મેટિની

ડાકુ રાણી જેવાં ગુસ્સે કેમ થયા શેખર કપૂર?

ક્લેપ એન્ડ કટ..! -સિદ્ધાર્થ છાયા

વર્ષ 1994માં ડાકુ રાણી ફૂલન દેવીના જીવન પર આધારિત ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’ બનાવીને શેખર કપૂરે ધમાકો કરી દીધો હતો. એ ફિલ્મ-એની કથાવસ્તુ એની માવજાત, ઈત્યાદિમાં ખરેખર તો પોતાના સમયથી ઘણી આગળ હતી આમ છતાં ફિલ્મ સમીક્ષકો અને દર્શકોએ એને વધાવી હતી. હવે જ્યારે ઓટીટી પર આ ફિલ્મ આવી છે ત્યારે વિવાદ ઊભો થઇ ગયો છે.

આ પણ વાંચો: ભૂમિ ને ભાગ્યનો સ્વભાવ એક જ: વાવશો એ મળશે..!

શેખર કપૂરે જ્યારે ઓટીટી પર આ ફિલ્મ જોઈ ત્યારે એમને રીતસરનો આઘાત લાગ્યો હતો. કારણ કે એ ઓટીટી પ્લેટફોર્મના કર્તાધર્તાઓએ મૂળ ડાયરેકટર કે નિર્માતાની પરવાનગી વગર ‘બેન્ડિટ ક્વીન’ ને પોતાની રીતે આડેધડ એડિટ કરી નાખી હતી, જેને કારણે કદાચ ફિલ્મનો આત્મા જ મરી ગયો છે એવું શેખર કપૂરને લાગ્યું.

સોશિયલ મીડિયા પર સખ્ત શબ્દોમાં પોતાનો વિરોધ નોંધાવતા શેખર કપૂરે આ ઘટનાને ‘બેદરકારીપૂર્વક કરેલો હિંસાચાર’ ગણાવ્યો છે. શેખર કપૂરની સાથે અન્ય ફિલ્મ મેકર્સ હંસલ મહેતા અને સુધીર મિશ્રા પણ આ વિરોધમાં જોડાયા છે. જોકે, આ ઘટનાના ઊંડાણમાં જઈએ તો, રણવીર અલ્હાબાદીયા એપિસોડ બાદ એવું જોવા મળ્યું છે કે ઓટીટી પ્લેટફોર્મ્સવાળા અમુક કામુક દૃશ્યો, હિંસા અને અપશબ્દોને લઈને વધુ પડતા જાગૃત થઇ ગયા છે.

જે ઓટીટી ઉપર છે એવી ઘણી જૂની હોલિવૂડ ફિલ્મનાંય અમુક દૃશ્યો અને સંવાદો પર પણ ઓટીટીના એડિટરોની કાતર નિર્મમ રીતે ફરી હોવાની ફરિયાદ આવી રહી છે. આથી, આ પ્રકારની તકલીફ માત્ર ‘બેન્ડિટ ક્વીન’ ને જ નથી થઇ, બીજી ઘણી મુવીઝ એ જ રીતે અત્યારે ઘાયલ હાલતમાં જોવા મળી રહી છે.

કિસકા દિલ (નહીં) ચાહતા હૈ ?!

રિ-રિલીઝના ઘોડાપૂરમાં આમિર ખાનના સાઈઠ વર્ષથી ઉજવણીના ભાગ રૂપે એની અનેક હીટ ફિલ્મો રિ-રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આમાંથી આમિરના ફેન્સ માટે સહુથી વધુ ઉત્કંઠા ‘દિલ ચાહતા હૈ’ માટે હતી. આ ફિલ્મને ‘મોડર્ન ક્લાસિક’ તરીકે ક્રિટીક્સ દ્વારા નવાજવામાં આવી હતી અને તે આજે પણ યુવાનોમાં એટલી જ લોકપ્રિય છે. આથી આમિરની ફિલ્મોના રસાલામાંથી ‘દિલ ચાહતા હૈ’ ને જ સહુથી વધુ ફૂટફોલ્સ મળશે એવી આશા તમામને હતી, પરંતુ આ ફિલ્મને જોવા માટે ચાહકો પહોંચ્યા ત્યારે એમને આંચકો લાગ્યો કે દેશના અસંખ્ય મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મનો કેડીએમ (કી ડિલીવરી મેસેજ-એક પ્રકારનો પાસવર્ડ) પહોંચ્યો ન હોવાથી તેના શોઝ છેલ્લી ઘડીએ કેન્સલ કરવા પડ્યા હતા.

દરેક થિયેટરમાં દરેક ફિલ્મને શરૂ કરવા પહેલા થિયેટર માલિકોને દરેક શો માટે આ ‘કેડીએમ’ આપવામાં આવે છે અને એનો ઉપયોગ થાય પછી જ દર્શકો ફિલ્મ જોઈ શકે છે. પરંતુ ‘દિલ ચાહતા હૈ’ના કેસમાં આ ‘કેડીએમ’ થિયેટર્સ સુધી પહોંચ્યા નહીં એમાં શોઝ કેન્સલ કરવા પડ્યા. આ કારણે આમિરના અસંખ્ય ચાહકો નારાજ થયા,. કુદરત કા હી ‘જબ દિલ ન ચાહે’ તો કોઈ ક્યા કરે ?

એક અધૂરું સપનું ‘ક્રિશ ફોર’

આપણે આ કોલમ ‘કટ એન્ડ ક્લેપ’ માં થોડા દિવસ પહેલાં જ જણાવ્યું હતું કે ‘ક્રિશ ફોર’ ક્યારેય રિલીઝ નહીં થઇ શકે, કારણ તેનું અધધધ બજેટ… થોડા સમય પહેલાં જ્યારે ‘કહો ના પ્યાર હૈ’ રિ-રિલીઝ થઇ ત્યારે એક ઇન્ટરવ્યુમાં ખુદ રાકેશ રોશને કહ્યું હતું કે ‘ક્રિશ ફોર’ને તેનું પહોંચી ન વળાય એવું બજેટ નડી રહ્યું છે ઉપરાંત આજકાલનાં બાળકો માર્વેલની ફિલ્મો જોઇને વધુ સ્માર્ટ થઇ ગયા છે એટલે આ હિંદી ફિલ્મને યોગ્ય રિસ્પોન્સ મળશે કે કેમ એ પણ શંકા છે.

હવે તાજા સમાચાર અનુસાર એક અંદાજ પ્રમાણે જો ‘ક્રિશ ફોર’ ને બનાવવી હોય તો 700 કરોડ રૂપિયાનું બજેટ જોઇશે અને આ બજેટથી જ ફિલ્મ તેના ખાસ પ્રકારના દર્શકને ખુશ કરી શકશે… હવે આટલું મોટુંમસ બજેટ છૂટું કરવા દેશનો કોઈ પ્રોડ્યુસર કે કોઈ સ્ટુડિયો તૈયાર નથી. બીજું, હિૃતિક રોશનના ખાસ મિત્ર સિદ્ધાર્થ આનંદ જેમણે આ પ્રોજેક્ટમાં સહ-નિર્માતા બનવાનું સ્વીકાર્યું હતું એમણે પણ બજેટની રકમ સાંભળીને પીછેહઠ કરી લીધી છે અને પ્રોજેક્ટમાંથી આઉટ થઈ ગયા છે.

આ પણ વાંચો: લેજન્ડ યાદ કરે છે પોતાના ફિલ્ડના લેજન્ડસને!

દેશભરના જંગી સ્ટુડિયોઝ પણ સમજે છે કે ભારતનો દર્શક માર્વલની અસંખ્ય સુપર હીરોઝની ફિલ્મો જોઇને હવે એ જ લેવલની ભારતીય ફિલ્મ માગતો થઇ ગયો છે. આથી ‘ક્રિશ ફોર’ જેની છેલ્લી સિક્વલના દસ વર્ષ વીતી ગયા છે તેમાં રોકાણ કરવું એ ખતરાથી ખાલી નથી. હવે કદાચ ‘ક્રિશ ફોર’ હિૃતિક માટે એક સ્વપ્ન બનીને રહી જશે.
કટ એન્ડ ઓકે.. ‘એમનો નકામો ઓસ્કર્સ એમને રાખવા દો, આપણા માટે નેશનલ એવોર્ડ જ સારો!’ પોતાની ફિલ્મ ‘ઈમરજન્સીને’ ઓસ્કર્સમાં મોકલવાની અગાઉ ચર્ચા થઈ પછી કંગના રનૌતનો અભિપ્રાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button