…અઘરું છે કોઈની આંગળી પકડી ઉઠાવવો!

અરવિંદ વેકરિયા
ઇચ્છા તો ઘણી હતી કે સારા અને ચાલતા કલાકારોને લઈ ઈમ્તિયાઝ્નું નાટક બનાવું, પણ ‘બોલ્ડ’ વિષયને લઈ બધા નનૈયો ભણતાં. ભલેને પછી મનમાં ખાવું ને મુંડી હલાવતાં હોય, કારણ એ વખતે આવાં નાટક તખ્તા પર ચાલતાં, પણ કલાકારો સંકોચાતા. હવે સારા કલાકારોને લેવાની ઇચ્છા જયારે બર આવવાની નહોતી ત્યારે એ ભાર વેંઢારવો અર્થહીન હતો. થયું કે ઈચ્છાઓનો ભાર ઓછો કરી નાખો તો જીવન હલકું થઈ જાય. આ માત્ર યુવાન દંપતીની વાત નથી કરતો. એ માટે સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાનું ઈમ્તિયાઝે શરૂ પણ કરી દીધેલું.
આ પણ વાંચો: ફિલ્મનામા: બામ ચીક, ચીક બમ ને ગાપુચી, ગાપુચી ગમ ગમ!
ડોલર અને ઈમ્તિયાઝનાં પહેલાં જ નાટક માટે મને વિષય બદલવાની મુદ્દલ ઇચ્છા નહોતી. ઈમ્તિયાઝ ખરાં દિલથી મહેનત કરી રહ્યો હતો એટલે એની અપેક્ષાઓ પર પાણી નહોતું ફેરવવું. શક્ય છે એક ઉગતો લેખક ઊગે એ પહેલાં અસ્ત પામે. મારી લાઈનના ‘હિતેચ્છુઓ’થી હું પરિચિત હતો. એમને એ ખબર નથી કે કોઈના પર આંગળી ઉઠાવવી બહુ સહેલું છે, અઘરું છે કોઈની આંગળી પકડી ઉભો કરવો. આ ચેલેન્જ સમજી મારે સ્વીકારી લેવાની વાત હતી.
અમારાં નાટકનો એક સ્ટીલ-ફોટોગ્રાફર હતો, ઉમેશ મહેતા. લગભગ ઘણાં નિર્માતાનાં નાટકોના ફોટા પાડતો. અજિત વાચ્છાનીનાં ઘરે આવી મારા નાટક ‘હરણફાળ’ માટે ફોટા પાડેલાં. જયારે ‘ટોમબોય’ ટાઈપના રોલ માટે ‘હું છોકરી છાકમછોળ’ માટે એણે જ દીપ્તિ તલસાણીયાની ભલામણ કરેલી. મેં આ નાટકનાં ‘મોડલ’નાં પાત્ર માટે એને વાત કરેલી પણ એનો કોઈ જવાબ નહોતો. મને ઈશ્વર પર વિશ્વાસ હતો. માણસ કરતાં ઈશ્વરને આધારે રહેજો, ઈશ્વર ‘સંભાળી’ લેશે જયારે માણસ ‘સંભળાવી’ દેશે. ઈશ્વરે જાણે મારી સહાય કરી હોય એમ ઉમેશનો ફોન આવ્યો. ‘દાદુ, એક છોકરી મળી છે, પણ એણે ક્યારેય નાટકમાં કામ નથી કર્યું પણ ધગશ છે. તું મને મળ તો ફોટા બતાવું’.
બાકીનાં પાત્રો માટે પણ એટલી જ વિટંબણા હતી. મેં વિચાર્યું કે અન્ય પાત્રો પર નાટકનો ભાર નથી તો મન પર ભાર રાખ્યાં વગર એ વરણી પછી કરીશું. જે ‘મોડલ’ માટે કલાકાર જોઈતી હતી એની શોધ પહેલાં શરૂ કરી દીધી. ખૂબ શોધ કરી પણ નક્કર પરિણામ આવતું નહોતું. ઘણાં કહેવાતાં ‘શુભચિંતકો’એ સલાહ આપી કે આ વિષય જ પડતો મૂક. આ દુનિયામાં સૌને તિરાડોમાંથી ડોકું કાઢવાની ટેવ છે, દરવાજા ખુલ્લા મૂકી દો તો કોઈ નહીં ફરકે.
અમે મળ્યાં. ફોટામાં તો સારી દેખાતી હતી. એના મમ્મી પણ એને આગળ કરવામાં રસ લેતાં હતાં. બે દિવસ પછી એને મળવાનું નક્કી કર્યું. મેં આ વાત ડોલર અને ઈમ્તિયાઝને પણ કરી દીધી. બંનેનું મંતવ્ય એમ હતું કે આ ‘મોડલ’નું નક્કી થઈ જાય પછી બાકીનાં કાસ્ટિંગનું વિચારશું. પાર્લાની એક હોટલમાં હું અને ડોલર સાથે ઉમેશ, મોડલ અને એનાં મમ્મી મળ્યાં. નાટક થોડું ‘ઉઘાડું’ છે એ વાત મેં ખુલ્લમખુલ્લાં કહી દીધી. નવાઈની વાત કે એ લોકોને એનો વાંધો નહોતો. એની મમ્મીએ પણ ચોખ્ખું કહી દીધું કે ‘ મારી દીકરીએ સ્ટેજ પર પગ નથી મુક્યો એ તમને માન્ય હોય તો અમને એ રોલ કરવામાં કોઈ વાંધો નથી પણ તમને મહેનત તો પડશે.’
મેં કહ્યું ‘મને નવા કલાકારોને તૈયાર કરવામાં કોઈ વાંધો નથી. તમે ‘બોલ્ડ’ વિષયની વાત કઈ પણ જાણ્યાં વગર સ્વીકારી એ મને ગમ્યું.’ એની મમ્મીએ તરત કહ્યું, ‘છાસ લેવા જવું અને દોણી સંતાડવામાં હું માનતી નથી. ખોટા ‘હિપોક્રેટ’ શું કામ બનવું?. ખરેખર સુખી જીવન જીવવા માટે માણસે ‘સાધુ’ બનવા કરતાં ‘સીધું’ થવાની જરૂર છે.
છોકરીનું નામ હતું ‘અંજલિ પરમાર’. જાહેરખબરમાં માત્ર ‘અંજલિ’ આવે એ એક માત્ર એમની શરત હતી.વાત ‘કવર’ની આવી.થોડી રકઝક થઈ, પણ નિર્માતા તરીકે ડોલરે એ કબૂલી લીધી. મોડલના રોલ માટે અંજલિ પર ફાઈનલ સિક્કો મારી અમે છૂટા પડ્યાં. બીજા દિવસે બાકીનાં કાસ્ટિંગ માટે મળવાનું નક્કી કર્યું. મને હાશકારો થયો કે ‘અઘરા’ ‘મોડલ’નાં પાત્ર માટે કલાકાર મળી ગઈ. મેં હિંમત હારી જઈ વિષય બદલી નાખ્યો હોત તો? હિંમત ક્યાંય ભાડે નથી મળતી અને ભલે કોશિશનાં કારખાનાં ન હોય પણ અમે બનતી કોશિશ કરી તો ચેલેન્જ સફળ થઈ. ઉમેશ મહેતાનો સંબંધ કામ કરી ગયો..સંબંધ હિંમત વધારે એવા રાખવા, બ્લડપ્રેશર વધારે એવાં નહી.
બીજે દિવસે હું, ઈમ્તિયાઝ અને ડોલર પટેલ- ડોલરના ઘરે જ મળ્યાં. હવે પ્રૌઢ દંપતી શોધવાનાં હતાં. ઘણાં ફોન ઘુમેડ્યા. ધીમેધીમે કરતા નરહરી જાનીને ફિક્સ કર્યો. જાની મારો પરમ મિત્ર. લાલુ શાહનાં ઘણાં નાટકોમાં અમે સાથે કામ કરેલું. એના પ્રથમ ડિરેક્ટ કરેલા નાટક ‘પપ્પાની સેક્રેટરી’માં મેં કામ કરેલું. એ કારણે એને નક્કી કરવામાં વધુ સમય ન લાગ્યો. બોલ્ડ વિષય સામે એને વાંધો નહોતો. શિરીષ પટેલના ‘પપ્પાની સેક્રેટરી’ની ટ્રીટમેન્ટ પણ થોડી એ રીતે જ અપાયેલી. એની પત્નીના રોલમાં નક્કી કરી સુનિતા કિશન. હતી મહારાષ્ટ્રીયન, પણ નટવર પંડ્યા સાથે ઘણાં ગુજરાતી નાટકો કરેલાં.
આ પણ વાંચો:… તો બેગમ અખ્તરનો જન્મ જ ન થયો હોત!
(સુનિતા હવે હયાત નથી) ઓફિસની રિશેપ્શનીસ્ટનાં રોલમાં ‘આજે ધંધો બંધ છે’ નાટકમાં કામ કરનાર પારસી લેડી આશિયાનાને નક્કી કરી. ઉમેશ પારેખે ફિરોઝ ભગતનાં ઘણાં નાટકોમાં સહાયક-દિગ્દર્શક તરીકે કામ કરેલું એને જાનીનાં નાના ભાઈ અને મારા સહાયક દિગ્દર્શક તરીકે ફાઈનલ કર્યો. જોકે ડોલરે પ્રૌઢના રોલ માટે મને ઘણું કહ્યું. તારા અને ઈમ્તિયાઝનું આ પહેલું નાટક છે એટલે મારે પુરતું ધ્યાન આપવું છે એમ કહી પ્રેમથી ‘નાં’ પાડી દીધી. જોયું ! ઈશ્વરની આસ્થા કામ કરી ગઈ. ઈશ્વરનો આભાર માનવાની ટેવ પાડજો, જિંદગીનો ઘણો ભાર ઓછો થઈ જશે….
રમેશ: પત્નીના મેક-અપનો ખર્ચ નથી પોષાતો..
મહેશ: તો મેક-અપનાં પૈસા આપવાના બંધ કરી દે..
રમેશ: તો પછી પત્ની જોવી નથી ગમતી..