મેટિની

ક્લેપ એન્ડ કટ..! : ‘અબીર-ગુલાલ’ની ગેમ ઓવર?

-સિદ્ધાર્થ છાયા

થોડાં અઠવાડિયા અગાઉ આપણે ‘ક્લેપ એન્ડ કટમાં’ જાણ્યું હતું કે પાકિસ્તાની કલાકાર ધરાવતી ભારતીય ફિલ્મ ‘અબીર ગુલાલ’ને મહારાષ્ટ્રમાં રિલીઝ નહીં કરવા દેવામાં આવે તેવી વાત અહીંની બે રાજકીય પાર્ટીએ કરી હતી. હવે તાજેતરની પહેલગામની ઘટના બાદ હવે સોશિયલ મીડિયા પર ‘અબીર ગુલાલ’ના મુખ્ય કલાકાર તરીકે ફવાદ ખાનને લેવા માટે જલદ રોષ પ્રગટી રહ્યો છે. સોશિયલ મીડિયાના યુઝર્સ પહેલેથી કહી રહ્યાં છે કે ભારતમાં આટલા ટેલેન્ટેડ કલાકાર હોવા છતાં ફવાદને લીધો જ કેમ ? હવે પહેલગામની આતંકવાદી ઘટના પછી તો ‘ફિલ્મ ફેડરેશને’ પણ આ ફિલ્મની રજૂઆત સામે સખત વિરોધ જાહેર કર્યો છે..

કેટલાક યુઝર્સ તો ટિકિટ બુકિંગ એપ્સને વિનંતી કરી રહ્યા છે કે આ ફિલ્મનું બુકિંગ તમારા હાથમાં ન લો અને જો લેશો તો તમારે પણ બાયકોટનો સામનો કરવો પડશે.

ફવાદ ખાનનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. ભારતમાં બનેલી અમુક આતંકવાદી અમુક ઘટનામાં એની મૂંગી તો અમુક વખત એની બોલકી સહમતી રહી છે. અત્યારે એની ફિલ્મ રિલીઝ થવાની છે એટલે એ કદાચ મૂંગો રહેશે, પરંતુ ભારતીય દર્શકો મૂંગા રહેવાના બિલકુલ મૂડમાં નથી.

શક્ય છે કે ‘અબીર ગુલાલ’ની રિલીઝ પાછી ઠેલાય અથવા તો મેકર્સ તેને ‘મૂંગા મોઢે’ કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરીને પોતાની જીવ છોડાવી દે.

ચોપરા પછી હવે ભુવનની ‘મહાભારત’
બી.આર.ચોપરાની ‘મહાભારત ‘સિરીઝ બે-બે વખત ટીવી ઉપર જોવા મળી અને બંને વખત તેને બમ્પર સફળતા મળી. હાલમાં રણબીર કપૂર જેમાં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવે છે એવી ‘રામાયણ’ ફિલ્મનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..! : ખિલાડી કુમાર અનાડી બનતા બચી ગયો !

હવે આવામાં આમિર ખાને પોતાને મહાકાવ્ય એવા મહાભારત પર ફિલ્મ બનાવવી છે એવી ઈચ્છા જાહેર કરી છે. આ વર્ષમાં મહાભારત ઉપર કામ શરૂ થઇ જશે એમ આમિરે હમણાં એક મુલાકાતમાં કહ્યું છે અને સાથે એમ પણ ઉમેર્યું છે કે કે મહાભારતની કથા પર સૌ પહેલાં તો ઊંડું સંશોધન અને પછી લખાણ શરૂ થશે. ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે એ તો હજી કહી શકાય તેમ નથી. આ ઉપરાંત આમિર ખાને એમ પણ કહ્યું છે કે આવી મહાકથા ફક્ત એક જ ભાગમાં દેખાડી શકાય એવો વિષય નથી એટલે એને એક કરતાં વધુ ભાગમાં વહેંચવી પડશે. હા, આ મહા- ફિલ્મમાં પોતે અદાકારી કરશે કે નહીં એ વિશે એણે ફોડ પાડ્યો નથી ચોપરાજીની ‘મહાભારત’ને ભલે દાયકાઓ વીતી ગયા પરંતુ તેની અસર આજે પણ ભારતીયોના માનસપટ ઉપર એટલી જ જબરદસ્ત રીતે અંકિત થયેલી છે. આથી આમિર મિયાં ઉર્ફે ભુવને પોતાની મહાભારતને યાદગાર બનાવવા ખરા અર્થમાં કેવી કમર કસવી પડશે એ પણ એક કલ્પનાનો વિષય છે
ગૌરીની રેસ્ટોરન્ટમાં નકલી પનીર?

સાર્થક સચદેવા નામના એક યુટ્યુબર છે. હવે અટક પ્રમાણે કદાચ વર્તન કરતા હોય એમ આ સાર્થકભાઈ વારંવાર મુંબઈની મોટીમોટી કે નાની-મોટી રેસ્ટોરન્ટમાં જઈને પનીરની ખરાઈનું ટેસ્ટિંગ, અફકોર્સ કેમેરા સામે ખાનગીમાં, કરતા જોવા મળે છે. હાલમાં સાર્થક આપણને ‘સચ’ દેવા માટે મોટી મોટી સેલિબ્રિટીસ દ્વારા ચલાવવામાં આવતા રેસ્ટોરન્ટમાં ગયા. આ ભાઈ સહુથી પહેલાં વિરાટ કોહલીના વન કમ્યુન, પછી શિલ્પા શેટ્ટીના બાસ્ટીયન, ત્યારબાદ બોબી દેઓલના સમપ્લેસ એલ્સ અને છેલ્લે ગૌરી ખાનના બાંદ્રામાં આવેલા રેસ્ટોરન્ટ ટોરીમાં ગયા. અહીં બધે એમણે પનીરની ડીશો મંગાવી અને એમાંથી પનીર શોધીને તેને સાફ કરી. ત્યારબાદ સાથે લાવેલી બોટલમાંથી આયોડીનના બે-ત્રણ ટીપાં આ પનીર ઉપર રેડ્યાં.

આ ‘આયોડીન ટેસ્ટમાં’ વિરાટ, શિલ્પા અને બોબીની રેસ્ટોરન્ટ પાસ થઇ ગઈ, પણ શાહરુખની બીબી ગૌરીની રેસ્ટોરન્ટની પનીરનો રંગ બદલાઈ ગયો. આથી સચદેવાએ પોતાનો ટેસ્ટ ‘સાર્થક’ હોવાનું જાહેર કરતાં ‘ટોરી’માં ઉપયોગમાં લેવાતી પનીર ખરાબ હોવાનું જાહેર કરી દીધું. આ બધું એમણે પોતાની ચેનલ ઉપરાંત ‘ઇન્સ્ટાગ્રામ ’ ઉપર પણ ચડાવી દીધું.

હવે આવું જ્યારે થાય ત્યારે જે-તે સેલિબ્રિટી સુધી વાત તો પહોંચે જ. ‘ટોરી’ના મેનેજમેન્ટ સુધી પણ પહોંચી અને તેણે એક લાંબુલચક નિવેદન આપી દીધું કે ‘સાર્થકભાઈ, આયોડીન ટેસ્ટથી પનીરમાં સ્ટાર્ચની માત્રા વધુ ઓછી હોય એનો ખ્યાલ આવે છે નહીં કે તે ખરાબ છે કે નકલી છે!’

આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..! : પહેલાં પૈસા… પછી ફિલ્મ ‘ફૂલે’!

જે હોય તે પણ સોશિયલ મીડિયા પર સચદેવા સાહેબના પનીર ટેસ્ટિંગના એટલા બધા વીડિયો છે કે દર્શકોને જરૂર થાય કે આટલું બધું પનીર ખાધા પછી પેલા ટેસ્ટરને ઊબકા નહીં આવ્યા હોય?!

કટ એન્ડ ઓકે..
‘જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી કશું સાચું માનશો નહીં.’
આમિર ખાનના ભત્રીજા ઇમરાન ખાનની કમબેક મૂવીમાં પોતે હીરોઈન છે એવી અટકળોનો જવાબ આપતી ભૂમિ પેડણેકર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button