ફ્લૅશ બૅકઃ પિતા હિટ તો પુત્ર સુપરહિટ...
મેટિની

ફ્લૅશ બૅકઃ પિતા હિટ તો પુત્ર સુપરહિટ…

હેન્રી શાસ્ત્રી

ભારતને આઝાદી મળ્યા પછી દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહએ વિદેશ નીતિ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. 1949માં ચીનના આંતરિક વિગ્રહમાં ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના જ્વલંત વિજય પછી ક્રાંતિકારી રાજપુષ માઓ સે-તુંગએ ચીનને પીપલ્સ રીપબ્લિક ઓફ ચાઈના’ તરીકે ઘોષિત કર્યા બાદ ભારત-ચીન વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસે એ હેતુથી નેહએહિન્દી-ચીની ભાઈ ભાઈ’નો નારો આપ્યો હતો.

જોકે, ચીનની દગાખોરીને કારણે 1962ના યુદ્ધ પછી હિન્દી-ચીની બાય બાય’ થઈ ગયું. ત્યારબાદ તબક્કાવારભાઈ ભાઈ-બાય બાય’ થતું રહ્યું છે. રાજકીય સંબંધોની સીધી કે આડઅસર સાંસ્કૃતિક લેવડ દેવડ પર ન પડવી જોઈએ એ દલીલ વિચારવામાં ઘણી સારી છે, પરંતુ એ અમલમાં નથી મૂકી શકાતી.

જોકે, હિન્દી ફિલ્મો માટે ચીનમાં આકર્ષણ અકબંધ રહ્યું છે. આજથી 70 વર્ષ પહેલા ચીનમાં રિલીઝ થયેલી પહેલી હિન્દી ફિલ્મ હતી આવારા’. Liulangzhe ટાઇટલ સાથે બીજિંગ સહિત કેટલાંક શહેરોમાં પ્રદર્શિત થયેલી આ ફિલ્મને ભવ્ય સફળતા મળી હતી. 1978માં ચીનમાં ફરી રિલીઝ કરવામાં આવી ત્યારે પણ દર્શકોએઆવારા’ પર ઓવારી જઈને વધાવી લીધી હતી. બે પેઢીના સિને શોખીનોમાં રસ જળવાઈ રહે એ અનોખું કહેવાય.

એવું કહેવાતું હતું કે ચીનના ક્રાંતિકારી રાજપુષ માઓ સે-તુંગને ફિલ્મ અને એના ટાઈટલ સોંગ (આવારા હૂં, યા ગર્દિશ મેં હૂં આસમાન કા તારા હૂં) અત્યંત પ્રિય હતા. ફિલ્મમાં ચીની દર્શકોને પોતાના સમાજનું પ્રતિબિંબ દેખાયું હતું એવી રજૂઆત એ સમયે કરવામાં આવી હતી. રશિયા પછી ચીનમાં પણ `આવારા’ હિટ જવાનું આ જ એક પ્રમુખ કારણ હતું.

ભારતીય સિનેમા અને વિશેષ કરીને હિન્દી ફિલ્મો એટલે મેલોડ્રામા, ગીત-સંગીત અને નૃત્યોની ભરમાર એવી ગેરમાન્યતા અનેક વિદેશી દિમાગમાં વર્ષો સુધી ફિટ બેસી હતી. અલબત્ત, ચીની દર્શકોને હિન્દી ફિલ્મોની વિશિષ્ટતા અને લાગણીપ્રધાન કથા-રજૂઆત હૃદયને સ્પર્શી ગયા. ચીનમાં હિન્દી ફિલ્મોની વધી રહેલી લોકપ્રિયતાને પગલે વિશ્વમાં હોલિવૂડ ફિલ્મોની મોનોપોલી ખતમ થઈ જશે એવું માનવામાં આવે છે.

વર્તમાન રાજકીય સમીકરણો જોતા હિન્દી ફિલ્મો ચીનમાં રિલીઝ થવાની સંભાવના વધી છે. જોકે, ચીનમાં હિન્દી ફિલ્મોને મળી રહેલો આવકાર 21મી સદી પૂરતો છે એવું નથી. સિલસિલો `આવારા’થી શરૂ થયો છે.

ચીનમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મોની વાત કરતી વખતે `કારવાં’ (1971)નો ખાસ ઉલ્લેખ કરવો જ પડે. ભારતમાં રિલીઝના આઠ વર્ષ પછી એટલે કે 1979માં ચીનમાં Dapengche ટાઈટલ સાથે રજૂ થયેલું આ ચિત્રપટ ચીનમાં સત્તાવાર રીતે સ્ક્રીનિંગ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ તરીકે પંકાઈ છે. જીતેન્દ્ર, આશા પારેખ અને અણા ઈરાની અભિનીત આ ફિલ્મના નિર્માતા હતા તાહિર હુસેન અને દિગ્દર્શક હતા એમના ભાઈ નાસીર હુસેન.

કારવાં’ની સફળતાને પગલેનૂરી’ (નિર્માતા યશ ચોપડા, દિગ્દર્શક મનમોહન કૃષ્ણ, એક્ટર ફારૂક શેખ, પૂનમ ઢિલ્લોં) અને ડિસ્કો ડાન્સર’ (દિગ્દર્શક બી. સુભાષ, એક્ટર્સ મિથુન ચક્રવર્તી અને કિમ) સામ્યવાદી દેશમાં બહોળો આવકાર મેળવવામાં સફળ રહી હતી.ડિસ્કો ડાન્સર’માં બપ્પી લાહિરીનું મ્યુઝિક અને ખાસ કરીને `જીમી જીમી’ ગીતે ચીની દર્શકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું.

મિથુનદા ત્યારે ચીનાઓના દિલમાં વસી ગયા હતા. આ ફિલ્મોને કારણે ચીનમાં હિન્દી ફિલ્મો માટે નવેસરથી આકર્ષણ જન્મ્યું. સાંસ્કૃતિક લેવડદેવડમાં હિન્દી ફિલ્મોને કારણે વેગ આવ્યો. ત્યારબાદ નિયમિતપણે હિન્દી ફિલ્મો ચીનમાં રિલીઝ થતી રહી. જોકે, એકવીસમી સદીમાં આમિર ખાનની ફિલ્મો માટે વિશેષ આકર્ષણ-ઘેલછા જોવા મળ્યા.

રાજકુમાર હિરાણી દિગ્દર્શિત થ્રી ઈડિયટ્સ’ની પાયરેટેડ કોપી ચીન પહોંચી ગઈ અને ચીનાઓને એ ફિલ્મ બહુ જ પસંદ પડી. જોકે, ભારતમાં રિલીઝ થઈ એના બે વર્ષ પછીથ્રી ઈડિયટ્સ’ ચીનમાં સત્તાવાર રીતે પ્રદર્શિત કરવામાં આવી અને સારી કમાણી કરવામાં સફળ રહી.

આમિર ખાન માટેનો ક્રેઝ ધ્યાનમાં આવતા જ લગાન’,તારે ઝમીં પર’, સિક્રેટ સુપરસ્ટાર’ અનેદંગલ’ ફિલ્મો ચીનના થિયેટરોમાં દર્શકોને ખેંચી લાવી. આ બધામાં `દંગલ’ તો ચીનમાં સુપર મંગલ સાબિત થઈ અને ચાઈનીઝ બોક્સ ઓફિસ પર અઢળક કમાણી કરવામાં સફળ રહી હતી.

ખાસ નોંધવાની વાત એ છે કે અનેક વર્ષો સુધી ચીનની સૌથી સફળ ફોરેન ફિલ્મ તરીકે તાહિર હુસેન નિર્મિત કારવાં’ હતી. આ ફિલ્મ અનેક વાર રિ-રિલીઝ કરવામાં આવી હતી. 38 વર્ષ સુધી આધિપત્ય ભોગવ્યા પછી અબ્બજાન તાહિર હુસેનના શાહજાદા આમિર ખાનનીદંગલ’ સૌથી વધુ કમાઈ કરનારી હોલિવૂડ સિવાયની ફિલ્મ સાબિત થઈ… પિતા હિટ તો પુત્ર સુપરહિટ!.

ચીનમાં વિદેશી ફિલ્મો રિલીઝ કરવાનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. વિશેષ તો હોલિવૂડ-અમેરિકન ફિલ્મો ચીનમાં બનતી ફિલ્મોનું માર્કેટ આંચકી ન લે એ હેતુથી ચીનમાં 1990ના દાયકાથી વિદેશી ફિલ્મોના પ્રદર્શન પર મર્યાદા રાખવામાં આવી છે. 1994થી 2002 દરમિયાન ફક્ત 10 ફોરેન ફિલ્મ પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

2002થી 2012 દરમિયાન `વર્લ્ડ ટે્રડ ઓર્ગેનાઇઝેશન’ સાથેના જોડાણને કારણે 20 ફોરેન ફિલ્મ રિલીઝ કરવાની પરવાનગી આપવામાં આવી. 2012થી દર વર્ષે 34 વિદેશી ચિત્રપટ ચીનમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આવી મર્યાદા હોવા છતાં ભારતીય ફિલ્મો માટે ચીનના દર્શકોને આકર્ષણ રહે છે અને આપણી ફિલ્મો મબલખ કમાણી કરવામાં સફળ રહે છે એ કોલર ટાઈટ કરવા જેવી વાત છે.

ફિલ્મ પ્રદર્શન માટે ચીન મહાસાગર છે. આ દેશમાં 90 હજારથી વધુ સિનેમા સ્ક્રીન છે. મલ્ટિપ્લેક્સને કારણે સ્ક્રીન શબ્દ ચલણમાં આવ્યો છે, કારણ કે એક થિયેટર કે મલ્ટિપ્લેક્સમાં ચાર કે પાંચ સ્ક્રીન હોઈ શકે છે. બીજા નંબરે છે યુએસ જ્યાં 38 હજાર સિનેમા સ્ક્રીન છે.

આ આંકડા પરથી ચીનના મુવી રિલીઝના પાવરનો અંદાજ બાંધવો મુશ્કેલ નથી. એટલે જ 2019માં આવેલી અંધાધુન’ ભારતમાં 72 કરોડનું કલેક્શન કરવામાં સફળ રહી હતી જ્યારે ચીનમાં 330 કરોડનો વકરો કરવામાં સફળ રહી હતી.આમમેડ ઈન ઈન્ડિયા’ ફિલ્મોનો ચીનમાં ડંકો વાગે છે ત્યારે એના પડઘા દસે દિશામાં સંભળાય છે.

આ પણ વાંચો…ફ્લૅશ બૅક : એક ગીતમાં છ ભાષા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button