મેટિની

ક્લેપ એન્ડ કટ-હેં….શહેનશાહની જગ્યાએ ભાઈજાન બનાવશે કરોડપતિ?

-સિદ્ધાર્થ છાયા

લગભગ અઢી દાયકા જેટલા સમયથી લોકપ્રિય એવા ‘કૌન બનેગા કરોડપતિ’ શોના હોસ્ટ બદલાઈ રહ્યા છે. જોકે, આ નવું નથી. શો ની બે સિઝન બાદ જ અમિતાભ બચ્ચનને સ્થાને શાહરુખ ખાન હોસ્ટ બન્યા હતા, પરંતુ, એ સિઝન નબળી ગઈ એટલે પછી ફરીથી અમિતાભ બચ્ચને પોતાનું સ્થાન સંભાળી લીધું હતું.

હવે ‘બોલિવૂડ હંગામા’ જેવી જાણીતી વેબસાઈટ એવા ‘બ્રેકિંગ ન્યૂઝ’ આપી રહી છે ‘કેબીસી’ની આગામી સિઝન માટે સલમાન ખાનને આ લોકપ્રિય શોના હોસ્ટ બનાવવાની વાત ચાલી રહી છે !

સલમાન ખાનનો ‘દસ કા દમ’ શો જે કેબીસીની જ કોપી હતો અને સલમાન બિગબોસના હોસ્ટ તરીકે સફળતા જોઈ ચૂક્યો છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું અમિતજી ખરેખર ‘કેબીસી’ છોડી દેશે? કારણ કે આગામી ‘કેબીસી’ શોનું આ સિલ્વર જ્યુબિલી વર્ષ છે અને ખુદ અમિતજીએ એ શોના તૈયારીને લઈને પોતાના બ્લોગમાં વાત પણ કરી છે .

આપણ વાંચો: કૌન બનેગા કરોડપતિમાં Amitabh Bachchanને રિપ્લેસ કરશે Salman Khan?

આમ છતાં,ઘડી ભર માટે માની લઈએ કે એ શો હવેથી સલમાન સંભાળી લે છે તો શું એ અમિતાભની લોકપ્રિયતાને સ્પર્શ કરી શકશે ખરો ?

‘કેબીસી’ શરૂઆતમાં કરોડપતિ બનવાની ઈચ્છા માટે આવતા સ્પર્ધકો માટે જાણીતો હતો, પરંતુ થોડા જ વર્ષો બાદ તેમાં ભાગ લેનારાઓ માટે એટલું આશ્વાસન પૂરતું હતું કે એમને અમિતાભ સાથે વાત કરવા કે એમની સાથે હાથ મેળવવાની તક મળતી હતી…. ફેન્સની આવી ઈચ્છાની ચરમસીમાને સલમાન પામી શકે એટલો એ સક્ષમ છે ખરો?

ડાઉટ હૈ!

‘હાઉસફૂલ પાંચ’ હવે કયારે થશે હાઉસ ફૂલ?

જાણીતા કોરિયોગ્રાફર અહમદ ખાન હવે ‘હાઉસફૂલ પાંચ’ નું નિર્દેશન કરવામાં વ્યસ્ત છે એમનું કહેવું છે કે એમની આ ફિલ્મનું શૂટિંગ શેડ્યૂલ ધાર્યા કરતાં વધુ મોડું થઈ રહ્યું છે તેની એમને તેમજ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાને જાણ છે ને તેનાથી એમને કોઈજ વાંધો નથી. અહમદ ખાનના કહેવા અનુસાર આ ફિલ્મમાં કલાકારોનો જબરો જમાવડો છે એટલે અમુક વાત ખાસ ધ્યાનમાં લેવી પડે, જેને કારણે મોડું થઈ રહ્યું છે. .

આપણ વાંચો: સુખનો પાસવર્ડ : નાનીનાની વાતે રાજી થવાનું શીખવું જોઈએ…

ફિલ્મ ‘હાઉસફૂલ પાંચ’ આ વર્ષે જ રિલીઝ થશે કે આવતા વર્ષે એ પણ ચોક્કસપણે એ કહી શકે તેમ નથી. જોકે, અહમદ ખાને એક બહુ મહત્ત્વની વાત એ કરી કે એવા ઘણાં ડિરેક્ટર છે જેઓ કોઈ ખાસ તારીખનો લાભ ઉઠાવવા માગતા હોય છે, જેમકે દિવાળી-ઈદ- હોળી વગેરે. એ લોકો રિલીઝ ડેટ જાહેર કરીને શૂટિંગ શરૂ કરે છે.

આથી ફિલ્મ બનાવવામાં ઉતાવળ કરવી પડે છે. એને કારણે ફિલ્મની ક્વોલિટી ઉપર અસર પડે છે અને પછી એ ફિલ્મ લોકોને ગમશે જ એની કોઈ જ ગેરેન્ટી હોતી નથી…માટે અહમદ ખાન આવું રિસ્ક લીધા વગર પોતાનો સમય લઈને પોતાની રીતે ‘હાઉસફૂલનો પાંચ’ બનાવી રહ્યા છે, જેથી એ રજૂ થાય ત્યારે ખરા અર્થમાં હાઉસ ફૂલ સાબિત થાય !

આપણ વાંચો: અહીંયાનો આઈસ્ક્રીમ છે Amitabh Bachchan નો ફેવરેટ, તમે ટ્રાય કર્યો કે નહીં?

-અને દીપિકાએ આપ્યો આઘાત!

‘એનિમલ’ ફેઈમ સંદીપ રેડ્ડી વંગા પ્રભાસ અને દીપિકા પદુકોણને લઈને ‘સ્પિરિટ’ નામની ફિલ્મ બનાવવા જઈ રહ્યા હતા, પરંતુ દીપિકાએ આ સંદીપભાઈને એવો તો જબરો આઘાત આપ્યો કે એની કળ હજી સુધી એમને વળી નથી.

વાત એમ બની છે કે દીપિકાએ ફિલ્મ તો સ્વીકારી લીધી પરંતુ ત્યારબાદ એક એવી શરત મૂકી કે તે જાણીને સંદીપ રેડ્ડી સાવ ડઘાઈ જ ગયા. દીપિકાની શરત એ હતી કે એ દિવસના છ કલાકથી વધુ કામ નહીં જ કરે. આટલું ઓછું હોય તેમ એણે ઓલરેડી સાઈન કરેલા કોન્ટ્રેક્ટમાં એ સુધારો કરાવવાનો પ્રયાસ કર્યો કે એ ફક્ત સો દિવસ કામ કરશે. જો સો દિવસથી વધુ શૂટિંગ કરવાનું થશે તો પ્રતિ દિન તે વધારાના નાણાં ચાર્જ કરશે.

સ્વાભાવિક છે કે સંદીપ રેડ્ડી વંગાને આ વાત સ્વીકાર્ય ન જ હોય. એટલે એમણે દીપિકાને જ ફિલ્મમાંથી ‘વિદાય ’ કરી દીધી છે અને હવે કોઈ અન્ય અભિનેત્રીની શોધ એમણે ચાલુ કરી દીધી છે. ‘સ્પિરિટ’ ફિલ્મ એ કોપ થ્રીલર છે. સંદીપ અને પ્રભાસ પહેલી વખત એક સાથે કોઈ ફિલ્મ કરી રહ્યા છે. આ બંનેનો જબરદસ્ત ફેન સમુદાય સમગ્ર ભારતમાં છે એટલે આ ફિલ્મની સફળતા વિષે કોઈને શંકા હોય જ નહીં તો પછી શું દીપિકા એની આગામી હિટની આ ટ્રેન ચૂકી ગઈ છે?

કટ એન્ડ ઓકે..
ફિલ્મ ‘હેરાફેરી 3’ પરેશ રાવલે છોડી પછી એક મુલાકાતમાં :
‘અક્ષય કુમાર મારો મિત્ર નથી.. એ માત્ર સહયોગી છે…!’
-પરેશ રાવલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button