મેટિની

શો-શરાબાઃ ક્યા સે ક્યા હો ગયા…!

દિવ્યકાંત પંડ્યા

2025નું વર્ષ ભારતીય સિનેમાની દૃષ્ટિએ ખાસ એટલા માટે યાદ રહેશે કે આ વર્ષે નિષ્ફળતા નવા લોકોની નહીં, પરંતુ વર્ષોથી સફળતા સાથે જોડાયેલાં નામોની પણ રહી. મોટા ડિરેક્ટર્સ, મોટા સ્ટાર્સ અને મોટા પ્રોજેક્ટ્સ હોવા છતાં અનેક ફિલ્મ્સ અપેક્ષા પ્રમાણે ચાલી નહીં. આ સ્થિતિએ એક ચર્ચા ઊભી કરી કે શું આ માત્ર થોડા ખોટા નિર્ણયો છે કે પછી સિનેમા અને દર્શકો વચ્ચેનો સંબંધ ખરેખર બદલાઈ રહ્યો છે? કારણ કે આ વાત માત્ર એક-બે ફિલ્મ્સની નથી, પરંતુ એક આખા ટ્રેન્ડની છે.

શંકર જેવા ડિરેક્ટરનું ઉદાહરણ સૌથી વધુ ચર્ચામાં રહ્યું. શંકર લાંબા સમયથી મોટા બજેટ અને મોટા સ્કેલ માટે ઓળખાતા ડિરેક્ટર છે. ‘ઇન્ડિયન’, ‘જેન્ટલમેન’, ‘શિવાજી’, ‘એન્થિરન’ જેવી ફિલ્મ્સે તેમને એવા ડિરેક્ટર બનાવ્યા, જેના નામ પર દર્શકો થિયેટરમાં જવા તૈયાર રહેતા. 2025માં આવેલી ‘ગેમ ચેન્જર’થી પણ એવી જ અપેક્ષા હતી.

આપણ વાચો: સદાબહાર સલિલ ચૌધરી: ભારતીય સિનેમાના ‘શતખંડ’ સંગીતકાર

રામ ચરણ અને કિયારા અડવાણી જેવી સ્ટાર કાસ્ટ, રાજકીય થ્રિલરનો વિષય, પેન-ઇન્ડિયા રિલીઝ અને ભારે પ્રમોશન બધું જ હતું, પરંતુ ફિલ્મ રિલીઝ થયા બાદ જે પ્રતિભાવ મળ્યો, તે ખાસ નહોતો.

ઘણા દર્શકોને લાગ્યું કે ફિલ્મનો સ્કેલ મોટો છે, પણ વાર્તા અને ટ્રીટમેન્ટમાં કંઈક ખૂટે છે. બોક્સઓફિસ પર ફિલ્મે કમાણી તો કરી, પરંતુ તેના મોટા બજેટ અને શંકરના ટ્રેક રેકોર્ડની સામે તે પરિણામ સંતોષકારક ગણાયું નહીં.

આથી પણ વધુ ચર્ચા ‘ઇન્ડિયન 2’ને લઈને થઈ. 1996ની ‘ઇન્ડિયન’ આજે પણ સામાજિક સિનેમાના ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. તેથી તેની સિક્વલ આવવી પોતે જ એક મોટી ઇવેન્ટ હતી. કમલ હાસન ફરી આવ્યા, પરંતુ ફિલ્મને મળેલો પ્રતિસાદ નિરાશાજનક રહ્યો. ઘણા દર્શકોને લાગ્યું કે ફિલ્મ આજના સમયની સંવેદનાઓ સાથે પૂરી રીતે જોડાઈ શકી નહીં.

વાર્તા અને ટોન જૂના લાગવાની ફરિયાદો પણ થઈ. સ્થિતિ એટલી સુધી પહોંચી કે ફિલ્મની લંબાઈ ઘટાડવાની ફરજ પડી. ખાસ કરીને હિન્દી માર્કેટમાં ‘ઇન્ડિયન 2’ની ઇમ્પેક્ટ બહુ જ સીમિત રહી. શંકર જેવા મોટા ગજાના ડિરેક્ટર માટે આ અતિશય નિરાશાજનક બાબત કહેવાય.

આપણ વાચો: શો-શરાબા: ભારતીય સિનેમામાં હવે સર્જન+જનરેટિવ AI

એ.આર. મુરુગાદોસ માટે પણ 2025 ખાસ સફળ વર્ષ રહ્યું નથી. ‘ગજની’ અને ‘થુપક્કી’ જેવી ફિલ્મ્સ પછી મુરુગાદોસ પાસેથી હંમેશાં મજબૂત માસ એન્ટરટેઇનમેન્ટની અપેક્ષા રહે છે. સલમાન ખાન સાથેની ‘સિકંદર’ ઈદ રિલીઝ હતી અને તેથી ફિલ્મને લઈને અપેક્ષાઓ વધુ હતી. શરૂઆતમાં બઝ પણ હતું, પરંતુ રિલીઝ પછી ફિલ્મને મળેલા રિવ્યૂઝ મિક્સડથી નેગેટિવ રહ્યા.

સ્ક્રિપ્ટ અને સ્ટોરીટેલિંગને લઈને સવાલ ઊભા થયા. અને પછી સલમાન ખાનની શૂટિંગ પ્રત્યેની ઓછી ગંભીરતાને લઈને પણ મુરુગાદોસે ટિપ્પણીઓ કરી હતી અને વિવાદ ઊભો થયો હતો.

આ સાથે જ મુરુગાદોસની તમિલ ફિલ્મ ‘મદરસી’ પણ મોટા બજેટ હોવા છતાં બોક્સઓફિસ પર ખાસ પ્રભાવ પાડી શકી નહીં. એક સમય હતો જ્યારે મુરુગાદોસનું નામ જ થિયેટરમાં ઓપનિંગ ડે ભીડ લાવતું, 2025માં એ વસ્તુ ના દેખાઈ.

મણિરત્નમ માટે પણ આ વર્ષ સરળ રહ્યું નથી. ‘નાયકન’, ‘રોજા’, ‘બોમ્બે’, ‘ઇરુવર’ જેવી ફિલ્મ્સ બનાવનાર મણિરત્નમ હંમેશાં ગંભીર અને ગુણવત્તાવાળા સિનેમાના પ્રતીક રહ્યા છે. 2025માં આવેલી ‘ઠગ લાઈફ’ ખાસ એટલા માટે ચર્ચામાં હતી, કારણ કે તેમાં મણિરત્નમ અને કમલ હાસન ફરી સાથે કામ કરી રહ્યા હતા. અપેક્ષા બહુ ઊંચી હતી, પરંતુ ફિલ્મ ના મોટી કમર્શિયલ હિટ બની, ના એવી ફિલ્મ તરીકે ઓળખાઈ કે જે લાંબા સમય સુધી ચર્ચામાં રહે.

ફિલ્મને લઈને કેટલાક વિવાદો પણ સામે આવ્યા, ખાસ કરીને કર્ણાટકમાં થયેલા વિરોધ અને થિયેટર બેનને કારણે. આ બધું મળીને ફિલ્મ માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની. મણિરત્નમ જેવા અનુભવી ડિરેક્ટર માટે આ વર્ષ એક પ્રકારનું ‘સ્ટોપ’ સિગ્નલ સાબિત થયું. આ ફિલ્મ્સમાં જોગાનુજોગ એક કોમન નામ જોડાયેલું છે એ છે કમલ હાસન. તેમનું નામ અહીં આપણે બે વખત ચર્ચામાં લીધું.

તેમના માટે ‘ઇન્ડિયન 2’ અને ‘ઠગ લાઈફ’ બંને મહત્ત્વપૂર્ણ ફિલ્મ્સ હતી, પરંતુ તે તેમની લાંબી કારકિર્દીમાં કોઈ ખાસ ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ નહીં. કમલ હાસન આજે પણ વિચારશીલ અને સક્રિય કલાકાર છે, પરંતુ દર્શકો હવે ફક્ત લેગેસી અથવા નોસ્ટેલ્જિયા પરથી ફિલ્મ સ્વીકારતા નથી.

આ તમામ ઉદાહરણો સાથે એક મોટું ચિત્ર સ્પષ્ટ થાય છે. 2025માં દર્શકોની પસંદગી વધુ સ્પષ્ટ અને કડક બની ગઈ છે. હવે મોટા નામ, મોટા બજેટ અથવા જૂની સફળતાઓના આધાર પર ફિલ્મને લાંબા સમય સુધી ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ઓટીટી પ્લેટફોર્મ્સ, આંતરરાષ્ટ્રીય ફિલ્મ્સ અને વિવિધ ભાષાઓના કન્ટેન્ટના કારણે દર્શકો પાસે વિકલ્પો વધ્યા છે. એ કારણે તેઓ હવે વધુ વિચાર કરીને થિયેટરમાં જાય છે.

આનો અર્થ એ નથી કે આ બધા ડિરેક્ટર્સ અથવા સ્ટાર્સનો સમય પૂરો થઈ ગયો છે. સિનેમામાં ઉતાર અને ચડાવ હંમેશાં રહ્યા છે. પરંતુ 2025ને આ મોટાં નામો માટે નિષ્ફળતાઓના વર્ષ કરતાં વધુ રિયાલિટી ચેકનું વર્ષ કહેવું વધુ યોગ્ય રહેશે.

લાસ્ટ શોટ
‘મને ‘સિકંદર’માં કામ કર્યું એનો કોઈ અફસોસ નથી. સ્ટોરી સારી હતી, પરંતુ અંતે ફિલ્મ ચાલે કે ન ચાલે, એનો નિર્ણય સેટ પર શું થયું એથી નહીં, દર્શકો શું સ્વીકારે છે એથી થાય છે…’ સલમાન ખાન

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button