મનોરંજનનું મેઘધનુષઃ સૂર્યના પહેલાં કિરણ જેવી તાજગીસભર દિવિતા જુનેજા

ઉમેશ ત્રિવેદી
હમણાં ગત શુક્રવાર, 12 સપ્ટેમ્બરે બોલિવૂડમાં એક નવો ઈતિહાસ રચાયો છે, જેની ભાગ્યે જ નોંધ લેવામાં આવી છે. ઘણીવાર એક જ હીરો કે એક જ હીરોઈનની બે ફિલ્મો એક જ દિવસે રજૂ થતી હોય છે, પણ આ શુક્રવારે એક જ દિગ્દર્શકની બે ફિલ્મો રજૂ થઈ છે અને એ છે આપણા ગુજરાતી દિગ્દર્શક ઉમેશ શુકલા. એમની નવા કલાકારો સાથેની ‘હીર એક્સપ્રેસ’ અને બીજી ફિલ્મ ‘એક ચતુર નાર’ સાથે જ રિલીઝ થઈ છે.
આપણે અહીં ‘હીર એક્સપ્રેસ’ની હીરોઈન દિવિતા જુનેજાની વાત કરવાના છીએ. દિવિતાની આ પ્રથમ જ ફિલ્મ છે, એની સાથે પ્રીત કામાણી નામનો નવો હીરો છે અને સાથે આશુતોષ રાણા, સંજય મિશ્રા અને ગુલશન ગ્રોવર જેવાં જાણીતાં કલાકારો છે. દિવિતા જુનેજાએ ફિલ્મ માટે નવું નામ છે, પણ એ કથક નૃત્યાંગના, થિયેટર આર્ટિસ્ટ, સમાજસેવિકા, યુટ્યુબર અને મોટિવેશનલ આઈકનના રૂપે લોકપ્રિય થઈ ચુકી છે.
‘હીર એક્સપ્રેસ’માં હીરની ભૂમિકા ભજવતી દિવિતાને પહેલી જ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રિશી કપૂર, પરેશ રાવળ, અક્ષય કુમાર જેવાંને દિગ્દર્શન આપનારા ઉમેશ શુકલા જેવા અનુભવી દિગ્દર્શક મળ્યા છે. ચંડીગઢમાં સંજીવ જુનેજા અને માતા સારાને ત્યાં જન્મેલી દિવિતાને નાનપણથી જ કુટુંબનો સાથ મળ્યો છે.
દિવિતા ભણવામાં પણ શરૂઆતથી જ ખૂબ હોશિયાર રહી છે. 12મા ધોરણમાં એણે 98.2 ટકા માર્કસ મેળવ્યા હતા અને અત્યારે એની પહેલી ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એ પંજાબ યુનિવર્સિટીમાંની કોલેજમાં છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરી રહી છે અને આવતા વર્ષે તે ડિગ્રી પણ મેળવી લેશે.
દિવિતાનો નામનો અર્થ પણ ખૂબ જ સુંદર થાય છે. ‘દિવિતા એટલે સૂર્યનું પહેલું કિરણ’. અભ્યાસ ઉપરાંત નાનપણથી જ કળા પ્રત્યે આકર્ષાયેલી દિવિતાએ કથકમાં સારી એવી નામના મેળવી છે. એણે ટ્રિનિટી કોલેજ – લંડનમાંથી પરફોર્મિંગ આર્ટસમાં ગ્રેડ-ત્રણ ડિસ્ટીંકશન પણ મેળવ્યું છે. નાની ઉંમરમાં જ સમાજસેવિકા તરીકે એણે નામના મેળવી છે. ‘આઈકેજે કેયર ફાઉન્ડેશન’ની તેણે શરૂઆત કરી છે, જે મહિલાઓને આત્મનિર્ભર કરવામાં મદદ કરે છે.
નાનપણમાં તો દિવિતા ખૂબ જ જાડીપાડી હતી. 17 વર્ષની ઉંમરે તેનું વજન 76 કિલો જેટલું હતું, પણ એક દિવસ અરીસામાં જોઈને એણે વજન ઉતારવાનો નિર્ણય કર્યો. છ મહિનામાં એણે 12 કિલો વજન ઉતાર્યું અને પછી એક પર્સનલ ટ્રેનર અને શેફની મદદથી આજે એ 56 કિલો વજન સુધી આવી ગઈ છે.
દિવિતાને એક સમયે ‘સાઈનોફોબિયા ’ (કૂતરાંનો ડર) હતો, પણ હવે તેનાં પર કાબૂ મેળવી લીધો છે અને અત્યારે એનાં ઘરમાં ત્રણ પાળેલાં કૂતરાં છે, જે એનાં જીવનનો ભાગ બની ગયા છે. દિવિતાને મેક્સિકન ફૂડ ભાવે છે, એને પુસ્તકો વાંચવાનો અને બેડમિન્ટન રમવાનો શોખ છે. હૃતિક રોશન એના ફેવરીટ કલાકાર છે અને આલિયા ભટ્ટ તેની ફેવરીટ અભિનેત્રી છે.
‘હીર એક્સપ્રેસ’ની હીર અને દિવિતામાં બહુ ફરક નથી. એ બંને પોતાના કુટુંબને ખૂબ પ્રેમ કરે છે અને બંનેને જીવનના પડકારોનો સામનો કરવાનું ગમે છે. આ બંનેને પોતાની જાત પર ભોરોસો છે અને કુટુંબીજનો એને પૂર્ણ સાથ આપે છે.દિવિતા તેનાં આધારે જ બોલિવૂડમાં પ્રવેશી છે.
જોકે, એની આ પહેલી ફિલ્મ ‘હીર એક્સપ્રેસ’ બોકસ ઑફિસ પર ખાસ સફળ નથી થઈ, પણ દિવિતાનું કામ ખૂબ વખણાયું છે એટલે એને જો બોલિવૂડમાં નસીબ સાથ આપશે તો જરૂર જામી જશે.
OTT નું હોટસ્પોટઃ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન શું જોવા મળશે?
આ અઠવાડિયા દરમિયાન તમને OTT પર અજય દેવગણની કોમેડી ફિલ્મ અને કાજોલ તેમજ ટ્વિંકલ ખન્નાનો ટોક શો જોવા મળશે. તે જ રીતે ‘સોની લીવ’ પર એશિયા કપની ધમાકેદાર સેમિ-ફાઈનલ અને ફાઈનલ મેચ જોવા મળશે.
*નેટફિલક્સ: અજય દેવગણ, મૃણાલ ઠાકુર અને રવિ કિશન અભિનીત ‘સન ઓફ સરદાર-ટુ’ 26મી સપ્ટેમ્બરે રજૂ થવાની છે.
25 સપ્ટેમ્બરે ‘એલિસ ઈન બોર્ડરલેન્ડ’ની ત્રીજી સિઝન શરૂ થઈ રહી છે અને દક્ષિણના ખૂબ જ જાણીતા અભિનેતા વિક્રમ અભિનીત તમિળ ફિલ્મ ‘થગંલ’ હિન્દી સબ-ટાઈટલ સાથે 20 સપ્ટેમ્બરે રજૂ થશે.
*એમેઝોન પ્રાઈમ વીડિયો: 25 સપ્ટેમ્બરે કાજોલ અને ટ્વિંકલ ખન્નાનો ટોક શો ‘ટૂ મચ’ની શરૂઆત થશે. આ શોમાં શાહરુખ ખાન, આમિર ખાન જેવાં બોલિવૂડના કલાકારો મહેમાન તરીકે આવશે. આ ઉપરાંત તમિળ હોરર ફિલ્મ ‘પેચાસી’ પણ રજૂ થશે
*જિયો સિનેમા: ‘ધ પેંગ્વિન’ નામની અંગ્રેજી સિરીઝ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.
*ડિઝની પ્લસ હોટસ્ટાર: મલયાલમ ફિલ્મ (હિન્દી સબ સાઈટલ સાથે) 23 સપ્ટેમ્બરે રજૂ થશે. આ સિવાય ‘હેલ્સ કીચન’ની 24મી સિઝન 23 સપ્ટેમ્બરે શરૂ થઈ રહી છે.
આ પણ વાંચો…મનોરંજનનું મેઘધનુષઃ આર્યન ખાન: વધુ એક `સ્ટાર સન’નું આગમન