મેટિની

શું ફિલ્મ સેલિબ્રિટીઝનું સોશિયલ મીડિયા પર હોવું જરૂરી છે?

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

બ્રાડ પીટ, એલિઝાબેથ ઓલ્સન, સ્કારલેટ જોહાન્સન, ક્રિસ પાઈન , એડી મર્ફી

અતિજાણીતી ફિલ્મ ફ્રેન્ચાઈઝ ‘જુરાસિક પાર્ક’ની વધુ એક સિક્વલ આવી રહી છે દર્શકોને મનોરંજન આપવા માટે. એ ફ્રેન્ચાઇઝની લોકપ્રિયતાનો લાભ લેવા માટે તેને રિબૂટ કર્યા કરીને નવા-નવા ભાગ આવતા જ રહે છે. આ વર્ષના જુલાઈ મહિનામાં આ ફ્રેન્ચાઈઝની લેટેસ્ટ ફિલ્મ ‘જુરાસિક વર્લ્ડ રિ-બર્થ’ રિલીઝ થઈ રહી છે.

હમણાં જ ફિલ્મના પ્રમોશનને લઈને એક રસપ્રદ સમાચાર એ આવ્યા કે ફિલ્મની અભિનેત્રી સ્કારલેટ જોહાન્સને ‘ઇન્સ્ટાગ્રામ’ પર પોતાનું એકાઉન્ટ બનાવવું પડશે. હા, વાત એમ છે કે સ્કારલેટ જોહાન્સન સોશિયલ મીડિયા પર છે જ નહીં, પણ આજના ડિજિટલ યુગમાં કે જ્યારે ફિલ્મ્સનું પ્રમોશન અવનવી તરકીબોથી દરેક પ્લૅટફૉર્મ્સ પર થતું હોય છે ત્યારે ફિલ્મની મુખ્ય અભિનેત્રી થકી જ જો ‘ઇન્સ્ટાગ્રામ’ પર ફિલ્મને લાભ ન મળે તો એ કેમ ચાલે!

આ પણ વાંચો: રશ્મિકા મંદાના: પેન ઈન્ડિયા સ્ટાર

હમણાં એક ઇન્ટરવ્યૂમાં સ્કારલેટે કહ્યું કે ‘મને આજે જ યુનિવર્સલ સ્ટુડિયો તરફથી કહેવામાં આવ્યું કે તમે ફિલ્મની રિલીઝ પહેલાં ‘ઇન્સ્ટાગ્રામ’ જોઈન કરશો? હું એના પર નથી, પણ મને વારંવાર એ જોઈન કરવા માટે કહેવામાં આવે છે, પણ મને એ સવાલ છે કે એવો કોઈ રસ્તો છે કે હું ‘ઇન્સ્ટાગ્રામ’ જોઈન કરું અને એ પછી પણ મારું ખરું વ્યક્તિત્વ જાળવી શકું? મને નથી લાગતું એ શક્ય છે.’ સ્કારલેટની જેમ જ અનેક સેલિબ્રિટીસ એવી છે કે જે સોશિયલ મીડિયા સાથે આવા કે અન્ય વિચારના કારણે જોડાયેલી નથી.

વાત હોલિવૂડની થઈ રહી છે એટલે આવાં વધુ ઉદાહરણો જોઈએ. હોલિવૂડ સ્ટાર બ્રાડ પીટ પણ કોઈ જ સોશિયલ મીડિયા પર નથી. જોકે પોતે સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતો છતાં તેનો ફાયદો ગણાવતા બ્રાડનું કહેવું છે કે ‘પોતાના વિશે ફેલાતી ખોટી માહિતીઓનો જો તરત જ વિરોધ કરવો હોય તો તેના માટે સોશિયલ મીડિયા બહુ જ યોગ્ય વસ્તુ છે. હું યુવાન હતો ત્યારે જો સોશિયલ મીડિયા અને તેનો આટલો પ્રભાવ હોત તો મેં તેનો ઉપયોગ ચોક્કસ કર્યો હોત, પણ આ ઉંમરે હવે મને સોશિયલ મીડિયા મારાં માટે કોઈ જ કામનું નથી લાગતું.’

આજના સમયમાં સોશિયલ મીડિયા અને એમાં પણ ખાસ કરીને ‘ઇન્સ્ટાગ્રામ’નો પ્રભાવ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ખૂબ જ છે. (આ જ કૉલમમાં આ વિશે અલગ લેખ પણ કરેલો) જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્લેમર વર્લ્ડ છે એમ જ ‘ઇન્સ્ટાગ્રામ’ સોશિયલ મીડિયાનું ગ્લેમર વર્લ્ડ છે. ફિલ્મ્સના કાસ્ટિંગમાં આજકાલ રીતસર એક્ટર્સની પ્રોફાઈલમાં ‘ઇન્સ્ટાગ્રામ’ ફોલોઅર્સની સંખ્યા લખવામાં આવે છે.

એક્ટિંગ ઉપરાંત જેમ એક્ટર્સની જિમ ફિટનેસ ધરાવતી બોડીનું મહત્ત્વ છે એમ જ એક્ટિંગ પહેલાં જ જે-તે એક્ટર કેટલા લોકોને ઇન્ફ્લ્યુઅન્સ કરી શકે છે એ જોવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીમાં એક કક્ષાએ પહોંચી ચૂકેલી સ્કારલેટ જોહાન્સનને પણ એટલે જ ‘ઇન્સ્ટાગ્રામ’ પર જોડાવા માટે કહેવામાં આવે છે, પણ સદ્નસીબે સ્ટાર્સની ફેસ વેલ્યૂ પહેલેથી જ એટલી મોટી હોય છે કે એ ‘ઈન્સ્ટા’ વગર પણ દર્શકો લાવી શકવા સક્ષમ હોય છે એટલે આવા સ્ટાર્સ પર દબાણ કરી શકાતું નથી.

માર્વેલ સ્ટુડિયોઝની ‘એવેન્જર્સ’ સિરીઝની એક્ટ્રેસ એલિઝાબેથ ઓલ્સનની પણ સોશિયલ મીડિયા પર હાજરી નથી. જોકે એનો મતલબ એ નથી કે એ ક્યારેય સોશિયલ મીડિયા પર નહોતી. એલિઝાબેથનું સોશિયલ મીડિયાના વપરાશ વિશે કહેવું છે કે ‘હું હવે ફરી ક્યારેય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની નથી. એવું નથી કે મને તેનો કોઈ જ ખરાબ અનુભવ થયો છે, પણ મેં તેનો ઉપયોગ કર્યો અને મને એ ન ગમ્યું. મને એવું લાગે છે કે હું શા માટે દુનિયાની સામે મારું એક નવું કેરેક્ટર રજૂ કરું? મને સોશિયલ મીડિયા પર કંઈ ખાસ ન લાગ્યું, બસ.’

‘ટ્વાઇલાઇટ’ સિરીઝની સ્ટાર ક્રિસ્ટન સ્ટીવર્ટ પણ કોઈ જ સોશિયલ મીડિયા પર નથી. ક્રિસ્ટનને તો સોશિયલ મીડિયા જરા પણ નથી પસંદ. એનું કહેવું છે કે ‘મને એવું લાગે છે કે સોશિયલ મીડિયા એટલે તમે કોઈ બીજાની જિંદગીમાં કારણ વિના દખલગીરી કરો છો. મને સોશિયલ મીડિયા ખૂબ જ ત્રાસજનક લાગે. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ ફોનમાં સોશિયલ મીડિયાના જોરે પાપારાઝી બની જાય છે. મને આ બધું નથી પસંદ.’

આ પણ વાંચો: …અઘરું છે કોઈની આંગળી પકડી ઉઠાવવો!

અમુક એક્ટર્સને પોતાની નિજી જિંદગીની હરવા-ફરવાની અને ખાવા-પીવાની માહિતી સોશિયલ મીડિયા પર મૂકવી પસંદ હોય છે તો અમુકને એ બધું બહુ જ વધુપડતું લાગે છે. એક્ટર ક્રિસ પાઈનનું પણ એમ જ કહેવું છે કે ‘મેં હમણાં જ એક ફ્લિપ ફોન માંડ ખરીદ્યો. હું એમાં જ ખુશ છું. મારે સિમ્પલ રહેવું છે. હું બહુ બધા લોકો સાથે જોડાઈ શકું એવી વ્યક્તિ નથી.’

ખેર, એક્ટર્સની સોશિયલ મીડિયા પરની હાજરી હોવી ન હોવી એ એમની પસંદની વાત છે. તેના પ્રભાવમાં આવીને કે સ્ટુડિયોઝના દબાણમાં આવ્યા વગર સિનેમામાં એમનું યોગ્ય પ્રદાન થતું રહે, જે વધુ મહત્ત્વનું છે. લાસ્ટ શોટ ‘મને મારા ફેન્સ સાથે જોડાવા માટે સોશિયલ મીડિયા પર આવીને મેં આજે સ્ટ્રોબેરી ખાધી કે નહીં એ કહેવું જરૂરી નથી લાગતું – એડી મર્ફી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button