શો-શરાબાઃ હેપ્પી હાઇલાઇટસ ઓફ 2025… હિંદી સિનેમામાં ફરી વાગ્યો પ્રેમનો સૂર

દિવ્યકાંત પંડ્યા
2025 પૂરું થવામાં છે ત્યારે આપણે આ કોલમમાં વર્ષ આખાનું તારણ કાઢતી ચર્ચા માંડી રહ્યા છીએ. આજે 2025માં હિંદી સિનેમામાં એક ખુશ કરી દેતી વાત બની તેની વાત કરીએ. એ વાત એટલે મ્યુઝિક. હિંદી સિનેમામાં એક સમય એવો આવી ગયો હતો જ્યારે પ્રેમનાં ગીતો માત્ર ફિલ્મની ફરજ પૂરાં કરતા લાગતાં હતાં. ગીત આવતું, દૃશ્ય ચાલતું અને પછી બધું ભૂલી જવામાં આવતું. દિલમાં અટકી જાય એવું કંઈ બચતું નહોતું.
પરંતુ 2025માં એક સ્પષ્ટ ફેરફાર જોવા મળ્યો. આ વર્ષે પ્રેમનાં ગીતો ફરીથી અર્થ સાથે પાછા આવ્યા. માત્ર મધુર લાગવા માટે નહીં, પણ કંઈક કહેવા માટે. કંઈક અનુભૂતિ જગાવવા માટે અને સૌથી મોટી વાત એ કે આ ગીતો બનાવતી વખતે એવું લાગ્યું કે સંગીતકાર, ગીતકાર અને ગાયક, ત્રણેયે મળીને દિલ મૂક્યું છે.
આ બદલાવ સૌથી સ્પષ્ટ રીતે ફિલ્મ ‘સૈયારા’માં જોવા મળ્યો. ફિલ્મનું મુખ્ય ગીત ‘સૈયારા’ વર્ષનું સૌથી વધુ ચર્ચાતું પ્રેમ ગીત બન્યું. આ ગીતમાં ફહીમ અબ્દુલ્લાહનો અવાજ એકદમ શાંત છે, કોઈ દેખાડો નથી. તનિષ્ક બાગચીની ધૂન ધીમી છે, પણ અંદર સુધી ઊતરે છે. ઇર્શાદ કામીલના શબ્દો પ્રેમની ગૂંચવણ, ડર અને આશાને સાથે લઈને ચાલે છે. આ ગીત લોકોના ફોનમાં, કારમાં અને એકાંતમાં વાગતું રહ્યું, કારણ કે એ કોઈ ફિલ્મી પ્રેમ નહીં, પણ સાચો અનુભવ લાગતો હતો.
આ જ ફિલ્મનું બીજું ગીત ‘બરબાદ’ પણ એટલું જ અસરકારક રહ્યું. જુબિન નૌટીયાલે આ ગીતમાં પ્રેમની મૂંઝવણને અવાજ આપ્યો. અહીં કોઈ મોટા શબ્દો નથી, કોઈ ઊંચી ધૂન નથી. બસ, સીધી સરળ માણસની લાગણી છે. આ ગીત એટલા માટે ચાલ્યું કારણ કે લોકો તેમાં ખુદને જોઈ શક્યા.
ફિલ્મ ‘આપ જૈસા કોઈ’માં પણ પ્રેમનાં ગીતોનું મહત્ત્વપૂર્ણ સ્થાન રહ્યું. આ ફિલ્મનું ‘મિલા તુજે’ ગીત બહુ સાદી રીતે પ્રેમને રજૂ કરે છે. રોચક કોહલી અને જસ્ટિન પ્રભાકરને સંગીતમાં જૂની મીઠાશ રાખી છે, પણ ભાષા આજની છે. આ ગીત એવું લાગે છે કે કોઈ ધીમે ધીમે પ્રેમમાં પડી રહ્યું છે. આ ફિલ્મનું બીજું ગીત ‘જબ તુ સાજન’ પણ એ જ ભાવમાં આગળ વધે છે. અહીં પ્રેમ કોઈ મોટી ઘટના નથી, પણ રોજિંદી લાગણી છે.
‘ધડક-2’નાં ગીતોએ યુવાન પ્રેમની અસમંજસને પકડી. ‘પ્રીત રે’ ગીતમાં ઉતાવળ છે, ગભરાટ છે અને સાથે સાથે એક અલગ જ ઉત્સાહ છે. ‘બાવરિયા’ ગીત પ્રેમમાં પડ્યા પછીની ગૂંચવણ બતાવે છે. સામાજિક મુદ્દા સાથેની આ લવ સ્ટોરીમાં ફ્રેન્ચાઈઝની પહેલી ફિલ્મ જેટલા જ ઓડિયન્સના તરત ફેવરિટ બની જાય તેવાં ગીતો છે.
એવું નથી કે લવ સોંગ્સ બનતા જ નહીં, પણ 2025માં તેની માત્રા વધી છે અને એ માત્ર સાથે સોંગ્સની ક્વાલિટી પણ પાછી આવી છે. આ મહત્ત્વપૂર્ણ ઘટના માટે બે કારણો જવાબદાર હોઈ શકે. એક તો ફિલ્મ્સના નબળા મ્યુઝિક માટે એક સાથે કેટલાંય કમ્પોઝર્સ હોવાનો ટ્રેન્ડ ફિલ્મ અને મ્યુઝિક બંનેને નુકસાન કરતો હતો. એ બદલાયો છે. આ વર્ષે ઘણી ફિલ્મ્સમાં એક જ મ્યુઝિક કમ્પોઝર નજરે પડે છે.
બીજી ચીજ એ કે આ વર્ષે ફરી પાછી લવ સ્ટોરીઝની સંખ્યા વધી છે, જેના કારણે રોમાન્ટિક સોંગ્સની હાજરી પણ વધી છે. ‘મેટ્રો ઈન દિનો’નું સંગીત પણ 2025ની સૌથી અર્થસભર રચનાઓમાંનું એક રહ્યું. આ ફિલ્મનું ‘કાયદે સે’ ગીત હોય કે ‘ઝમાને સે’ કે પછી ‘દિલ કા ક્યા’ ગીત હોય; દરેક પ્રેમના ભિન્ન-ભિન્ન ભાવને આગળ વધારે છે. પ્રિતમે કમ્પોઝર તરીકે સાચે જ આ ફિલ્મમાં વખાણવા લાયક કામ કર્યું છે.
‘આંખોં કી ગુસ્તાખીયાં’ ફિલ્મમાં પ્રેમને બહુ નાની નાની લાગણીઓથી દર્શાવામાં આવ્યો છે. આ ફિલ્મનું ગીત ‘નઝારા’ વિશાલ મિશ્રાની નરમ ધૂન સાથે દિલને સ્પર્શે છે. આ ગીતમાં પ્રેમ કોઈ જાહેરાત નથી, પણ એક ક્ષણ છે. ‘તેરે ઈશ્ક મેં’ ફિલ્મનું સંગીત એ. આર. રહેમાને રચ્યું છે અને એમાં તેમની ઓળખ સ્પષ્ટ દેખાય છે. આ ફિલ્મનું ‘તેરે ઈશ્ક મેં’ ટાઇટલ ગીત પ્રેમની પીડા અને સમર્પણને સાથે લઈને ચાલે છે. અહીં ધૂન અને શબ્દો વચ્ચે શાંતિ છે.
‘ગુસ્તાખ ઈશ્ક’ ફિલ્મના વિશાલ ભારદ્વાજે કમ્પોઝ કરેલાં ગીતો થોડા અલગ સ્વભાવના છે. આ ફિલ્મનું ‘આપ ઇસ ધૂપ’ કે ‘શહેર તેરે’ કે પછી ‘ઉલ જલૂલ ઇશ્ક’ ગીત પ્રેમ અને સંબંધોની અસ્પષ્ટતા બતાવે છે. આ ગીતોમાં પ્રેમ સરળ નથી અને એ જ વાત તેને સુંદર બનાવે છે. સંગીતકાર અને ગાયક બંનેએ અહીં સલામત રસ્તો લીધો નથી.
આ વર્ષે પ્રેમના ગીતોએ સાબિત કર્યું કે મેલોડીનો ટ્રેન્ડ ક્યારેય જૂનો થતો નથી. લોકો હજુ પણ એવા ગીતો સાંભળવા માંગે છે જે કંઈક કહે, કંઈક યાદ અપાવે. 2025એ એ વિશ્વાસ પાછો આપ્યો કે અર્થવાળી મધુર ધૂનો હજી પણ દિલ સુધી પહોંચે શકે છે, બસ, તેને ઈમાનદારીથી બનાવવાની જરૂર છે.
લાસ્ટ શોટ
‘સૈયારા’ના શીર્ષક ગીતે Spotify ની દુનિયાની ટોચની પચાસ ગીતોની યાદીમાં સ્થાન મેળવ્યું. એ સાથે જ ટોપ 10માં સામેલ થનારું પ્રથમ હિંદી ગીત બન્યું; જે એક રેકોર્ડ છે.
આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ..! :



