ક્લેપ એન્ડ કટ..! : પહેલાં પૈસા… પછી ફિલ્મ ‘ફૂલે’!

-સિદ્ધાર્થ છાયા
મહારાષ્ટ્રમાં જેમને અત્યંત સત્કાર અને સન્માન આપવામાં આવે છે એવા મહાત્મા ફૂલેના જીવન પર આધારિત ફિલ્મ ‘ફૂલે’ વિવાદમાં સપડાઈ છે. બન્યું છે એવું એ ફિલ્મના પ્રોડ્યુસરોએ ફિલ્મ બનાવવા માટે મુકેશ ગુપ્તા નામના વ્યક્તિ પાસેથી પૈસા લીધા હતા. પછી જેમ બને છે એમ, ગુપ્તાજીને પૈસા આપવામાં આ પ્રોડ્યુસર્સ આજ-કાલ, કાલ-આજ કરવા લાગ્યા. પછી જ્યારે ફિલ્મ રિલીઝ થવાની અણી પર આવી એટલે ગુપ્તાજીએ હવે નાક દબાવ્યું છે.
મુકેશ ગુપ્તાએ એક ફિલ્મ ટ્રેડ મેગેઝિનમાં કાનૂની નોટિસ ઠપકારી છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે : ‘ફૂલે’ના નિર્માતાઓએ એમને પૈસા નથી આપ્યા એટલે આ ફિલ્મને રિલીઝ નહીં થવા દે. આ ઉપરાંત આ નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ફિલ્મના પ્રોડ્યુસર્સ મુકેશ ગુપ્તાની રજા વગર ફિલ્મના ડિજિટલ, સેટેલાઈટ, થિયેટર અને અન્ય રાઈટ્સ કોઈને વેચી શકશે નહીં. વિગેરે,વિગેરે..
આ ફિલ્મમાં પ્રતીક ગાંધી મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને પત્રલેખા સાવિત્રીબાઈ ફૂલેના મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ આમ તો આજે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેને 25 એપ્રિલ સુધી પાછળ ધકેલી દેવામાં આવી છે. જો કે, ‘ફૂલે’ માટે ફક્ત આ એક જ તકલીફ નથી. ફિલ્મનું ટ્રેલર જ્યારે રિલીઝ કરવામાં આવ્યું ત્યારે સમાજના અમુક વર્ગ દ્વારા તેનો વિરોધ ઓલરેડી કરવામાં આવ્યો હતો. હવે જોવાનું એ છે કે આ ફિલ્મના પ્રોડ્યુસર્સ ગુપ્તાજીનું બાકી લ્હેણું ચૂકવ્યા બાદ રાહતનો શ્વાસ લઇ શકશે કે પછી જે સમાજને ફિલ્મ સાથે વાંધો છે એ ફરીથી ફિલ્મને અટકાવશે?
આ પણ વાંચો: ક્લેપ એન્ડ કટ..! : `ભાઈ’ કો કર્ણાટક મોડલ પસંદ હૈ!
લંડનમાં ‘ડીડીએલજે’ અમરત્વ પામશે!
લંડનના લેસ્ટર સ્ક્વેર પર ભારતીય સિનેમા ઈતિહાસમાં થિયેટરમાં સહુથી લાંબો સમય ચાલેલી ફિલ્મ ‘ ડીડીએલજે’ ઉર્ફે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ અમર બની જવાની છે. આ સ્થળ ‘સિન્સ ઇન ધ સ્ક્વેર’ ના નામે દુનિયાભરની આઇકોનિક ફિલ્મોનાં યાદગાર દ્રશ્યોનાં પૂતળાં મૂકવામાં આવ્યાં છે. આવનારા સમયમાં અહીં ‘ડીડીએલજે’/ નું પણ એક દ્રશ્ય પ્રતીમા સ્વરૂપે સ્થાન પામવાનું છે. લેસ્ટર સ્ક્વેરની ઇસ્ટર્ન ટેરેસ પર આવેલા ‘ઓડિયન’ સિનેમાની જરાક બહાર જ આ પ્રતિમા ગોઠવવામાં આવશે.
ઈન્ટરનેટ પર થોડા ખાંખાખોળા કર્યા બાદ અમને એ જાણવા મળ્યું છે જે ફિલ્મમાં જ્યારે રાજ અને સીમરન એકબીજાને પહેલીવાર ક્રોસ કરે છે એ દ્રશ્ય અહીં પથ્થર ઉપર કંડારીને સ્થાપિત કરવામાં આવશે. જો કે લંડનવાસીઓ માટે ‘ડીડીએલજે’ ઉપર આવી કલાકૃતિ બની હોય એવી આ પહેલી ઘટના નથી.
લંડનના કિંગ્સ ક્રોસ સ્ટેશન, ટાવર બ્રિજ, હાઈડ પાર્ક અને હોર્સગાર્ડ્સ એવન્યૂ પર આ ફિલ્મને સાંકળતી ઘણી બધી કૃતિઓ સ્થાપિત થઇ ચૂકી છે. આ ફિલ્મ તેના ત્રીસ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે આનાથી મોટું બીજું કયું બહુમાન હોઈ શકે ?
હૃતિક પર ચીટિંગનો આરોપ…
હૃતિક રોશન આજકાલ અમેરિકાની ટૂર ઉપર છે. આ ટૂરના આયોજકો દ્વારા તેના પ્રચાર દરમ્યાન એવું વચન આપવામાં આવ્યું હતું કે 1500 ડૉલરની ટિકિટ લેનારા વીઆઈપી મહેમાનોને હૃતિકને પર્સનલી મળવાની તક મળશે.
ડલાસમાં આ જ પ્રકારે થયેલા એક શો દરમિયાન એક વીઆઈપી દર્શકને કડવો અનુભવ થયો છે.
એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે મેં 1500 ડૉલરથી પણ વધુ રકમ ખર્ચી અને ડલાસમાં મારા આઇકન હૃતિકને મળવા ગયો. પ્રોગ્રામ બાદ હૃતિકને મળવાનું તો થયું પરંતુ આ મીટિંગ ફટાફટ પતાવી દેવામાં આવી. ટૂંકમાં આટલા બધા પૈસાનો ખર્ચ કર્યા બાદ પણ હૃતિક રોશનના ડાયહાર્ડ ફેન્સને એની સાથે સરખી રીતે વાત પણ કરવા દેવામાં ન આવી.
આ પણ વાંચો: ક્લેપ એન્ડ કટ..! : ‘ઊડતા પંજાબ’ બીજી વખત ઊડશે પણ અલગ રીતે
આટલું ઓછું હોય તેમ હૃતિક રોશન સાથે આ ફેનને એક ફોટો પણ પાડવા ન મળ્યો. કોઇપણ વ્યક્તિ જ્યારે પોતાની મનપસંદ વ્યક્તિને આટલી મોટી રકમ ચૂકવીને રૂબરૂમાં મળવા જાય ત્યારે એની સાથેની એક યાદગાર મોમેન્ટ ક્લિક કરવાની જરૂર ઈચ્છા હોય, પણ આ ફેનને એમ પણ કરવાની તક મળી નહીં.
કટ એન્ડ ઓકે!
‘મારી દીકરીનો નિર્ણય છે કે હાલપૂરતી એ બોલિવૂડમાં એન્ટ્રી કરવાની નથી.’
પોતાની પુત્રી ન્યાસાના બોલિવૂડ પદાર્પણની તાજી અફવાઓ પર પડદો પાડતી મમ્મી કાજોલ.