શો-શરાબાઃ મૃણાલ ઠાકુર: મૈં ભી હૂં ના! | મુંબઈ સમાચાર

શો-શરાબાઃ મૃણાલ ઠાકુર: મૈં ભી હૂં ના!

ટીવીની મીઠી-સરળ છોકરીથી લઈને ફિલ્મ્સની ટોચની હીરોઇન સુધીની સફર…

  • દિવ્યકાંત પંડ્યા

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક ચહેરાઓ એવા હોય છે જે સ્ક્રીન પર પહેલી વાર આવે અને તરત જ દિલ જીતી લે.
મૃણાલ ઠાકુર એવાં જ નામોમાંનું એક. નાના પડદા પરથી પોતાની સફર શરૂ કરનારી મૃણાલે આજે મોટા પડદા પર પોતાનું એક અલગ સ્થાન કંડારી લીધું છે.

મૃણાલની વાત એટલા માટે નીકળી કે હમણાં જ એની ‘સન ઓફ સરદાર’ ફિલ્મ રિલીઝ થઈ છે. ન તો ફિલ્મ જોરદાર છે ન એની કમાણી, પણ નાના પડદેથી કામ શરૂ કરનારી મૃણાલ આજે જો અજય દેવગણ, હ્યતિક રોશન, અક્ષય કુમાર જેવા મોટા ગજાના સ્ટાર્સ સાથે કામ કરતી હોય તો એના આ પડાવની નોંધ તો લેવાવી જોઈએ ને!

-તો મહારાષ્ટ્રના ધુલેમાં બાળપણ વિતાવનારી મૃણાલે અભિનયમાં આવવાનો રસ્તો ખૂબ જ મહેનતથી બનાવ્યો છે. મૃણાલની શરૂઆત ટીવી સિરિયલ ‘મુઝસે કુછ કહેતી એ ખામોશિયાં’ (2012) દ્વારા થઈ હતી. એ પછી ‘કુમકુમ ભાગ્ય’ (2013) શોમાં એના અભિનયને પ્રશંસા મળી. આ સિરિયલ્સ થકી એણે ઘરઘરમાં પોતાની ઓળખ બનાવી દીધી, પરંતુ મૃણાલ માટે અહીં અટકી જવું પૂરતું નહોતું. એણે સિરિયલ્સ સાથે-સાથે 2014માં મરાઠી ફિલ્મ્સમાં પણ થોડું કામ કર્યું.
એ પછી 2018માં એનું બોલિવૂડ પદાર્પણ થયું ફિલ્મ ‘લવ સોનિયા’થી. આ ફિલ્મમાં સ્ત્રી વેપાર પર આધારિત ગંભીર વિષયને મૃણાલે ખૂબ જ સંવેદનશીલ રીતે નિભાવ્યો, જેના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એની પ્રશંસા થઈ. પછી આવી ફિલ્મ ‘સુપર 30’, જેમાં હૃતિક રોશન સામે પોતાની સરળ અભિનયની કળા દ્વારા ફરી એકવાર સૌને ગમી.

‘બાટલા હાઉસ’માં એણે એક મજબૂત પત્રકારની ભૂમિકા કરી, જેમાં જ્હોન અબ્રાહમ સાથેના એના કોમ્બિનેશનને દર્શકોએ વધાવી લીધું.

આમ મૃણાલે સાબિત કરી દીધું કે એ માત્ર ગ્લેમર માટે નહીં, પણ મજબૂત ક્ધટેન્ટ ધરાવતી ફિલ્મ્સ માટે પણ એટલી જ સક્ષમ છે. એ પછી એનું એક અલગ જ પાસું જોવા મળ્યું રોમેન્ટિક ડ્રામા ‘જર્સી’માં, જ્યાં એ શાહિદ કપૂર સામે હતી. ક્રિકેટ અને પરિવારની ભાવનાત્મક વાર્તા ધરાવતી આ ફિલ્મમાં મૃણાલના અભિનયમાં ઊંડાણ હતું. એક માનાં પાત્રમાં દર્શકોને એ ‘ગર્લ-નેક્સ્ટ-ડોર’ (વેલ, વુમન નેક્સ્ટ ડોર, બસ!) જ લાગી. આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર વધારે ન ચાલી, પણ મૃણાલના અભિનયને ભારે વખાણ મળ્યાં.

દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એણે પોતાનું સ્થાન બનાવ્યું. ફિલ્મ ‘સીતા રામમ’ એનું પરફેક્ટ ઉદાહરણ છે. દુલ્કર સલમાન સાથેની આ રોમેન્ટિક ફિલ્મે એને દેશભરમાં ઓળખ અપાવી. ‘સીતા મહાલક્ષ્મી’ તરીકેના પાત્રમાં એની શાલીનતા અને સ્ક્રીન પ્રેઝન્સ એટલી ગજબની હતી કે આ ફિલ્મ રિલીઝ થયા પછી મૃણાલને આજના ટ્રેન્ડ પ્રમાણે ‘નેશનલ ક્રશ’નું ટાઇટલ મેળવી આપ્યું.

આ ઉપરાંત ‘નેટફ્લિકસ’ પર રજૂ થયેલી રામ માધવાની દિગ્દર્શિત અને કાર્તિક આર્યન અભિનિત થ્રિલર ફિલ્મ ‘ધમાકા’માં પણ એક નવાસવા ટીવી એન્કર કાર્તિકની યુવા પત્ની તરીકે મૃણાલનો અભિનય પ્રશંસનીય રહ્યો.

બીજી તરફ, મૃણાલની ‘આંખ મિચોલી’ જેવી પણ ફિલ્મ આવી કે જેની ક્યાંય કશી ચર્ચા જ ન થઇ. મૃણાલની ફિલ્મ્સની પસંદગી કમર્શિયલ હોવા છતાં ઘણી રસપ્રદ છે. એ વારંવાર સાબિત કરે છે કે એને માત્ર એક જ ઝોનરમાં બાંધી શકાય તેમ નથી, જેમ કે ‘પિપ્પા’ જેવી વોર ડ્રામા હોય કે ‘ગુમરાહ’ જેવી ક્રાઈમ થ્રિલર, દરેકમાં તે કંઈક નવું અજમાવે છે.

આ જ કારણ છે કે ઇન્ડસ્ટ્રીમાં એને અત્યારે ટોચની યાદીમાં એક વર્સટાઈલ એક્ટ્રેસ તરીકે ગણવામાં આવે છે. આજે મૃણાલ ઠાકુર એવા સ્તરે પહોંચી ગઈ છે કે તે માટે ફિલ્મમેકર્સ ખૂલ્લા મનથી મોટા બજેટના પ્રોજેક્ટ્સ ઓફર કરે છે.

તાજેતરમાં ‘સન ઓફ સરદાર 2’ માટે એણે 5 કરોડ રૂપિયાની ફી લીધી હોવાના માર્કેટ રિપોર્ટ છે, જે એની કારકિર્દીના આર્થિક તેમજ પ્રોફેશનલ પ્રગતિનો મોટો પુરાવો છે. ટીવીના એક એપિસોડ માટે થોડા હજાર રૂપિયા મળતાં હતાં ત્યાંથી લઈને આજે કરોડોમાં ફી લેવી એ મૃણાલનાં સપનાઓ, મહેનત અને અડગ મનોબળની જીત છે.

મૃણાલની સફર એ પણ બતાવે છે કે કેવી રીતે ટેલિવિઝનમાંથી સિનેમામાં સફળ ટ્રાન્ઝિશન કરવું સરળ નથી, પણ મહેનત અને ફિલ્મ વિષયની યોગ્ય પસંદગીથી એ શક્ય છે. ઘણા કલાકારો નાના પડદાથી મોટા પડદા પર આવ્યા, પણ થોડાં જ લાંબા સમય સુધી ટકી શક્યા છે, પણ મૃણાલે પોતાની ભૂમિકાઓ થકી દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. આજે જ્યારે બોલિવૂડ અને સાઉથ બંને ઈન્ડસ્ટ્રી સમાન રીતે કામ કરી રહી છે ત્યારે મૃણાલનું નામ તેવા કલાકારોની યાદીમાં આવે છે જે ભાષા કે પ્રદેશની સીમા પાર કરી શક્યા છે.

એવું પણ નથી કે મૃણાલની સફર માત્ર ફિલ્મ્સ પૂરતી મર્યાદિત રહી છે. મૃણાલે એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાં પણ પોતાનું એક મજબૂત સ્થાન બનાવ્યું છે. મૃણાલ ઠાકુરની આ સફર નવોદિતો માટે એક પ્રેરકકથા છે. તે દર્શાવે છે કે સતત શીખતા રહેવું અને પોતાને પડકારતા રહેવું જ સફળતાની ચાવી છે. ટીવીની મીઠી-સરળ છોકરીથી લઈને ફિલ્મ્સની મજબૂત નાયિકા સુધીનું એનું પરિવર્તન એ સાબિત કરે છે કે ટેલેન્ટ અંતે પોતાનો રસ્તો બનાવી જ લે છે!

લાસ્ટ શોટ
મૃણાલ ઠાકુરની આગામી મોટી ફિલ્મ્સ: ડેવિડ ધવન દિગ્દર્શિત અને વરુણ ધવન અભિનિત ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અને એ જ રીતે જેનું શીર્ષક હજુ જાહેર નથી થયું એવી એટલી દિગ્દર્શિત અને અલ્લુ અર્જુન અભિનિત એક ફિલ્મ પણ આવી રહી છે…

આપણ વાંચો:  કવર સ્ટોરીઃ ‘શોલે’ની સિક્વલનું બાળમરણ કઈ રીતે થયું?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button