ફ્લેશ બૅક : અભિનય-ગીત-નૃત્યનો ત્રિવેણી સંગમ એટલે…
એક્ટિંગની આવડત અને ડાન્સના કૌશલ્યને કારણે મેહમુદની બહેન મીનુ મુમતાઝને આજે પણ સિનેરસિકો યાદ કરે છે

- હેન્રી શાસ્ત્રી
એમના સમયના મશહૂર એક્ટર- ડાન્સર મુમતાઝ અલીની સુપુત્રી અને 1960ના દાયકામાં હીરો કરતાં પણ વધુ મહત્ત્વ ધરાવતા અને વધુ મહેનતાણું લેતા કોમેડિયન નંબર વન મેહમુદની બહેન એવા બે દમદાર લેબલ લાગ્યા હોવા છતાં મીનુ મુમતાઝ આવડતના જોરે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નાનકડું પણ દમદાર સ્થાન જમાવવામાં સફળ રહી હતી એ નિ:સંદેહ વાત છે.
70 વર્ષ પહેલાં 1955માં ગુજરાતી દિગ્દર્શક નાનુભાઈ વકીલની ફિલ્મ `સખી હાતિમ’થી ચિત્રપટ ઉદ્યોગમાં પગ માંડનાર મીનુ મુમતાઝ માત્ર એક દાયકો ફિલ્મોમાં સક્રિય રહી. જોકે, આ દરમિયાન નાનકડા રોલ અને કેટલાક સોલો ડાન્સ સોન્ગ અને કેટલાંકમાં જુગલબંધી કરીને એ પોતાનું અલાયદું સ્થાન બનાવવામાં સફળ રહી હતી.
અબ્બાજાન શરાબી બની જતા બે ટંકના રોટલા ભેગા થવા ભાઈ- બહેન મેહમૂદ અને મીનુ મુમતાઝે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરવું પડ્યું હતું. ભાઈ મેહમુદ બહેન મીનુ કરતાં ઉંમરમાં મોટો, પણ નાની બહેને પરિવાર નિભાવવાની જવાબદારી પહેલા સંભાળી લીધી હતી.
સખી હાતિમ’ 1955માં રિલીઝ થઈ હતી. કુલદીપ કૌર નામની અભિનેત્રીએ મીનુ મુમતાઝનેસખી હાતિમ’માં જોઈ અને એ મુમતાઝ અલીની દીકરી હોવાથી નૃત્ય કરવામાં રસ છે કે કેમ એવો સવાલ કર્યો. અભિનેત્રીને તો ભાવતું’તું અને વૈદે કીધું જેવો ઘાટ થયો અને `મિસ કોકાકોલા’ ફિલ્મમાં પહેલીવાર ડાન્સ કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ ડાન્સના રોલ એક પછી એક મળવા લાગ્યા.
1956માં આવેલી હલાકુ’ (જેમાં પ્રાણ હીરો હતા)માં મીનુ મુમતાઝ અને હેલન પર એક યુગલ ગીત (અજી ચલે આઓ – લતા મંગેશકર અને આશા ભોસલે) પિક્ચરાઇઝ કરવામાં આવ્યું હતું. એ સમયે હેલનના નામની ખ્યાતિ ધીમે ધીમે પ્રસરી રહી હતી, પણ મીનુ મુમતાઝ જરાય ઊણી નથી ઊતરી.
અલબત્ત, હેલને નૃત્ય કૌશલ્ય માટે મીનુ મુમતાઝની પ્રશંસા કરી એનો ઉત્સાહ વધાર્યો હતો. કુકુ સાથે પણ એક સોન્ગ (છોડો છોડો જી બૈયાં – બારાદરી)માં નૃત્ય પેશ કરી એ છવાઈ ગઈ હતી.સીઆઇડી’, ચૌદહવી કા ચાંદ’,જાગ ઉઠા ઈન્સાન’, સાહિબ બીબી ઔર ગુલામ’,બારાદરી’… લાઇનબંધ ડાન્સિંગ રોલ મળવા લાગ્યા.
ડાન્સના કેટલાક રોલ કર્યા પછી મીનુ મુમતાઝને થયું કે બસ, બહુ થયું હવે એક્ટિંગ કરવાનો સંતોષ થાય એવા રોલ જ કરવા છે. સદનસીબે એ સમયના ટોપ કોમેડિયનો સાથે મીનુને કોમેડી રોલ મળવા લાગ્યા. જોની વોકર, ઓમ પ્રકાશ, સુંદર અને ભાઈજાન મેહમુદ સાથે પણ….
જોકે, એમાં એક મોટો ડખો થયો. શક્તિ સામંતની હાવડા બ્રિજ’ (મેરા નામ ચીન ચીન ચુ’ ગીતથી હેલનના ડંકા વાગવા લાગ્યા હતા)માં મીનુ મુમતાઝનો ભાઈ મેહમુદ સાથે રોમેન્ટિક રોલ હતો. એક યુગલ ગીતમાં એ ભાઈ – બહેન પડદા પર રોમેન્ટિક અદામાં ડાન્સ કર્યો.
જોકે, ફિલ્મ રિલીઝ થતાં વેંત `હાય હાય! ભાઈ – બહેનથી રોમેન્સ કરાય જ કેમ?’ જેવા વિરોધનો જુવાળ ઊમટ્યો એટલે મીનુ મુમતાઝે મેહમુદને કહી દીધું કે ‘લો ભાઈજાન, હો ગઈ છુટ્ટી. હવે સાથે કામ કરીશું તો ભાઈ-બહેનના રોલ જ કરવાના.’
1960ના દાયકામાં દારા સિંહ કુસ્તી ઉપરાંત રૂપેરી પડદે ગજબનાક લોકપ્રિયતા ધરાવતા હતા. કેટલીક ફિલ્મોમાં મુમતાઝ એમની હિરોઈન હતી. ટોચના હીરો સાથે જોડીની સંભાવના શૂન્ય હોવાથી દારા સિંહ સાથે કામ કરવા મીનુ મુમતાઝ ઉત્સુક હતી.
`ફૌલાદ’માં એ તક મળી અને ગીત જોશો તો ખ્યાલ આવી જશે કે મીનુ મુમતાઝના નૃત્યએ મુમતાઝ પર સરસાઈ મેળવી છે. હીરોઈન મુમતાઝ હોવા છતાં મીનુ મુમતાઝની છબી દર્શકના માનસપટ પર અંકિત થઈ ગઈ. પ્રસ્તુત છે મીનુ મુમતાઝના પાંચ સદાબહાર નૃત્ય ગીત, જેમકે…
બૂજ મેરા ક્યા નામ રે (સીઆઈડી)
ગીતનું ફિલ્માંકન હીરો કે હીરોઈન પર થયું હોવા છતાં બંનેમાંથી કોઈ પડદા પર ગીત ન ગણગણતું હોય એવા કેટલાંક ગીત હિન્દી ફિલ્મોમાં સમયાંતરે જોવા મળ્યા છે. આ ગીત એ શ્રેણીમાં બિરાજે છે. દેવ આનંદ – શકીલાની હાજરી અલપઝલપ છે, જ્યારે સખીઓ સાથે મીનુ મુમતાઝ પડદા પર છવાઈ જાય છે.
અભિનેત્રીનું આ પ્રથમ હિટ સોન્ગ હતું અને આ ગીતને મળેલી અફાટ લોકપ્રિયતાને પગલે ફિલ્મ પ્રોડ્યુસરોમાં મીનુ મુમતાઝને સાઈન કરવા ગજબની ઉત્સુકતા જોવા મળી. ફિલ્મમાં એક્ટે્રસનું યોગદાન એક ગીત પૂરતું સીમિત હોવા છતાં દર્શકો અને ફિલ્મમેકરોની નજરમાં એ વસી ગઈ એનું કારણ એનો મોહક ચહેરો અને એની નૃત્યની અદાઓ હતી. આજે પણ આ ગીત સ્મૃતિપટ પર અંકિત છે.
જાનુ જાનુ રી… ( ઈન્સાન જાગ ઉઠા )
હિન્દી ફિલ્મના ઈતિહાસ પર નજર નાખવાથી એવાં અનેક ઉદાહરણ મળી આવે જેમાં ફિલ્મની વાર્તા, એના કલાકારો અને ક્યારેક નામ સુધ્ધાં વિસરાઈ ગયા હોય, પણ એના એકથી વધુ ગીત આજે પણ લોકજીભે રમતા હોય. 1959માં આવેલી ઈન્સાન જાગ ઉઠા’ એવી ફિલ્મ છે.
દિગ્દર્શક શક્તિ સામંત અને સુનીલ દત્ત – મધુબાલા જેવાં સ્ટાર અને એની સ્ટોરી ભાગ્યેજ કોઈના સ્મરણમાં હશે, પણ એના ગીતજાનુ જાનુ રી કાહે કો ખનકે હૈ તેરા કંગના’ તેમ જ ચાંદ સા મુખડા કયું શરમાયા’ અનેયે ચંદા રૂસ કા ના જાપાન કા, ના યે અમ્રિકન પ્યારે યે તો હૈ હિન્દુસ્તાન કા’ વાગે તો રસિયા સાથે ગણગણવા લાગે.
ફિલ્મનાં ગીતોમાંથી સૌથી વધુ લોકપ્રિય થયું હતું `જાનુ જાનુ રી’. ફિલ્મમાં મીનુ મુમતાઝની જોડી કોમેડિયન સુંદર સાથે હતી. બંને બહેનપણી એકબીજાને સંભાષણ શૈલીથી પ્રેમ સંબંધ માટે ચીડવે છે. શબ્દોની સાદાઈ, મધુર ધૂન અને એના પર મીનુ મુમતાઝે કરેલા મોહક નૃત્યએ ગીતને ચાર ચાંદ લગાવી દીધા છે.
દિલ કી કહાની રંગ લાઇ હૈ ….(ચૌદહવી કા ચાંદ)
શકીલ બદાયૂં સાહેબની કલમ, સંગીતકાર રવિનું સ્વરાંકન અને આશા ભોસલેના સ્વરમાં માદકતાનો સરવાળો એટલે આ મુજરા ગીતમાં મીનુ મુમતાઝનું પડદા પર છવાઈ જવું….અહીં પણ ફિલ્મમાં માત્ર એક ગીત પૂરતી હાજરી હોવા છતાં એની અભિનેત્રી તમારા દિલ પર શાસન કરી જાય છે.
એમાંય `દિલ કી કહાની રંગ લાઈ હૈ, અલ્લાહ દુહાઈ હૈ દુહાઈ હૈ, સાંસે હૈં હલ્કી હલ્કી, આંખેં હૈં છલકી છલકી, આજ તો જાન પે બન આઈ હૈ’ પંક્તિઓ વખતે દર્શકો મીનુ મુમતાઝના ક્લોઝ અપના દીવાના ન બની જવાય તો જ નવાઈ લાગે.
સાકિયા આજ મુજે નીંદ નહીં આયેગી… ( સાહિબ બીબી ઔર ગુલામ )
આ ગીત સિનેમેટોગ્રાફર વી. કે. મૂર્તિના કેમેરાવર્ક અને લાઈટિગની કમાલ તેમ જ હેમંત કુમારના સંગીત માટે વધુ ખ્યાતનામ છે એ વાત સાચી, પણ ગીતના ભાવને પ્રભાવીપણે પડદા પર સાકાર કરી દર્શકોને રસતરબોળ કરવામાં મીનુ મુમતાઝનો ફાળો પણ નાનોસૂનો નથી.
સોહનલાલની લાજવાબ કોરિયોગ્રાફીને અભિનેત્રીના નૃત્યને અફલાતૂન બનાવી દીધું છે. ગીત અને એના કમ્પોઝિશનનો મૂડ મીનુ મુમતાઝના પરફોર્મન્સ સાથે બરાબર મેળ બેસવાને કારણે ગીત અવિસ્મરણીય બન્યું છે. એક ગીતથી જ દર્શકોના દિલમાં સ્થાન જમાવી દેવાનો મીનુ મુમતાઝનો હુન્નર અહીં પણ જોવા મળે છે.
જબ જબ તુમ્હે ભૂલાયા … ( જહાં આરા )
આ ગીતની એક ખાસિયત એ છે કે ફિલ્મની વાર્તા અનુસાર – રીલ લાઈફની બે બહેન (મીનુ મુમતાઝ અને અણા ઈરાની) પર ફિલ્માવાયેલું આ ગીત રિયલ લાઈફની બે બહેનો લતા મંગેશકર અને આશા ભોસલેએ ગાયું છે.
ગીતનો પ્રારંભ વાદ્ય વાદનથી થાય છે અને લગભગ 50 સેક્નડ સુધી મીનુ મુમતાઝનું આહલાદક નૃત્ય દર્શકોને ગીત સાથે શરૂઆતથી જ ઓતપ્રોત કરી દે છે. ગીત આગળ વધે છે અને અણા ઈરાની જોડાય છે, પણ નજર તો મીનુ મુમતાઝને જ શોધતી ફરે એવો એનો જાદુ છે. ગીત સ્લો ટ્યુનનું હોવા છતાં મીનુ મુમતાઝના નૃત્યના કારણે પ્રેક્ષણીય બન્યું છે.