મેટિની

શો-શરાબાઃ અરે, મઝાક થા ક્યા ભાઈ?!

દિવ્યકાંત પંડ્યા

એક સમય હતો જ્યારે ભારતીય સિનેમામાં કોમેડી ફિલ્મ બનાવવી એટલે કમર્શિયલી નિરાંતની વાત. એક્શન ન ચાલે, રોમાન્સ ન ચાલે, ત્યારે કોમેડી પર દાવ લગાવી શકાય એવું માનવામાં આવતું. હેરાફેરી',હંગામા’, ગોલમાલ',વેલકમ’ જેવી ફિલ્મ્સે સાબિત કર્યું હતું કે લોકો હસવા માટે થિયેટર સુધી આવવાનું ક્યારેય બંધ નથી કરતા. એ ફિલ્મ્સના ડાયલોગ્સ રોજિંદી બોલચાલમાં ઘૂસી ગયા, સીન ફરી ફરી જોવામાં આવતાં અને રિપીટ વેલ્યુ એ શબ્દ કોમેડી સાથે જ જોડાઈ ગયો, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં આ સમીકરણ તૂટી ગયું છે.

છેલ્લાં બે-ત્રણ વર્ષો પર નજર કરીએ તો એક વાત સ્પષ્ટ દેખાય છે કે શુદ્ધ કોમેડી ફિલ્મ્સ બહુ ઓછી ચાલી છે. જે ફિલ્મ્સમાં હાસ્ય હતું, તે મોટેભાગે બીજા જોનર સાથે મિક્સ થઈને જ ટકી શકી. ગોવિંદા નામ મેરા’ ફિલ્મે થોડી મજા આપી, પણ લોકો એને કોમેડી કરતાં વધારે ટ્વિસ્ટવાળી ફિલ્મ તરીકે યાદ કરે છે.ખેલ ખેલ મેં’ (2024) જેવી ફિલ્મ લખાણ અને પરફોર્મન્સમાં નબળી નહોતી, છતાં બોક્સ ઓફિસ પર એની અસર સીમિત રહી. થોડું પાછળ જઈએ તો સર્કસ’ અનેથેન્ક ગોડ’ જેવી ફિલ્મ્સે સાબિત કર્યું કે મોટા સ્ટાર્સ પણ હવે કોમેડી માટે ગેરંટી નથી.

એની સામે જુઓ તો જે ફિલ્મ્સ હિટ થઈ, એમાં કોમેડી એકલી નહોતી. ભૂલ ભુલૈયા 2',ભૂલ ભુલૈયા 3′, સ્ત્રી' અનેસ્ત્રી 2′ જેવી ફિલ્મ્સ હોરર-કોમેડી તરીકે ચાલેલી. `ભેડિયા’ જેવી ફિલ્મ્સે પણ હાસ્યને ડર અને ફેન્ટસી સાથે બાંધીને રજૂ કર્યું.

આ ટે્રન્ડ ઘણું કહી જાય છે. ફિલ્મમેકર્સ ખુદ શુદ્ધ કોમેડી પર વિશ્વાસ રાખતા ડરે છે. હસાવવું છે, પણ સાથે ડરાવવું કે થ્રિલ આપવી પણ જરૂરી લાગે છે. જોકે `થામા’ની ઓછી અસર પછી આ ફોર્મ્યુલા પર પણ સવાલ તો ખરો જ.
આ બદલાવનું સૌથી મોટું કારણ થિયેટર બહાર આપણા મોબાઈલ સ્ક્રીનમાં છે. મીમ કલ્ચરે હ્યુમરને મૂળભૂત રીતે બદલી નાખ્યું છે. આજે હાસ્ય ઝડપી છે, નાની ક્લિપમાં બંધાય છે અને તરત ફેલાય છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ, વોટ્સએપ ફોરવર્ડ્સ અને વાયરલ વીડિયોઝે લોકોને પાંચ સેક્નડમાં હસવાની ટેવ પાડી દીધી છે. જૂની કોમેડી ફિલ્મ્સમાં ધીમે ધીમે બિલ્ડ થતો સીન, પાત્રોની ટાઈમિંગ અને પરિસ્થિતિની મજા હતી, એ માટે હવે દર્શકોમાં ધીરજ નથી રહી. અને ફિલ્મ નબળી હોય કે વોટ્સએપ જોક્સનું કલેક્શન હોય તો એ પહેલેથી જોયેલું લાગે.

આજે જ્યારે કોઈ ફિલ્મનું ટે્રલર આવે છે ત્યારે પ્રેક્ષક અજાણતા જ એને મીમ લાયક છે કે નહીં, એ રીતે જુએ છે. વિડંબના એ છે કે ઘણી વખત ગંભીર ફિલ્મ્સના સીન વધારે મીમ બને છે. કોઈ એક્શન ફિલ્મનો ઓવર-ધ-ટોપ ડાયલોગ, કોઈ ઇન્ટેન્સ એન્ટ્રી સીન, એ બધું જોક બની જાય છે. ફિલ્મ પોતે હસાવતી નથી, લોકો એને મોબાઈલ પર હસી કાઢે છે.

આ વચ્ચે ઓટીટી અને સ્ટેન્ડ-અપ કોમેડીએ હ્યુમરનું લેવલ એકદમ બદલી નાખ્યું છે. વિર દાસ, ઝાકિર ખાન, કનન ગિલ, બસ્સી અને બિસ્વા જેવા કોમેડિયન્સે લોકોની સામે એવી કોમેડી મૂકી છે જે પર્સનલ છે, ઓબ્ઝર્વેશનલ છે અને સીધી દિલ સાથે જોડાય છે. નેટફ્લિક્સ’ કેએમેઝોન’ પર એક કલાકની સ્પેશ્યલ જોઈ લીધા પછી, પ્રેક્ષક ફિલ્મના જોક્સને પણ એ જ કડક નજરથી જુએ છે. ફિલ્મના સ્ક્રિપ્ટેડ જોક્સ ઘણીવાર આ તુલનામાં જૂના કે બનાવટી લાગે છે. ઉપરાંત, આજના સમયમાં કોમેડી પર સંવેદનશીલતાનું પણ મોટું દબાણ છે. સોશ્યલ મીડિયા પરનો રોષ કોમેડીને વધુ સેફ બનાવી દે છે, અને સેફ કોમેડી ઘણીવાર ફીકી હોય છે.

આ જ કારણ છે કે ફુકરે’ જેવી ફિલ્મનો જાદુ ફરીથી સર્જવો અઘરો છે.ફુકરે’ ચાલ્યું કારણ કે એના પાત્રો, એની દિલ્હીવાળી ગલી-મોહલ્લાની એનર્જી અને એની કેઝ્યુઅલ મસ્તી સાચી લાગતી હતી. પછી આવેલી ઘણી ફ્રેન્ડ્સ ગેંગ કોમેડીઝમાં એ નહોતું. જોકે `મડગાંવ એક્સપ્રેસ’ જેવી અપવાદરૂપ ફિલ્મ લોકોને પસંદ આવી પણ છે.

આજનો દર્શક કોમેડી માટે ડ્રામા કરતાં પણ વધારે નિર્દય છે. એક ઇમોશનલ ફિલ્મમાં ખામીઓ હોવા છતાં ઈરાદો સારો હતો કહીને માફી મળી શકે છે. કોમેડીમાં એવું નથી. જો હસવું ન આવ્યું, તો ક્રિજ’નો ટેગ તરત લાગી જાય છે. સોશ્યલ મીડિયા એ કોમેડી ફિલ્મ્સને સમય આપતું નથી. પહેલાંઅંદાઝ અપના અપના’ જેવી ફિલ્મ્સ ધીમે ધીમે કલ્ટ બનતી.

આજે કોઈ ફિલ્મ રિલીઝના કલાકોમાં જ રીલ્સમાં ટ્રોલ થઈ જાય છે. આવનારી ફિલ્મ્સ પણ આ ડર દર્શાવે છે. રાહુ કેતુ’ દોસ્તી અને મસ્તી પર આધારિત છે, પણ એને આજના મીમ-સેન્ટ્રિક દર્શક સામે પોતાને સાબિત કરવી પડશે.હેપ્પી પટેલ’ કોમેડી સ્પાય ફિલ્મ છે, પણ એ જાણે છે કે લોકો પહેલેથી જ ઇન્ટરનેટ પર વધારે શાર્પ પેરોડી જોઈ ચૂક્યા છે. રાજા સાબ’ જેવી ફિલ્મ ખુદને શુદ્ધ કોમેડી તરીકે વેચતી નથી, રોમાન્સ અને હોરર ભેળવીને જ આગળ વધે છે. મતલબ, આજના ભારતીય સિનેમામાં ફક્ત કોમેડી બનાવવી એ એક મોટું જોખમ છે. લાસ્ટ શોટ અરશદ વારસીનો પેલો ફેમસ ડાયલોગ યાદ છે? કૌન હૈ યે લોગ? કહાં સે આતે હૈ?’ એ `જોલી એલએલબી’ ફિલ્મનો ગંભીર ડાયલોગ છે, પણ આજે તેનું ફની મીમમાં રૂપાંતરણ થઈ ચૂક્યું છે!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button