ફિલ્મનામાઃ અમોલ પાલેકરે પણ લાગલગાટ ત્રણ સુપરહિટ ફિલ્મ આપી હતી!

- નરેશ શાહ
‘જંજિર’ પહેલાં અમિતાભ બચ્ચને બંધે હાથ, રાસ્તે કા પથ્થર, બંસી-બીરજુ, એક નઝર, સંજોગ, પરવાના, પ્યાર કી કહાની જેવી અડધા ડઝનથી વધુ ફ્લોપ ફિલ્મો આપી હતી અને રાજેશ ખન્નાએ લાગલગાટ આરાધના, સફર, અમર પ્રેમ, દો રાસ્તે, સચ્ચા જુઠા, આન મિલો સજના, કટિ પતંગ જેવી અડધો ડઝન સુપરહિટ ફિલ્મો આપેલી….
એ દંતકથા જેવી હકીકતના પ્રચંડ પ્રકાશમાં ખરેખરા એક્ટરોના અચિવમેન્ટ બહુ ઓછાં લાઈમલાઈટમાં આવતાં હોય છે, જેમકે ‘નેકસ્ટ ડોર બોય’ જેવી ઈમેજ સાથે હિન્દી ફિલ્મોમાં શરૂઆત કરનારા અમોલ પાલેકરની જ વાત કરીએ તો તેમણે હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો એ સાથે જ લાગલગાટ ત્રણ (બજેટના પ્રમાણમાં તો સુપર) હિટ ફિલ્મો આપી હતી.
પ્રથમ ફિલ્મ હતી: ‘રજનીગંધા’ એ પછી ‘છોટી સી બાત’ અને ‘ચિત્તચોર’. અમોલ પાલેકરની પ્રથમ હિટ ફિલ્મ ‘રજનીગંધા’ 1974માં રિલીઝ થઈ હતી, પરંતુ એ આખી બની ગયેલી ફિલ્મ બે-અઢી વરસ સુધી ડબ્બામાં પડી રહી હતી. તેને કોઈ ખરીદાર મળતું નહોતું.
‘રજનીગંધા’ના ડિરેક્ટર બાસુ ચેટરજી હતા અને ‘રજનીગંધા’ પહેલાં એ જયા ભાદુરી-અનિલ ધવનની સુપરહિટ ફિલ્મ ‘પિયા કા ઘર’ આપી ચૂક્યા હતા, પરંતુ અમોલ પાલેકર, દિનેશ ઠાકુર જેવા નવા અને થિયેટર એક્ટર તેમ જ પ્રથમ ફિલ્મ જ કરી રહેલી વિદ્યા સિંહાની સ્ટારકાસ્ટ ધરાવતી ‘રજનીગંધા’ બધાને ખોટનો ધંધો લાગતો હતો. ‘રજનીગંધા’નો કોઈ હાથ ઝાલીને થિયેટરમાં રિલિઝ કરે એ માટે બધા જ પ્રયત્નો કર્યા પછી આખરે આ ફિલ્મ ‘રાજશ્રી પ્રોડક્શન’ને કમિશન પર રિલીઝ કરવામાં આવી સપ્ટેમ્બર, 1974માં.
મજા તો એ છે કે અમોલ પાલેકરને જ પહેલાં તો ‘પિયા કા ઘર’માં કાસ્ટ કરવાનું નક્કી થયું હતું, પણ રાજશ્રીવાળા આ નવા ચહેરાથી ખચકાતા હતા. રસપ્રદ ઘટના તો એ પણ ગણાવી જોઈએ કે અમોલ પાલેકરની ઈમેજને સ્ટ્રોંગ કરનારી પ્રથમ ત્રણેય હિટ ફિલ્મોના ડિરેક્ટર બાસુ ચેટરજી હતા. બે ફિલ્મો (‘રજનીગંધા’ અને ‘છોટી સી બાત’)ની હીરોઈન પણ એક જ: વિદ્યા સિંહા.
‘રજનીગંધા’ના પ્રથમ શો વખતે બનેલાં એક પ્રસંગની વાત કરીને પછી બીજી ફિલ્મોની વાતો કરીએ. ફિલ્મના પ્રથમ શોમાં ડિરેક્ટર-એક્ટરોની સાથે પ્રોડયુસર સુરેશ જિંદાલ (જેમણે પછી સત્યજીત રાયની પ્રથમ-એકમાત્ર ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ પણ પ્રોડ્યુસ કરેલી!) પણ ઉચાટમાં થિયેટરના કોરિડોરમાં ઊભા હતા. વેચાયાં વગર પડી રહેલી ફિલ્મના રિસ્પોન્સ જાણવાનું તેમને પણ ટેન્શન હતું.
તેમણે અમોલ પાલેકરને પૂછ્યું: ‘શું લાગે છે ફિલ્મ લોકોને ગમશે!’ ‘ન ગમે તો ય શું?’ અમોલ પાલેકર હળવાશથી જવાબ આપ્યો: ‘ફ્લોપ જાય તો ફિલ્મમાંથી તમે બે એડ (જાહેરાત) બનાવી જ શકશો. સિગારેટ ફૂંકતા દિનેશ ઠાકુરને સિગારેટની એડમાં અને મને ટૂથપેસ્ટની એડમાં!’ સુરેશ જિંદાલને આ વ્યંગ એવો ખટકી ગયો કે અમોલ પાલેકર સાથે તેમને કાયમી અબોલા લઈ લીધા હતા એવું અમોલ પાલેકર પોતાના સ્મરણમાં ‘વ્યૂહફાઈન્ડર’માં લખી ચૂકયા છે.
‘રજનીગંધા’ પછી અમોલ પાલેકરની ‘છોટી સી બાત’ અને ‘ચિત્તચોર’ એક જ વરસે, 1976માં રિલીઝ થઈ હતી. એ જ વરસે યશ ચોપરાની ‘કભી કભી’ અને ગુલઝારની ‘મૌસમ’ પણ રિલિઝ થઈ હતી, છતાં અમોલ પાલેકરની બન્ને ફિલ્મોએ થિયેટરમાં સિલ્વર જ્યુબિલી ઉજવી!. ‘છોટી સી બાત’ ફિલ્મથી જ સાઉથના ગાયક યશુદાસ (જાનેમન, જાનેમન ગીત)ની હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી થઈ હતી. અલબત્ત, આ ગીત ફિલ્મમાં ધર્મેન્દ્ર-હેમા માલિની પર શૂટ કરવામાં આવ્યું હતું, કારણ કે ‘છોટી સી બાત’ ફિલ્મ સુધી બાસુ ચેટરજી માનતા હતા કે વાસ્તવિક જીવનમાં આપણે ગીત ગાતા નથી એટલે મારા પાત્ર પણ (ફિલ્મમાં) ગીતો ગાશે નહીં.
બેશક, બાસુ ચેટરજીની આ માન્યતા ગુલઝાર સાહેબે તોડી. તેમણે સમજાવ્યું કે એમ તો આપણા જીવનમાં કશું બને તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કયાં વાગે છે? આ તર્ક પછી બાસુ ચેટરજીએ ‘ચિત્તચોર’ ફિલ્મમાં પોતાનાં પાત્રો પાસે ગીતો (તું જો મેરે સૂર મેં, સૂર મીલા દે) ગવડાવ્યા એવો ઉલ્લેખ અનિતા પાધ્યેએ લખેલી બાસુ ચેટરજીની બાયોગ્રાફીમાંથી મળે છે. ‘ચિત્તચોર’ ફિલ્મને રાજશ્રીવાળાએ સ્ટ્રેટેજીના ભાગરૂપે મુંબઈના એકમાત્ર થિયેટરમાં રિલીઝ કરી હતી.
જો કે આ વાત જાણ્યા પછી અપસેટ થઈ ગયેલાં અમોલ પાલેકર-બાસુ ચેટરજી ‘રાજશ્રી’ની ઓફિસ પહોંચી ગયેલા. તેમને સમજાવવામાં આવ્યું કે એક જ થિયેટરમાં રિલીઝ કરીને પહેલાં માઉથ પબ્લિસિટીનો લાભ લીધા પછી (હવા બંધાયા બાદ) ‘ચિત્તચોર’ બીજા થિયેટર અને શહેરોમાં રિલીઝ કરવામાં આવશે. ‘રાજશ્રી’વાળાની માર્કેટિંગ સ્ટ્રેટેજીએ ધાર્યા નિશાન એવાં પાર પાડ્યા કે ‘ચિત્તચોર’ની સફળતા પછી ઓફરોનો એવો ઢગલો થવા માંડ્યો કે અમોલ પાલેકરે બેન્કની નોકરીમાંથી કાયમી ધોરણે રાજીનામું આપી દઈ અભિનય જ કરવાનો નિર્ણય લઈ લીધો હતો!
આપણ વાંચો: ખુશીમાં ગજબ ગણિત છે… ડિવાઈડ કરો તો મલ્ટિપ્લાય થાય!



