મેટિની

સનીને સાઉથનાં સમણાંઃ ઢાઈ કિલો કે હાથ કી તાકત સાઉથ કે દર્શક ભી દેખેંગે…

કવર સ્ટોરી – હેમા શાસ્ત્રી

મુંબઈ શહેરની પરણવા ઈચ્છુક ક્નયાઓ વિશે એમ કહેવાય છે કે સોબો'નેમકાબો’ નથી જવું. મતલબ કે સાઉથ મુંબઈમાં રહેતી યુવતી પરણ્યા પછી મલાડ – કાંદિવલી – બોરીવલી જેવા પરા વિસ્તારમાં જવા તૈયાર નથી, પણ, જો મકાબોની ક્નયાને સોબો એટલે કે સાઉથ મુંબઈ શિફ્ટ થવાનો મોકો મળે તો એના ચહેરા પર લાલી છવાઈ જાય છે. બેટર લાઈફની પોતપોતાની વ્યાખ્યા હોય છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ દક્ષિણાયનનો એક દાખલો તાજેતરમાં ખાસ્સો ગાજ્યો.

બ્લેક ફ્રાઈડે',દેવ. ડી’ તેમજ ગેંગ્સ ઓફ વાસેપુર' જેવી ફિલ્મોથી પ્રતિષ્ઠા મેળવનાર ફિલ્મમેકર અને એક્ટર અનુરાગ કશ્યપે મુંબઈ છોડી બેંગ્લોર નિવાસી બનવાનો નિર્ણય લીધો છે.હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખૂબ જ ટોક્સિક બની ગઈ છે. ઈન્ડસ્ટ્રીમાંથી સર્જનાત્મક દ્રષ્ટિકોણ ગાયબ થઈ ગયો છે. સહુ કોઈ 500 કરોડ – 800 કરોડની હોડમાં ઉતર્યા છે. ફિલ્મ બનાવવાની શરૂઆત જ એને કેવી રીતે વેચી શકાશે એવા આશય સાથે થાય તો ફિલ્મમેકિગની મજા જ મરી જાય’ જેવી તેજાબી દલીલ અનુરાગે મુંબઈ છોડવા અંગે કરી છે.

અનુરાગના તર્ક સાથે સહમત થવું કે નહીં એ અંગત બાબત છે, પણ એક ટોચના અભિનેતાએ પણ દક્ષિણાયન તરફ ઈશારો કર્યો છે.

આ પણ વાંચો: ડાકુ રાણી જેવાં ગુસ્સે કેમ થયા શેખર કપૂર?

વાત છે પંજાબી પુત્તર સની દેઓલની. ગદર 2'ને મળેલી ધૂઆંધાર સફળતા પછી એક્ટર ફરી વ્યસ્ત થઈ ગયો છે. પાંચ ફિલ્મ સાથે એ સંકળાયો છે. જાટ, લાહોર 1947, બોર્ડર 2, રામાયણ: ભાગ 1 અને સફર. આ પાંચમાંથી ચારનું ફિલ્માંકન વિવિધ તબક્કા પર છે અનેજાટ’ તૈયાર થઈ રિલીઝની પ્રતીક્ષામાં છે. તાજેતરમાં ફિલ્મનું ટે્રલર જનતા સમક્ષ રજૂ કરવામાં આવ્યું ત્યારે સની ભાઈએ હળવા અંદાજમાં કહ્યું કે `યે ઢાઈ કિલો કે હાથ કી તાકત પૂરા નોર્થ દેખ ચૂકા હૈ. અબ સાઉથ દેખેગા.’
આવું વિધાન કરવાનું કારણ એ છે કે આ હિન્દી ફિલ્મનું નિર્માણ મુખ્યત્વે તેલુગુ ફિલ્મો સાથે સંકળાયેલું પ્રોડક્શન હાઉસ કરી રહ્યું છે.

ખુદ સની દેઓલે `જાટ’ના ટે્રલર લોન્ચ વખતે ફિલ્મો બનાવવાની સાઉથની શૈલીની સ્તુતિ કરતા કહ્યું કે ‘બોલિવૂડ પ્રોડ્યુસરો સાઉથના નિર્માતા પાસેથી શીખે, એમને અનુસરે એવી આશા હું રાખું છું. હિન્દી ફિલ્મવાળા પોતીકાપણું વિસરી ગયા છે. સાઉથની ફિલ્મોમાં સ્ક્રિપ્ટ હીરો હોય છે. સાઉથના મેકરો સાથે કામ કરવાની મને મજા પડી. મને લઈ બીજી ફિલ્મ બનાવવા હું એમને મનાવી રહ્યો છું. કોને ખબર, આવતી કાલે સાઉથમાં જ સ્થાયી થવાની ઈચ્છા થઈ આવે.’

અલબત્ત, સાઉથમાં સ્થાયી થવાની સનીની વાત રમૂજી ટોનમાં છે, પણ હિન્દી ફિલ્મ મેકરોનો કાન સની ભાઈએ જરૂર આમળ્યો છે અને ઘાતક',દામિની’ અને `અર્જુન’ જેવી ફિલ્મો બનાવવાને પ્રાધાન્ય આપવા હિમાયત પણ કરી છે.

જાટ'ના ડિરેક્ટર ગોપીચંદ મલિનેની તેલુગુ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે અને આ એમની પહેલી હિન્દી ફિલ્મ છે. એમણે કહેલી એક વાત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોએ ધ્યાનમાં લેવા જેવી છે. ડિરેક્ટરે કહ્યું છે કેહું સની સરની એક્શન ફિલ્મો જોઈને જ મોટો થયો છું. હું ફિલ્મ બનાવવાનું શરૂ કં એ પહેલાં એમની ઘણી ફિલ્મો જોઈ લઉં છું. એમાંથી દામિની' મારી ફેવરિટ છે. મારે સાઉથના દર્શકોનેદામિની’ના સની દેઓલથી પરિચિત કરવા છે.’

હિન્દી ફિલ્મ ઉદ્યોગે સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પાસેથી ઘણું શીખવાનું – સમજવાનું છે એવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે ત્યારે ગોપીચંદની વાત સની દેઓલે જે કહ્યું (ઘાતક – દામિની જેવી ફિલ્મો બનાવો) એનો પડઘો જ છે ને.

સાઉથના ફિલ્મ મેકરોને એ વાત સુપેરે સમજાઈ ગઈ છે કે ફિલ્મ બનાવી મબલક કમાણી કરવી હશે તો હિન્દી ફિલ્મના દર્શકો થિયેટર સુધી દોડતા આવે એ જરૂરી છે. પુષ્પા 2'નું 60 દિવસ પછીનું ભારતમાં કલેક્શન હતું 1200 કરોડ જેમાં હિન્દીમાં ડબ થયેલા વર્ઝનનો ફાળો 835 કરોડ હતો. કુલ કલેક્શનના 70 ટકા ! એની સામે સાઉથની ચાર ભાષાનો વકરો હતો 365 કરોડ, જે આશરે 30 ટકા થાય. મલાઈ ક્યાં છે એ બધા સમજી ગયા છે અને એટલે જ સાઉથનું પ્રોડક્શન હાઉસ સાઉથના જ ડિરેક્ટરને લઈને હિન્દી ફિલ્મજાટ’ બનાવવા પ્રેરાય છે. સાઉથની ભાષામાં બનેલી ફિલ્મ હિન્દીમાં ડબ કરવાના પ્રયાસ પછી હવે જાટ' હિન્દીમાં જ બનાવી સાઉથની ચાર ભાષામાં ડબ કરી રિલીઝ કરવાની કોશિશ કરવામાં આવે છે. નિર્માતાએ ફોડ નથી પાડ્યો, પણજાટ’ તેલુગુ ઉપરાંત અન્ય સાઉથની ભાષામાં ડબ કરી રિલીઝ થવાની શક્યતા ભારોભાર છે.

આ પણ વાંચો: રશ્મિકા મંદાના: પેન ઈન્ડિયા સ્ટાર

શાહરૂખ ખાનની જવાન'થી ખૂબ ગાજેલા દિગ્દર્શક એટલી પણ શાહિદ કપૂર અને વીર પહાડિયા (સ્કાય ફોર્સ’ના રોલથી પ્રશંસા મેળવનાર એક્ટર)ને લઈ હિન્દી ફિલ્મ બનાવવાની વેતરણમાં છે. સંદીપ વેન્ગા એનિમલ પાર્ક' હિન્દીમાં જ બનાવવાના છે.મન્જુમલ બોય્ઝ’ના દિગ્દર્શક એક હિન્દી ફિલ્મ તૈયાર કરવાની વેતરણમાં છે.

આમ ફિલ્મ મેકિગ આજે એક રસપ્રદ વળાંક પર છે. `હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીવાળા ફિલ્મ કેવી રીતે બનાવવી એ સાઉથના મેકરો પાસે શીખવાની જરૂર છે’ એવું ગાઈ વગાડીને કહી રહ્યા છે તો બીજી તરફ સાઉથવાળા હિન્દીમાં ફિલ્મ બનાવવા તરફ વળી રહ્યા છે.

અમિતાભ બચ્ચને એકાદ મહિના પહેલા કહેલી વાત આ સંદર્ભમાં ફરી યાદ કરવી જરૂરી છે. બચ્ચનજીનું કહેવું હતું કે `હિન્દી ફિલ્મોની સરખામણીએ પ્રાંતીય ભાષાની ફિલ્મો બહેતર કમાણી કરી રહી છે એવું સાંભળવા મળી રહ્યું છે. જોકે, સાઉથના મેકરો તો હિન્દીમાં બનતી હતી એવી જ ફિલ્મો તૈયાર કરતા હોવાનું રટણ કરે છે. એ વરખ બદલી સુંદર બનાવી દે છે અને એટલે એમની ફિલ્મો દર્શકોની આંખોમાં વસી જાય છે. સાઉથના ઘણા ફિલ્મ મેકરો એમને કહ્યું છે કે એ લોકો જૂની હિન્દી ફિલ્મોને નવા સ્વરૂપમાં પેશ કરે છે.’

આ તો માળું `ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ જેવું નથી લાગતું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button