મેટિની

મનોરંજનનું મેઘધનુષઃ કપિલ શર્મા ટચૂકડા પડદાનો સુપરસ્ટાર પણ મોટાં પડદે સુપર ફ્લોપસ્ટાર!

ઉમેશ ત્રિવેદી

કપિલ શર્માની ‘કિસ કિસ કો પ્યાર કરું-ભાગ 2’ હાલમાં જ એટલે કે 12 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કપિલ શર્મા લીડ રોલમાં હતો. લગભગ 35 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મ રિલીઝના 15 દિવસ પછી માંડ-માંડ 13 કરોડની કમાણી કરી શકી છે. ટચૂકડા પડદા પર એક પછી એક વિક્રમ નોંધાવતો આ હાસ્ય કલાકાર સુપરસ્ટારને પણ શરમાવે એવી લોકપ્રિયતા ધરાવે છે, ફિલ્મમાં આ અગાઉ પણ તેણે પ્રયાસ કર્યા છે ત્યારે તે ફ્લોપ સ્ટાર જ સાબિત થયો છે.

અત્યારે ઓટીટી પર તેની ‘ધ ગ્રેટ ઈન્ડિયા કપિલ શો’ની ત્રીજી સીઝન ચાલુ થઈ છે અને ઓટીટી પર તેનો આ કાર્યક્રમ રજૂ કરવા માટે તેને દરેક એપિસોડ દીઠ મસમોટી ફી (માર્કેટ મુજબ રૂપિયા પાંચ કરોડ!) ચૂકવવામાં આવે છે. એક સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે કપિલ શર્માએ ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ (સીઝન-થ્રી), કોમેડી સર્કસ, કોમેડી નાઈટ વિથ કપિલ, ધ કપિલ શર્મા શો અને હવે તેનો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ખૂબ જ લોકપ્રિય થયા છે.

2007માં ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની ત્રીજી સીઝન જીત્યા પછી કપિલ શર્મા સતત આગળ જ વધતો રહ્યો છે. ટી. વી. પર તેની લોકપ્રિયતા અપાર છે, પણ ફિલ્મોમાં તેને સતત નિષ્ફળતા જ મળે છે. ‘કિસ કિસ કો પ્યાર કરું’ 2015માં આવી ત્યારે તે હીટ સાબિત થઈ હતી. ત્યારે રૂ. 16 કરોડમાં બનેલી એ ફિલ્મે રૂ. 72 કરોડની કમાણી કરી હતી, પણ ત્યાર પછી તેને ફિલ્મોમાં સતત નિષ્ફળતા જ મળી છે.

2017માં ફિરંગી, 2018માં ‘સન ઓફ મનજીત સિંહ (પંજાબી), ઈટ્સ માય લાઈફ (2020), 2022માં ઝવિગાટો, 2025માં ‘કિસ કિસ કો પ્યાર કરું-2’ આ બધી જ ફિલ્મો નિષ્ફળ નીવડી છે.

બીજી એપ્રિલ 1981ના પંજાબ-અમૃતસરમાં જન્મેલા કપિલ શર્માએ સ્ટેન્ડ અપ કોમેડિયનની સાથે જ નિર્માતા અને એક ગાયક તરીકે પણ નામના મેળવી છે. કપિલના પિતા પંજાબ પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા. 2004માં કેન્સરને કારણે તેમનું અવસાન થયું હતું. કપિલએ તેનું શિક્ષણ અમૃતસરમાં પૂરું કર્યું છે.

એનો ભાઈ અશોક શર્મા પંજાબ પોલીસમાં હેડ હોન્સ્ટેબલની નોકરી કરે છે. હસમુખા માતા જાનકી દેવી તેનાં શોમાં સતત હાજર રહે છે. તેનાં લગ્ન 2018માં તેના શો સાથે જ સંકળાયેલી ગિની ચતરથ સાથે થયાં છે અને અત્યારે એમને બે સંતાન-એક પુત્ર અને એક પુત્રી છે.

કપિલ તેનાં શોમાં જ કામ કરનારા લોકપ્રિય કલાકાર સુનીલ ગ્રોવર સાથે બાખડ્યો હતો અને અનેક વર્ષો સુધી સુનીલ ગ્રોવર ડો. મશહૂર ગુલાટી કે ગુત્થી તરીકે કપિલ શર્માના શોમાં દેખાયો નહોતો. સુનીલ ગ્રોવર સાથેનો વિવાદ ખૂબ જ ચગ્યા પછી લગભગ પાંચ વર્ષે બન્ને વચ્ચે સમાધાન થતા તે કપિલના શોમાં પાછો ફર્યો હતો.

કપિલ એક પછી એક વિવાદોમાં સપડાયા જ કરે છે. કોઈવાર તેની દારૂ પીવાની આદતને કારણે, તો ક્યારેક તેનાં વધી ગયેલા વજનને કારણે, પણ આ બધા વિવાદો તેની લોકપ્રિયતાને અસર નથી કરતા અને તે ટચૂકડા પડદે તો સતત આગળ વધતો
રહે છે.

હાલમાં જ તેની કેનેડા સ્થિત ‘કેપ્સ કાફે’ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેની આ કાફે પર છેલ્લાં ચાર મહિનામાં ત્રણ વાર ગોળીબાર કરવામાં આવ્યો છે. ફિલ્મઉદ્યોગના ટોચના સ્ટાર્સ સાથે કપિલના હૂંફાળા સંબંધ ને શોમાં એના મારફાડ છતાં બટકબોલા સંવાદ શૈલીને લીધે કપિલ શર્માની ટચૂકડા પડદા પરની લોકપ્રિયતા એક સ્ટેન્ડ અપ કોમેડિયન, એક સંચાલક તરીકે આભને આંબે એવી રહી છે, પણ ફિલ્મોમાં તેને જોઈએ એવી સફળતા મળી નથી. તેનું કારણ કદાચ એ પણ હોય કે એ ‘હીરો મટિરિયલ’ નથી, છતાં ફિલ્મોમાં એ સતત હીરોની જ ભૂમિકા ભજવવાનો દુ-આગ્રહ જ રાખે છે.

એક વાર એ ‘હીરોગીરી’ છોડીને એક કોમેડિયન તરીકે કદાફિલ્મનામાઃ નિર્દોષ સાબિત થવા માટે હત્યા કરવી ફરજિયાત છે!ચ ફિલ્મોમાં આવે તો અત્યારે ફિલ્મોમાં અચ્છા કોમેડિયનની ભારે અછત છે ત્યારે તે છવાઈ શકે એમ છે.

OTTનું હોટસ્પોટ

26 ડિસેમ્બરથી બીજી જાન્યુઆરી 2026 સુધી શું નવું જોવા મળશે?

અત્યારે ઓટીટી પર માધુરી દીક્ષિત, નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટે છવાઈ ગયા છે. મહત્ત્વની વાત એ છે કે એ ત્રણેયની સિરીઝ અને ફિલ્મ સસ્પેન્સ અને મિસ્ટ્રીથી ભરપૂર છે.

માધુરી દીક્ષિતની ‘મિસીસ દેશપાંડે’ જિયો હોટસ્ટાર પર રિલીઝ થઇ ત્યારથી જ લોકોને આકર્ષી રહી છે, તો નવાઝુદ્દીન સિદ્દીકીની સીરિઝ ‘રાત અકેલી હૈ- ધ બંસલ મર્ડર્સ’ ‘નેટફ્લિક્સ’ પર ધૂમ મચાવી રહી છે. આ સિરીઝમાં નવાઝુદ્દીન સાથે ચિત્રાંગદા સિંહ, રાધિકા આપ્ટે, દિપ્તિ નવલ, રજત કપૂર અને રેવતી જેવાં કલાકારો છે.

‘ઝી ફાઈવ’ પર ટિસ્કા ચોપરા દિગ્દર્શિત ફિલ્મ ‘સાલી મહોબ્બત’ માં મુખ્ય ભૂમિકા રાધિકા આપ્ટેની છે અને તેની સાથે અનુરાગ કશ્યપ, શરત સક્સેના અને દિવ્યેન્દુ જેવાં કલાકારો છે.

*જિયો હોટસ્ટાર:- સાયન્સ ફિક્શન ફિલ્મ ‘કોપન… ટેસ્ટ’ 28મી ડિસેમ્બરથી રજૂ થશે.

*ઝી ફાઈવ:- હર્ષવર્ધન રાણે અને સોનમ બાજપાય અભિનીત ફિલ્મ ‘એક દિવાને કી દિવાનિયત’નું 26 ડિસેમ્બરે પ્રસારણ શરૂ થઈ રહ્યું છે.

*નેટફ્લિક્સ:- અહીં 26 ડિસેમ્બરે દક્ષિણની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી કીર્તિ સુરેશની ફિલ્મ રિવોલ્વર રીટા 26 ડિસેમ્બરે રજૂ થવાની છે. તો 26 ડિસેમ્બરે જ ‘સ્ટ્રેન્જર થીંગ્સ-સીઝન ફાઈવમાં ‘વોલ્યુમ ટુ’ની રજૂઆત થશે. અત્યારે આ ઓટીટી ચેનલ પર યશરાજ બેનરની ફિલ્મોનો મહોત્સવ ચાલી રહ્યો છે. તેમાં 27 ડિસેમ્બરે રાણી મુખર્જી અભિનીત ‘હિચકી’ અને ‘હમ તુમ’ રજૂ થશે. સાથે જ ‘એક થા ટાઈગર’, ‘સુલતાન’ અને ‘ટાઈગર ઝિંદા હૈ’ જેવી ફિલ્મો પણ રિલીઝ થશે તો 28 ડિસેમ્બરે ‘ફના’ અને ‘ન્યૂ યોર્ક’ જેવી ફિલ્મ રજૂ થવાની છે.

આપણ વાંચો:  ફિલ્મનામાઃ નિર્દોષ સાબિત થવા માટે હત્યા કરવી ફરજિયાત છે!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button