અનુમાન મનની કલ્પના છે, પણ અનુભવ આપણા જીવનનો પાઠ!

- અરવિંદ વેકરિયા
‘આપણા 60 લેણાં હતાં, મારાં 30 આવી ગયાં સમજો!’ હું સ્તબ્ધ થઈ ગયેલો. 30 મેં રાખી લીધાં હોત તો? ચેક આપ્યો ત્યારે જ કહી દીધું હોત તો દુ:ખ ન થાત. ખેર, પૈસાની જરૂર મને પણ હતી. જિંદગીના ફાટેલાં ખિસ્સે ઠસોઠસ ભરેલી જવાબદારીનો રોકડો હિસાબ હતો. દીપક એની રીતે સાચો હતો. હું જ તુષારભાઈનાં સતત સંપર્કમાં રહેવાનો હતો. હવે મારી જવાબદારી કે નાટક કરતા કરતા બાકીનાં 30 તુષારભાઈ પાસેથી કેમ કઢાવવા એની હતી.
ઘરમાં મને મારું પડી ગયેલ મો જોઈ પત્ની ભારતીએ સમ આપી સાચું કારણ જણાવવા કહ્યું. મેં જે બન્યું હતું એની રજેરજ વાત કહી દીધી. મને મધરાત સુધી એ સમજાવતી રહી : ‘જુઓ, જે પૈસા તુષારભાઈ પાસેથી લેણાં નીકળતાં હતાં ત્યારે તમે અને દીપકભાઈ ભાગીદાર હતા, બરાબર! એ નાટક જેનાં પૈસા બાકી રહી ગયાં એ જ નાટકમાંથી તમને ડિરેક્ટર અને કલાકાર તરીકેનું મહેનતાણું તો મળેલું ને? દીપકભાઈને તો એ નહોતું મળ્યું.
હા, પી.આર.ઓ.નું કવર માત્ર મળતું પણ એ તમારાં બંને વચ્ચે અડધું-અડધું વહેંચાય જતું ને? દીપકભાઈએ યોગ્ય કર્યું. સારું કર્યું તમે જા.ખ. દીપકભાઈને જ આપવાનું વિચાર્યું. તમને વેપાર નહિ આવડે કારણ તમારી હિમ્મત જ નથી. સંઘર્ષથી આગળ વધ્યા એમાં સાહસની બાદબાકી થઈ ગઈ. ‘રિસ્ક’ લેવું તમારાં લોહીમાં જ નથી. હવે પ્રયત્ન એ કરજો કે બાકી નીકળતાં પૈસા વહેલાસર નીકળે અને સંબંધ જળવાય રહે. સંપર્ક અને સંબંધને સમજો. પાણીમાં પડેલા પાણીના ટીપાને સંપર્ક કહેવાય અને પાણીમાં પડેલાં દૂધને સંબંધ. સંપર્ક એટલે ભળે નહીં, સંબંધ એટલે મળે અને ભળી જાય. તમે દૂધ બની દીપકભાઈની વાતમાં ભળી જઈ, વર્ષોના સંબંધને અકબંધ રાખજો.’
આખી રાત વિચારતો રહ્યો કે નાટકનાં સંવાદો બોલવામાં ભલે હું પાવરધો રહ્યો પરંતુ સમજણનાં સંવાદો તો પત્ની ભારતી જ જાણે છે. જેટલું મન ભારે થયેલું એ ભારતીની વાતે હળવું કરી દીધું. દીપકને લઈને જાગેલી રીસ પણ ઓગળી ગઈ. દીપક આજે સારો બિઝનેસ કરે છે. હું વધુ મુંજારો અનુભવું એ પહેલા મને ભારતીએ સમય ઉપર સમજણ આપી. સમય ઉપર સમય આપનારાં લોકો જો સમય પર મળી જાય તો સમયને સારો થવામાં સમય નથી લાગતો.
ત્રણેક દિવસ પછી હું, તુષારભાઈ, આનંદ અને દિનેશ મળ્યા. દિનેશે કહેલું એમ નાટકમાં ફાઈનલી આઠ પાત્રો થતાં હતાં. વાર્તા ત્રણ પરણેલાઓની હતી. એકની પત્ની શંકાશીલ તો બીજાની ઓછું મળે તો પણ આનંદનો અવસર ઉજવે અને ત્રીજાની ‘અહમ’નાં અતિરેકથી પીડાતી.
કાસ્ટિંગ શરૂ કર્યું. નામો વિચારતાં ગયાં. મારે માત્ર એ ડિરેક્ટ કરવું હતું. પાત્ર ભજવું તો મારું ધ્યાન વહેંચાતું રહે અને ડિરેક્ટર તરીકેની એકાગ્રતા ન રહે એવું મારું માનવું છે. એ નાટકમાં એક રમૂજી સાથે ફિલોસોફીકલ કાકાનું પાત્ર પણ હતું. દિનેશ-આનંદ-તુષારભાઈ એ પાત્રનો કળશ મારાં ઉપર ઢોળવાની કોશિશ કરી જોઈ. મને એ પાત્ર માટે વિચાર આવ્યો જયંત વ્યાસનો.( જે હયાત નથી.) એમનો કોઈ પ્રોબ્લેમ થશે તો હું કરીશ એવી હૈયાધારણ આપી અમે છૂટા પડ્યા.
બીજે દિવસે હું જયુકાકા (જયંત વ્યાસ) ને મળ્યો. મેં નાટકનું કથાનક સંભળાવ્યું. એમને ગમ્યું પણ ખરું, પરંતુ એમણે બે દિવસ માગ્યા. ત્યારે રાજેશ જોશી ક્રમશ: નામનું નાટક (લગભગ એ જ નામ હતું.) કરવાના હતાં. જયંત વ્યાસનો એમાં રોલ હતો, પણ રિહર્સલ હજુ એનાં શરૂ નહોતાં થયાં એટલે એમની સાથે વાત કરી જણાવવા માટે બે દિવસનો સમય માગ્યો.
એ પછી દંપતી પ્રમાણે અમે કાસ્ટિંગ વિચારતા ગયાં. અહમથી પીડાતા અને નાની વાતે ઉગ્ર બની જતા દંપતી માટે અમે પસંદ કર્યા, શેતલ રાજડા અને તુષાર ત્રિવેદી. શંકાશીલ યુગલ માટે નક્કી કર્યા, રાજુલ દીવાન અને દેશપાંડે.(ફીમેઇલ કલાકારા મરાઠીભાષી હતી.) બાકી રહ્યાં નોકર-નોકરાણી. જે હંમેશાં વર્તમાનમાં અને આનંદથી જીવતું કપલ. નાટકમાં મર્યાદિત વ્યાધિથી પીડાતી એક સ્ત્રીનું પાત્ર હતું જે માટે શીલા શર્મા (મહાભારત સિરિયલમાં જેણે ‘દેવકી’નું પાત્ર ભજવેલું) ને કાસ્ટ કરી. એક ડોક્ટરનું નાનું પણ અગત્યનું પાત્ર વિકાસ પટેલને આપ્યું. વિકાસે ઘણી હિન્દી-ગુજરાતી સિરિયલો લખી છે અને આજે એ સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. ઘણાં શો કરે છે.
તકલીફ મને નોકર-નોકરાણીનાં પાત્રો માટે પડી રહી હતી. આ ફ્રી હશે, પેલો ફ્રી હશે. પણ બધે ડેલીએ હાથ દેવા જેવું થતું.
અનુમાન આપણા મનની કલ્પના છે, અનુભવ આપણા જીવનનો પાઠ. મારાં બધાં તર્કો ખોટાં પડતાં હતાં. ત્યાં કોઈએ મને એક નામ આપ્યું, મોનિકા રોય. આ નામ મારે માટે સાવ નવું હતું, કારણ કે ચાલતા કોઈ નાટકમાં એનું નામ મેં વાંચ્યું નહોતું. હકીકતમાં એમણે લગભગ 1972 થી 1976 સુધી જ નાટકો કરેલા એવું જાણવા મળેલું. જોગાનુજોગ એ શેતલ રાજડાની દેરાણી હતી.
એ મોનિકા રોય એટલે આજે તખ્તા પર અમિતા રાજડા તરીકે ઓળખાય છે. જે કલાકાર તુલસી રાજડાની પત્ની. તુલસી સાથે મેં ઘણાં એકાંકીઓ-ત્રિઅંકી નાટકો સુરેન્દ્ર જોશી સાથે કરેલા. આમ કાસ્ટિંગ તો લગભગ પૂરું થયું. જયુકાકાનો જવાબ બાકી હતો. સ્ક્રિપ્ટ પણ પૂરી થવામાં હતી. હવે ચિંતા નોકરનાં પાત્ર માટે હતી. એ રોલ માટે કોમેડી ટાઈમિંગનો જાણકાર અને ઈમોશનલ સીનને તખ્તા પર સારી રીતે મંચન કરી શકે એવો જોઈતો હતો.
મને એક સાવ અજાણી વ્યક્તિ, ઓફકોર્સ ક્યારેક હું એને મળતો. એણે મને કહ્યું કે ‘કાલે એક કલાકારને મોકલું છું. જોઈ લે.’
અચાનક તમારી મહેનતમાં આવી અજાણી વ્યક્તિ મદદરૂપ થાય એ સારું લાગે. જિંદગીની સૌથી મોટી બચત, લોકોનાં દિલમાં તમે બનાવેલી જગ્યા છે. એ જગ્યા કામ લાગી ગઈ.
પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો. એમાં કશું અજુગતું મળ્યું નહીં, તો દીવાલમાં માથું ભટકાડીને બોલી ‘હે ભગવાન! આને કોઈ ઘાસ નથી નાખતું અને હું આની સાથે જિંદગી કાઢું છું.



