ફ્લેશબેકઃ ‘મારી ચડતી-પડતી માટે સાહિર જ જવાબદાર’

- હેન્રી શાસ્ત્રી
પ્રતિભાશાળી હોવા છતાં એમને અનુરૂપ કામ, દામ અને નામથી વંચિત રહેલા સંગીતકાર જયદેવએ ગીતકારને દોષી ઠેરવ્યા હતા…
અન્યાય અને બદનસીબ… આ બે શબ્દ સંગીતકાર જયદેવજીની સંગીત કારકિર્દી પર ફિટ બેસે છે. નૌશાદ, એસ. ડી. બર્મન, શંકર – જયકિશન, ઓ. પી. નય્યર, સી. રામચંદ્ર, રોશન, ખૈયામ સમકક્ષ પ્રતિભા હોવા છતાં અહીં એ બધા સંગીતકારોને મળેલી પ્રસિદ્ધિ અને માનપાનના 50 ટકા પણ જેમને નથી મળ્યા અને અનેક વર્ષ એસ. ડી. બર્મનના આસિસ્ટન્ટનું લેબલ દૂર નહીં કરી શકનારા જયદેવજીની આ રવિવાર (4 ઓગસ્ટ)ના પુણ્યતિથિ છે. એ નિમિત્તે એમના સંગીત જીવનનો એક વિશિષ્ટ પહેલુ જાણી એમને વધુ નિકટથી ઓળખવાની કોશિશ કરીએ…
જયદેવજીએ 60 વર્ષ પૂરા કર્યા ત્યારે દિલ્હીથી પ્રકાશિત થતા ‘ફન ઔર શખ્સિયત’ (કલા અને કલાકાર) નામના મેગેઝિનમાં ‘આપવીતી’ સિરીઝના લેખોમાં એમના નામે એક લેખ છપાયો હતો. લેખ ઘણો વિસ્તૃત છે, પણ એમાંથી જયદેવજીએ ગીતકાર સાહિર લુધિયાનવી વિશે લખેલી કેટલીક વાત તારવીને એમના જ શબ્દોમાં અહીં રજૂ કરી છે…
1943માં લખનઊ રેડિયોએ મારા કાર્યક્રમોનું પ્રસારણ શરૂ કર્યું હતું. સાહિર સાથે મારી દોસ્તી હતી એટલે મેં એને રેડિયો પર તક આપી અને એની બે રચના ‘તંગ આ ચુકે હૈં કશ્મકશ – અય – ઝિંદગી’ તેમ જ ‘ખુદ્દારીયોં કે ખૂન કો અર્ઝાન ના કર સકે’ લખનઊ રેડિયો પર પ્રસારિત થઈ અને સાહિરની ઓળખનો વિસ્તાર થયો. ત્યારે ક્યાં ખબર હતી કે આ મારો પ્રિય મિત્ર આગળ જતા મારી કારકિર્દી ખતમ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે?
પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબર ખાં અને ઉસ્તાદ અલાઉદ્દીન ખાં જેવા ગુણીજનોના સાનિધ્યમાં રહ્યા પછી 1950માં હું મુંબઈ આવ્યો. મને ‘નવકેતન’ માં મહિને 200 રૂપિયાના પગારે નોકરી મળી ગઈ. એ જ સમયે સાહિર પણ લખનઊથી મુંબઈ આવ્યો હતો અને એસ. ડી. બર્મન સાથે ‘નૌજવાન’ અને ‘બાઝી’માં હિટ સોન્ગ આપી નામના મેળવી હતી. એ દરમિયાન સચિન દેવ બર્મન ફરી ‘નવકેતન’ માં આવ્યા. ચેતન આનંદના કહેવાથી એસ. ડી. બર્મને મને સહાયક તરીકે રાખી લીધો અને ‘ટેક્સી ડ્રાઈવર’ મારી પહેલી ફિલ્મ. સચિનદાના સહાયક તરીકે મેં કેટલીક ફિલ્મો કરી.
…આ તરફ ‘નવકેતન’ માં ભંગાણ પડ્યું અને ચેતન આનંદ છૂટા થયા. ચેતન આનંદની સ્વતંત્ર કંપનીની પહેલી ફિલ્મ ‘જોરુ કા ભાઈ’ના સંગીત દિગ્દર્શકની જવાબદારી મને સોંપી. ગીતો સાહિર લખશે એવું નક્કી થયું. જોકે, એક ગીત રેકોર્ડ થયા પછી સાહિરે પૂર્વ શરત મૂકી કે મારે લતા મંગેશકરની પસંદગી નહીં કરવાની. જોકે, મેં સાફ ના પાડી. અમારી વચ્ચે બોલાચાલી થઈ અને મેં સાફ સંભળાવી દીધું કે લતાને તો હું ગવરાવીશ જ, તને મંજૂર ન હોય તો હું બીજા ગીતકારને પસંદ કરી લઈશ…
સાહિરને આ સાંભળી બહુ ગુસ્સો આવ્યો. ચેતન આનંદે મારી તરફેણ કરી અને વિશ્વામિત્ર આદિલ પાસે ગીત લખાવ્યા. જોકે, ગીતોથી સંતોષ ન થવાથી સાહિર પોતાની શરતો પડતી મૂકી પાછા જોડાયા અને અમે લતા – તલતનું યુગલગીત ‘સુરમઈ રાત હૈ, સિતારે હૈં, આજ દોનો જહાં હમારે હૈં, સુબહ કા ઈંતઝાર કૌન કરે’ રેકોર્ડ કરાવ્યું.
અમારી ગાડી પાટે ચડી ગઈ અને મેં એક દિવસ બી. આર. ચોપડાને મારી કેટલીક ધૂન સંભળાવી, જે એમને પસંદ પડી. જોકે, કોઈ કારણસર સાહિરે મારા સ્વરાંકનની ટીકા કરી. અલબત્ત, સાહિરની પરવા કર્યા વિના ચોપડા સાહેબે ‘સાધના’ ફિલ્મના સંગીતકાર તરીકે મને આમંત્રણ આપ્યું. સાહિર ગીતો લખશે એ શરત પણ મેં સ્વીકારી લીધી. અચાનક એક દિવસ સાહિર મારા ઘરે આવ્યો, અમારો ઝઘડો થયો અને થોડા દિવસ પછી મને ખબર પડી કે ચોપડા સાહેબે મને પડતો મૂક્યો હતો. ‘સાધના’ મેં ગુમાવી. હું કામ વિનાનો હાથ જોડીને બેઠો હતો ત્યારે નવકેતનની ‘હમ દોનો’ મને ઓફર થઈ. આ ફિલ્મથી સાહિર સાથેની મારી મૈત્રી ફરી ઘનિષ્ઠ બની. પહેલી જ વાર એણે મને સંપૂર્ણ સહકાર આપ્યો. ફિલ્મ હિટ થઈ અને એના ગીત – સંગીતને ગજબનાક લોકપ્રિયતા મળી. ‘અલ્લા તેરો નામ’ ગીત દુનિયાભરમાં ગાઈ ગાઈ લતાજીએ મશહૂર કરી દીધું. બીજા ગીતો પણ રસિકોએ છાતીએ વળગાડ્યા. સંગીતકાર બનવાનું મારું સપનું ખરા અર્થમાં સાકાર થયું. આ બધા ગીત સાહિર લુધિયાનવીના હતા. મારી કારકિર્દીનો આ ઉચ્ચાંક હતો, જેમાં સાહિરનો મોટો ફાળો હતો એ હકીકત છે.
એ જ સમયે સુનીલ દત્તએ ‘મુજે જીને દો’ના સંગીત દિગ્દર્શક તરીકે મારી પસંદગી કરી. ગીતો સાહિરના હતા અને ચાર ગીત રેકોર્ડ થયા પછી શું પેટમાં દુખ્યું ખબર નહીં, સાહિરે ફતવો કાઢ્યો કે એની સાથે કામ કરતા દરેક સંગીતકારે પોતાના વાદ્યો સાથે એના ઘરે જવાનું. મેં આ માગણી સ્વીકારવાની ના પાડી. એક તરફ દત્ત સાહેબ ગીતોના રેકોર્ડિંગનો આગ્રહ કરી રહ્યા હતા તો બીજી તરફ સાહિરે આડોડાઈ કરી હતી. કંટાળીને સુનીલ દત્તે મને પડતો મૂકવાનું નક્કી કર્યું. નરગિસજીને આ વાતની જાણ થતા એમણે મને મળવા બોલાવ્યો. વાતવાતમાં મેં કહ્યું કે ‘ડાકુઓ ફિરાક કે સાહિરને જાણતા ન હોય. એમને તો લોકગીતોમાં રસ હોય. અને મેં એમને ‘નદી નારે ના જાઓ શ્યામ પૈયાં પડું’ સંભળાવ્યું, જે એમને બહુ ગમ્યું અને ફિલ્મમાં સામેલ કરવાનું નક્કી કર્યું. સાહિરને આ વાતની જાણ થતા બીજે દિવસે હાજર થયો અને ગીતો લખવાની તૈયારી બતાવી. જોકે. ‘મુજે જીને દો’માં બે લોકગીત રહ્યા ખરા. બીજું હતું ‘મોકો પિહર મેં મત છેડ રે બાલમ’.
આપણ વાંચો: આજની ટૂંકી વાર્તા : ડૂલરું
મેં મેળવેલી સિદ્ધિઓમાં, મારી ચડતીમાં સાહિર લુધિયાનવીનું યોગદાન હું સ્વીકારું છું અને એ વાત મને શિરોમાન્ય છે.
જોકે, સાથે સાથે એ પણ એટલી જ સાચી વાત છે કે મારી પડતી માટે પણ સાહિર લુધિયાનવી જ જવાબદાર છે. અલબત્ત, એના માટે મારા મનમાં લાગણી, એની આવડત માટે આદર શરૂઆતમાં હતા એવા જ અકબંધ કાયમ રહ્યા છે…
આ વાત દર્શાવે છે કે બે દિગ્ગજ ગીતકાર-સંગીતકાર એકમેક સાથે હાથ મિલાવાને બદલે મુક્કો ઉગામે ત્યારે એ બન્નેના કૌવતના જાદુથી સંગીતપ્રેમીઓ દર્શકો જ વંચિત રહી જાય છે!