બધાને ખુશ રાખવા એટલે જીવતા દેડકાને ત્રાજવામાં જોખવા… | મુંબઈ સમાચાર
મેટિની

બધાને ખુશ રાખવા એટલે જીવતા દેડકાને ત્રાજવામાં જોખવા…

  • અરવિંદ વેકરિયા

ટુરના દિવસો હવે ‘શેષ’ બચે તે ‘અવશેષ’ બની જાય તે પહેલાં ‘વિશેષ’ બનાવી લઈએ એવું અમે વિચારતાં રહેતાં. વધુ એક સ્થળે જવાનું નક્કી થયું, જે ત્યાંનું ‘ખાસ’ હતું એ બામ્બુ ડાન્સ.

આ જગ્યા અજી હાઉસથી ખાસ્સી દૂર હતી. સિદ્ધાર્થે ચોખવટ કરેલી કે ‘ત્યાં મોડું તો થશે, જેમને ઇચ્છા ઓછી હોય એ અજી હાઉસમાં આરામ ફરમાવે, ખોટા હેરાન ન થાય. બાકી નવીનતા નિહાળવાની ઇચ્છા હોય તો આ જુદા પ્રકારના ડાન્સ, ‘બામ્બુ ડાન્સ’ જોવાનો લહાવો છોડાય નહીં.’

એક-બેને બાદ કરતાં લગભગ બધાં તૈયાર થઈ ગયાં. રજની શાંતારામનું મન થોડું ઢચુ-પચુ થતું હતું, પણ ‘લહાવો’ લેવાં સાથે જોડાયા. મેટાડોર (ત્યાં કોમ્બી કહે છે.)માં બધા ગોઠવાયાં.

અમારો સંઘ બામ્બુ ડાન્સ જોવા નીકળ્યો. સ્થળ ખૂબ દૂર હતું. એ વખતે ટુ-ઈન-વન રેકોર્ડર નવા-નવા હતાં. મુંબઈમાં બહુ ઓછાં દેખાતાં. ત્યાં નૈરોબીમાં બહુ જોવા મળતાં. ઊભેલી વેનમાં સ્પીકર મૂકી નીગ્રો જોરશોરથી મ્યુઝિક સાંભળતાં હોય. આમ પણ આ પ્રજા સંગીતની બેહદ શોખીન. ટ્રાફિકને લીધે અમારી મેટાડોર એક જગ્યાએ અટકી. બહાર નાની બજાર જેવું દેખાયું. ત્યાં એક ખૂબ મોટું ટુ-ઇન-વન વાગતું હતું.

રજનીબહેન કહે ‘અરે! આટલું મોટું રેકોર્ડર?’ સિદ્ધાર્થ કહે, ‘હા, આની ખૂબી છે. ગીત વાગે એટલે ગાયક આ સ્પીકરની બહાર નીકળે.’ અમે બધાં હસી પડ્યાં. રજનીબહેનને વાત સમજાણી નહીં. એ વિચિત્ર નજરે સિદ્ધાર્થ સામે જોતાં રહ્યાં. એમ લાગે જાણે આ વાતને એમણે સાચી ન માની લીધી હોય?. સિદ્ધાર્થને થયું નક્કી રજનીબહેનને આ મીઠી મજાકનું ખોટું લાગ્યું લાગે છે. ભલે વાત કોઈ નથી માનતું પણ વાતનું ખરાબ સૌને લાગે છે. બેસીબેસીને પગ ભારે થઈ ગયાં પણ પેલું સ્થળ આવતું જ નહોતું. રજનીબહેન સખત કંટાળ્યા હતાં. ‘મને પાછી અજી હાઉસ મૂકી જાવ.’ સિદ્ધાર્થનાં મગજનો પારો ગયો.:

‘રજનીબહેન, મેં બધાને કહ્યું હતું કે બહુ દૂર જવાનું છે, ઇચ્છા ન હોય તો અજી હાઉસમાં આરામ કરો. હવે આટલે દૂર આવ્યા પછી પાછા કેવી રીતે તમને મુકવા આવે?’ વાત થોડી વણસી પડી. અંતે મેં કહ્યું, ‘સિદ્ધાર્થ, આપણને પહોંચી જવા દે પછી નક્કી કરીએ.’ ત્યાં તાત્પુરતી થોડી શાંતિ પથરાય ગઈ… જેવાં ત્યાં પહોંચ્યાં કે વાત ફરી સળવળી. ‘મને પ્લીઝ, મૂકી જાવ’ રજનીબહેને પાછું શરૂ કરી દીધું. અમે નીચે ઊતરી કાર્યક્રમનો સમય જાણ્યો.

નક્કી એવું થયું કે અમે બધા બામ્બુડાન્સનો પ્રોગ્રામ જોઈએ. ત્યાં સુધીમાં મેટાડોરમાં ડ્રાઈવર રજનીબહેનને અજી હાઉસ મૂકી અહીં પાછો આવે. સિદ્ધાર્થની વાત સાચી હતી. જો આવો ‘કંટાળો’ આવી જતો હોય તો કાં તો મૂંગા મોઢે સાથે રહેવું જોઈએ કાં આવવું જ ન જોઈએ. બધાને ખુશ રાખવા એટલે જીવતાં દેડકાને ત્રાજવામાં જોખવા જેટલું અઘરું છે.

કોઈ મહારાણીની જેમ રજનીબહેન મેટાડોરમાં એકલાં બેસીને અજી હાઉસ જવાં નીકળી ગયાં. ગરમ થયેલું વાતાવરણ ધીમેધીમે ઠંડું પડવા લાગ્યું. ક્ષમા એક વ્યક્તિ કરે છે, મુક્તિ બે જણની થાય છે. ક્ષમા તો નહીં પણ રજનીબહેનને પાછા મોકલીને સિદ્ધાર્થને શાંતિ તો મળી હશે અને રજનીબહેનને પણ પોતાનો કક્કો સચવાયાનો હરખ થયો હશે.

અમે બધાએ પ્રેમ ભરીને બામ્બુડાન્સ જોયાં. અદ્ભુત… જુદા-જુદા પ્રકારનાં અપ્રતિમ નૃત્ય એ પણ બામ્બુની અલગ અલગ સાઈઝ સાથે, શરીરની અંગીમાં ગજબ હતી. ત્યાં બિયરનાં ટીન સાથે પોટેટો ચિપ્સ માણ્યાં. અમુક જગ્યાએ ચિપ્સની વિચિત્ર સ્મેલ આવતી હતી. આવું ઘણી જગ્યાએ અનુભવ્યું હતું. આ બધાનું સમાપન થતાં સમય લાગ્યો. ત્યાં સુધીમાં પેલાં બહેનને અજી હાઉસ મૂકીને મેટાડોર આવી ગયેલો.

બીજા દિવસનો શો પતાવી અમારાં શો કિશુમુ અને નકુરુમાં હતાં એટલે ત્યાં જવાં નીકળવાનું હતું. અમને ત્રણેયને નવાઈ એ વાતની લાગતી હતી કે ‘મસાઈમારા’નું કોઈ નામ જ નહોતું લેતું. એક નફફટ વિચાર ત્રણેયનાં મનમાં આવી જતો કે આ બે શો પછી જો મસાઈમારા ન લઈ જવાનાં હોય તો શો ન કરીએ? આ વિચાર ખોટો હતો પણ બળાપો બળવત્તર હતો.

માની લેવું, ધારી લેવું અને કહી દેવું એ સંબંધ બગડવાના સરળ રસ્તાઓ છે, પરંતુ પૂછી લેવું, જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના સરળ ઉપાયો છે. અમે ખોટા વિચાર કરવાને બદલે ગેરસમજ કેમ દૂર કરવી એ વિચારે ચડી ગયાં. સારા જરૂર બનવું પણ સાબિત કરવા મહેનત ન કરવી એ જ ઉકેલ દેખાયો.

બીજા દિવસનો શો પત્યો. વહેલી સવારે કિશુમુ જવા નીકળ્યાં. રસ્તાઓ વિષે કઈ કહેવાપણું નહોતું. મસ્કા જેવા રસ્તા.. રસ્તા પર વેન ચાલે અને બંને બાજુએ કમાન બની ‘છાયો’ દેતાં ગુલમહોરનાં વૃક્ષો. એ દ્રશ્ય નિહાળી છાતી ગજ-ગજ ફૂલતી કે જોવાની ઇચ્છા કેવી ફળીભૂત થઈ રહી છે.!

કિશુમુમાં ઘણું ફર્યા. શો પતાવી અમે નકુરુ જવા નીકળ્યાં. કુદરતે ચારેકોર અકલ્પનીય લીલોતરી વરસાવી હતી. નકુરુમાં જલારામ બાપાનું જબરજસ્ત મંદિર છે. ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે. સનાતન હિંદુઓ ત્યાં આવે છે, રહે છે. ત્યાં ‘લંગર’…હરિહર…ખાવાનું નિશુલ્ક પ્રસાદ રૂપે મળે છે. એ બનાવનારા અને પીરસનારા નીગ્રો જ હોય છે, સરસ ગુજરાતી બોલતા હોય છે. પ્રેમથી આગ્રહ કરીને તમને જમાડે.

ત્યાં પૈસાની લેતી-દેતી નથી, હા.. તમારે ડોનેશન રૂપે કઈ લખાવવું હોય તો તમે લખાવી શકો. એ ફરજિયાત નથી. ચોખ્ખાઈ ખૂબ છે ત્યાં. જલાબાપાની મૂર્તિ પણ સુંદર હતી. મનને ગજબનું સુકુન મળે. દર્શન કરી અમે પ્રસાદ રૂપે ભોજન લીધું. ત્યાં સ્પોન્સરે રૂમ અપાવી થોડો આરામ કરવા કહ્યું. મંદિરનું કામ શાંતિથી અને ઉમદા રીતે પાર પડતું અમે નજરે જોયું. કહે છે કે સફળ વ્યક્તિઓ અલગ કાર્ય નથી કરતાં પણ કાર્યને અલગ રીતે કરે છે એનો આ જીવંત પુરાવો હતો. રાત્રે શો પતાવી અમે ‘મોમ્બાસા’ શો માટે નીકળી ગયા જ્યાં એક શો હતો.

ડબ્બલ રિચાર્જ
ઘણાં મોટા બોર્ડ ઉપર સુંદર છોકરીનો મિક્સર સાથે ફોટો હતો. લખ્યું હતું, એક્ષ્ચેન્જ ઓફર. પતિ ઘણીવાર સુધી એ બોર્ડ જોતો રહ્યો. પત્નીએ નમ્રતાથી કહ્યું, ચાલો ઘરે…ઓફર માત્ર મિક્સર ઉપર છે.

આપણ વાંચો:  આમિર-હ્રષિદાની ફિલ્મથી આપણે વંચિત રહી ગયા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button