ક્લેપ એન્ડ કટ..! : ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં ગેટ્સ કે ગતકડું?
મેટિની

ક્લેપ એન્ડ કટ..! : ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં ગેટ્સ કે ગતકડું?

  • સિદ્ધાર્થ છાયા

‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં બહુ જલ્દીથી માઈક્રોસોફ્ટનાં સર્વેસર્વા અને હવે સેવાભાવી સંસ્થા ચલાવતા બિલ ગેટ્સ જોવા મળશે. અમને મળેલા પાક્કાં સમાચાર કહે છે કે બિલ ગેટ્સ આ સિરીઝનો એક ભાગરૂપે જોડાય એ માટે ખાસ સ્ક્રિપ્ટ લખાઈ ચૂકી છે. આ સ્ક્રિપ્ટ પ્રમાણે તુલસી વિરાણી એટલે કે સ્મૃતિ ઈરાની અને ગેટ્સ બંને એકસાથે એક જ એપિસોડમાં દેખાશે.

આમ પણ વિરાણી પરિવાર મોટા વ્યાપારી અથવા તો ઉદ્યોગપતિનું પરિવાર છે. એટલે પ્લાન એવો છે કે આવનારા એક એપિસોડમાં તુલસી અને બિલ ગેટ્સ કોઈ સમાજિક સમસ્યાની ચર્ચા કરે. હવે આ ‘કેમિયો’ માટે બિલ ગેટ્સ કંઈ જાતેપોતે અમેરિકાથી મુંબઈ લાંબા તો ન જ થાય એટલે નક્કી એવું થયું છે કે તુલસી અને બિલભાઈ ઓનલાઈન ચર્ચા કરે.

આમેય વિરાણી પરિવાર વેપારના વધુ વિકાસ અર્થે અમેરિકામાં ઓફિસ (કે બ્રાન્ચ ) શરૂ કરી રહ્યા છે ત્યારે પતિ મિહિર વિરાણી સાથે તુલસીને પણ અમેરિકા મોકલવાનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે એવું આગલા એપિસોડસમાં દર્શાવામાં આવી ગયું છે !

હવે બિલ અને તુલસીની ઓનલાઈન ચર્ચાનો વિષય શું હશે એ પણ આપણે જાણી લઈએ. પ્રેગનન્ટ મહિલાઓ અને નવજાત શિશુઓના સ્વાસ્થ્ય અંગે એ બન્ને ચર્ચા કરશે. આમ પણ બિલ અને એની પૂર્વ પત્ની મેલિન્ડા પણ આ વિષયને લઈને પોતાનું એનજીઓ ચલાવે છે. આથી, એક કાંકરે બે પક્ષી મારવાનો અહીં ઈરાદો છે! બિલ એનાં એનજીઓની કામગીરી વિશે આ રીતે ભારતીય દર્શકોને માહિતી પહોંચાડશે તો ‘ક્યૂંકી’ના મેકર્સને બિલના નામે ટીઆરપીનું લાંબું બિલ ફાડવા મળશે. આમ, પણ વિરાણી એ ગુજરાતી પરિવાર છે એટલે પોતાનો ફાયદો તો જુવેને ?!

‘સંતોષ’ પામવા આવી જીદ?

એક ફિલ્મ બની છે જેનું નામ છે ‘સંતોષ’. આ ફિલ્મ કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની હતી, પણ છેલ્લી ઘડીએ એની રિલીઝ રોકી દેવામાં આવી છે. કારણ કે આ ફિલ્મના મેકર સંધ્યા સૂરી ખુદ છે. બન્યું એવું કે ફિલ્મને ઓટીટી પર લાવતાં અગાઉ સેન્સર બોર્ડની મંજૂરી અને સર્ટિફીકેટ લેવાં જરૂરી હોય છે, પણ સૂરીબહેનને એ મંજુર નથી. એમનું કહેવું છે કે સિનેમાહોલમાં ફિલ્મ દેખાડવી અને ઓટીટી પર દેખાડવી આ બંને અલગ વાત છે.

સૂરીને ખાતરી છે કે સેન્સર એમની ફિલ્મમાં કાપકૂપ જરૂર કરશે. આથી તેમણે રિલીઝ રોકીને એમ કહ્યું છે કે આમ કરવાથી ‘સંતોષ’નો આત્મા સાવ મરી જ જશે. આ જ કારણસર સંધ્યા સૂરી પોતાની ફિલ્મને સેન્સર કરાવવા માંગતા નથી.

આમાં, ક્યાંક કાચું કપાયું હોય કે પછી સંધ્યા સૂરીને કાચું સમજાયું હોય એવું નથી લાગતું? ભારતભરની ફિલ્મોને સેન્સરની કાતર વચ્ચેથી પસાર થવું જ પડે છે તો પછી આ ‘સંતોષ’ કઈ વાડીની મૂળી, સોરી મૂળો છે કે એના માટે સેન્સર બોર્ડને આંખો બંધ કરી દેવાનું કહેવામાં આવે? માન્યું કે સેન્સર બોર્ડ પણ ઘણી વાર હાસ્યાસ્પદ કટ્સ મારે છે. એવી ઘણી ફિલ્મો હશે જેનો આત્મા પણ સેન્સર બોર્ડે મારી નાખ્યો હશે. આમ છતાં ‘સંતોષ’ કોઈ શુક્રના ગ્રહ પરથી આવેલી ફિલ્મ નથી કે એને સીધી એન્ટ્રી મળી જાય…!

બોબી દેઓલ: ‘એકશન રિ-પ્લે’

થોડા સમય પહેલાં જાવેદ અખ્તરે એક ઇન્ટરવ્યૂમાં અમજદ ખાન વિશે એક વાત કરી હતી કે ‘શોલે’ અગાઉ અમજદ ખાનને જે લોકો કામ આપવાથી ઇગ્નોર કરતાં હતાં, એ બધાં જ ‘શોલે’ પછી ‘અમજદભાઈ, અમજદભાઈ’ બોલીને એની આસપાસ ફરવા લાગ્યાં હતાં. આ વાત અમને અત્યારે એટલા માટે યાદ આવી કે અમજદ ખાનનું નવું વર્ઝન હાલમાં બોબી દેઓલમાં દેખાઈ રહ્યું છે.

Gen Z વાળા બોબી દેઓલને ‘લોર્ડ બોબી’ કહીને પ્રેમથી બોલાવે છે, પરંતુ 90ના દાયકામાં સતત હીટ ફિલ્મો આપનાર આ લોર્ડ બોબી અચાનક જ બે-ત્રણ ફ્લોપ બાદ ખોવાઈ ગયો. બોબીનાં પોતાનાં શબ્દોમાં કહીએ તો બોલિવૂડ આખું એને ઇગ્નોર કરવા લાગ્યું હતું. એ કોઈ પાર્ટીમાં જતો તો શરૂઆતમાં ‘એક દેઓલ હોવાને કારણે’ તેની સાથે ખૂબ સારી વાતો થાય. અમુક મિનિટની વાત બાદ પેલી વ્યક્તિ પોતાના ગ્રૂપમાં જતી રહે અને પાર્ટીમાં બોબીની રીતસર અવગણના થતી.

એક વખતે દિલ્હીની ક્લબમાં જ્યારે બોબીએ ડીજે બનીને પોતાની કોઈ ફિલ્મનું ગીત વગાડ્યું તો લોકોએ તેને બંધ કરવા બૂમરાણ મચાવી દીધી હતી, પરંતુ પહેલાં ‘આશ્રમ’ વેબસીરીઝ, પછી ‘એનિમલ’ ફિલ્મ અને હવે ‘નેટફ્લિક્સ’ની તાજી હીટ ‘બેડ્સ ઓફ બોલિવૂડ’ એમ એ ત્રણેયે બોબીની જિંદગી પલટી નાખી છે. હવે બોબી તમામ પાર્ટીમાં ‘મસ્ટ’ અને ‘મસ્ત’ બની ગયો છે. આ વાત ખુદ લોર્ડ બોબીએ હાલમાં એક પોડકાસ્ટમાં સ્વીકારી છે. અહીં મજાની વાત એ છે કે ‘બેડ્સ ઓફ બોલિવૂડ’ ખુદ બોલિવૂડની એ જ પ્રકારની વાત કરે છે જે બોબીએ પોતાના જિંદગીના અનુભવ રૂપે કહી છે.

કટ એન્ડ ઓકે..

દુબઈમાં શાહરૂખ અને આમિર સાથે એક મેગા કાર્યક્રમ દરમિયાન સલમાન ખાને પોતાના ફેન્સ ક્યાં-ક્યાં રહે છે એ પ્રશ્નના જવાબમાં બલુચિસ્તાન અને પાકિસ્તાન આ બંનેનો અલગ-અલગ ઉલ્લેખ કરીને બલોચોમાં હર્ષ, પાકિસ્તાનીઓમાં રોષ અને ભારતીયોમાં ક્ધફયુઝનની લાગણી ફેલાવી દીધી છે.

આ પણ વાંચો…ક્લેપ એન્ડ કટ..! ‘થામા’……જરા થાંબા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button