વિશેષઃ નવી પેઢીને કઈ રીતે સમજાવવી આઝાદીની કિંમત? | મુંબઈ સમાચાર

વિશેષઃ નવી પેઢીને કઈ રીતે સમજાવવી આઝાદીની કિંમત?

શૈલેન્દ્ર સિંહ

આઝાદી એટલે માત્ર ગુલામીમાંથી મુક્ત થવું એ નહીં …આઝાદી એટલે આત્મસન્માન, અધિકાર અને સ્વાભિમાનની અનુભૂતિ, જે કોઈ પણ સમાજના પૂર્ણ વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જોકે, આજે જયારે આઝાદીની 78મી વર્ષગાંઠ પર આપણી ડિજિટલ પેઢી એટલે કે, જેન ઝેડ અને આલ્ફા જનરેશનની તરફ જો નજર નાખીએ તો નિરાશ થવાય છે કે એમને આઝાદીની ખરી કિંમતનું કોઈ જ્ઞાન નથી- માન નથી.

હકીકતમાં આજની આ પેઢી માટે આઝાદી એક ‘ડિફોલ્ટ સેટિંગ’ છે, જેમ કે મોબાઈલનું કોઈ નેટવર્ક ન હોય અને એ એમને જાણે વારસાગત મળ્યું છે ! આ પેઢી કોઈ સંઘર્ષ કે બલિદાનના વારસાના હિસ્સેદાર નથી અને નથી એમણે પોતાની જીવનમાં આઝાદી માટે કોઈ કિંમત ચૂકવવી પડી પછી એમને આઝાદીની કિંમત સમજાય પણ કઈ રીતે?

આપણ વાંચો: કેનવાસ: નવી પેઢીનો લેટેસ્ટ વાયરસ: સૈયારા

ડિજિટલ જનરેશનની દુનિયા

આપણી જેન ઝેડ અને આલ્ફા જનરેશન વાસ્તવમાં ડિજિટલ જનરેશન છે. આમની દુનિયા પહેલાની પેઢીઓ કરતાં સાવ અલગ સાવ ભિન્ન છે. આમને 24*7 મોબાઈલ જોઈએ છે, રીલ્સ- ચેટબોક્સ, અને ત્વરિત ફાયદો મળે એવી વસ્તુની ચાહત વધુ છે. આમની પાસે માહિતીઓનો અખૂટ ભંડાર છે, પરંતુ પોતાના અનુભવોની મુઠ્ઠીભર મૂડી નથી. સ્વતંત્રતા, અભિવ્યક્તિ, પોતાની પસંદનો પહેરવેશ જેવી દરેક વસ્તુઓ પર એમનો જાણે જન્મસિદ્ધ અધિકાર છે એટલે કે આ તો બધાંને મળતું જ હશે.

ડિજિટલ જનરેશન વિચારે છે કે, આ જે બંધારણ છે, કે બંધારણીય અધિકાર છે, કે પછી બંધારણને લાગુ કરવા માટે સંસ્થા છે આ બધા આમ જ મળી ગયા છે એટલે કે આ બધા પહેલેથી અહીં મોજુદ છે, જેને ઓનલાઇન સબ્સ્ક્રાઈબ તો જેમ મળી!

એમને બિલકુલ ખ્યાલ જ નથી કે આ બધા અધિકારો આપણને કેટલા બલિદાનો પછી મળ્યા છે. આ અધિકારો મેળવવા માટે આપણા પૂર્વજોએ કેટલો ત્રાસ વેઠવો પડ્યો હતો. ન જાણે કેટલા લોકો જેલ ગયા- ન જાણે કેટલા લોકો જેલમાં જ મૃત્યુ પામ્યા, સંખ્યાબંધ લોકો ફાંસીએ ચડ્યા. આઝાદી માટે પોતાના સપનાઓને દાવ પર લગાડી દીધા ત્યારે જઈને આપણને આઝાદી મળી છે, પરંતુ ડિજિટલ જનરેશનને આનો કોઈ ખ્યાલ જ નથી.

આપણ વાંચો: કિડની ટ્રાન્સપ્લાન્ટના દરદીઓમાંથી 70 ટકા યુવાનો, રોગીષ્ટ બની રહી છે નવી પેઢી

નવા જમાનાની જીવનશૈલી

જોકે, આ બધી ફરિયાદોનો બિલકુલ એ અર્થ નથી કે નવી જનરેશન અણસમજુ છે. જી ના. એ જરાય અણસમજુ નથી. જો અણસમજુ હોત તો પ્રદૂષણ-આબોહવા પરિવર્તન માટે, એલજીબીટી અધિકારો માટે, માનસિક સ્વાસ્થ્ય માટે, સ્ત્રીસશક્તીકરણ અને પ્રાણી પશુની રક્ષા માટે એમને આટલી સજાગતા કઈ રીતે આવી અને હજુય આવી રહી છે…?
આ પેઢી સંવેદનશીલ પણ ખૂબ જ છે, પરંતુ પોતાના જમાનાના મુદ્દાઓ માટે અને પોતાની જીવનશૈલીમાં જે બંધ બેસે છે એના માટે…

નવી પેઢી વિરોધ અને વિપ્લવથી નથી ડરતી, પરંતુ ગત પેઢીના મુકાબલે વધારે વ્યવસ્થિત સુધારાઓ અને બદલાઓની માગ કરે છે. જોવાની વાત તો એ છે કે, આનો વધારે પડતો વિરોધ ઓનલાઇન થાય છે અથવા તો એમ કહી શકાય કે, આ પેઢી ઓનલાઇન વિરોધ માટે પોતાને વધારે યોગ્ય માને છે. વાસ્તવિક જમીન પર એમને ઊતરવું ઓછું ગમે છે.

આમ છતાં નવી પેઢીને નૈતિકતાનો પાઠ ભણાવનાર જૂની પેઢીની પણ થોડી વાતો યાદ રાખવી પડશે જૂની પેઢીની નબળાઈ જૂની પેઢીના લોકો વિચારે છે કે દેશ, દુનિયા, ઇતિહાસ અને વર્તમાનને લઈને જે પ્રમાણે એ લોકો વિચારે છે એ રીતે આ નવી પેઢીએ પણ વિચારવું જોઈએ… આમ બન્ને પેઢીની વિભિન્ન વિચારધારાને લીધે જીવન જીવવાની રીત તેમ જ મૂલ્યોમાં ટકરાવ થાય છે.

આપણ વાંચો: જૂની-નવી પેઢી વચ્ચે ઝોલા ખાતા સંબંધ

નવી પેઢીને લાગે છે કે જૂની પેઢીમાં જે ખામીઓ છે એ પોતાનાથી દૂર નહિ કરી શકાય. નવી પેઢીને જૂની પેઢીની લગભગ બધી જ જીવન શૈલી અપૂર્ણ લાગે છે. આમ છતાં, નવી પેઢી ચુપચાપ જૂની પેઢીની અમુક વાતો ખચકાટ વગર સ્વીકારી લે છે.
નવી પેઢી ભલે કઈ પણ કહે પણ એ દહેજ અને જાતિવાદની બુરાઈઓથી બચી નથી શક્યા.

નવી પેઢી ભલે કેટલું પણ કહે કે અમે દહેજ નથી માગતા-એ તો જૂની પેઢીની ખામીઓ છે, પરંતુ આજે પણ આપણા દેશમાં મોટે ભાગે લગ્નો દહેજ વગર નથી થતા. અને પારંપરિક લગ્નો આજે પણ આર્થિક રૂપે બોજારૂપ છે. એનું સૌથી મોટું કારણ છે કે, લગ્નોમાં માગવામાં આવતું દહેજ.

આપણે આઝાદીની સંવેદનાની વાત કરતા કરતા જીવનશૈલીની વાસ્તવિકતા પર ઊતરી આવ્યા, પરંતુ ફોકસ તો આમાં આપણે એ વિષય પર જ કરવાનું છે કે આજની પેઢી કેમ પાછલી પેઢીની જેમ આઝાદીને લઈને સંવેદનશીલ નથી.

હકીકતમાં આમાં ખામી પાછલી પેઢીની પણ છે. માત્ર ‘ભારત છોડો આંદોલન’ અથવા ‘ભગત સિંહની ફાંસી’ ની વાત માત્ર કરવાથી નવી પેઢી આઝાદીની લાંબી લડાઈને લઈને જૂની પેઢીનો આભાર નહિ વ્યક્ત કરી શકે.

આપણે આ પેઢીને લાખો લોકોની સાચી વાર્તાઓ પણ કહેવી પડશે કે જે સાધારણ લોકો હતા અને આઝાદી માટે એમણે પોતાના પ્રાણ ગુમાવ્યા. હજારો ખેડૂતો, લાખો મજદૂરો, આદિવાસી, સ્ત્રીઓ, પત્રકાર અને શિક્ષક જેવા હજારો અલગ અલગ ક્ષેત્રોના લોકોએ આઝાદી માટે પોતાનું સર્વસ્વ ગુમાવી દીધું.

આપણી નવી પેઢીએ સમજવું પડશે કે લાખો જીવંત ઉદાહરણોથી જે આપણને આઝાદી મળી છે તે માત્ર દલીલોના જોરે નથી મળી, પરંતુ લાખો લોકોના નક્કર બલિદાનથી મળી છે. આપણે નવી પેઢીને કહેવું પડશે કે, આપણને જે બંધારણ મળ્યું છે, તે કેટકેટલા લોકોના અથાગ પરિશ્રમ અને બલિદાનો પછી મળ્યું છે. બંધારણની ભેટ ઉપર આકાશથી ટપકી નથી!

જો આજની નવી પેઢી પોતપોતાની રીતે આઝાદીની પરિભાષા બાંધવા માગે છે તો એમને પૂરો હક છે, પરંતુ જેમને આઝાદીની લડાઈમાં પોતાનું બલિદાન આપ્યું છે એમને તો નહિ જ ભૂલી શકાય. જૂની પેઢીની જવાબદારી છે કે નવી પેઢીને એનું મહત્ત્વ સમજાવે.

નવી પેઢી તેજ છે, ત્વરિત નિર્ણય લે છે, તેથી જ જો આ નવી પેઢીને સરખી રીતે સમજાવવામાં આવે કે જે આઝાદી આપણને મળી છે તે લાખો લોકોના બલિદાન અને દેશભક્તિ દ્વારા મળી છે તો નવી પેઢીને આઝાદીનો પાઠ ભણાવવો અઘરો નહિ પડે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button