મેટિની

પ્રથમ બન્ને ફિલ્મ સમીરજીને કરવી નહોતી, કારણ કે તેનું સંગીત હિમેશ રેશમિયા આપતા હતા!

ફિલ્મનામા – નરેશ શાહ

સમીર, હિમેશ રેશમિયા

ઑગસ્ટ, 2025માં એનાઉન્સ થતાંની સાથે જ સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ સતત ચર્ચામાં છે. લેટેસ્ટ ચર્ચાનો વંટોળ એ ઉઠ્યો છે કે ‘જીઓ સિનેમા’ સાથે ‘બેટલ ઓફ ગલવાન’ની તોતિંગ અમાઉન્ટ (આશરે સવા ત્રણસો કરોડનો આંકડો હવામાં તરે છે)માં ડિલ થઈ ગઈ છે.

સલમાન ખાનના સ્ટારડમનો જ આ કમાલ છે કે ‘બેટલ ઓફ ગલવાન’ સતત લાઈમ લાઈટમાં રહી છે. ઓફિશ્યિલી તો આ ફિલ્મના બે જ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે, પણ સોશ્યલ મીડિયામાં તેના અનેક પોસ્ટરો ફેન્સ ક્લબોએ વહેતાં કરી દીધા છે એટલે ઈદ પહેલાં આ ફિલ્મના વિગતવાર પોસ્ટર કે ટિઝર આવશે ત્યારે પ્રેક્ષકો અને સલમાન ખાનના ચાહકોને ખબર પડશે કે ‘બેટલ ઓફ ગલવાન’ના સંગીતકાર આપણા ગુજરાતી હિમેશ રેશમિયા અને ગીતકાર સમીર (અન્જાન) છે.

આ વખતનો આપણો વિષય પણ સલમાન ખાન કે બેટલ ઓફ ગલવાન ફિલ્મ નહીં, પણ હિમેશ રેશમિયા અને સમીરજી છે. આ બન્ને નામને ‘સફળતાનું કોમ્બિનેશન’ માનવામાં આવે છે. એક સમય તો એવો હતો કે ગીતકાર-સંગીતકારની આ જોડીએ એક જ વરસમાં બે ડઝનથી વધુ બ્લોક બસ્ટર ગીતો આપ્યાં હતાં. 2006માં હિમેશ રેશમિયાનું સૌથી વધુ હિટ થયેલું મ્યુઝિક આલ્બમ ‘તેરા સુરૂર’ આવેલું અને આ આલ્બમના દશેદશ ગીતો સુપરહિટ થયાં હતાં.

એ ગીતો સમીરજીએ લખેલાં. હિમેશ રેશમિયા અને સમીરજી અત્યાર સુધીમાં પિસ્તાલીસથી વધુ હિન્દી ફિલ્મોના (ત્રણસો જેટલાં) ગીત-સંગીત આપી ચૂક્યા છે અને એ જ શ્રેણીમાં સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’ ફિલ્મનો સમાવેશ થઈ જાય છે.

આપણ વાચો: ફિલ્મનામા: માનવું તો પડશે, સમીરજી… આપકા જાદુ ચલ ગયા!

આમ તો સલમાન-હિમેશની જુગલબંધીએ કરેલી

કમાલ પર સ્વતંત્ર લેખ લખી શકાય તેમ છે, પણHR(હિમેશ રેશમિયા) અને SA(સમીર અન્જાન)ની જુગલબંધીએ સક્સેસના અનેક સીમાચિહ્નો સર્જ્યાં છે, પરંતુ…

‘હું જ્યારે ‘ચલો ઈશ્ક લડાએં’ (2002)ના ગીતો લખી રહ્યો હતો ત્યારે મને એમ જ લાગતું હતું કે હિમેશ એવી વ્યક્તિ નથી, જેની સાથે હું કામ કરી શકું!’ આ શબ્દો ડેરેક બોઝે સમીરજી પર લખેલાં પુસ્તકમાં સમીરજીએ કહ્યા છે. 2002 પહેલાં સમીરજી અને હિમેશ રેશમિયા (ત્યારે સુધાકર શર્મા ગીતો લખતા એચઆર માટે) એ સાથે કામ કર્યું નહોતું.

‘ચલો ઈશ્ક લડાએં’ બનાવનારા અજીજ સેજવાલે પ્રેમભરી હઠ લઈને હિમેશના સંગીત માટે સમીરજી પાસે ગીતો લખાવ્યાં. આપણે માની લઈએ કે સમીરજીએ શરમેભરમે ‘ચલો ઈશ્ક લડાએં’ના ગીતો લખ્યાં હશે પણ નિયતિ ગીત-સંગીતના આ જાદુગરોને એકઠાં કરવાનો મનસૂબો બનાવી ચૂકી હતી.

આપણ વાચો: બંધ દરવાજાવાળા બૉલીવૂડમાં કમાણી થવાથી ગીતકારો ગદ્ગદ

  • અને એ ‘તેરે નામ’ ફિલ્મમાં ફરીથી બન્યું. આ ફિલ્મ પહેલાં આનંદ-મિલિંદ અને નદીમ -શ્રવણને ઓફર થઈ હતી. સમીરજીના આ બન્ને ફેવરિટ સંગીતકાર ગણાય, કારણ કે આનંદ-મિલિંદ સાથે 146 ફિલ્મો અને નદીમ- શ્રવણ સાથે 89 ફિલ્મો માટે સમીરજી ગીત લખી ચૂક્યા હતા , પણ ‘તેરે નામ’ માટે સલમાન ખાન નક્કી થયો એટલે સ્વાભાવિકપણે ફિલ્મ (સલમાનના ફેવરિટ) હિમેશ રેશમિયાની ઝોળીમાં આવી, પરંતુ ડિરેક્ટર (સ્વ.) સતીશ કૌશિક ઈચ્છતા હતા કે ‘તેરે નામ’નાં ગીતો સમીરજી જ લખે. કામના પ્રેશરવશ સતીશ કૌશિકની ઓફર ટાળીને સમીરજી નવી ફિલ્મનાં ગીતો માટે નદીમ-શ્રવણને મળવા લંડન ચાલ્યા ગયા. જોકે સતીશજીએ તેમનો કેડો મૂક્યો નહીં અને ધરાર ગીત નહીં તો એક ભજન લંડનથી લખી મોકલવાનો આગ્રહ રાખ્યો.

સમીરજીએ નાછૂટકે લંડન બેઠાં ‘તેરે નામ’ માટેનું ભજન લખી મોકલ્યું. મુંબઈ આવીને સંગીતબદ્ધ થયેલું એ ભજન સાંભળ્યું ત્યારે ખુશ થઈ ગયા અને આ વખતે તેમને હિમેશ રેશમિયા તદ્દન જુદા જ લાગ્યા: અધિક વિનમ્ર, સન્માનથી લબાલબ, નાની નાની વાતોની દરકાર કરનારા તેમજ હૂંફાળા.

જે હિમેશ રેશમિયાના કારણે ‘તેરે નામ’ ફિલ્મ કરવા સમીરજી તૈયાર નહોતા એ હિમેશ માટે સમીરજીએ ‘તેરે નામ’ માટે ગીતો લખી આપ્યાં અને હિમેશ રેશમિયાએ તેને એવા તગડા સંગીતથી મઢ્યાં કે ‘તેરે નામ’ ફિલ્મનું સંગીત ચાર્ટબસ્ટર સાબિત થયું.

ડેરેક બોઝને સમીરજીએ કહ્યા મુજબ, ‘તેરે નામ’ના ગીત અને સફળતાથી હિમેશ રેશમિયા એવા ખુશ હતા કે જમીન, એતરાઝ, ટારઝન- ધ વન્ડર કાર, ટોમ, ડિક એન્ડ હેરી જેવી આઠ ફિલ્મો માટે તેમણે સમીરજીને ગીતકાર તરીકે સાઈન કરાવ્યાં અને… રેસ્ટ ઈઝ હિસ્ટરી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button