સ્ટાર-યાર-કલાકાર : નીરજ વોરા: મારો ઓલરાઉન્ડર કલાકાર દોસ્ત…

-સંજય છેલ
એક નાટ્યગૃહમાં ગંભીર નાટક ભજવાતું હતું. સ્ટેજ પર ફોનની રિંગ વાગી ને ઑડિયન્સમાંથી કોઇએ બરાડ્યું, ‘મારો ફોન હોય તો કહેજો કે હું ઘરે નથી!’ આવી વિચિત્ર રમૂજ કરનાર હતો અભિનેતા- નિર્દેશક ને સફળ ફિલ્મ લેખક: નીરજ વોરા.
‘હેરાફેરી’ -‘હંગામા’- ‘આવારા પાગલ દિવાના’ જેવી અનેક સાઉથની રિ-મેક ફિલ્મો હિંદીમાં લખનાર નીરજ વોરા એટલે ગુજરાતી કલાજગતનો ઓલરાઉંડર.
વરસો સુધી લોકો મને ને નીરજને પાર્ટનર માનતાં, પણ અમે માત્ર બે જ ફિલ્મ સાથે લખેલી (‘રંગીલા’ ને ‘પહેલા નશા’), પણ અમારી ખાટી-મીઠી મૈત્રીને કારણે હંમેશાં હું ને નીરજ, અમારા બેઉનાં પ્રોજેક્ટમાં ઘણીવાર એકબીજાને સાથ આપતા. મૂળે નીરજ મારાથી 5 વરસ મોટો ને હું એના નાના સંગીતકાર ભાઇ ઉત્તંક વોરાનો મિત્ર. ઉત્તંક શાંત, નીરજ મહા ખેપાની ને જબરો. ઉત્તંક છેક સાંતાક્રૂઝથી માટુંગા જઇને આખો મહિનો સંગીતનાં ટ્યૂશન આપે ને નીરજ મહિનો પૂરો થાય એ પહેલાં જ ત્યાંથી ટ્યૂશનનાં પૈસા વસૂલી લે. પછી બીજા મહિને હું ને ઉત્તંક, નીરજ ફરી પૈસા ઉપાડે એ પહેલાં મારી મોટરબાઇકમાં અમે ત્યાં પહોંચી જઈએ! ગરીબી ને નિર્દોષ મસ્તીનાં એ દિવસો. મારા કોલેજનાં નાટકોમાં ઉત્તંક સંગીત આપે ને નીરજ છેલ્લી ઘડીએ એ બદલી નાખે ને અમારે માનવુંયે પડે.
નીરજ-ઉત્તંકે 20-30 ગુજરાતી સિરિયલોમાં સંગીત આપ્યું ને મેં રાતોરાત એમાં ગીતો લખેલા. બસ, ત્યારથી હું ને નીરજ નજીક આવ્યા. નીરજે મારાં લખાણમાંની સ્માર્ટનેસ, રોમાંસ ને ખાસ તો સેન્સ ઓફ હ્યુમરને પારખી અને કમર્શિયલ સિરિયલો ફિલ્મો લખવા માટે આત્મવિશ્વાસ જગાડ્યો. નીરજને સિરિયલ ફિલ્મમાં કામ મળે કે બધે મારું નામ સજેસ્ટ કરે જ કરે, એવું એનું મોટું દિલ.
અમારા વચ્ચે પૈસાના- કામના ને ઇગોના ઝગડા પણ ખૂબ થતા. 1989માં હું મ્યુઝિકલ નાટકનું લેખન-નિર્દેશન કરતો હતો. એમાં નીરજ-ઉત્તંકનું સંગીત. નવા કલાકારો ને સાવ ટાંચા સાધનમાં મ્યુઝિકલ નાટક બનાવવાની ધમાલમાં નીરજ સાથે બોલાચાલી થઇ. એ મને મારવા દોડ્યો, હું ભાગ્યો! પાર્લાવેસ્ટની માર્કેટમાં એક જાડો બટકો માણસ મારી પાછળ હાર્મોનિયમ લઇને ભાગી રહ્યો હતો એ હાસ્યાસ્પદ દ્રશ્ય જોનારા આજેય ભૂલ્યા નથી.
1990માં પછી હું ફિલ્મોમાં આસિસ્ટંટ ડિરેક્ટર હતો. ગીતો ને ફિલ્મલેખનમાં સ્ટ્રગલ કરતો. ત્યારે ‘લગાન’ ફેમ નિર્દેશક આશુતોષ ગોવારિકરની પહેલી ફિલ્મ ‘પહેલા નશા’માં નીરજઉત્તંકને સંગીત આપવાનો મોકો મળ્યો ત્યારે એણે છેલ્લે સુધી પ્રયત્ન કર્યો કે ગીતો હું લખું. ગીતોની ધૂન પર ડમી કામચલાઉ શબ્દો પણ લખાવડાવ્યાં. છેવટે આનંદ બક્ષીએ ગીતો લખ્યાં. પટકથા લેખક તરીકે નીરજ ધારત તો કોઇ પણ સફળ લેખક પાસે સંવાદો લખાવી શક્યો હોત, પણ એણે ધરાર મને જ સંવાદ લખવાની તક અપાવી. એ જ રીતે ‘રંગીલા’માં ગીતો માટે નિર્દેશક રામગોપાલ વર્મા પાસે લઇ ગયો ને પછી અમે સાથે આખેઆખી ફિલ્મ લખી. ‘રંગીલા’ ફિલ્મની સફળતાએ અમારા જિંદગી અને દોસ્તીનાં સમીકરણો બદલી નાખ્યા. એ પછી અમે ક્યારેય સાથે કામ ના કર્યું, કારણકે અમને કામ કરતા દોસ્તી વધુ વ્હાલી હતી.
અમારા વચ્ચે અજીબ સંબંધ હતો. મેં મારી પહેલી ગાડી લીધી કે એ જોઇને નીરજે પણ ગાડી ખરીદી. મેં ઓફિસ શરૂ કરી તો એણે પણ ઓફિસ શરૂ કરી. અમારામાં મીઠી ચડસાચડસી ચાલતી.
મારો ડ્રાઇવર હોય કે આસિસ્ટંટ, નીરજ તરત મોટી ઓફર આપીને છીનવી લેતો. હું મજાકમાં કહેતો: ‘કમીના, તું મને એટલો મિસ કરે છે કે મારા લોકો છીનવીને મારી ખાલી જગ્યા પૂરે છે?’ પણ મને ખબર નહોતી કે ફક્ત એક મૃત્યુની બાબતમાં મારાથી આટલો વહેલો આગળ નીકળી જશે?
2014માં મારા પપ્પા આર્ટડિરેક્ટર (છેલ વાયડા)ના મૃત્યુ બાદ એમના વિશે ‘ફાધર્સડે’ પર ‘ફાધર વિનાનો ફાધર્સ ડે’ નામનો મારો આર્ટિકલ ખૂબ વાઇરલ થયેલો. ત્યારે સૌથી પહેલા નીરજે ફોન કરેલો, ‘હવે મને નિરાંત થઈ કે મારા ગયા પછી કોઇક તો મારા વિશે બરોબર લખી શકશે!’ ત્યારે અમે હસેલાં, પણ ખબર નહોતી કે 2014-15માં એને અચાનક બ્રેનસ્ટ્રોક આવશે ને 2017માં તો.
નીરજ સાથે અનેક સાંજો ગાળી ને મારા એના બધા જ પ્રોજેક્ટસ વિશે સૌથી વધારે અમને ખબર હોય. મારી નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘ખૂબસૂરત’ (1999)ના શૂટિંગમાં હું હૈદ્રાબાદના સ્ટુડિયોમાં હતો, ત્યાં નીરજ અભિનેતા તરીકે કોઇ ફિલ્મ માટે આવેલો. એણે મારું ઉતરેલું મોઢું જોયું ને તરત પૂછ્યું, ‘કેમ ઉદાસ છે? કલાકારો નિર્માતાઓ બહુ હેરાન કરે છે?’ હું એના ખભે રડી પડ્યો.
એણે મને શાંત પાડ્યો ને મને સાથ આપવા 2 દિવસ ત્યાં રહ્યો! ક્રૂર સાસરામાં, વહુને કોઇ પિયરનાં ગામનું કોઇ મળી જાય એવી એ ફીલિંગ હતી.
જોકે, નીરજના સ્વભાવમાં ઘણી વિચિત્રતા. ભડકે તો લખેલ પાનાં ફાડી નાખે. મુંબઇથી છેક કેરળ શુટિંગમાં જવાનું હોય તો 150 લોકોનો કાફલો લઈને બાય રોડ જાય! અલગ અલગ જગ્યાએ ધરાર ખાવા રોકાય. કોઇ હાઇવેના ઢાબામાં રસોઇયાને રિફાઇન્ડ તેલનું પેકેટ આપી કહે: ‘તારી કઢાઈનું તેલ ફેંકી દે ને નવા તેલમાં ભજિયા તળ!’ નીરજ તમને ‘ કેમ હજી જીવો છો?’ એ રીતે પૂછે કે હસી પડાય.
‘રંગીલા’માં અમે સાથે કામ કર્યું. પણ નિર્દેશક રામુએ ‘ટાઇમ્સ ઓફ ઈન્ડિયા’ ના ઇન્ટરવ્યૂમાં ડાયલોગ્ઝ વિશે માત્ર મારા વખાણ કર્યાં, નીરજનું નામ ન લીધું ને પછીની ‘દૌડ’ ફિલ્મ લખવા મને કહ્યું. ત્યારે મેં નીરજની પરવાનગી માગી, ‘રામુ સાથે હું એકલો કામ કરું તો તને ખરાબ નહીં લાગેને?’ તો નીરજે કહ્યું, ‘ગાંડા પૂછવાનું હોય? તું જ લખ નહીં તો બીજો કોઇ લખશે.’ પછી તો એ દૌડ ફિલ્મમાં ચાકો નામનું વિચિત્ર પાત્ર એણે ભજવ્યું.. ‘મેરા બાપ શિકારી થા..આગે વો પીછે મૈં’ વાળો સીન હું ને નીરજ જેટલીવાર ભજતા, સૌ હસીને હસીને પાગલ થઇ જતા. જોકે મૂળમાં નીરજ, શાસ્ત્રીય સંગીતજ્ઞ ને કંપોઝર પં.વિનાયક વોરાનો સુપુત્ર એટલે સંગીતનો આત્મા. એ ફિલ્મોમાં સંગીતકાર થયો હોત તો હિટ થઇ જાત , કારણ કે એને કમર્શિયલ ચાલુપણાની સમજ હતી ને સારો સેલ્સમેન હતો.
છેલ્લે 2014-15માં એ દિલ્હી ગયો ત્યારે અમારી વાત થઈ હતી કે ત્યાંથી આવીને પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરશે. પોતાના બેનરમાં એને ફિલ્મો બનાવવી હતી, કચ્છમાં એક સ્ટુડિયોનો પ્લાન કરેલો. એ અંગે નરેન્દ્ર મોદીજીને પણ મળેલો ને એ જ સિલસિલામાં દિલ્હી ગયો ત્યારે અચાનક કોમામાં સરી પડ્યો આમેય એ ‘અચાનક’નો માણસ હતો. અચાનક જ મારી ઓફિસે કંઈ નાસ્તો લઈને આવી પહોચેં તો ક્યારેક અમસ્તા સેન્ડવિચમેકર આપી જાય હું ઇમોશનલી ડાઉન હોઉં તો એવો પાનો ચઢાવે કે મારું મડદું પણ ઊભું થઇ જાય. મડદાની વાત આવી તો યાદ આવે છે કે નીરજે નિર્દેશિત કરેલી પહેલી ફિલ્મ ‘ખિલાડી 420’માં હું એને કોઇક સીનમાં મદદ કરવા જતો. વિલપાર્લાના ‘શાન’ થિયેટરમાં ‘ખિલાડી 420’ના પહેલા શોમાં ‘હાઉસફૂલ’ ના બોર્ડ માટે ફૂલહાર લેવા હું દોડેલો ને એ મને ભેટીને રડેલો. એ જ નીરજના મૃતદેહ પર સ્મશાનગૃહમાં જ્યારે ફૂલહાર ચઢાવવાનો વારો આવ્યો ત્યારે હિમ્મત નહોતી થઇ. ધારદાર કોમેડી પંચ આપનારા નીરજ વોરાનું અચાનક જવું, મને લાગેલો એ ભયાનક પંચ – મુક્કો હતો એની કળ ક્યારેય નહીં વળે.
2 દિવસ બાદ ‘ફ્રેન્ડશિપ ડે’ છે… તો ચિયર્સ ટુ, દિલદાર કમીના દોસ્ત, નીરજ વોરા!