સ્ટાર-યાર-કલાકાર: ડાયેન કીટન: મહોબ્બત ને મુસ્કાન…‘ઉ-લા-લા’! | મુંબઈ સમાચાર
મેટિની

સ્ટાર-યાર-કલાકાર: ડાયેન કીટન: મહોબ્બત ને મુસ્કાન…‘ઉ-લા-લા’!

  • સંજય છેલ

‘ધ ગોડફાધર’

‘મને મૃત્યુ વિશે દરરોજ વિચાર આવે છે. મને એ ગમતું નથી, પણ હું એનાથી ડરતી પણ નથી.’

‘માતૃત્વે મને સંપૂર્ણપણે બદલી નાખી છે. એ મારા જીવનનો સૌથી નાજુક ને નમ્ર બનાવનારો અનુભવ છે.’

‘સમય વિતતા તમે ધીમે ધીમે સમજો છો કે એક જ જીવન છે, જે ખૂબ કિંમતી છે ને એ ડરી ડરીને જીવવા માટે નથી.’

આ કેટલાંક વાક્યમાં ડાયેન કીટનનો આખે આખો આત્મા ઝળકી ઉઠે છે. એક એવી સ્ત્રી, જે મસ્તીથી મીઠું મુસ્કુરાય છે, દિલ ખોલીને હસે પણ સાથોસાથ ઊંડું વિચારે પણ છે. દુનિયાદારીની નજરે એ જરા અજીબ છે ને સાથોસાથ પ્રેક્ટિકલ પણ છે. એનું જીવન, એની અનેક યાદગાર ફિલ્મો સમય રોમેંટિક કોમેડી જેવું રહ્યું, હજી 7 દિવસ પહેલાં એટલે કે 11 ઓક્ટોબર સુધી..

અમેરિકામાં લોસ એન્જેલસના સાવ સામાન્ય પરિવારમાં જન્મેલી ડાયેન હોલ, ને પછી કીટન બની. બ્રોડવેના રંગમંચ પરથી છેક હોલિવૂડ સુધી પહોંચી. 1972ની સદાબહાર ફિલ્મ ‘ધ ગોડફાધર’માં ચમકીને એણે એની એક આગવી ઓળખ મેળવી અને વિશ્વસિનેમાને એક નવો જ ચહેરો મળ્યો:

સંવેદનશીલ, સ્માર્ટ ને સાવ નોખો. એ જ ફિલ્મમાં એને મળ્યો અદ્ભુત અદાકાર અલ પચિનો, જે પછી ડાયેનની જિંદગીનો સૌથી ગહેરો ને અધૂરો અધ્યાય બનીને રહી ગયો. એમનો રોમાંસ ના લાંબો ચાલ્યો કે ના સાવ ખતમ પણ થયો!

પછી આવી 1977ની સૌથી અજીબ અતરંગી લેખક નિર્દેશક અભિનેતા વૂડી એલનની અદ્ભુત ફિલ્મ ‘એની હોલ’. આ ફિલ્મે ડાયેનને અભિનેત્રી તરીકે ઓસ્કાર એવોર્ડ અપાવ્યો. એટલું જ નહીં, એ ભૂમિકાએ ડાયેનને સિનેજગતમાં અમર બનાવી ને જગતને સ્ત્રીની સ્વતંત્રતા માટે નવા અર્થ પણ આપ્યા. એ ફિલ્મમાં કોસ્ચ્યુમ ડિઝાઇનરે એને રોમેન્ટિક હીરોઇન જેવો ચમકીલો ડ્રેસ આપ્યો,

પણ ડાયેનને ના ગમ્યો. બીજા દિવસે એ પોતાના ખુદનાં કપડાં પહેરીને ગઈ ઢીલું ખાખી પેન્ટ, પુરુષોની ટાઈ અને પહોળી મોટી હેટ! કારણ? ડાયેને એની હોલનું પાત્ર સમજીને કહ્યું, એની એક એવી સ્ત્રી છે જે પરફેક્ટ બનવા માગતી નથી, એ પોતાની અલગ ઓળખ સાથે જીવવા માગે છે.

આમ તો નિર્દેશક સામે આ નાનો વિરોધ હતો, પણ એણે આખી દુનિયા સામે ટિપિકલ સ્ત્રીની ઇમેજને બદલાવી નાખી. નિર્દેશક વૂડી એલને પછી માન્યું કે ડાયેન એની હોલના પાત્રને ફક્ત ભજવી નહોતી રહી…એણે એને ઘડી ને જીવંત કરી.

વુડી એલન અને ડાયેન વચ્ચેનો સંબંધ પણ બે મિત્રની કોઇ ફિલ્મી કથા જેવો હતો: પ્રેમ, મિત્રતા ને બુદ્ધિનો સંગમ. એ બંને વચ્ચેની સૂક્ષ્મ રમૂજ, બેઉની સહજ કોમેડી અને એમના અલગ વિચારોને આજેય લોકો યાદ કરે છે. ડાયેને વૂડી એલનની ‘સ્લીપર’, ‘મેનહટ્ટન’, ‘એની હોલ’ જેવી અનેક ફિલ્મોમાં રીતસર જાન પૂર્યો હતો. વૂડી કહે છે, ડાયેનનો ચહેરો ને હાસ્ય કોઈપણ અંધારા ઓરડાને પણ ઝગમગાવી દે એવું હતું.

ડાયેનની અલ પચિનો સાથેની પ્રેમકથા પણ એટલી જ ગહન અને કરુણ હતી. ‘ધ ગોડફાધર’ના સેટ પરથી શરૂ થયેલો સંબંધ વર્ષોથી સુધી ચાલ્યો. ડાયેન કહેતી, હું અલ પચિનો પાછળ પાગલ થઈ ગઈ હતી. એ મજેદાર, બોલકો, પરંતુ અંદરથી ખુદમાં જ ખોવાઇ ગયેલા કોઇ બાળક જેવો હતો.

1971થી 1990 સુધી અટકળો ફરી શરૂ થઇને ફરી અટકતો એવો પચિનો સાથેનો રોમાંસ વરસો સુધી ચાલ્યો. ડાયેનને લગ્ન કરવા હતા. પણ અલ પચિનો બંધનમાં બંધાવા તૈયાર નહોતો, પણ વર્ષો પછી અલ પચિનોએ કહેલું, હવે મને અફસોસ થાય છે કે મેં ડાયેન સાથે લગ્ન ન કર્યા. એ ખરેખર અદ્ભુત સ્ત્રી હતી. મારા પૈસા- કેરિયર એણે સાચવ્યા. મને તો ચેકબૂક એટલે શું એ પણ ખબર નહોતી.

2017માં જ્યારે ડાયેન કીટનને સમગ્ર કેરિયર માટે લાઇફટાઇમ એચિવમેંટ એવોર્ડ મળ્યો ત્યારે અલ પચિનોના હાથે મળેલો. ત્યારે પચિનોએ મંચ પર કહેલું, ડાયેન જગતની સૌથી મનમોહક સ્ત્રી છે, જેને હું ક્યારેક મળેલો. સાંભળીને હોલમાં બેઠેલા તમામ લોકો ઊભા થઈ ગયા, પરંતુ ડાયેન ફક્ત સ્મિત કરતી બેઠી રહી, જાણે વર્ષો જૂના અધૂરા ઇશ્કના અફસાનાને અંજામ મળી ગયો હોય!

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકારઃ અભિનેતાઓનો ફાધર નહીં ગોડફાધર છે માર્લોન બ્રાન્ડો

ડાયેન ક્યારેય પરણી નહીં પણ બે બાળક દત્તક લીધેલા. ડાયેને ‘રેડ્સ’ કે ‘ક્રાઇમ્સ ઓફ હાર્ટ’ જેવી ગંભીર ફિલ્મો પણ કરી.‘બેબી બૂમ’માં એક સ્ત્રીનો નોકરી અને માતૃત્વ વચ્ચેનો સંઘર્ષ, ‘ફાધર ઓફ ધ બ્રાઇડ’માં એક લઘરવઘર માની અસ્તવ્યસ્તતા, ‘ધ ફર્સ્ટ વાઇવ્ઝ ક્લબ’માં સ્ત્રીશક્તિનો વિદ્રોહ ને ‘સમથિંગ્સ ગોટા ગિવ’માં બૂઢાપામાં પ્રેમનો નવો જ અર્થ આ બધી દરેક ફિલ્મોમાં ડાયેનના વ્યક્તિત્વની નવી જ ઝલક દેખાતી.

જીવન વિશે ઊંડું વિચારતી ડાયેને કહેલું, કોઇ આત્મવિશ્વાસ કદીયે કાયમી નથી હોતો. જ્યારે જીવન તમને તોડી નાખે છે ત્યારે એને ટુકડે ટુકડા કરીને એને ફરીથી બાંધવો પડે છે. એ વાક્ય એના જીવનનો સાર છે. ‘હેમ્પસ્ટેડ’ ફિલ્મના એક દૃશ્યના શૂટિંગ પછી કહેલું, જ્યારે દુનિયાને તમારી જરૂરિયાત ના રહે, ત્યારે તમારે જાતે તમારી જરૂરિયાત કેમ ઊભી કરવી- એ શીખવું પડે.

ડાયેન કોમેડીને પળેપળ જીવતી હતી ને એના દિલફાડ હાસ્યથી જ અમર બની. ‘ઉલાલા’ એની તકિયા કલમ. એક ટીવી શોમાં એણે હેંડસમ એંકર સ્ટીફનને અચાનક પૂછેલું, હું જો બેકસ્ટેજમાં તને આલિંગન કરી બેસું તો તું મારા પર કેસ કરશે? અને આખું ઓડિયન્સ પાંચ મિનિટ હસતું રહ્યું. તો ક્યારેક કોઇ ટોકશોમાં એ ઓચિંતી ઘૂસી જઇને હંગામો મચાવતી!

હમણાં 11 ઓકટોબરના ડાયેનનાં અવસાન પછી વુડી એલનને લખ્યું, કાલ સુધી એ હતી ને હવે અચાનક આખી દુનિયા કેવી બોરિંગ લાગે છે! એના હાસ્યનો ધ્વનિ હજી મારી યાદોમાં ગૂંજે છે. અલ પચિનોએ કહ્યું, મારી જ નહીં, પણ ખરેખર આખી દુનિયા હવે ડાયેન વિના અધૂરી છે.

ડાયેન હજીયે ક્યાંક જીવે છે. કદાચ કોઈ જૂના મકાનની બારીમાં, કોઈ ફિલ્મના ફ્રેમમાં, અથવા ઓડિયન્સના દિલના ખૂણામાં. ડાયેન કીટન ગઈ, પરંતુ એની ટ્રેડમાર્ક જેવી ‘હેટ’ હજી એના ઘરમાં ખાલી ખુરશી પર મૂકેલી છે. જાણે ડાયેન પાછી આવીને સ્ટાઇલથી હેટ પહેરીને ફરીથી કહેશે,

‘ઉ-લા-લા..’ જિંદગીને એટલી ગંભીરતાથી ન લો, ડાર્લિંગ આ જસ્ટ લાઇફ છે. વધારે કંઇ નહીં.

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર” બોલિવૂડ મર્ડર… યે રાત ફિર ના આયેગી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button