શબ્દોની રેંજ સારી હોય તો માણસોનું નેટવર્ક ક્યારે’ય તૂટતું નથી…

અરવિંદ વેકરિયા
નોકરનાં પાત્ર માટે કેટલી રઝળપાટ કરી. મારે પરફેક્ટ ટાઈમિંગ સાથે ઈમોશનલ સીન સારી રીતે ભજવી શકે એવો કલાકાર જોઈતો હતો. જોકે સાથી કલાકારો મને નામ સજેસ્ટ કરતા અને હું એમનો સંપર્ક કરતો પણ ત્યારે મેળ પડતો નહોતો. કદાચ પહેલીવાર હું આટલો ‘ચીકણો’ બન્યો હોઈશ. એક અજાણ્યો જણ, જેને ક્યારેક જ મળતો અને કોઈ જાતનો ‘ભાવ’ આપ્યા વગર માત્ર ‘હાય-હેલ્લો’ કરી ચાલતો થઇ જતો. એણે જ પાસાદાર કલાકાર શોધી આપ્યો.
દરવાજો ન ખૂલવાનું કારણ હવે મને સમજાયું કે ખોલવાની હતી સાંકળ ને હું ટકોરા મારતો રહેલો. એ પાત્ર માટેના સંકટની સાંકળ બની એ વ્યક્તિ આવી. આજે તો એની સાથે સારો ઘરોબો છે. એ કલાકાર એટલે શેખર શુક્લ. કદાચ પાડેલું નામ ચંદ્રશેખર શુક્લ. અભિનેતા તરીકેનો ‘સૂરજ’ ઉગ્યો એટલે ‘ચંદ્ર’ને રજા આપી મતલબ કે નામ જરા મોટું લાગવાથી ટૂંકાવીને શેખર શુક્લ કર્યું હશે કદાચ. લાડમાં બધા એને ‘શેશું’ કહીને બોલાવે છે.
આજની નંબર વન સિરિયલ ‘અનુપમા’માં અગત્યનો રોલ ભજવે છે. એમનો પુત્ર ક્રિશ્ના શુકલ પણ અચ્છો કલાકાર છે. ‘મોરનાં ઈંડાંને ચોતરવા ન પડે’ એ કથન પુરવાર કરી ચૂક્યો છે. શેખર સાથે એ પછી મેં મારા દિગ્દર્શનમાં બીજાં નાટકો પણ કર્યાં, એ વાત ફરી ક્યારેક.
મારા આ નાટકનું કાસ્ટિંગ આમ તો પૂરું થયું પણ જયુકાકા (જયંત વ્યાસ)નો જવાબ બાકી હતો. જોકે એમની કદાચ ‘ના’આવે તો ચિંતા નહોતી કારણ મેં મારી જાતને ફ્રી રાખેલી. લોભ હતો કે જયંત વ્યાસનું નામ મળે તો નાટકનું વજન ચોક્કસ વધે. હવે તો સ્ક્રિપ્ટ પણ પૂરી થવાની તૈયારીમાં હતી. આ બધા વચ્ચે પેલા 30000 રૂપિયા યાદ આવ્યા કરતા પણ મહામહેનતે એ વિચાર કાઢવા પ્રયત્ન કરતો પણ ભૂલવું અઘરું તો હતું જ. સમય આવશે ત્યારે માગી લઈશ એમ મન મનાવતો રહેતો.
જયુકાકા (જયંત વ્યાસ) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા-નરીમાન પોઈન્ટ બ્રાન્ચમાં હતા. દૂરદર્શન પરથી પ્રસારિત થયેલ લોકપ્રિય સિરિયલ ‘ખાનદાન’માં મહત્તવની ભૂમિકા ભજવનાર મોહન ભંડારી પણ એ જ બ્રાન્ચમાં અને અમિત દિવેટિયા પણ ત્યાં જ. જયુકાકાનો ફોન આવ્યો નહીં એટલે હું એમની બ્રાન્ચમાં મળવા ગયો. મારાં વડીલ હતાં એટલે રૂબરૂ મળીએ તો વ્યવસ્થિત વાત થઈ શકે. હા, ઘણાં એવું માનતા હોય છે કે ‘ગરજ બંને પક્ષે હોવી જોઈએ’.
તમે અભિનય કરો તો એ માટે મહેનતાણું નિર્માતા શો પૂરો થતાં આપી જ દેતા હોય છે. હું જોકે માત્ર જયુકાકા સાથે નહીં, બધા સાથે પ્રેમથી જ વાત કરું છું. હંમેશાં ધ્યાન રાખવાનો પ્રયત્ન કરું કે મારાં બોલવાથી સામેની વ્યક્તિનું સ્વમાન ન ઘવાય. માણસ ભલે ગરીબ હોય પણ એનું સ્વમાન ક્યારેય ગરીબ નથી હોતું. હું બધા સાથે શાંતિ અને પ્રેમથી વાત કરતો અને એટલે જ આજે પણ બધા સાથે સંબંધ હુંફાળા રહ્યા છે. શબ્દોની રેંજ સારી હોય તો માણસોનું નેટવર્ક ક્યારેય તૂટતું નથી.
જયુકાકાનો જવાબ જરા અવઢવભર્યો હતો. મને કહે ‘રાજેશ જોશીનું હજી પાટે ચડ્યું નથી. મારું એની સાથે પહેલું કમિટમેન્ટ છે. માત્ર કમિટ થઈને ઘરે તો હું ન બેસી શકું’ મને સમજાયું નહિ. મેં પૂછ્યું ‘તો આમાં હું શું સમજુ? તમે મારી સાથે કામ કરશો કે પછી..? મેં જવાબની અપેક્ષાએ સવાલ અડધો છોડી દીધો, એમના જવાબ રૂપે શું શબ્દો સરે છે એની રાહમાં. શબ્દો ચાવીના ઝૂમખાં જેવાં હોય છે. કોઈ ચાવીથી તમે કોઈનું મોઢું ખોલાવી શકો અથવા કોઈ ચાવીથી કોકની બોલતી બંધ કરી શકો. હવે એવો જવાબ ન આવે કે મારી બોલતી બંધ થઈ જાય.
મારે સ્પષ્ટ જવાબ જોઈતો હતો. એમની ‘હા’ આવે તો સારું પણ જો ‘ના’ આવી તો એ માટે હું તૈયાર હતો. એમણે ડિપ્લોમેટ જવાબ આપ્યો: ‘જો દીકરા, રાજેશનું કામ હજી શરુ નથી થયું તો હું તારું નાટક કરું છું. પણ જયારે શૅ થશે તો મારે એની સાથે નાટક કરવું પડે. આપણે થિયેટરની તારીખો એડજસ્ટ કરી લઈશું. બોલ, સાંજે કેટલા વાગે રિહર્સલમાં આવું?’
મારે સમય જણાવ્યાં સિવાયઝ છૂટકો નહોતો. મને સમજાયું નહી કે મારાં નાટક માટે ‘હા’ પાડી? રાજેશ જોશીનું નાટક શરૂ થતાં એ એમનું નાટક કરે તો મારાં પ્રોજેક્ટનું શું? મનોમન એક ધરપત હતી કે ‘હું આમ પણ ફ્રી છું,પણ આ ‘ફ્રી’ ક્યાં સુધી રહેવાનું?
મને કલાકાર તરીકે બીજા નાટકની ઓફર આવે તો હું કેમ લઉં? કદાચ બીજું નાટક લઉં અને જયુકાકાનાં કહ્યાં મુજબ એમનું રાજેશનું નાટક શરુ થઈ જાય તો?’ અંદરથી મને વિશ્વાસ હતો કે એવું નહિ બને.. વસંતમાં વિશ્વાસ રાખનાર ક્યારેય ખરી પડેલાં પાન પર રડતો નથી. જે થશે એ સારું જ થશે એવાં હકારાત્મક વિચાર સાથે મેં કહ્યું,’ ઠીક છે.. કાલે 6.30 વાગે શાંતિનિવાસ હોલમાં મળીએ.’
નીકળ્યો ત્યારે પગ ભારે થઈ ગયેલાં. એમણે થિયેટરની તારીખ એડજસ્ટ કરવા કહ્યું હતું પણ મારી પાસે તેજપાલ-સાંજ હોય અને એની પાસે સાંજનું જ કોઈ બીજું થિયેટર હોય તો હું કઈ રીતે એડજસ્ટ કરું? આ દ્વિધા મને કોરી ખાતી, પણ પછી ‘પડશે એવા દેવાશે’ મારી બા એ કહેલ વાક્ય મનમાં બોલી ત્યાંથી હું નીકળ્યો.
શિક્ષક: બોલ ભૂરા, હોસ્પિટલના + આ ચિન્હનો અર્થ શું?
ભૂરો: સહેલું છે સર, ઊભો લીટો એ ડોક્ટર અને આડો લીટો એ પેશન્ટ.



