ફ્લૅશ બૅક : બહેનોનું ગીત બહેનો પર પિક્ચરાઈઝ થયું

- હેન્રી શાસ્ત્રી
`રાજા બાબુ’નું ગીત રેકોર્ડ થઈ ગયા પછી એના ફિલ્માંકનને કારણે એક ગાયિકાના માથે માછલાં ધોવાયાં હોવાની આ ઘટના જાણવા જેવી છે
આઝાદ'નું યુગલ ગીત
અપલમ ચપલમ’, ઉષા મંગેશકર – લતા મંગેશકર
1955નું વર્ષ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે કેટલીક નવાઈ લાવ્યું હતું. દિલીપ કુમારની આઝાદ' વર્ષની સૌથી સફળ પાંચ ફિલ્મમાં બીજા નંબરે હતી. તમિલ ફિલ્મની રિમેક
આઝાદ’ દિલીપકુમાર માટે ટોનિક સાબિત થઈ હતી. ડોક્ટરોએ ટે્રજેડી ફિલ્મો કરવા પર પ્રતિબંધ મૂક્યા પછી દિલીપ કુમાર માટે આ કોમેડી ફિલ્મ અંગત રીતે વરદાન સાબિત થઈ હતી. માનસિક રાહત મળી અને છોગામાં બીજો ફિલ્મફેર' એવોર્ડ પણ મળ્યો દિલીપસાબને. ટે્રજેડી ક્વીનનું લેબલ ધરાવતાં મીના કુમારી પણ હલકા ફુલકા રોલમાં નજરે પડ્યા. સંભવત: પહેલી વાર મીનાજી ફિલ્મમાં ઘોડેસવારી કરતાજોવા મળે છે અને
મૈં અપના વર ખુદ તલાશ કંગી’ તેમજ ગુંડાઓને `બદમાશ, કુત્તે, કમીને’ કહે છે. જી હા, એ જમાનામાં ધર્મેન્દ્ર ટાઈપના આ ડાયલોગ મીના કુમારીના છે.!
ફિલ્મના ગીત – સંગીત પણ ખાસ્સા લોકપ્રિય થયા હતા જેનો એક સવિસ્તર લેખ ફરી ક્યારેક. ફિલ્મમાં બધું મળીને કુલ નવ ગીત હતા જેમાંથી આઠ (પાંચ સોલો અને ત્રણ ડ્યુએટ)માં લતા દીદીનો સહભાગ હતો. ત્રણ યુગલ ગીતમાં એક હતું અપલમ ચપલમ, ચપ લાઈ રે દુનિયા કો છોડ તેરી ગલી આઈ રે આઈ રે આઈ રે હજી આજે પણ સંગીત શોખીનોના સ્મરણમાં સચવાયું હશે. ગીતકાર હતા રાજીન્દર કૃષ્ણ અને સ્વરાંકન હતું સી. રામચંદ્રનું. આ ગીતની લાક્ષણિકતા એ છે કે ભરતનાટ્યમમાં નિષ્ણાત સાઈ અને સુબ્બલક્ષ્મી નામની બે બહેન પર પિક્ચરાઈઝ થયું છે. આ બંને બહેનોએ 1954થી 1963 દરમિયાન 10 વર્ષમાં 20 ફિલ્મમાં નૃત્યગીત પેશ કર્યા છે, જેમાં ચાર હિન્દી ફિલ્મોનો સમાવેશ છે. `આઝાદ’ એમની પહેલી હિન્દી ફિલ્મ હતી અને આ ગીત ગાયું છે લતા મંગેશકર અને ઉષા મંગેશકરે. બે બહેનો પર પિક્ચરાઈઝ થયેલું ગીત પણ બે બહેનોએ જ ગાયું હોય એવો આ પ્રથમ પ્રસંગ હશે.
આ પણ વાંચો: અખિયોં કે ઝરોખોં સે મળીએ… હેમલતાને!
આઝાદ' પછી 1956માં આવેલી રાજ કપૂર - નરગીસની
ચોરી ચોરી’ના એ સમયે ખાસ્સા લોકપ્રિય થયેલા મનભાવન કે ઘર જાયે ગોરી, ઘૂંઘટ મેં શરમાયે ગોરી, બંધી રહે યે પ્યાર કી ડોરી, હમેં ના ભુલાના પણ આ બંને બહેનો પર જ ચિત્રિત કરવામાં આવ્યું હતું. આ ગીત પણ બે બહેનોએ જ ગાયું હતું, લતા મંગેશકર અને આશા ભોસલેએ. એલ.વી. પ્રસાદની રાજ કપૂર – મીનાકુમારી અભિનીત શારદા'માં
જોરૂ કા ગુલામ’ ગીત પર પણ બંને બહેનોએ નૃત્ય કર્યું છે, જે ગાયું છે આશા ભોસલે અને શમશાદ બેગમે. બંને બહેનો પર ફિલ્માવાયેલું ચોથું ગીત છે ભરોસા' ફિલ્મનું
ધડકા ઓ દિલ ધડકા’ જેને પ્લેબેક આપ્યું છે બે બહેનો લતા મંગેશકર અને આશા ભોસલેએ. નૃત્ય અને પાર્શ્વ ગાયનની આવી જુગલબંધીનો જોટો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જડવો મુશ્કેલ છે.
પાડાના વાંકે પખાલીને ડામ
અમિતાભ બચ્ચન સાથે ફિલ્મો બનાવવાનો સિલસિલો શરૂ કર્યો એ પહેલા મનમોહન દેસાઈએ1970ના દાયકામાં રાજેશ ખન્ના ઉપરાંત અન્ય અભિનેતા સાથે ફિલ્મો બનાવી હતી. એમાં એક ફિલ્મ હતી આ ગલે લગ જા'. ફિલ્મના મુખ્ય કલાકાર હતા શશી કપૂર, શર્મિલા ટાગોર ને શત્રુઘ્ન સિન્હા. અનેક હિન્દી હિટ ફિલ્મો સાઉથની રિમેક તરીકે પ્રખ્યાત છે.
આ ગલે લગ જા’ પરથી તેલુગુ અને તમિળમાં રિમેક બની હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મ સફળ થઈ હતી, અને એના ગીત – સંગીત ખાસ્સા લોકપ્રિય થયાં હતાં. ગીતકાર હતા સાહિર લુધિયાનવી અને સંગીતકાર હતા રાહુલ દેવ બર્મન. એસ. ડી. બર્મન સાથે 18 ફિલ્મ કરનારા સાહિર સાબે આર. ડી. સાથે ચાર ફિલ્મ કરી હતી. આ ગલે લગ જા'ના ગીત - સંગીતને લોકપ્રિયતા મળી હતી અને
વાદા કરો નહીં છોડોગી તુમ મેરા સાથ’ અને તેરા મુજસે હૈ પહેલેકા નાતા કોઈ' આજે પણ સંગીત રસિકો ગણગણતા જોવા મળે.
તેરા મુજસે હૈ પહેલેકા નાતા કોઈ’ નેપાળની બાળ ગાયિકા સુષ્મા શ્રેષ્ઠએ ગાયું હતું. આ ગાયિકાએ યુવાનવયે પૂર્ણિમાના નામે ઘણાં ગીતો ગાયા છે. એક ગીત માટે એના માથે માછલાં ધોવાયા હતા, અલબત્ત, એમનો કોઈ વાંક ન હોવા છતાં.
ગોવિંદા – કરિશ્મા કપૂરની ફિલ્મ રાજાબાબુ'માં પૂર્ણિમાનું કુમાર શાનુ સાથે એક યુગલ ગીત હતું સરકાઈલો ખટિયા જાડાલગે, જાડે મેં બલમા પ્યારા લગે. ફિલ્મ રિલીઝ થયા પછી આ ગીત પડદા પર વલ્ગર અને બેહૂદું લાગે છે એવી ચારેકોરથી ટીકા કરવામાં આવી હતી અને અને અસ્સલ લતા દીદી સાથે થયું હતું એમ
આવું ગીત કેમ ગાયું?’ એવી પસ્તાળ પૂર્ણિમા પર પાડવામાં આવી હતી.
આ પણ વાંચો:અઘોરીઓ સાથે પાંચ દિવસ -પ્રકરણ -13
એ સમયે પૂર્ણિમા સાથે ફોન પર વાતચીત કરી હતી ત્યારે ગાયિકાએ બચાવ કર્યો હતો અને એમનો ખુલાસો સાંભળી પૂર્ણિમાનો કોઈ વાંક નથી એ સમજાઈ ગયું હતું. પૂર્ણિમાએ કહ્યું હતું કે ગીતના શબ્દો
સરકાઇ લો ખટિયા જાડા લગે, જાડે મેં બલમા પ્યારા લગે’માં જરાય અશ્લીલતા નથી. ગીતના શબ્દોનો ભાવ કંઈક આવો છે કે મોસમ ઠંડીની છે (જાડા એટલે ઠંડી) અને આવી મોસમમાં પ્રિયતમ નિકટ હોય તો વધુ ગમે. એમાં શું અશ્લીલ છે? તકલીફ થઈ છે ગીતના પિક્ચરાઈઝેશનને કારણે. એ જે રીતે પિક્ચરાઇઝ થયું છે એને કારણે એ બેહૂદું લાગે છે.’
તમે પહેલા ગીતનો ઓડિયો સાંભળો અને પછી એ પડદા પર જોશો તો પૂર્ણિમાની દલીલ કેટલી સચોટ અને જડબેસલાક છે એનો ખ્યાલ આવે છે. આ તો પેલી ગુજરાતી કહેવત `પાડાને વાંકે પખાલીને ડામ’ જેવું થયું કહેવાય.