ફલૅશ બૅક: કોટ પર લોટ: સિનેમામાં સ્માઈલની શરૂઆત | મુંબઈ સમાચાર
મેટિની

ફલૅશ બૅક: કોટ પર લોટ: સિનેમામાં સ્માઈલની શરૂઆત

  • હેન્રી શાસ્ત્રી

ચિત્રપટના ઇતિહાસ જેટલો જ જૂનો ઈતિહાસ કોમેડી ફિલ્મોનો છે અને એનો જન્મ રંગભૂમિ પર જોવા મળેલી ક્લાસિકલ કોમેડીમાંથી થયો છે

પાઈપ પર પગ મૂકતો બાળક (ડાબે) અને પગ હટાવી લેતા પાણીનો ફુવારો માળીના ચહેરા પર…

હસવું સહેલું છે, હસાવવું અઘં છે. હસવું અને હસતા રહેવાની પ્રકૃતિ મનુષ્યનું આગવું લક્ષણ છે. સામાન્યત: મનુષ્ય સિવાયનાં પ્રાણીઓમાં હસવાની વૃત્તિ અને હાસ્ય-વિનોદ માણવાની શક્તિ નથી હોતી. સિનેમામાં હાસ્ય એના ઉગમથી જ વણાયેલું છે.

વિશ્વ સિનેમામાં કોમેડી ફિલ્મનો પ્રારંભ 130 વર્ષ પહેલા થયો હતો , જ્યારે આપણે ત્યાં એની શરૂઆતને 112 વર્ષ થયા છે. આ વર્ષો દરમિયાન કોમેડી ફિલ્મોના કલેવરમાં ધરમૂળથી ફેરફાર જોવા મળ્યા છે. Slapstick Comedy (ચાર્લી ચેપ્લિન, પીટર સેલર્સ), Screwball Comedy (પુષના આધિપત્યને પડકારતી મહિલાના કારણે નિપજતી રમૂજ, It Happened One Night), Parody Comedy (કોઈ સ્વરૂપની ઠેકડી ઉડાડતી ફિલ્મો, મેલ બ્રુક્સની ફિલ્મો), Black Comedy (મૃત્યુ, હત્યા, યુદ્ધ જેવા વિષય પર વ્યંગ કરતી ફિલ્મો), Farce (પ્રહસન), Sitcom (પરિસ્થિતિને કારણે જન્મતો વિનોદ) સહિત બીજા પણ કેટલાક પેટા વિભાગ છે કોમેડી ફિલ્મોના.

વાત કરીએ સૌપ્રથમ પડદા પર નજરે પડેલી કોમેડીની. દ્રશ્ય કંઈક આવું છે: માળી બગીચામાં છોડવાઓને પાણી પાઈ રહ્યો છે. લીલુડી ધરતીની હરિયાળી અકબંધ રહે એ માટે જમીન પર પથરાયેલી ઘાસની ચાદર પર મોટા પાઈપ વાટે જળનો ફુવારો કરી રહ્યો છે. એના ચહેરા પર ગજબનો હરખ છે. એવામાં અચાનક એક બાળક દોડતો દોડતો આવે છે. બાળ સહજ શરારત, મસ્તીખોર સ્વભાવ ધરાવતો એ બાળક ઈરાદાપૂર્વક પાણીના પાઈપ પર પગ મૂકી જોરથી દબાવે છે. એટલે પાણી વહેતું બંધ થઈ જાય છે. પોતાના કામમાં લીન માળી અચાનક પાણી અટકી જતા વિચારમાં પડી જાય છે કે એકાએક જળ વર્ષા અટકી કેમ ગઈ? કુતૂહલવશ પાણી જ્યાંથી વહી રહ્યું હતું એ પાઈપનો છેડો પોતાના ચહેરા નજીક લાવી અંદર નજર નાખી પાણી અટકવાનું કારણ સમજવાની કોશિશ કરે છે. એ જ ક્ષણે બાળક પાઈપ દબાવી રાખેલો પગ ઊંચકી લે છે અને.. અને વેગથી આવતા પાણીમાં માળી જળબંબોળ થઈ જાય છે. દ્રશ્યની છેલ્લી કેટલીક સેકંડમાં માળી કાકા પેલા બાળકને પકડી એને ઠમઠોરવા દોડી રહેલા દેખાય છે. દ્રશ્ય પૂં થાય છે અને આ સીન જોનારામાં હાસ્યનું મોજું ફરી વળે છે.

પડદા પરના પાણીના ફુવારાએ પડદા બહાર હાસ્યના મોજાને જન્મ આપ્યો અને એ સાથે સિનેમામાં હ્યુમર – રમૂજના શ્રી ગણેશ થાય છે. શારીરિક હરકતોને કારણે નિપજતી રમૂજ અંગ્રેજીમાં Slapstick Comedy તરીકે ઓળખાય છે. આ પ્રકારની રમૂજ કે વિનોદ સરળ, સીધી અને સ્વાભાવિક હોય છે. બાળક જે કંઈ કરી રહ્યો હતો એનું પરિણામ શું આવવાનું છે એ જાણતા હોવા છતાં આપણે બાળકોની જેમ હસવું રોકી નથી શકતા. આ મજેદાર સિક્વન્સ છે 1895માં ફ્રાન્સના લિઓન શહેરમાં ચિત્રીકરણ કરવામાં આવેલી લુઈ લુમિએરની 40 સેકંડની ફ્રેન્ચ ફિલ્મ L’arroseur Arrosœ (અંગ્રેજી નામ The Waterer Watered – પાણી સીંચનાર પર જ પાણીનો મારો)ની. ચિત્રપટ ઈતિહાસની આ પ્રથમ કોમેડી ફિલ્મ તરીકે નોંધ ધરાવે છે.

બીજા 18 વર્ષ પછી આપણા દેશમાં – ભારતીય ચલચિત્રમાં કોમેડી સીન પા પા પગલી માંડી પ્રવેશ કરે છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર અને ચિત્રપટ ઈતિહાસના અભ્યાસુના ગ્રુપ દ્વારા નોંધવામાં આવેલી આ હકીકત એ વાત પર પ્રકાશ પાડે છે. ધુંડીરાજ ગોવિંદ ફાળકે – દાદાસાહેબ ફાળકેએ ભારતની પ્રથમ ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર’ બનાવી ત્રીજી મે, 1913ના દિવસે રિલીઝ કરી હતી. આ ફિલ્મને જબરદસ્ત સફળતા મળવાના કારણે ફાળકે સાહેબે ફિલ્મ મેકિગના માધ્યમમાં ઓતપ્રોત થઈ જવાનું નક્કી કર્યું. મોટા રિસ્ક સાથે તેમણે બીજું એક જોખમ પણ લીધું, લેવું પડ્યું એમ કહેવું વધુ યોગ્ય કહેવાય. મુંબઈમાં ફિલ્મ બનાવવા સાનુકૂળ વાતાવરણ નહીં મળે એવું લાગતા દાદાસાહેબએ ઓક્ટોબર મહિનામાં પોતાના વતન નાશિકમાં સ્થળાંતર કર્યું. નાશિક પહોંચી ત્રણ જ મહિનામાં બીજી પૌરાણિક ફિલ્મમોહિની ભસ્માસુર’ બનાવી બીજી જાન્યુઆરી, 1914ના દિવસે રિલીઝ કરી. આ ફિલ્મ જોવા માટે દર્શકોને આકર્ષણ થાય એ હેતુથી ફાળકે સાહેબે શોર્ટ ફિલ્મ `પિઠાચે પંજે’ – Hand Prints (લોટવાળા હાથના પંજાની છાપ) બનાવી. ભારતીય સિનેમાના પડદા પર કોમેડી સીનનો આ પ્રથમ પ્રયાસ હતો. કામવાળી સાથે શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા ધરાવતા કામુક પતિને રંગરેલીયા કરતો પત્ની પકડી પાડે છે એ વાત હતી. ફિલ્મમાં દર્શાવ્યા અનુસાર પત્ની શોપિંગ કરવા બહાર ગઈ હોય છે. વાસનાથી લોલુપ પતિ રસોડામાં લોટ બાંધી રહેલી કામવાળીને બાહુપાશમાં જકડી લે છે. અચાનક પત્નીનું આગમન થતા બંનેની લીલામાં ભંગ પડે છે અને જાણે કશું બન્યું નથી એમ પોતપોતાનાં કામમાં મશગૂલ થઈ જાય છે. જોકે, બંને જણ એ વાતથી અજાણ છે કે પતિના કોટ પર પાછળની બાજુએ લોટના નિશાન લાગી ગયા છે જે કામવાળી બાંધી રહી હતી. પતિના કોટ પર લોટ ચોંટ્યો હોવાનું પત્નીની નજરમાં આવી જાય છે અને આ બંને વચ્ચે શું ચાલી રહ્યું હતું એનો ખ્યાલ આવી જાય છે. બેદરકારીના કારણે વાસનાગ્રસ્ત જોડી રંગે હાથ પકડાઈ જાય છે. આ છે ભારતીય ચલચિત્ર ઈતિહાસમાં કોમેડીના પ્રારંભની સેમ્પલ શરૂઆત.

કોમેડી ફિલ્મનો એ પ્રકાર છે જેમાં હ્યુમર – રમૂજ – વિનોદને પ્રાધાન્ય આપવામાં આવે છે, કથામાં એના પર જોર મૂકવામાં આવે છે. સિનેમા જોવા આવેલા દર્શકોનું મનોરંજન થાય છે, તેમનું મન બહેલાવવાની કોશિશ થાય છે જેથી એ ખડખડાટ હસી શકે. થિયેટરની બહાર નીકળે ત્યારે એના ચહેરા પર સ્મિત હોય અને હસતે મોઢે ઘરે પાછો ફરે. ફિલ્મોના ઇતિહાસ જેટલો જ જૂનો ઈતિહાસ કોમેડી ફિલ્મોનો છે અને એનો જન્મ રંગભૂમિ પર જોવા મળેલી ક્લાસિકલ કોમેડીમાંથી થયો છે. મૂંગી ફિલ્મોના દોરની કેટલીક પ્રારંભિક ફિલ્મો સ્લેપસ્ટિક કોમેડી હતી જેમાં દ્રશ્યો રમૂજ પેદા કરતા હતા. આ કોલમમાં દર મહિને એક વાર કોમેડી ફિલ્મો અને કોમેડી કરતા કલાકારો વિશે વાત કરી વાચકોને એમના વિશે વાકેફ કરવાની કોશિશ કરવામાં આવશે.

આપણ વાંચો : સ્ટાર-યાર-કલાકાર” બોલિવૂડ મર્ડર… યે રાત ફિર ના આયેગી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button