મેટિની

ફિલ્મનામા: પત્નીએ લખેલી બાયોગ્રાફીથી ઓમ પુરી અપસેટ હતા?

ફિલ્મનામા -નરેશ શાહ

બીજી પત્નીએ લખેલી ઓમ પુરીની આત્મકથા પર નવી સર્ચલાઈટ ફેંકે છે ઓમ પુરીનાં પ્રથમ પત્નીની આત્મકથા !
2017માં 66 વરસની ઉંમરે ગુજરી ગયેલા ઉમદા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અભિનેતા ઓમ પુરી 2025માં ફરી ચર્ચામાં આવ્યા છે.

યોગાનુયોગ એ છે કે આ વખતે પણ ઓમપુરી એમના એક સમયના પત્ની સીમા કપૂરને કારણે સ્મૃતિમાં ફરી જાગૃત થયા છે. આમ જુઓ તો ઓમ પુરી જેવા સમર્થ અભિનેતા એમની ફિલ્મો કે અભિનયના કારણે જ લાઈમલાઈટમાં રહેવા જોઈએ, પણ ઓમ પુરીની એ કમનસીબી રહી છે કે જિંદગીના છેલ્લા બે દશકા દરમિયાન એ બે પત્નીઓના કારણે જ વધુ ચર્ચામાં રહ્યા હતા.

પહેલી વખતની ચર્ચામાં એમનાં બીજા પત્ની અને પત્રકાર નંદિતા પુરી (ચૌધરી) એ લખેલી ઓમ પુરીની બાયોગ્રાફી ‘અનલાઈકલી હીરો’ નિમિત બની હતી.

2009માં પત્રકાર-પત્ની નંદિતા ચૌધરીએ લખેલી અને પ્રસિદ્ધ થયેલી બાયોગ્રાફીના એક ચેપ્ટરના અઢાર પાનાંએ રીતસરની ચર્ચા જગાવી હતી, કારણ કે તેમાં નંદિતાએ પતિ ઓમ પુરીના અન્ય ીઓ સાથેના દૈહિક સંબંધની અને પ્રેમ પ્રસંગોની વાત નામ દઈને લખી હતી. એટમ બોમ્બ ફૂટવો સ્વાભાવિક હતો. નંદિતા પુરીએ લખેલી બાયોગ્રાફી (ખાસ તો મહિલાઓ પરનું એ ચેપ્ટર) વાંચો તો છાપ એવી જ પડે કે ઓમ પુરી ‘નાડી છુટ્ટા’ એક્ટર હતા. મજા તો એ હતી કે ખુદ ઓમ પુરી પોતાની એ બાયોગ્રાફીને પ્રમોટ કરતાં પ્રસંગોમાં (પત્ની નંદિતા સાથે) હાજર રહેતા હતા. આ કારણે ઈમેજ એવી ઊભી થઈ હતી કે ઓમ પુરી પણ પત્ની લિખિત પોતાની બાયોગ્રાફીની વિગતોથી સહમત હતા, પરંતુ ફેબ્રુઆરી, 2025માં ઓમ પુરીનાં પ્રથમ પત્ની અને અભિનેતા અનુ કપૂરના બહેન સીમા કપુરે પોતાની લખેલી આત્મકથામાંથી તમે પસાર થાવ છો ત્યારે એક બીજું સત્ય ઉઘડીને આપણી સમક્ષ આવે છે.

સીમા કપૂરે આલેખેલાં સત્યની વાત કરતાં પહેલાં ‘દો ફૂલ, એક માલી’ જેવી સિચ્યુએશન ધરાવતાં સીમા કપૂર-ઓમ પુરી-નંદિતા પુરી (ચૌધરી)નું બેકગ્રાઉન્ડ જાણવું જરૂરી છે. ઓમ પુરી ‘ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા.’ અને ‘પુના ફિલ્મ ઈન્સિટ્યૂટ’માં અભ્યાસ પૂરો કર્યા પછી મુંબઈ હતા ત્યારે સીમા કપૂર એમને પહેલી વખત મળ્યાં હતાં . લગભગ અગિયાર વરસના સંપર્ક અને સંબંધ (સીમા કપૂરે ઓમ પુરી સાથે શરીરસંબંધ લગ્ન પહેલાં જ બંધાયાનું આત્મકથામાં લખ્યું છે!) પછી બંને 1991માં પરણી ગયા. ઓમ પુરી ત્યારે એકતાલીસ વરસના હતા , પણ…

આ પણ વાંચો…ફિલ્મનામાઃ ડબલ મિનિંગ વત્તા વલ્ગારિટી એટલે ભોજપુરી ફિલ્મો ને ગીત?

દશકા જૂની ઓળખાણ-આત્મીયતા પછી સીમા કપૂર – ઓમ પુરીના થયેલાં લગ્ન બે વરસ પણ માંડ ટક્યા. ‘સીટી ઓફ જોય’ના શૂટિંગમાં ગયેલા ઓમ પુરી ઈન્ટરવ્યુ લેવા આવનારા પત્રકાર નંદિતા ચૌધરીના પ્રેમમાં પડી ગયા. 1993માં એમણે સીમા કપૂરને ડિવોર્સ આપ્યા પછી એમણે નંદિતા ચૌધરી સાથે લગ્ન કરી લીધા અને ‘ઈશાન’ નામના પુત્રના પિતા પણ બની ગયા.

એ પછી આવ્યો યુ ટર્ન.નંદિતા સાથેના દામ્પત્યજીવનમાં સાત આઠ વરસમાં જ ઓટ આવી ગઈ અને પુરી સાહેબ (સીમા કપૂર આજ સંબોધન કરે છે ઓમ પુરી માટે) ફરી સીમા કપૂર પાસે આવવા માંડ્યા. એ પછી તો સીમા – ઓમ – નંદિતાના જીવનમાં પોલીસ કેસ, કોર્ટ કેસ, માનહાનિ કેસ, જાહેર લડાઈ જેવું ઘણું બધું , પરંતુ પુત્ર ઈશાનને મળવવાના મોહમાં ઓમ પુરી હડધૂત થઈને પણ નંદિતા પુરીના ઘેર જતાં, જે ઘર ખરેખર તો ઓમ પુરીએ જ ખરીદેલું. અલગ રહેવા માટે એમણે એક અન્ય ફલેટ ખરીદીને ત્યાં રહેવાનું શરૂ કરી દીધું હતું, જ્યાંથી એક સવારે રસોડામાં ફર્શ પર પડેલો એમનો નિર્વ દેહ મળ્યો હતો!

2009માં જ નંદિતા ડિવોર્સ માટે તૈયાર થઈ ગયા હતાં અને એ વરસે નંદિતાએ ઓમ પુરીની લખેલી બાયોગ્રાફી ‘અનલાઈકલી હીરો’ પબ્લિશ થઈ હતી.

બીજી તરફ, સીમા કપૂર પોતાની બાયોગ્રાફી ‘યુ ગુજરી હૈ અબ તલક’માં લખે છે કે, ‘અનલાઈકલી હીરો’ બાયોગ્રાફીથી ઓમ પુરી ખુશ નહોતા., છતાં એમણે વિરોધ ગળી જવો પડેલો, કારણ કે વિરોધ કરે તો નંદિતા એમને પુત્ર ઈશાનને મળવા નહીં દે એવી ભીતિ ઓમ પુરીને હતી.

આ પણ વાંચો…ફિલ્મનામા: બામ ચીક, ચીક બમ ને ગાપુચી, ગાપુચી ગમ ગમ!

વધુ ચમકાવનારી વાત તો સીમા કપૂરે એ લખી છે કે (ઓમ) પુરી સાહેબે પોતાની બાયોગ્રાફી લખવાનું કામ પોતાની મિત્ર અપરાજિતા કૃષ્ણને આપી દીધું હતું. અપરાજિતાએ તેનું હોમ વર્ક પણ શરૂ કરી દીધું હતું અને દિલ્હી, પૂના, ચંદીગઢ, પંજાબ જઈને પુરીસાહેબના મિત્રો, પરિચિતોના ઈન્ટરવ્યૂ કરી લીધા હતા. ઓમ પુરીની ખુદની વાતો એ રેકર્ડ પણ કરતી જતી હતી, પણ નંદિતાને આ વાતનો ખ્યાલ આવ્યો એટલે તેણે ‘હઠ’ લીધી કે ઓમ પુરીની બાયોગ્રાફી એ જ લખશે. લડાઈ-ઝઘડાથી કાયમ થાકી-હારી જતાં ઓમ પુરીએ ‘કજિયાનું મોં કાળું’ કરીને નંદિતાને ‘અનલાઈકલી હીરો’ લખવા દીધી. બાયોગ્રાફી પ્રસિદ્ધ થઈ ત્યારે ઓમ પુરીએ એવું નિવેદન પણ આપેલું કે મેં મારી આત્મકથાની પાંડુલિલિ (રફ ડ્રાફ્ટ) પણ વાંચી નથી. એ નંદિતાએ લખેલાં મહિલાઓના ચેપ્ટરથી અપસેટ હતા, પરંતુ દર વખતની જેમ નંદિતાને નમતું જોખીને ઓમ પુરીએ પોતાના જ નિવેદનને રદિયો આપી દીધો હતો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button