માલા સિન્હા-દેવ આનંદનો નેપાળી નાતો
મેટિની

માલા સિન્હા-દેવ આનંદનો નેપાળી નાતો

હેન્રી શાસ્ત્રી

પ્રેમનાથ અને દેવ આનંદ ‘ઈશ્ક ઈશ્ક ઈશ્ક’માં , માલા સિન્હા પતિ ચિદમ્બરમ લોહની સાથે

દેવ આનંદ અને માલા સિન્હા…
એક એવરગ્રીન કલાકાર અને બીજી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સદાબહાર દોરની સફળ અભિનેત્રી. 1950 – 60ના દાયકામાં દેવસા‘બ અને માલા સિન્હાના નામના સિક્કા પડતા હતા. બંને કલાકારની ફિલ્મોનાં ગીત-સંગીત આજે પણ લોકો સંભારી હોંશે હોંશે ગણગણે છે.

જોકે, આ બંને હીરો-હીરોઈન તરીકે ફક્ત બે જ ફિલ્મમાં સાથે જોવા મળ્યા છે. એક ‘લવ મેરેજ’ (ધીરે ધીરે ચલ ચાંદ ગગન મેં અને કહે ઝૂમ ઝૂમ રાત યે સુહાની) બીજી હતી ‘માયા’ (જા રે જા રે ઉડ જા રે પંછી, તસવીર તેરી દિલ મેં જિસ દિન સે ઉતારી હૈ, કોઈ સોને કે દિલવાલા કોઈ ચાંદી કે દિલવાલા). બંને બોક્સ ઓફિસ પર સફળ.

હિન્દી ફિલ્મ દર્શકોની આંખોમાં વસી ગયેલા આ બે કલાકાર વચ્ચે એક વિશિષ્ટ સામ્ય છે, જે વર્તમાન પરિસ્થિતિમાં ચર્ચામાં આવ્યું છે. ભારતના પાડોશી દેશ નેપાળમાં તાજેતરમાં ભયંકર ઊથલપાથલ થઈ. દેવ આનંદ અને માલા સિન્હા નેપાળ સાથે અતૂટ નાતો ધરાવે છે.

માલા સિન્હાનો જન્મ થયો હતો પશ્ચિમ બંગાળના કલકત્તા શહેરમાં, પણ એના માતા – પિતા મૂળ નેપાળી હતા, જે પછી સ્થળાંતર કરી પશ્ચિમ બંગાળમાં રહેવા આવી ગયા હતા. 10 વર્ષની ઉંમરે ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે અભિનયનો આરંભ કર્યા પછી 1954માં અભિનેત્રીને પહેલો બ્રેક મળ્યા પછી ધીમે ધીમે એના પગ ઈન્ડસ્ટ્રીમાં જામતા ગયા.

1960ના દાયકામાં માલા સિન્હા હિન્દી ફિલ્મોમાં અત્યંત વ્યસ્ત હતી. એની ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ થતી હોવાથી એની ડિમાન્ડ પણ ખાસ્સી હતી. તેમ છતાં નેપાળમાં પ્રાઈવેટ બેનર દ્વારા નિર્માણ કરવામાં આવેલી ફિલ્મ ‘માઈતીઘર’ (જેનો અર્થ પરિણીત સ્ત્રીની માતાનું ઘર-પિયર થાય છે)માં અભિનેત્રી જોવા મળ્યાં હતાં. આમ પણ નેપાળ માલાજીનાં માતુશ્રીનું પિયર જ હતું. વતનનું કહેણ આવતા કોઈપણ પ્રકારની પૂર્વ શરત મૂક્યા વિના માલા સિન્હા નેપાળની ફિલ્મમાં કામ કરવા તૈયાર થયા હતાં.

ફિલ્મને તો સારી સફળતા મળી, પણ અભિનેત્રીના અંગત જીવનને એક મીઠો વળાંક આપવામાં સાબિત થઈ. થયું એવું કે ‘માઈતીઘર’ (1966)ના શૂટિંગ દરમિયાન બંગાળી-નેપાળી અભિનેત્રી નેપાળી એક્ટર- સિંગર ચિદમ્બરમ પ્રસાદ લોહનીના સંપર્કમાં આવી. કોઈ કારણવશ હિન્દી ફિલ્મ અભિનેત્રી અને નેપાળી સહ કલાકાર વચ્ચે નિકટતા વધી.

પરિચય પ્રેમમાં અને પ્રેમનું રૂપાંતર પરિણયમાં થયું. માલા સિન્હાના પિતાશ્રીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પર ભરોસો નહોતો અને પોતાની દીકરી નેપાળીને પરણે એવું ઈચ્છતા હતા અને મિસ્ટર લોહની એમની નજરમાં વસી ગયા. 1968માં બંનેનાં લગ્ન મુંબઈમાં થયા.

જોકે, લગ્ન પછી માલા સિન્હાએ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું, જ્યારે એક્ટિંગની દુનિયા છોડી એસ્ટેટ એજન્સીનો બિઝનેસ શરૂ કરનારા મિસ્ટર લોહની વ્યવસાય સંભાળવા નેપાળ પાછા ફર્યા હતા. અલગ અલગ દેશમાં વસવાટ હોવા છતાં આપસી મનમેળ અને સમજદારીને કારણે લગ્ન જીવનમાં કોઈ ખટરાગને અવકાશ નહોતો. બંને વચ્ચે ભૌગોલિક અંતર હતું, પણ અંતરમાં આનંદ આનંદ હતો.

અભિનેત્રીને મન થાય તો એ નેપાળ પહોંચી જતી અને ઈચ્છા થાય એટલે ચિદમ્બરમ પણ મુંબઈ આવી જતા. સુખી અને સંતોષી લગ્ન જીવન હતું. 56 વર્ષના સાહચર્ય પછી ગયા વર્ષે મિસ્ટર લોહનીનું અવસાન થયું હતું.

દેવ આનંદનું નેપાળી કનેક્શન અંગત અને વ્યવસાયિક કારણસર હતું. નેપાળના રાજકુમાર કિંગ બિરેન્દ્રના લગ્ન પ્રસંગમાં દેવ સાબને વિશષ આમંત્રણ મળ્યું હતું. એમના પરિચિત એક જર્મન ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર પણ હાજર હતા. એક દિવસ બંને જઈ પહોંચ્યા હિપ્પીઓના અડ્ડા પર. થોડી મિનિટોની હાજરીમાં જ દેવ આનંદને એવું કશુંક દેખાયું કે તેમના દિમાગમાં ‘હરે રામ હરે કૃષ્ણ’ ફિલ્મનું બીજ રોપાયું.

લગ્નોત્સવ પૂરો થયા પછી નીકળતા પહેલાં રાજા મહેન્દ્રની ઔપચારિક મુલાકાત વખતે દેવ સાબે નેપાળમાં ફિલ્મનું શૂટિંગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજાએ કેવળ પરવાનગી જ ન આપી, દેવ આનંદને સ્ક્રિપ્ટ તૈયાર કરવા નેપાળ રોકાઈ જવા આગ્રહ કર્યો અને નેપાળના રમણીય વિસ્તાર પોખરામાં રોયલ ગેસ્ટહાઉસમાં રહેવાની બધી સગવડ કરી આપી.

રાજાની મદદ અને મહેમાનગતિ તેમ જ નેપાળી લોકોના ઉત્સાહ અને ઉષ્માને કારણે ફિલ્મનું શૂટિંગ 10 અઠવાડિયામાં જ પૂરું થઈ ગયું. ઝીનત અમાનને સ્ટાર બનાવી દેનારી આ ફિલ્મનું શૂટિંગ મુખ્યત્વે કાઠમંડુના ખીણ પ્રદેશમાં થયું હતું. ‘હરે રામ હરે કૃષ્ણ’ના શૂટિંગ દરમિયાન દેવ આનંદ નેપાળના પર્વતીય વિસ્તાર અને એના પ્રાકૃતિક સૌંદર્યથી મોહિત થયા હતા.

1974માં એમની ‘ઈશ્ક ઈશ્ક ઈશ્ક’ ફિલ્મનું ખાસ્સું શૂટિંગ નેપાળમાં થયું હતું. વિજય આનંદ દિગ્દર્શિત ‘જોની મેરા નામ’ના કેટલાક હિસ્સાનું ફિલ્માંકન પણ નેપાળમાં કરવામાં આવ્યું હતું. દેવ આનંદના આ પ્રયાસોને કારણે નેપાળ ભારતીય સહેલાણીઓમાં ટુરિસ્ટ પ્લેસ તરીકે પ્રખ્યાત થયું અને નેપાળી ટેક્નિશ્યનો અને એક્ટરો ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંપર્કમાં આવ્યા. પરિણામે પછી ઘણી હિન્દી ફિલ્મના શૂટિંગ નયનરમ્ય નેપાળમાં થયા. એક અર્થમાં દેવ આનંદ નેપાળના બ્રાન્ડ એમ્બેસેડર હતા.

દેવ આનંદે એમની આત્મકથા ‘રોમાન્સિંગ વિથ લાઈફ’નું લોકાર્પણ 2008માં નેપાળની રાજધાની કાઠમંડુમાં કર્યું હતું. નેપાળ ફરી આવી ફિલ્મનું શૂટિંગ કરવાની ઈચ્છા પણ એમણે વ્યક્ત કરી હતી. જોકે, એ એમની અંતિમ નેપાળ યાત્રા સાબિત થઈ હતી. 2011માં એમનું અવસાન થયું અને એ ઈચ્છા અધૂરી રહી ગઈ.

આ પણ વાંચો…મિર-હ્રષિદાની ફિલ્મથી આપણે વંચિત રહી ગયા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button