ક્લેપ એન્ડ કટ..! ‘થામા’……જરા થાંબા

- સિદ્ધાર્થ છાયા
મેડોકનાં હોરર-કૉમેડી યુનિવર્સની ફિલ્મ ‘થામા’ દિવાળી પર રિલીઝ થાય છે. આને લઈને બોલિવૂડવાળા ખૂબ ઉત્સાહમાં છે.
પરંતુ, બટ… ફિલ્મનું ટ્રેલર જોઇને આ યુનિવર્સનાં ફેન્સ એટલાં બધાં ઉત્સાહિત નથી. અમુક તો એમ પણ કહે છે કે ‘થામા’ એ આ યુનિવર્સની સહુથી નબળી ફિલ્મ લાગે છે. એ જે હોય તે, પણ અત્યારે ‘થામા’ને પ્રાદેશિક ફિલ્મો બરાબર સ્પર્ધા આપશે એ નક્કી છે.
આમ તો ‘મોટી બોલિવૂડ ફિલ્મ’ સામે બીજી બોલિવૂડ ફિલ્મ પણ રિલીઝ નથી થતી, પરંતુ દિવાળીનો સમય જ એવો છે કે દરેકને કણ અને મણ મળી રહેતું હોય છે. આ જ ન્યાયે ‘થામા’ને અત્યારે મરાઠી, પંજાબી અને ગુજરાતી ફિલ્મો પડકારી રહી છે. 21 ઓકટોબરમાં ‘થામા’ની સાથે સ્વપ્નિલ જોશી અને રુચા વૈદ્યની મરાઠી ફિલ્મ ‘પ્રેમાચી ગોષ્ઠ-2’ પણ રિલીઝ થઇ રહી છે.
આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..!: ‘કિંગ ખાન’નાં ઈંડાં કંઈ ચીતરવા પડે?
તો પંજાબી ફિલ્મ ‘ગોડ્ડે ગોડ્ડે ચા-2’ પણ એ જ દિવસે રિલીઝ થશે. આ રીતે મુંબઈ અને દિલ્હી/પંજાબ સર્કિટ તો ‘થામા’ને સ્પર્ધા આપશે. એની સાથે ગુજરાતમાં પણ તેને શ્વાસ લેવાની તક નથી મળવાની. આ જ દિવસે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે એવી ‘ચણિયા ટોળી’ પણ ગુજરાતભરમાં રિલીઝ થાય છે. ઔર અભી તો રુકો, એક હિન્દી ફિલ્મ ‘એક દીવાને કી દીવાનીયત’ પણ લાઈનમાં જ છે.
આમ, હવે મોટી બોલિવૂડ ફિલ્મોની શરમ હવે કોઈ ભરતું નથી એ નક્કી છે. એમાંય જો ‘થામા’ નબળી ફિલ્મ નીકળી તો પત્યું!
દિવાળીના દિવસો પત્યાં પછી આ બધી ફિલ્મોને વધુ સ્ક્રિન મળી જશે અને ‘થામા’ને વધુ નુકસાન થશે એ પાક્કું.
નવાઝુદ્દીન સિદ્દીકી હાઝીર હો…
-પણ એ હાજર ન રહ્યો! પરિણામ? કેસ બંધ થઇ ગયો. ન ખબર પડી? તો જાણી લો…વાત એવી છે કે 2000ની સાલમાં નવાઝે પોતાનાં સગા ભાઈ સમશુદ્દીન પર ચીટિંગ કરીને અને પોતાની પૂર્વ પત્નીને ભડકાવીને એને બદનામ કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો. આ આરોપ બાદ નવાઝે આ બંને ઉપર કુલ 100 કરોડ રૂપિયાનો માનહાની અને માનસિક ત્રાસનો દાવો માંડ્યો હતો.
હવે, કોર્ટમાં તમે કેસ કરો કે તમારા ઉપર કોઈ કેસ કરે, તારીખ પડે એટલે હાજરી તો પુરાવી પડે ને? બસ, નવાઝે આ જ ભૂલ કરી. આ પાંચ વર્ષમાં જેટલી પણ તારીખ પડી નવાઝ કે એનો વકીલ એક પણ તારીખમાં હાજર ન રહ્યાં. પરિણામે કોર્ટ પણ કંટાળી અને આખો કેસ જ રદ્દ કરી દીધો. આમ, અત્યારે તો એમ કહી શકાય કે નવાઝુદ્દીન સિદ્દીકીનાં બાવાનાં બે ય બગડ્યા. ન તો એ પોતાના જ ભાઈ અને પૂર્વ પત્ની પર પોતે લગાવેલા આરોપ સિદ્ધ કરી શક્યો કે ન તો એને કોર્ટ તરફથી કોઈ રાહત મળી. પેલા 100 કરોડ રૂપિયા તો હજી આ નુકસાનમાં આપણે ગણ્યા જ નથી હોં!
બિજલાનીને બીક લાગે છે…
સંગીતા બિજલાની, નામ તો સુના હોગા! એ અત્યારે સખ્ખત ડરી ગઈ છે. ના, ના ‘જૂનું દર્દ’ પાછું નથી આવ્યું. વાત એમ છે કે સંગીતાનું એક ફાર્મ હાઉસ પુણે નજીક પવાનામાં આવેલું છે. ગત જૂન મહિનામાં જ્યારે આ ફાર્મ હાઉસ બંધ હતું ત્યારે કેટલાંક લૂંટારાઓ તેમાં અંદર ઘુસી ગયાં હતાં. આ લૂંટારાઓએ આ ફાર્મ હાઉસમાંથી 50 હજાર રૂપિયા કેશ લૂંટી એટલું જ નહીં, બધો સામાન વેર-વિખેર કરી નાખ્યો.
આવો અનુભવ પહેલી વખત થયો હોવાથી સંગીતા ખૂબ ડરી ગઈ છે. તેના કહેવા અનુસાર આ તેનું બીજું ઘર છે અને આ ઘર સાથે આવું પણ થઇ શકે એ જોઇને તેને ધ્રુજારી છૂટી ગઈ છે. પોલીસે પણ સંગીતાને ન્યાય આપવાની ખાતરી આપી છે.પોલીસના જણાવ્યા અનુસાર એ વિસ્તારમાં સેલિબ્રિટીઝનાં ફાર્મ હાઉસ હોવા ઉપરાંત અનેક સિનિયર સિટિઝન્સ પણ નિવૃત્તિ ગાળવા ત્યાં આવતાં હોય છે. આથી, બિજલાની સાથે અન્યોની સુરક્ષા વિષે પણ આ ઘટનાએ પ્રશ્નો ઊભાં કરી દીધાં છે.
જોકે, વાત અહીં અટકતી નથી. બિજલાનીએ પોતાની સુરક્ષા માટે હવે ગન માટેનું લાઈસન્સ પણ માગ્યું છે. તેને ડર છે કે ભવિષ્યમાં જો તેની હાજરીમાં જો આવી ઘટના થશે તો?
કટ એન્ડ ઓકે…
HRX ફિલ્મ્સનાં બેનર હેઠળ હૃતિક રોશનની પહેલવહેલી વેબસિરીઝ એમેઝોન પ્રાઈમ પર જોવા મળશે, પરંતુ તેમાં હૃતિક જોવા નહીં મળે.
આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..!: ભાઈજાનનો જવાબ: ‘ટાઈગર અભી ઝિન્દા હૈ…’