ક્લેપ એન્ડ કટ..! : એક ખટ્ટ-મીઠી પ્રેસ કોન્ફરન્સ

-સિદ્ધાર્થ છાયા
નિર્માતા સાજીદ નડીયાદવાલાની મેગાસ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મ ‘હાઉસફૂલ 5’ આવતા મહિને રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર આ અઠવાડિયે આવી ગયું અને તેના લોન્ચ માટે એક પ્રેસ કોન્ફરન્સ પણ આયોજિત થઈ હતી. આ કોન્ફરન્સનું મોટાભાગનું હોસ્ટિંગ અક્ષય કુમારે કર્યું અને તમામ એક્ટર્સના ચહેરા ઉપર રહેલા માસ્ક હટાવીને એમની ઓળખ પ્રેસ સમક્ષ કરાવવામાં આવી હતી.
આ એક નવો પ્રયાસ જરૂર હતો, પરંતુ મજા તો જ્યારે પત્રકારોએ અક્ષય એન્ડ ટીમને પ્રશ્નો પૂછયા ત્યારે આવી હતી. એક પત્રકારે નાના પાટેકરને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું ત્યારે નાનાએ એની લાક્ષણિક સ્ટાઈલમાં પત્રકારને ટપારીને કહ્યું: ‘એય, હિન્દી મેં પૂછો મુજે અંગ્રેજી નહીં આતી!’
જોકે ખરી, મજા તો અક્ષય કુમારે કરાવી હતી. જ્યારે એક રિપોર્ટરે અક્ષયને એણે આ ફિલ્મ માટે કેટલી ફી લીધી એ પૂછયું. અક્ષયે પેલાને સામે પૂછયું : મેં ગમે તેટલા પૈસા લીધા હોય, પણ તને શું કામ કહું… તું મારો સગો થાય છે?’ ‘હેરાફેરી 3’ ના વિવાદ અંગે પૂછાયેલા પ્રશ્નને અક્ષયે ‘એ મેટર અત્યારે કોર્ટમાં છે એમ કહીને ટાળી દીધો હતો.
જો કે, આ પ્રેસ કોન્ફરન્સની સહુથી મોટી વાત હતી સાજીદ નડીયાદવાલા દ્વારા આ ફિલ્મના બે એન્ડ હોવાની ઘોષણા. ‘બે એન્ડ’ની આ ઘોષણાથી ફિલ્મ ઉદ્યોગ અને મીડિયામાં જબરી ચર્ચા જામી છે.
આપણ વાંચો: હાઉસફૂલ 5ના ટ્રેલર લોન્ચ પર અક્ષય કુમારે પરેશ રાવલ માટે કહ્યું કે હું કોઈ મૂર્ખ…
સોનુ સુદે ભાંગરો વાટ્યો કે…
સેલીબ્રિટીઓ પોતાને જ્ઞાન પીરસવાના જાણકાર માનતા હોય છે. ‘દેશવાસીઓને ચાલો, કશુંક શીખવાડીએ…’ની લ્હાયમાં આ લોકો મૂળ નીતિ-નિયમો જ ભૂલી જતાં હોય છે. આવું જ એક ઉદાહરણ સોનુ સૂદે હમણાં પેશ કર્યું છે. વાત એમ છે કે કોવિડના સમયમાં અસંખ્ય લોકોને મદદરૂપ બનીને ખાસ્સો જાણીતો થયેલો સોનુનો એક વીડિયો વાયરલ થયો છે. એમાં એ ઓછાં કપડાં
અને હેલ્મેટ પહેર્યાં વગર બાઈક ચલાવતો નજરે ચઢે છે.
હિમાચલ પ્રદેશનું આ બર્ફિલું પ્રવાસન સ્થળ લાહોલ-સ્પીતી છે. વીડિયો વાયરલ થયા બાદ ત્યાંની સ્થાનિક પોલીસ સફાળી જાગી છે. આ રીતે સુરક્ષાના નિયમોને તડકે મૂકીને બાઈક રાઈડ કરવા બદલ સોનુ સુદ પર ઇન્ક્વાયરી શરૂ કરી દીધી છે. પોલીસ અનુસાર સુદ જેવી સેલિબ્રિટી આવી ક્લિપ દ્વારા લોકોને ખોટો સંદેશ પહોંચાડે છે. જોકે, સોનુ સુદે પોતાના બચાવમાં જાહેર કર્યુ છે કે આ એક શૂટિંગનું દૃશ્ય છે માટે એને ગંભારતાથી લેવાની જરૂર નથી…વાર્તા પૂરી…!
આ વખતે બિઈઈઈગ બોસ હશે !
ના, આ કોઈ જ પ્રિન્ટીંગ મિસ્ટેક મુદ્ર્ણ દોષ નથી. અહીં ખરેખર ‘બિઈઈઈગ બોસ’ જ લખ્યું છે. આમ લખવા પાછળ આપણી પાસે સોલ્લીડ કારણ પણ છે. બિગ બોસની 19મી સિઝન ફરીથી સલમાન ખાન જ હોસ્ટ કરશે, પરંતુ તેમાં એક ટ્વિસ્ટ છે. આ ટ્વિસ્ટ છે બિગ બોસની આ સિઝનનો સમય. સામાન્યત: બિગ બોસ સાડા ત્રણ મહિના ચાલતું હોય છે, પરંતુ આ વખતે તે તેનાથી પણ લાંબો સમય ચાલશે.
લાંબો સમય એટલે કેટલો એ જણાવીએ? તો સાંભળી જ લેજો, (સોરી! વાંચી જ લેજો) આ વખતે બિગ બોસ સાડા ત્રણ નહીં પણ પૂરા સાડા પાંચ મહિના ચાલશે! આમ આ રીતે આ વખતની બિગ બોસની સિઝન તેના ઈતિહાસની સહુથી લાંબી સિઝન હશે. બોલો, હવે થયું ને ‘બિઈઈઈગ બોસ’?!
જો કે, આવી લાંબી સિઝનને કારણે એના ફેન્સને લાંબાગાળાનું ‘મનોરંજન’ મળશે કે નહીં એની કોઈ ગેરેન્ટી નથી અને બીજું, સલમાન ખાન ખુદ પોતે સાડા પાંચ મહિના સમય આ શોને આપી શકશે ખરો એ જ યક્ષ પ્રશ્ન છે !
કટ એન્ડ ઓકે..
‘મારા ક્લાયન્ટને હેરાફેરી -3ની સ્ક્રિપ્ટ આપવામાં જ નથી આવી!’ પરેશ રાવલના વકીલનો દાવો