કવર સ્ટોરીઃ ‘શોલે’ની સિક્વલનું બાળમરણ કઈ રીતે થયું? | મુંબઈ સમાચાર

કવર સ્ટોરીઃ ‘શોલે’ની સિક્વલનું બાળમરણ કઈ રીતે થયું?

  • હેમા શાસ્ત્રી

‘પચાસ પચાસ સાલ પહેલે જબ ‘શોલે’ રિલીઝ હુઈ થી તબ સમીક્ષક કેહતે થે કી યે ફ્લોપ ફિલ્મ હૈ. લેકિન યે દર્શકોને ફિલ્મ કો બ્લોકબસ્ટર બનાકે સમીક્ષક કા નામ પુરા મિટ્ટી મેં મિલાઈદિયા…’ 50 વર્ષ પહેલાં જો કોઈ દર્શકે આવો કોઈ ડાયલોગ ફટકાર્યો હોય તો આજે એની નવાઈ ન લાગવી જોઈએ…

આજે 15 ઓગસ્ટ 2025. બરાબર 50 વર્ષ પહેલા (15 ઓગસ્ટ, 1975) સિપ્પી પ્રોડક્શનની એક્શન એડવેન્ચર ફિલ્મ ‘શોલે’ રિલીઝ થઈ હતી. 50 વર્ષની ઉજવણી નિમિત્તે છઠ્ઠી સપ્ટેમ્બરે યોગાનુયોગ 50મું વર્ષ ઉજવી રહેલા ‘ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’ વખતે ફિલ્મની ભવ્યતાને છાજે એવા 1800 સીટની ક્ષમતા ધરાવતા આલિશાન થિયેટર ‘રોય થોમસન હોલ’માં સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

ફિલ્મની જાળવણીનું અદ્ભુત અને નેક કામ કરતી સંસ્થા ‘ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન’એ સિપ્પી ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડના સહયોગમાં ‘શોલે’ ફિલ્મની પ્રિન્ટની જાળવણી કરી એને બહેતર સ્વરૂપમાં મૂકી છે.

આ અગાઉ 27 જૂને ઈટલીના બલોનિયા શહેરના એક વિશાળ ઓપન એર થિયેટરમાં’શોલે’ના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શોનીખાસિયત એ હતી કે દર્શકોને મૂળ અંત (ઠાકુર ક્રૂરતાથી ગબ્બરને મારી નાખે છે) અને કાઢી નાખવામાં આવેલા કેટલાક સીન સાથેની ફિલ્મ જોવા મળી.

આધારભૂત માહિતી અનુસાર ત્રણ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી એ ફિલ્મ 35 કરોડનો વકરો કરવામાં સફળ રહી હતી. મિસાલ બની ગયેલી આ ફિલ્મ પર આધારિત એક ચિત્રપટ (‘રામગોપાલ વર્મા કી આગ’) 2007માં રિલીઝ થઈ હતી, પણ થિયેટરના દરવાજે પહોંચવાને બદલે દર્શકોએ ફિલ્મનેજ દરવાજો દેખાડી દીધો. ફિલ્મ તદન ફ્લોપ થઈ અને એને એક વાહિયાત ફિલ્મનું લેબલ લાગ્યું એ છોગામાં…

‘શોલે’ની રિ-મેક બનાવાય જ નહીં’ એવું રમેશ સિપ્પી નહોતા માનતા, પણ એ અંગે વિશેષ ઉત્સુકતા પણ નહોતી દેખાડી. અલબત્ત, સિક્વલ બનાવવાની સંભાવના પર વિચાર કરવામાં આવ્યો હતો ખરો. જોકે, ફિલ્મનાઅંતમાં જય મૃત્યુ પામે છે અને ફિલ્મના ઓરિજિનલ એન્ડમાં તો ગબ્બર સિંહ પણ માર્યો જાય છે.

આમ ફિલ્મના બે મહત્ત્વનાં પાત્ર વિના વાર્તા કેવી રીતે અને કઈ દિશામાં આગળ વધારવી એની વિમાસણનો ઉકેલ રમેશ સિપ્પીને ક્યારેય ન મળ્યો એટલે સિક્વલના આઈડિયાનું પણ પોટલું બાંધી માળિયાપર ચડાવી દેવામાં આવ્યું હતું. જોકે, તાજેતરમાં રમેશ સિપ્પીએ સિક્વલની સંભાવનાની દિશામાં આંગળી ચીંધી જણાવ્યું હતું કે ’જો કથા આગળ કેવી રીતે વધારવી એનો વ્યવસ્થિત તંતુ મળી જાય તો સિક્વલ બનાવવા વિશે વિચાર કરી શકાય.’

રામગોપાલ વર્માએ તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે રમેશ સિપ્પીનોભત્રીજો સાશા સિપ્પી ફિલ્મની સિક્વલ બનાવવા ઉત્સુક હતો. વાર્તામાં અણધાર્યો વળાંક લાવી સાશાએ ગબ્બર સિંહ અને હેલનના એક દીકરાને ‘જુનિયર ગબ્બર’ તરીકે રજૂ કરવાની તેમજ વીરુ-બસંતી (ધર્મેન્દ્ર-હેમા માલિની)ના બે સંતાન પેશ કરવાનું પ્લાનિંગ કર્યું હતું.

વીરુ-બસંતી જ્યારે રાધા (હેમા માલિની)ને મળવા જાય છે ત્યારે જુનિયર ગબ્બર વીરુ-બસંતીનુંઅપહરણ કરે છે અને દંપતીના બાળકો માતા-પિતાને છોડાવવા સજજ થાય છે એ રીતે વાર્તા આગળ વધે છે. વાત હજુ આગળ વધારી એમાં અંગ્રેજી ફિલ્મોના પ્રસિદ્ધ એક્શન હીરો જેકી ચેનનું પાત્ર ઉમેરવાની પણ યોજના હતી. વિશ્વ વિખ્યાત અભિનેતા જેકી ચેનની હાજરીથી ફિલ્મ ચીન અને વિદેશમાં અનેક ઠેકાણે આવકાર મેળવશે એવી ગણતરી સાશા સિપ્પીની હતી.

જોકે, રામગોપાલ વર્માએ આ આઈડિયા રિજેક્ટ કર્યો હતો. એ સમયે સાશા સિપ્પી રમેશ સિપ્પી સાથે મિલકતના વિવાદમાં અટવાયો હોવાથી તેમની સમક્ષ આ આઈડિયાનીરજૂઆત કરી શકે એમ ન હતું. અંતે એ વિચારનું બાળમરણ થયું.
મૈં તો આરતી ઉતારું રે…

1975માં જ અને ‘શોલે’ સાથે જ 15 ઓગસ્ટે રિલીઝ થઈ એવી રીતે પ્રોજેક્ટ કરવામાં આવી હતી એ ‘જય સંતોષી મા’ 30 મે, 1975ના દિવસે રિલીઝ થઈ હોવાની આધારભૂત જાણકારી છે. અલબત્ત, આજથી 50 વર્ષ પહેલા ઓલ ઈન્ડિયા રિલીઝની પ્રથા નહોતી. એટલે અમુક ઠેકાણે એ 15 ઓગસ્ટે પ્રદર્શિત થઈ હોય એ સંભાવના છે.

શરૂઆતના મોળા પ્રતિસાદ પછી ‘શોલે’ની જેમ માઉથ પબ્લિસિટી અને ખાસ તો કવિ પ્રદીપ લિખિત, સંગીતકાર સી. અર્જુને સ્વરબદ્ધ કરેલા ઉષા મંગેશકરના સ્વરમાં રજૂ થયેલા ‘મૈં તો આરતી ઉતારું રે સંતોષી માતા કી’ને મળેલી તૂફાક્ષયય લોકપ્રિયતાને કારણે ફિલ્મ જોવા દર્શકો, વિશેષ તો ગૃહિણીઓની ભીડ ઉમટવા લાગી. ખાસ મહિલાઓ માટેના શો રાખવામાં આવ્યા હતા.

આ તરફ ‘શોલે’ રિલીઝ થઈ એ સમય ‘જય સંતોષી મા’ની લોકપ્રિયતાની ભરતીનો પ્રારંભ કાળ હતો. ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે ‘શોલે’ના ઘંટનાદમા. ‘જય સંતોષી મા’ની ઘંટડીનો અવાજ દબાઈ ન ગયો. ચાર થિયેટરમાં સિલ્વર જ્યુબિલી અને ‘અલંકાર’ના મેટિની શોમાં 75 અઠવાડિયા ચાલી ‘સંતોષી મા..’ હતી.

1950ના દાયકામાં મુખ્યત્વે માઈથોલોજિકલ ફિલ્મોમાં સફળતા મેળવનારીઅભિનેત્રી અનિતા ગુહાએ અહીં સંતોષી માનો રોલ કર્યો હતો. ફિલ્મના બજેટ-કલેક્શનના આધારભૂત આંકડા અનુસાર 10 લાખના બજેટ સામે ફિલ્મ પાંચ કરોડનો વકરો કરી શકી હતી. રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ (કેટલા ટકા છૂટ્યા)ની ગણતરીએતો ‘જય સંતોષી મા’ સિપ્પીની ‘શોલે’ કરતાં અનેકગણી સફળ રહી હતી.

નવાઈની વાત એ છે કે આ ફિલ્મે પણ 50 વર્ષ પૂર્ણ કર્યા હોવા છતાં એની રિ- રિલીઝની કે સ્પેશિયલ શોનું કોઈ આયોજન નથી જોવા મળતું. હિન્દી ફિલ્મોના ઈતિહાસમાં એક જ નામની એકથી વધુ ફિલ્મો બની હોય એવા ઘણા ઉદાહરણ છે. 1975 પછી 2006માં પણ ‘જય સંતોષી મા’ બની હતી.

જોકે, બીજા પ્રયાસમાં ધાર્મિકતા કેન્દ્રમાં નહોતી બલકે ફેમિલી ડ્રામા અને ભક્તિનું મિશ્રણ હતું. ફિલ્મ ક્યારે આવી ને ક્યાં ગાયબ થઈ ગઈ ખબર જ ન પડી. 1975ની ફિલ્મના કલાકારોએ હિન્દીમાં આ જ નામથી નાટક ભજવ્યું હતું પણ એ સદંતર નિષ્ફળ નીવડ્યું હતું.

આપણ વાંચો:  બિગ બોસ-18 ફેમ આ એક્ટ્રેસને થયો અકસ્માત, પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કરી માહિતી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button