મનોરંજનનું મેઘધનુષ : શર્વરી વાઘ ધીમી પણ મક્કમ ગતિએ બોલિવૂડમાં આગળ વધી રહી છે આ અભિનેત્રી…

ઉમેશ ત્રિવેદી
જાણીતા દિગ્દર્શક સંજય લીલા ભણસાલી અને લવરંજન સાથે લગભગ ત્રણેક વર્ષ સુધી સહાયક દિગ્દર્શક તરીકે કામ કરનારી શર્વરી વાઘે પોતાની અભિનયની કારકિર્દી ટી.વી. પર આવેલી ‘ધ ફરોગટન આર્મી-આઝાદી કે લિયે’થી શરૂ કરી છે. કબીર ખાન દિગ્દર્શિત આ સિરીઝમાં તેનું કામ વખાણાયું હતું અને ત્યાર પછી તેણે બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે.
મુંબઈ શહેરમાં એક મરાઠી કુટુંબમાં જન્મેલી શર્વરીના પિતા શૈલેષ વાઘ જાણીતાં બિલ્ડર છે અને તેની માતા નમ્રતા આર્કિટેક્ટ છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશી એ શર્વરીના નાના છે. દાદરમાં આવેલી પારસી યુથ એસેમ્બ્લી હાઈ સ્કૂલ અને ત્યારબાદ રૂપારેલ કોલેજમાં શર્વરીએ શિક્ષણ પૂરું કર્યું છે.
‘પ્યાર કા પંચનામા’, ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ અને ‘બાજીરાવ મસ્તાની’માં તેણે સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે, પણ શરૂઆતથી જ તેને અભિનેત્રી બનવું હતું અને 2014થી તે સતત ઓડિશન આપી રહી છે એમ શર્વરીએ તાજેતરમાં જ એક મુલાકાતમાં કહ્યું છે. આ ઓડિશનને કારણે જ તેને કબીર ખાનની ટી.વી. સિરિયલમાં કામ મળ્યું હતું.
‘યશરાજ’ બેનરની કોમેડી-ક્રાઈમ ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’એ તેની બોલિવૂડની પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મમાં રાની મુખર્જી, સૈફ અલી ખાન અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે તેની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મ અને તેની ભૂમિકા માટે તેને ‘ફિલ્મ ફેર’ અને ‘આઈફા’ અવોર્ડસ મળ્યાં ત્યારે જ તેણે સાબિત કરી દીધું હતું કે તે બોલિવૂડમાં માત્ર ‘ફરવા’ માટે નહીં, પણ લાંબો સમય ટકી રહેવા માટે આવી છે.
આ ફિલ્મ રિલીઝ થયાનાં ત્રણ વર્ષ પછી તે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન સાથે ‘મહારાજ’માં દેખાઈ હતી. ‘યશરાજ ફિલ્મ્સ’ની આ ફિલ્મ સીધી જ ઓટીટી પર રિલીઝ થઈ હતી. તેમાં પણ તેના અભિનયના વખાણ થયા હતાં. આ ફિલ્મ પછી તે જ્હોન અબ્રાહમ સાથેની ફિલ્મ ‘વેદા’માં ઝળકી. જોકે, તે ફિલ્મ બોક્સ-ઓફિસ પર ખાસ કમાલ દાખવી શકી નહોતી.
શર્વરી વાઘની આગામી ફિલ્મ પણ ‘યશરાજ’ બેનરની જ છે. ‘યશરાજ’ની ફિલ્મો મેળવવા માટે ઘણી અભિનેત્રીઓને વર્ષો સુધી રાહ જોવી પડે છે, જ્યારે શર્વરી એટલી નસીબદાર છે કે અત્યાર સુધીમાં તેણે કરેલી ચાર ફિલ્મમાંથી બે ફિલ્મ ‘યશરાજ’ની છે અને તેની પાંચમી ફિલ્મ પણ યશરાજ બેનરની જ છે. યશરાજ બેનરની ‘સ્પાય યુનિવર્સ’ની આગામી ફિલ્મ ‘આલ્ફા’માં શર્વરી વાઘ અને આલિયા ભટ્ટની મુખ્ય ભૂમિકા છે.
2024માં આવેલી સુપરડુપર હિટ ફિલ્મ ‘મુંજ્યા’માં બેલાની ભૂમિકામાં તેના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા. ‘આલ્ફા’ પછી શર્વરી ઈમ્તિયાઝ અલીની આગામી ફિલ્મમાં દિલજિત દોસંજ અને વેદાંગ રૈના સાથે દેખાશે. એક પછી એક ફિલ્મો પસંદ કરીને શર્વરી વાઘ ધીમી પણ મક્કમ ગતિએ બોલિવૂડમાં આગળ વધી રહી છે. માત્ર 28 વર્ષની ઉંમરે પોતાનું સ્થાન મજબૂત કરનારી શર્વરી વાઘ માટે હજી ખૂબ જ તક રહેલી છે.
25 ઓકટોબરથી 31 ઓક્ટોબર સુધી રોમેન્ટિક કોમેડીથી માંડીને એક્શન ફિલ્મનો ધમાકો થશે…
OTTનું હોટસ્પોટ
OTT પર આ અઠવાડિયા દરમિયાન પણ ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીની મેચ અને મહિલા વિશ્ર્વકપની અન્ય મેચો માણવા મળશે, પણ સાથે જ રોમાન્ટિક કોમેડી ફિલ્મથી માંડી એક્શન ફિલ્મો જોવા મળશે.
- જિયો હોટસ્ટાર: આ લોકપ્રિય ઓટીટી ચેનલ પર તમિળ ભાષાની રાજકીય એક્શન ફિલ્મ ‘શક્તિ થિરૂમગન’નું પ્રસારણ શરૂ થઈ ચુક્યું છે. સાથે જ સુપરહીરોની થ્રિલર ફિલ્મ ‘લોકો-ચેપ્ટર વન’નું પ્રસારણ શરૂ થયું છે. 25 ઓક્ટોબરે એઆઈ (આર્ટિફિશ્યલ ઈન્ટિલિજન્સ) દ્વારા નિર્મિત ફિલ્મ ‘મહાભારત એક ધર્મયુદ્ધ’ માણી શકાશે તો ‘ધ કાર્દિશિયન’ની સાતમી સિઝનનું પ્રસારણ પણ શરૂ થઈ ચુક્યું છે.
- નેટફ્લિક્સ: આ ખૂબ જ લોકપ્રિય OTT પ્લેટફોર્મ પર પવન કલ્યાણ અને ઈમરાન હાશમી અભિનિત ફિલ્મ ‘ધે કોલ હિમ ઓજી’ જોવા મળશે. એક્શન ફિલ્મનાં ચાહકો માટે તો આ સુપરહીટ ફિલ્મ તેમની દિવાળી સુધારશે. આ ઉપરાંત ‘કુરુક્ષેત્ર’ બીજા ભાગનું પુન: પ્રસારણ શરૂ થઈ ચુક્યું છે.
- એમેઝોન પ્રાઈમ વીડિયો:
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાનવી કપૂર અભિનિત રોમાન્ટિક કોમેડી ફિલ્મ ‘પરમ સુંદરી’નું પ્રસારણ પહેલી જ વાર આ પ્લેટફોર્મ પર થઈ રહ્યું છે. બોક્સ-ઓફિસ પર ‘હિટ’ સાબિત થયેલી આ ફિલ્મ આજે (શુક્રવાર તા. 24મી)થી જ રજૂ થઈ રહી છે.
આ પણ વાંચો…વ્હાઈટ બિકીનીમાં એક્ટ્રેસે બોલ્ડ પોઝ આપીને વધાર્યો ઈન્ટરનેટનો પારો, યુઝર્સે કહ્યું…



