ફિલ્મનામાઃ એક ફિલ્મની હેરાનગતિએ સુભાષ ઘઈને પ્રોડ્યુસર બનાવ્યા!સુભાષ ઘઈના ‘મુકતા આર્ટસ’ બેનરના જન્મ પાછળની કહાણી | મુંબઈ સમાચાર
મેટિની

ફિલ્મનામાઃ એક ફિલ્મની હેરાનગતિએ સુભાષ ઘઈને પ્રોડ્યુસર બનાવ્યા!સુભાષ ઘઈના ‘મુકતા આર્ટસ’ બેનરના જન્મ પાછળની કહાણી

  • નરેશ શાહ

દિલીપકુમાર અને રાજકુમાર, દિલીપકુમાર અને નસીરુદ્દીન શાહ, દિલીપકુમાર અને સંજીવકુમાર… અભિનયની જુગલબંધીના આ ડેડલી કોમ્બિનેશન માટે હિન્દી સિનેમામાં સુભાષ ઘઈ કાયમ યાદ રહેવાના છે.

2025માં એંસી વરસની વયે પહોંચેલા સુભાષ ઘઈએ પોતાની કેરિયર દરમિયાન પંદર જેટલી સુપરહિટ અને ‘કર્ઝ’ (ઋષિ કપૂર-ટીના મુનીમ) જેવી કલ્ટ ફિલ્મો આપી, પણ ‘સૌદાગર’, ‘કર્મા’ અને ‘વિધાતા’ એમની માઈલસ્ટોન સરખી ફિલ્મો છે, કારણ કે આ ફિલ્મોમાં એમણે અભિયનના દિગ્ગજોની (‘મહોબ્બતેં’માં બચ્ચન-શાહરુખ અને ‘નમકહરામ’માં રાજેશ ખન્ના-બચ્ચન જેવી) અથડામણ દિલકશ તરીકાથી દર્શાવી હતી.

એવું ય નથી કે સુભાષ ઘઈમાં માત્ર ગોલ્ડનટચ હતો. એમણે ગૌતમ ગોવિંદા, ક્રોધી, કિશ્ના, યુવરાજ, યાદેં જેવી ફલોપ ફિલ્મો પણ આપી છે. હા, અનિલ કપૂરવાળી ‘બ્લેક એન્ડ વાઈટ’ ભૂલાઈ ગઈ, પરંતુ ડિરેકટર તરીકેની આ અંતિમ ફિલ્મ ત્રેપન વરસે ડિરેકટ કર્યા પછી એમને અભિપ્રેત થઈ ગયું કે, ડિરેકટર તરીકે હવે એ કદાચ, આઉટડેટેડ થઈ ગયા છે.

આ કારણે જ બે વરસ પહેલાં (2006) શરૂ કરેલાં ‘વ્હીલસીંગવુડ ઈન્ટરનેશનલ’ નામના પોતાના સંસ્થાનમાં તેમણે ફોકસ વધારી દીધું. ફિલ્મ મેકિંગના તમામ પાસાની તાલીમ આપતી આ સંસ્થામાં ક્યારેક એ ખુદ લેકચર લેવા જાય છે અને કેટલીક વખત પોતાની ફિલ્મ ‘ક્રોધી’ને ટાંકયા વગર વિદ્યાર્થીઓને કહેતાં હોય છે કે, તમે જ્યારે તમારા આત્મરામને ગીરવી મૂકી દઈને સર્જન કરો ત્યારે તેનું ધાર્યું પરિણામ મળતું નથી!

જી, ‘કાલીચરણ’, ‘વિશ્વનાથ’ જેવી સફળ ફિલ્મો આપ્યા પછી એમણે ‘ક્રોધી’ નામની ફિલ્મ બનાવી, જે સદંતર ફલોપ ગઈ, પણ આ ફિલ્મે જ સુભાષ ઘઈની એ માન્યતાને દૃઢ કરી કે મનચાહી ફિલ્મ બનાવવી હોય તો તેનું નિર્માણ પણ મારે જ કરવું પડશે અને એ રીતે ‘મુક્તા આર્ટસ’ બેનરનો જન્મ થયો. આ નામ એમના પત્નીનું લગ્ન પછીનું છે.

‘કમાલ અમરોહી પ્રોડકશન’ના પ્રોડકશન મેનેજર અખ્તર ફારૂકી (જેમણે જાવેદ અખ્તરને સ્ટૂડિયોમાં સુવાની વ્યવસ્થા કરી આપી!)ના પુત્રી રેહાના સાથે સુભાષ ઘઈને પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટ્યુટ્માં ભણતા ત્યારથી પ્રેમ થઈ ગયો હતો. લગ્ન પછી રેહના ‘મુકતા’ બન્યાં અને ‘મુક્તા’ બન્યા પછી સુભાષ ઘઈએ પ્રથમ ફિલ્મ જયકિશન (જેકી) શ્રોફને લઈને ‘હિરો’ બનાવી.

એ રીતે જોઈએ તો સુભાષ ઘઈને પ્રોડયુસર બનાવવામાં ‘ક્રોધી’ ફિલ્મ નિમિત્ત બની. ખરેખર તો શૈતાનમાંથી સાધુ બનતાં માણસની વાત કરતી ‘ક્રોધી’ની વાર્તાનો વિચાર તો સુભાષ ઘઈને દિમાગમાં ‘કાલીચરણ’ (1976) બનાવતાં પહેલાં આવ્યો હતો, પરંતુ આ ફિલ્મ ફલોર પર ગઈ ‘ગૌતમ ગોવિંદા’ (1979) બનતી હતી ત્યારે.

મજા જુઓ કે 1978માં ‘ક્રોધી’ બનાવવાનું ફાઈનલ થયું એ પછી સુભાષ ઘઈની ‘ગૌતમ ગોવિંદા’ અને ‘કર્ઝ’ ફિલ્મ બનીને રિલીઝ થઈ ગઈ, પરંતુ ‘ક્રોધી’નું કલ્યાણ છેક 1981માં થયું. લગભગ સાડા ત્રણ વરસે.

1980-90માં એક ફિલ્મ બનતાં બે-ત્રણ વરસ થાય એ કંઈ ખરાબ વાત નહોતી, પણ ‘ક્રોધી’ સાથે જે-જે બન્યું, એ સુભાષ ઘઈને લાચારીવશ કરવું પડેલું અને તેનો ભોગ ‘ક્રોધી’ જ બની. સુભાષ ઘઈએ ‘ક્રોધી’ અમિતાભ બચ્ચનને ધ્યાનમાં રાખીને લખી હતી, પણ ‘અમિતાભ બચ્ચન મારી ફિલ્મ નહીં કરે’ એવું ધારીને સુભાષ ઘઈ ધર્મેન્દ્રને મળ્યાં.

ધર્મેન્દ્રને વાર્તા ગમી એટલે એ જ પ્રોડયુસર બનવા તૈયાર થયા અને વાત સરળ બની ગઈ. ધર્મેન્દ્ર ઉપરાંત શશી કપૂર, મૌસમી ચેટરજી અને ઝિન્નત અમાન સાઈન થઈ ગયા ત્યાં એક દિવસ ધર્મેન્દ્રએ સુભાષ ઘઈને બોલાવીને કહ્યું કે, મારા એક બનેવી (રંજીત વિર્ક) પણ પ્રોડયુસર તરીકે આપણી સાથે જોડાશે. સુભાષ ઘઈ વાંધો લઈ શકે તેમ નહોતા અને……‘ક્રોધી’ની પાળ પીટાવવાની શરૂ થઈ.

ઉત્સાહિત રંજિત વિર્કે વિતરકોમાં કહેવા માંડ્યું કે ‘ક્રોધી’ શોલેથી પણ મોટી ફિલ્મ બનશે. પોતાનો પ્રોજેક્ટ મેગા પ્રોજેકટ (દેખાડીને મોટું ફાઈનાન્સ મેળવવા) છે એ દેખાડવા એમણે નાના-નાના રોલ માટે પ્રાણ, પ્રેમનાથ જેવા એકટરોને લેવડાવ્યા. ફિલ્મમાં વેશ્યાલયમાં એક મુજરો હતો એ પાત્ર માટે હેમા માલિનીને (ગેસ્ટ અપિરિયન્સ) લેવામાં આવ્યા. સુભાષ કમને સહમત થતા ગયા અને સ્ક્રિપ્ટમાં સુધારા કરતાં ગયા, કારણ કે જાણીતા એકટર હોય તો વાર્તામાં એમના કિરદારને વધુ સીન અને મહત્ત્વ આપવા પડે.

સમય બગડતો ગયો. વાર્તા તેની પકડ ગુમાવીને આત્માવિહોણી થઈ ગઈ. આ જ અરસામાં ધર્મેન્દ્ર-હેમામાલિનીનું પ્રેમ પ્રકરણ ખૂબ ગાજ્યું અને એમના લગ્ન પણ થઈ ગયા. મોટા સ્ટાર્સને કારણે અનેક શૂટિંગ શેડયૂલ રદ થયા અને પછી કેટલાંય માંડ માંડ ગોઠવાયાં. આખરે સાડા ત્રણ વરસે ‘ક્રોધી’ બની ત્યારે રંજિત વિર્કનો બીજી ‘શોલે’ બનાવવાનો ઉત્સાહ ઠરી ગયો હતો. ‘ક્રોધી’ રિલીઝ થઈને પણ કંઈ ભલીવાર દેખાડી શકી નહીં.

આમ પણ આ ફિલ્મના મેકિંગ દરમિયાન જ (1978માં) સુભાષ ઘઈએ ‘મુક્તા આર્ટસ’ બેનરની સ્થાપના કરી દીધી હતી, જે લગાતાર તબલાતોડ ફિલ્મ બનાવવાની હતી. અને એક એવી ફિલ્મ સાથે પણ સંકળાવાની હતી, જે ક્યારેય બની નહીં, છતાં સુભાષ ઘઈ તેના પર આખું એક ચેપ્ટર પોતાની ફિલ્મયાત્રામાં લખવાના હતા…

આપણ વાંચો:  ક્લેપ એન્ડ કટ..!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button