ફિલ્મનામા : સીતા રામમ: લવસ્ટોરીમાં પણ રહસ્યના આટાપાટા!

- નરેશ શાહ
કાશ્મીરમાં ભારતીય સૈના માટેનો ધિક્કાર-ગુસ્સો જાણીતા છે, પણ તેના અંકુર કેવી રીતે ફૂટ્યાં, એ ખબર છે?
સાઈઠના દશકામાં આજની જેવા ઓળખ માટેના આઈકાર્ડ નહોતા ત્યારે બોર્ડર પારના જિહાદગુરુઓ ટીનએજ બચ્ચાંઓને ક્રમશ: કાશ્મીરમાં ઘુસાડી દેતા હતા. નવલોહિયા યુવાનોની હાજરી શંકા જન્માવતી નહીં અને છ-આઠ મહિના પછી એ કાશ્મીરી હોવાનું રાશનકાર્ડ મેળવી લેતાં. એ વખતે આ બધું અતિ આસાન હતું. કોઈ નક્કર ડાટા નહોતો અને હોય તો સરળતાથી ઉપલબ્ધ નહોતો થતો.
પાકિસ્તાનથી ઘૂસીને ઓફિશિયલ કાશ્મીરી બનીને રહેવા લાગેલા આ જિહાદી-યુવાનોની ઘૂસણખોરીની માહિતી પછી ફોટોગ્રાફ જેવા આધાર-પુરાવા સાથે ભારતીય સૈન્યને પહોંચાડવામાં આવતી. આ ગુપ્ત માહિતી પર ભારતીય સૈન્ય એક્શનમાં આવે ત્યારે ઘૂસણખોરી કરી ચૂકેલાં યુવાનો સૈન્યથી બચવા ભાગે અને એન્કાઉન્ટર યા ભાગ-પકડ દરમિયાન ભારતીય સૈન્યની ગોળીનો ભોગ બને એટલે મૂળ કાશ્મીરીઓને એવું જ લાગે કે સૈન્યએ અત્યાચાર કર્યો. માસૂમોને વીંધી નાખ્યા. ગુસ્સો આક્રોશમાં પલટે અને પછી નફરતમાં પરિવર્તિત થાય અને એ આજની પરિસ્થિતિનું દૃશ્ય-હાલાત સર્જી ગયા. આ વાતનું પ્રત્યક્ષ દર્શન તમને તેલુગુ અને વિવિધ ભાષામાં બનેલી `સીતા રામમ’ ફિલ્મ જુઓ ત્યારે થાય, પણ આ તો શરૂઆત છે. એ પછી ફિલ્મ રહસ્ય-સસ્પેન્સના એક મજબૂત તાંતણાં સાથે આરંભાઈ છે.
લંડનમાં ભણતી પાકિસ્તાની યુવતી આફરિન (રશ્મિકા મંદાના) વિશિષ્ઠ સિચ્યુએશનમાં દશ લાખ લેવા માટે પાકિસ્તાન પોતાના આર્મી ઓફિસર-દાદા (સચિન ખેડેકર) પાસે આવે છે પણ દાદા હવે હયાત નથી અને આફરિનને એમની પ્રોપર્ટી તો જ મળી શકે તેમ છે, જો એ દાદાજીએ સાચવી રાખેલો એક સરનામાં વગરનો પત્ર સીતા મહાલક્ષ્મી નામની વ્યક્તિને પહોંચાડે…1964માં લખાયેલા એ પત્રને વીસ વર્ષ પછી, 1984માં નિશ્ચિત વ્યક્તિ સુધી પહોંચાડવાનું અટપટું કામ આફરિનની જવાબદારી બને છે, પણ…
બંધ પરબીડિયામાંનો એ પત્ર ભારતીય સૈન્યના લેફટનન્ટ રામે લખ્યો છે, પણ એ પાકિસ્તાની આર્મી ઓફિસર દાદા પાસે કેવી રીતે આવ્યો? આ સીતા મહાલક્ષ્મી કોણ છે? વીસ વરસ પછી એ ક્યાં છે અને વીસ વરસ સુધી આ પત્ર કેમ એના સુધી પહોંચાડવામાં આવ્યો નથી? એ લખનાર લેફટનન્ટ રામ કોણ છે? ભારતીય સૈન્યમાં હોવા છતાં એ ભારતમાં જ રહેતી સીતાને પત્ર કેમ પહોંચાડી શક્યો નથી અને…
આ પણ વાંચો: ફિલ્મનામાઃ ડબલ મિનિંગ વત્તા વલ્ગારિટી એટલે ભોજપુરી ફિલ્મો ને ગીત?
ભારત આવીને આફરિન વીસ વરસ જૂના આ પત્ર અને એની પાછળની સચ્ચાઈ પર બાઝેલી ધૂળ ખંખેરે છે ત્યારે એવી વાતો ઉઘડતી જાય છે કે લવસ્ટોરીઓ જોવાનો તમારો અણગમો જ ઓગળી જાય છે.
`સીતા રામમ’ એટલી મજેદાર (અમુક અંશે જિજ્ઞાસા વધારતી થ્રિલર જેવી) લવસ્ટોરી છે.
તમે એ જોવાનું શરૂ કરો છો ત્યારે ડગલે ને પગલે થતી ઈંતેજારી તમને અઢી કલાક લાંબી ફિલ્મના અંત સુધી ખેંચી જાય છે. તમે તૃપ્ત થઈને ફિલ્મ પૂરી કરો છો ત્યાં સુધીમાં તમારા દિમાગમાં દિલ સે' અને
વીરઝારા’ની આછી પાતળી યાદ ઊપસી આવે છે પણ યકિન માનીએ, `સીતા રામમ’ આ બંને સુપર હિટ ફિલ્મો કરતાં જરાય ઊતરતી નથી અને તદ્ન વેગળી પણ છે.
એમ પણ કહેવાય છે કે `સીતા રામમ’ સત્ય ઘટના પર આધારિત છે પણ એ સત્ય ઘટના વિશે અહીં લખીશું નહીં, કારણ કે, તેનાથી રસક્ષતિ થઈ શકે છે. થિયેટરમાં રિલીઝ થયા પછી તેણે ખાસ્સો એવો બિઝનેસ કર્યો હતો અને પ્રશંસા પણ મેળવી હતી.
હવે આ મૂળ તેલુગુ ફિલ્મ ડિઝની-હોટસ્ટાર પ્લેટફોર્મ પર હિન્દી સહિતની અનેક ભાષામાં ઉપલબ્ધ છે. હનુ રાધવાપુડી દિગ્દર્શિત `સીતા રામમ’ના લેખનમાં અન્ય ચાર લેખકો પણ સંકળાયા છે, પરંતુ એમણે ભેદભરમના વરખ ચડાવેલી, સરસ મજાની મ્યુઝિકલ લવસ્ટોરી પડદા પર જીવંત કરી છે.
આ પણ વાંચો: ફિલ્મનામા: બામ ચીક, ચીક બમ ને ગાપુચી, ગાપુચી ગમ ગમ!
ભારતીય સૈન્યના લેફટનન્ટ રામ તરીકે દુલકર સલમાનની ક્યૂટનેસ અને સીતા મહાલક્ષ્મી તરીકે મૃણાલ ઠાકુરનું રહસ્યમય કિરદાર સરસ રીતે ઉપસ્યું છે. `સીતા રામમ’ની સફળતા પાછળ નક્કર વાર્તા, સ્ક્રીપ્ટ તો છે જ, પરંતુ એ ભારતભરમાં વખણાઈ અને જોવાઈ એ માટે તેની સ્ટારકાસ્ટ પર એક નજર નાખવા જેવી છે. સચિન ખેડેકર, મૃણાલ ઠાકુર (મરાઠી), ટીનુ આનંદ, ભૂમિકા ચાવલા, નિરજ કાબી (હિન્દી બેલ્ટ), પ્રકાશ રાજુ, રશ્મિકા મંદાના, દુલકર સલમાન (તામિલ-તેલુગુ) અને જીશુ સેનગુપ્તા (બંગાળી)…
આ સ્ટારકાસ્ટ એ તરફ ઈશારો કરે છે કે, ભારત વર્ષમાં વ્હૂયરશિપ જોઈતી હોય તો વિવિધ પ્રાંત-ભાષાના કલાકારોનું કોકટેલ કરવું અસરકારક છે. `સીતા રામમ’ ફિલ્મમાં એ પુરવાર થાય છે.
`સીતા રામમ’ ફિલ્મ એ પણ મેસેજ આપે છે કે મામુટી પુત્ર દુલકર સલમાનની સ્ક્રીપ્ટ સેન્સ કાબિલ-એ-તારિફ છે. તમે દુલકર સલમાનની ફિલ્મોગ્રાફી જોઈને આ વાતની ખાતરી કરી શકો છો.