દિલીપ-દેવ-રાજના પ્રારંભ કાળની હીરોઈન્સ

- હેન્રી શાસ્ત્રી
કામિની કૌશલ…
1946થી 2022 સુધીનો વિશાળ કેનવાસ.
ફિલ્મમેકર ચેતન આનંદ ઉમા કશ્યપના ભાઈનો મિત્ર હોવાથી ‘નીચા નગર’માં એ હીરોઈન બની અને પડદા પર કામિની કૌશલ નામ ધારણ કર્યું. એક સમયના અત્યંત લોકપ્રિય ફિલ્મ મેગેઝિન ‘ફિલ્મફેર’ના 1952ના પ્રથમ અંકના કવર પર કામિની કૌશલની તસ્વીર છપાઈ હતી એના પરથી એમની નામનાનો અંદાજ આવી જાય છે.
‘નીચા નગર’ (1946)ની હીરોઈનથી ‘કબીર સિંહ (2019-શાહિદ કપૂરનાં દાદી) અને ‘લાલસિંહ ચઢ્ઢા’ (2022-ટ્રેનમાં મુસાફરી કરતી વૃદ્ધ શીખ મહિલા) દરમિયાનના 76 વર્ષમાં વિવિધ પાત્રો ભજવી રેટ રેસમાં જોડાયા વિના અભિનયનો આનંદ લીધો એમણે…
કામિની કૌશલ લાજવાબ અભિનેત્રી નહોતાં પણ તેમનાં પાત્રો દ્વારા સિને રસિકોના સ્મરણમાં રહેશે એ નક્કી છે. દિલીપ કુમારના નામે હજી એક જ હિટ ફિલ્મ બોલતી હતી અને દેવ આનંદ કે રાજ કપૂરને હજી નામના પણ નહોતી મળી એ સમયે કામિની કૌશલે દિલીપ-દેવ-રાજ સાથે યાદગાર જોડી જમાવી હતી. એક રસપ્રદ વાત એ પણ છે કે આપણા આદરણીય ગાયક-સંગીતકાર નીનુ મજુમદારે ‘જેલયાત્રા’ નામની ફિલ્મમાં રાજ કપૂરના સ્વરમાં એક ગીત રેકોર્ડ કર્યું હતું અને એ ફિલ્મનાં હીરોઈન કામિની કૌશલ હતાં. પ્રસ્તુત છે તેમની યાદગાર પાંચ ફિલ્મ.
નીચા નગર (1946):
ચેતન આનંદની આ ફિલ્મથી કામિની કૌશલે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પા પા પગલી ભરી હતી. ‘નીચા નગર’માં ઊંચા લોકો (આર્થિક સમૃદ્ધિ ધરાવતા લોકો) નીચા લોકો (આર્થિક રીતે પછાત)નું શોષણ કરે છે એના પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. 1946ના ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં સન્માન મેળવનારું ‘નીચા નગર’ પ્રથમ ભારતીય ચિત્રપટ હતું અને એની અભિનેત્રી કામિની કૌશલની પ્રશંસા કરવામાં આવી હતી. એમના પાત્રના મૃત્યુના સીનએ દર્શકો પર ખાસ્સો પ્રભાવ પાડ્યો હતો એવું એ વખતના અહેવાલ દ્વારા જાણવા મળે છે.
ચિત્રપટ અને કથા સાથે ખુદ કામિનીજી એ હદે ઓતપ્રોત થઈ ગયા હતા કે 2013માં ભારતીય સિનેમાની શતાબ્દીની ઉજવણી વખતે ‘નીચા નગર’નો ઉલ્લેખ પણ નહોતો કરવામાં આવ્યો એ બાબતે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી: ‘મને બહુ દુ:ખ થયું, કારણ કે હવે મારી ઉંમર (એ સમયે એ 86 વર્ષનાં હતાં) થઈ છે અને 70 વર્ષ જૂની ફિલ્મ વિસરાઈ જાય એ સ્વાભાવિક છે.’ ઉલ્લેખ પણ ન થવાનું મુખ્ય કારણ એ હતું કે એ ફિલ્મ ભારતમાં રિલીઝ જ નહોતી કરવામાં આવી.
આગ (1948):
રાજ કપૂર હજી મોટા ગજાના એક્ટર ફિલ્મમેકર નહોતા બન્યા એ વખતની આ ફિલ્મ છે. 1947માં રાજ કપૂરની ચાર ફિલ્મ રિલીઝ થઈ હતી, પણ એ છવાઈ નહોતા ગયા. ‘આગ’ નિર્માતા-દિગ્દર્શક તરીકે રાજસાબની પહેલી ફિલ્મ હતી. ફિલ્મમાં કામિનીજી ‘મિસ નિર્મલા’ના સપોર્ટિંગ રોલમાં હતાં, છતાં એ ભૂમિકામાં પણ દર્શકો પર પ્રભાવ પાડવામાં સફળ રહ્યાં હતાં. વર્ષો પછી રાજ કપૂરે ‘આગ’ની કથા તાત્ત્વિક રીતે આગળ વધારવા ‘સત્યમ શિવમ સુન્દરમ’ બનાવી ત્યારે જૂના જોગીઓએ ‘આગ’ના કામિની કૌશલના પાત્રને યાદ કર્યું હતું.
શહીદ (1948):
દિલીપ કુમાર-કામિની કૌશલની હીરો-હીરોઈન તરીકે પહેલી ફિલ્મ. આ ફિલ્મ કામિનીજીના વ્યાવસાયિક અને અંગત જીવનમાં મહત્ત્વ ધરાવે છે. દેશની સ્વાતંત્ર્ય લડતને કેન્દ્રમાં રાખી બનેલા આ ચિત્રપટમાં દિલીપ સાબ સ્વાતંત્ર્યવીર રામના પાત્રમાં છે, જ્યારે કામિની કૌશલ શીલાના પાત્રમાં છે જેના સ્નેહ પ્રત્યે રામ ઢળી જાય છે. ફિલ્મમાં બંને એક્ટર વચ્ચેની કેમેસ્ટ્રી દર્શકોને અપીલ કરી ગઈ હતી. ફિલ્મની સફળતાને પગલે દિલીપ કુમારના પગ એક અચ્છા અદાકાર તરીકે જામી ગયા અને કામિની કૌશલને પણ સ્ટાર સ્ટેટસ મળી ગયું.
આ ફિલ્મના શૂટિંગ દરમિયાન દિલીપ કુમાર અને કામિની કૌશલ વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા હતા. જોકે, એ સમયે કામિનીજી પોતાની બહેનના અવસાન પછી બનેવીને પરણી ગયાં હતાં. એ પ્રેમ પાગલ નહોતો અને સમજદારી દેખાડી બંનેએ એકબીજાને આવજો કરી દીધું. રસપ્રદ વાત તો એ હતી કે કામિનીજીના પતિ એ રિલેશનથી વાકેફ હતા, પણ પોતાની પત્ની કેમ પ્રેમમાં પડી એ સમજી શક્યા હતા એવો ખુલાસો ખુદ કામિનીજીએ જ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.
ઝિદ્દી (1948):
ધરમદેવ પિશોરીમલ આનંદએ હજી એવરગ્રીન હેન્ડસમ એક્ટરના વાઘા ધારણ નહોતા કર્યા એ વખતની આ ફિલ્મ છે. ‘હમ એક હૈં’ અને અન્ય બે આવતાની સાથે વિસરાઈ ગયેલી ફિલ્મ કરનારા એક્ટરની આ પ્રથમ હિટ ફિલ્મ હતી. ફિલ્મમાં કામિની કૌશલનું પાત્ર આશા પૂરણ (દેવ આનંદ)ના ગળાડૂબ પ્રેમમાં છે, પણ જાલિમ સંજોગો તેમને વિખૂટા પાડે છે અને વાર્તામાં લાગણી અને નાટ્ય તત્ત્વ છલકાય છે. ફિલ્મની પ્રશંસા કરનારાઓએ કામિની કૌશલની અદાકારીની પ્રશંસા કરી એમને રોલ મોડલ લેખાવ્યા હતાં. અભિનેત્રીની પ્રતિભાને વધુ એક સર્ટિફિકેટ મળી ગયું.
બિરાજ બહુ (1954):
શરદબાબુ-શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની અમર નવલકથા ‘દેવદાસ’ જન્મી એના ત્રણ વર્ષ પહેલા ‘બિરાજ બહુ’ નવલકથા લખાઈ હતી. નામાંકિત ફિલ્મમેકર બિમલ રોયએ હિન્દીમાં ‘દેવદાસ’ બનાવી એના એક વર્ષ પહેલા ‘બિરાજ બહુ’ ફિલ્મ બનાવી હતી. ટિપિકલ બંગાળી ગૃહિણીના પાત્ર માટે બિમલદા મધુબાલાને લેવા માગતા હતા પણ ત્યારે એના નામના સિક્કા પડતા હોવાથી એ તગડી ફી માગશે એવી આશંકાના કારણે કામિની કૌશલની વરણી કરી હતી.
મધુબાલાને જ્યારે આખી વાતની જાણ થઈ ત્યારે એક બહુ જ મહત્ત્વની ફિલ્મ ગુમાવી હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. ડિરેક્ટરના કહેવાથી શૂટિંગ શરૂ કરવા પૂર્વે આ નવલકથા પોતે વીસેક વાર વાંચી હોવાનો ખુલાસો કામિનીજીએ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. ગરીબીમાં જીવતી અને કામ કરી પતિને આર્થિક મદદ કરતી બિરાજ (કામિની કૌશલ) પર લટ્ટુ થયેલો જમીનદાર દેવધર (પ્રાણ) એનું અપહરણ કરી જાય છે.
બિરાજના પાત્રમાં કામિની છવાઈ ગયાં હતાં. દુ:ખ, પીડા, ક્રોધ અને આંચકો એ બધી લાગણીઓ કામિની કૌશલે આબાદ રીતે પડદા પર રજૂ કરી હતી અને એ અભિનયથી જ ફિલ્મ પ્રભાવી સાબિત થઈ હતી. અનેક લોકોના અભિપ્રાય અનુસાર કામિનીજીની આ સર્વોત્તમ ફિલ્મ હતી. તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.



