મેટિની

કવર સ્ટોરી: ‘હેરાફેરી’માં આ તે કેવી હેરાફેરી…

-હેમા શાસ્ત્રી

અક્ષય કુમાર – પરેશ રાવલ – સુનીલ શેટ્ટી 

 શબ્દકોશમાં ‘હેરાફેરી’ શબ્દનો એક અર્થ છે અદલાબદલી અને બીજો અર્થ છે વારંવાર આવન-જાવન થવી એ…

25 વર્ષ પહેલાં આવેલી- ગાજેલી ને વખણાયેલી ‘હેરાફેરી’ ફિલ્મના આ ત્રીજા  ભાગની ‘હેરાફેરી 3’ પણ જાણે ફિલ્મના શાબ્દિક અર્થને સાર્થક કરતી હોય એવું જોવા મળી રહ્યું છે.     

ફિલ્મમાંથી બાબુભૈયા – બાબુરાવ ગણપતરાવ આપટેના રોલમાં પારાવાર પ્રેમ – પ્રશંસા મેળવનાર એક્ટર પરેશ રાવલએ અચાનક અને અણધારી એક્ઝિટ લીધી હોવાથી ચર્ચાનો જાણે કે મિની જ્વાળામુખી ફાટ્યો હોય એવું વાતાવરણ સર્જાયું છે.

કોઈના દિલ- દિમાગમાં શું રમતું હોય એ સમજવું મુશ્કેલ જ નહીં નામુમકિન છે, પણ પરેશભાઈએ સત્તાવાર ખુલાસો કર્યો છે કે ‘પ્રિયદર્શન સાથે કોઈ ક્રિએટિવ મતભેદ નથી કે નથી મહેનતાણાની કોઈ સમસ્યા. એમને માટે ખૂબ આદર છે. ભૂતકાળમાં એમની સાથે ફિલ્મો કરી છે અને ભવિષ્યમાં પણ કરીશ. 

‘હેરાફેરી3’માં કામ કરવા માટે કોઈ ઉમળકો નથી અને એટલે જ ખસી જવાનું નક્કી કર્યું છે.’ સતત કશુંક નવું કરવા તલપાપડ રહેતા પરેશ રાવલ કક્ષાના એક્ટર આવી ઝંખના ધરાવતા હોય છે એટલે આ દલીલમાં દમ તો છે. થોડા દિવસો પહેલા એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં પરેશભાઈએ બાબુભૈયાના રોલમાં ટાઈપ કાસ્ટ થયા હોવાની હૈયાવરાળ પણ કાઢી હતી….એ  રોલનો જાણે ભાર વર્તાતો હોય હોય એવું લાગે છે.

આ પણ વાંચો…કવર સ્ટોરી : આમિર ખાનનું રિ- ડેવલપમેન્ટ

જોકે, ઘણી વાર વાત દેખાય એટલી સીધીસટ નથી હોતી. અગાઉ પરેશ રાવલે અક્ષય કુમારની ‘ઓએમજી 2’ ફિલ્મ પણ છોડી દીધી હતી. 2012માં આવેલી ‘ઓહ માય ગોડ’માં અક્ષય કુમાર સાથે પરેશભાઈ હતા. ફિલ્મ દર્શકોને પસંદ પડી હતી અને બોક્સ ઓફિસ પર પણ એને સારોઆવકાર મળ્યો હતો. ‘ઓએમજી 2’ની રૂપરેખા નક્કી કરવામાં આવી ત્યારે અક્ષય કુમાર સાથે પરેશ રાવલના નામ નક્કી હતા. ‘ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ નથી પડી…’  એવું કારણ આપી પરેશભાઈ ખસી ગયા હતા અને પછી એ રોલ માટે પંકજ ત્રિપાઠીની પસંદગી કરવામાં આવી હતી. 

આ ઉપરાંત મહેનતાણું ઓછું લાગવાથી પરેશભાઈએ ‘ઓએમજી 2’ અને ‘હેરાફેરી 3’માં કામ નહીં કરવાનો નિર્ણય લીધો હોવાની અટકળો સુધ્ધાં વહેતી થઈ છે. જોકે, આવી અટકળોને સત્તાવાર સમર્થન મળે નહીં અને પરેશ રાવલે પૈસા ઓછાના મુદ્દાને રદિયો આપ્યો હોવાથી એ વાત અત્યારે તો સ્વીકારી લેવી જોઈએ. 

પરેશ રાવલ અને અક્ષય કુમાર વચ્ચે કોઈ મતભેદ સર્જાયા હોવાની વાતો પણ વહેતી થઈ છે. (એક ઈન્ટરવ્યૂમાં પરેશભાઈએ તો અક્ષયકુમારને  ‘દોસ્ત ’ નહીં, પણ માત્ર ‘સહયોગી’ તરીકે ઓળખાવ્યો છે ! )  

અક્ષય કુમાર ‘બાબુભાઈ’ના આવા અચાનક ‘બાયબાય’થી ગિન્નાયો છે. ફિલ્મના રાઈટ્સ ફિરોઝ નડિયાદવાલા પાસેથી ખરીદી અક્ષય કુમારએ ‘હેરાફેરી 3’માં પૈસાનું રોકાણ કર્યું છે. પરેશ રાવલની અણધારી એક્ઝિટને કરારભંગ અને નોન પ્રોફેશનલ વર્તણૂક લેખાવી અક્ષયે 25 કરોડનો કાનૂની દાવો પરેશ રાવલ પર ફટકાર્યો છે. 

‘હેરાફેરી 3’ના દિગ્દર્શક પ્રિયદર્શને પણ પરેશ રાવલના નિર્ણય બદલ દુ:ખ વ્યક્ત કરી અક્ષયના કાનૂની પગલાંને યોગ્ય ગણાવ્યું છે. બંને ‘હેરાફેરી’માં ઘનશ્યામનો રોલ કરનારા એક્ટર સુનીલ શેટ્ટીએ પરેશ રાવલના નિર્ણય અંગે આશ્ચર્ય – આઘાત વ્યક્ત કરી ‘બાબુ ભૈયા વિના આ ફિલ્મ બની જ ન શકે’ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. ટૂંકમાં વાતાવરણ એકદમ ડહોળાઈ ગયું છે.

જાણવા જેવી વાત એ પણ છે કે ‘હેરાફેરી 3’માં પરેશ ભાઈ ઉપરાંત અન્ય અડધો ડઝન અભિનેતાની હેરાફેરી થઈ ચૂકી છે. 10 વર્ષ પહેલા 2015માં ‘હેરાફેરી 3’ની ઘોષણા થઈ હતી ત્યારે પહેલી બે ફિલ્મના કલાકારોમાંથી કેવળ પરેશ રાવલને જાળવી રાખવામાં આવ્યા હતા અને અક્ષય કુમાર – સુનીલ શેટ્ટીને બદલે ‘દોસ્તાના’ની હિટ જોડી અભિષેક બચ્ચન – જોન અબ્રાહમની પસંદગી કરી પોસ્ટર પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જોકે, પછી વાત એક ડગલુંય આગળ ન  ચાલી.

એ વખતે બીજું નામ હતું આલા દરજ્જાના અભિનેતા ઈરફાન ખાનનું. ‘હેરાફેરી 2’નો ડિરેક્ટર નીરજ વોરા ‘હેરાફેરી 3’ બનાવશે એવી વાત હતી અને એક ઈન્ટરવ્યૂમાં  નીરજે ઈરફાન ખાન માટે એક સ્પેશિયલ રોલ લખાઈ રહ્યો છે એવો ઈશારો પણ કર્યો  હતો. 

જોકે, ઈરફાન બહુ બિઝી હોવાથી બાત બની નહીં અને એ રોલ અફલાતૂન  અભિનેતા કે કે મેનન કરશે એવી વાત  વહેતી થઈ હતી. પણ આ બધું પ્લાનિંગ કાગળ પર શરૂ થઈ કાગળ પર જ ખતમ થઈ ગયું.

એક તબક્કે તો આ ફિલ્મ પર કાયમ માટે પડદો પડી ગયો હોય એવી પરિસ્થિતિ હતી. કોવિડ – 19 મહામારી પછી ‘હેરાફેરી 3’માં નવા પ્રાણનો સંચાર થયો અને ફિલ્મની ઓરિજિનલ કાસ્ટ અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી સાથે જ ફિલ્મ બનશે એ દિશામાં ચક્રો ગતિમાન થયાં હતાં, પણ ફિલ્મની સ્ટોરી પસંદ નહીં હોવાનું કારણ આપી ત્યારે અક્ષય કુમાર જ ખસી ગયો હતો. ત્યારબાદ એન્ટ્રી થઈ ‘ભૂલભૂલૈયા 2’માં અક્ષય કુમારની જગ્યા લેનારા 

કાર્તિક આર્યનની. અલબત્ત, કાર્તિક અક્ષયનો રાજુનો રોલ નહોતો કરવાનો પણ એક અલગ પાત્રમાં જોવા મળશે એવી રજૂઆત થઈ હતી. 

આ વાત પણ હવામાં ઓગળી ગઈ. છેવટે ગયા વર્ષે અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીનું પાકું થયા પછી હવે પરેશ રાવલે નવો ધડાકો કરતાં હવે શું થાય છે એ જાણવું રસપ્રદ રહેશે. 

આ પણ વાંચો…કવર સ્ટોરી : અંતમાં આરંભનો અણસાર…

 

                                                 

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button