શો-શરાબા : મિશન માઈક્રો…2 મિનિટ માઈક્રો ડ્રામા, એક સ્ક્રોલ મેં હાજીર!

- દિવ્યકાંત પંડ્યા
‘અનમેચ્ડ’ ભારતની પહેલી મોટી વર્ટિકલ માઇક્રો ફિક્શન સિરીઝ બની, બીજી સિરીઝ ‘લેટ અસ લિવ ઈન’ને ઇન્સ્ટાગ્રામ પર…
વર્ષો સુધી બોલિવૂડ એટલે સિનેમા હોલ, મોટી સ્ક્રીન, ગીતો, ડાન્સ, લવ સ્ટોરી અને ફૂલ એન્ટરટેઇનમેન્ટ…. પણ આજે એક નવું સ્ટેજ છે, આપણા હાથમાંની મોબાઈલની નાની ઊભી સ્ક્રીન. ના, આ કંઈ OTT કે વેબ સિરીઝની વાત નથી. એને તો દાયકો થઈ ગયો. વાત છે નવા ધમાકેદાર ટ્રેન્ડની. એ ટ્રેન્ડ એટલે વર્ટિકલ માઇક્રો ડ્રામા.
આ માઈક્રો ડ્રામા એટલે એકદમ ટૂંકા એપિસોડ્સની સિરીઝ. તેમાં એક એપિસોડ ફક્ત એકથી ત્રણ મિનિટમાં જ પૂરો થઈ જાય!
વાર્તા એવી કે પહેલી 10-15 સેક્ધડમાં જ તમને ખેંચી લે અને અંતે એવું ટ્વિસ્ટ કે આગળનો એપિસોડ જોવાની ઉત્સુકતા જાગે. આજના ભાગદોડભર્યા સમયમાં કોઈ પાસે લાંબી સિરીઝ કે ફિલ્મ જોવા જેટલો પણ કદાચ સમય નથી એટલે એક-બે મિનિટની રીલ્સ હિટ છે અને ફોરવર્ડ થાય છે. એમાંથી જ જન્મ થયો છે આ વર્ટિકલ માઈક્રો ડ્રામાનો.
ભારત જેવા દેશમાં, જ્યાં 75 કરોડથી વધુ લોકો સ્માર્ટફોન વાપરે છે ત્યાં આ ફોર્મેટ ધમાલ મચાવી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ, યુટ્યૂબ શોર્ટ્સ, મોજ અને જોશ જેવા પ્લેટફોર્મે પહેલાં સામાન્ય યુવકો અને યુવતીઓને ડાન્સ અને કોમેડી થકી ક્ધટેન્ટ ક્રિએટર બનાવી દીધા. હવે એમને રોમેન્ટિક, થ્રિલર કે ઇમોશનલ ટૂંકી સિરીઝ અલગ-અલગ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બનાવી રહ્યા છે. ફક્ત ક્રિએટર્સ જ નહીં, કુકુ ટીવી, વાઈરલો જેવા ફક્ત માઈક્રો ડ્રામાના જ પ્લેટફોર્મ્સ ભારતમાં મહિનાની 25-30 જેટલી સિરીઝ ઓડિયન્સને આપી રહ્યા છે.
આ માઇક્રો ડ્રામાની દુનિયા ફક્ત ભારતમાં જ નથી ફૂલી રહી. અમેરિકામાં માઇક્રો સિરીઝને કરોડો લોકો ફોલો કરે છે.
ચીનમાં તો આ માટે આખા ગામ તૈયાર થઈ ગયા છે. જિઆંગસી પ્રાંતના ઝોંગટોંગ નામના ગામમાં 120 થી વધુ ઈન્ડોર સેટ છે, જ્યાં રોજ સેકડો વર્ટિકલ સિરીઝનું શૂટિંગ થાય છે. ક્રૂ અને એક્ટર સૌ ગામમાં જ રહે છે. એક રીતે એ ગામની અર્થવ્યવસ્થા આખી આ બિઝનેસ પર ટકેલી છે.
હવે આપણે ત્યાં પણ એ દિશામાં વધુ હલચલ શરૂ થઈ ગઈ છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યૂબ શોર્ટ્સ આ ફોર્મેટના મોટા મંચ તો છે જ એ ઉપરાંત હવે પ્રોડક્શન હાઉસ અને ઓટીટી પ્લેટફોર્મ્સ પણ વર્ટિકલ ટ્રેન્ડ થકી દર્શકોને ખેંચી રહ્યા છે.
આ ફોર્મેટની સૌથી ખાસ વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ સ્ટાર બની શકે છે. પહેલાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે વર્ષોનો સંઘર્ષ અને કનેક્શનની જરૂર રહેતી. હવે ફક્ત એક ફોન અને સારો આઈડિયા પૂરતા છે. કોઈ પણ છોકરો કે છોકરી પોતાનો નાનો ડ્રામા બનાવી લાખો લોકો સુધી પહોંચી શકે છે. ઘણા નવા ચહેરા રીલ્સ પરથી જ જાણીતા થયા છે. આ રીતે ઘણા યુવાનોને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકવાની તક મળી રહી છે. એ ઉપરાંત એસ્ટાબ્લિશ થયેલા પ્લેટફોર્મ્સ પર પણ આ ટ્રેન્ડના કારણે ઇન્ડસ્ટ્રીમાં કલાકારોથી લઈને ક્રૂ એમ સૌ માટે નવી તકો ઊભી થઈ છે.
આ લહેર પાછળ પૈસાનો પણ મોટો ખેલ છે. માઇક્રો ડ્રામાનું શૂટિંગ ઓછા ખર્ચે અને ટૂંક સમયમાં થઈ શકે છે, પણ એની પહોંચ ખૂબ મોટી છે. લાખો લોકો એ સિરીઝ જુએ છે. બ્રાન્ડ્સ પ્રોડક્ટ પ્લેસમેન્ટ કરી શકે છે. ક્રિએટર કમાણી કરે છે, પ્લેટફોર્મને વ્યૂ મળે છે અને દર્શકોને રોજ નવું ક્ધટેન્ટ મળે છે. ફિલ્મમેકર માટે પણ આ એક ટેસ્ટિંગ ગ્રાઉન્ડ છે. નાની વાર્તા ચાલે તો પછી એની મોટી ફિલ્મ અથવા વેબ સિરીઝ બનાવી શકાય.
ઘણા સમય સુધી ભારતીય ઓટીટી પ્લેટફોર્મ્સ દ્વારા અમેરિકન અને ચાઈનીઝ સિરીઝનું એડેપ્ટેશન કરવામાં આવ્યું. જે હજુ પણ ચાલી રહ્યું છે. એ પછી ઓરિજિનલ ક્ધટેન્ટ પર પણ હાથ અજમાવવામાં આવ્યો, જેમ કે મે મહિનામાં ‘અનમેચ્ડ’ ભારતની પહેલી મોટી વર્ટિકલ માઇક્રો ફિક્શન સિરીઝ બની. સાક્ષી કેસવાની એની મુખ્ય ભૂમિકામાં હતી અને સિરીઝ ખાસ મોબાઈલ સ્ક્રીન માટે જ શૂટ થઈ હતી. બીજી સિરીઝ ‘લેટ અસ લિવ ઈન’ને ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયનથી વધુ વ્યૂ મળ્યા હતા. દરેક રીલ એપિસોડની જેમ લખાઈ હતી, ટૂંકી, રસપ્રદ અને અંતે એક હૂક …
વર્ટિકલ ડ્રામાની મજાની વાત એ પણ છે કે એ ફોનની સ્ક્રીન પર વર્ટિકલ એટલે કે ઊભી જ જોવામાં આવે છે એટલે તેને શૂટ પણ એ જ રીતે કરવામાં આવે છે. રીલ્સની જેમ સ્ક્રોલ કરતા જ જોવાની આ સિરીઝ શરૂઆતમાં જ હૂક, પછી ટ્વિસ્ટ આવે અને પછી તમે એવું વિચારો કે આગલો એપિસોડ ક્યારે આવશે? ત્યાં તો એ હાજર જ હોય. બિલકુલ ડેઈલી સોપ જેવી ફીલ, પણ ઝડપથી અને વધુ કનેક્ટ થતો.
વિશ્વભરમાં આ ફોર્મેટને મોટું ભવિષ્ય માનવામાં આવી રહ્યું છે. અમેરિકા ટિક્ટોક ક્રિએટર્સ સાથે ભાગીદારી કરી રહ્યું છે.
ચીનમાં ફક્ત વર્ટિકલ ડ્રામા માટે નવી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ છે. ભારત પાસે ભાષાઓની વિવિધતા, સ્ટોરીટેલિંગની પરંપરા અને સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા, આ બધું મળીને અમેરિકા અને ચીન કરતાં પણ વધુ સ્કોપ છે. જો યોગ્ય પ્લેટફોર્મ અને સપોર્ટ મળે તો આ ફોર્મેટ ભારતીય સિનેમા માટે ટેલેન્ટ અને ક્ધટેન્ટનો ખજાનો બની શકે છે!
લાસ્ટ શોટ
એક રિપોર્ટ મુજબ, ભારતનું શોર્ટ-ફોર્મ વીડિયો માર્કેટ આગળના પાંચ વર્ષમાં અંદાજે 8-12 બિલિયન ડોલર્સ એટલે કે ₹66800 કરોડ સુધી પહોંચવાની શક્યતા ધરાવે છે.
આ પણ વાંચો…શો-શરાબા: સિનેમામાં નવા વિચારોની ખોટ કે સલામતીનો શોર્ટકટ?



