.
‘મુગલ-એ-આઝમ’માં શીશમહેલનો સેટ બધાને યાદ હશે. શીશમહેલના સેટને બનતા બે વર્ષ લાગેલા ને છેક બેલ્જિયમથી રંગીન કાચ મંગાવેલા. કેમેરામેન માથુરે સેટ જોઇ માથું પકડી લીધેલું કે ચારેબાજુ આયનાના ટુકડા હોય તો કેમેરા અને લાઇટો કેમ છૂપાવવી? અઠવાડિયા સુધી શીશમહેલની લાઇટિંગ ચાલેલી!
આવી ભવ્ય ફિલ્મ વરસો સુધી બનતી રહી ને એમાં ફાઇનાન્સ કરનારા ગુજરાતી પારસી દિલદાર શાપૂરજી પાલનજી હતા. 54મે વરસે રંગીન ‘મુગલ-એ-આઝમ’ના પ્રીમિયરમાં દિલીપકુમારે શાપૂરજીના પૌત્રને જોઇને કહેલું: ‘હમેં ફક્ર હૈ કિ હમ ઉસ નૌજવાન કે પાસ ખડે હૈં, જો ઇસ શાહકારકો બનાને કે લિયે બેહિસાબ દૌલત લૂંટાનેવાલે શાપૂરજી ભાઇકા લહુ ઉનકે ઇસ યંગમેન કી રગોમેં બહ રહા હૈ!’
આપણને પણ ગુજરાતી તરીકે શાપૂરજીનું ગૌરવ હોવું જ જોઇએ… ‘મુગલ-એ આઝમ’ વિશે તો એટલી વાતો છે , જેનો કોઈ અંત જ નથી. ભારતીય સિનેમાના ઇતિહાસની મહાન શાનદાર કલાકૃતિ ‘મુગલ-એ-આઝમ’ને આજે 65 વર્ષ થયા એ અવસરે એની સાથે સંકળાયેલા દરેકને પ્રણામ અને સલામ…!
આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર : જાજરમાન જાનદાર જનકવિ પ્રિય આનંદ બક્ષી…