મેટિની

ફિલ્મનામાઃ તાઝા ખબર…જાદુ ચડે કે ચમત્કાર?

નરેશ શાહ

સગી માતા કે ખુદ્દાર પિતાના આશીર્વાદ કરતાં નિસ્વાર્થ સેવા જ જિંદગીમાં `ચમત્કાર’ સર્જી શકતી હોય છે!

જીવનના બે સત્ય અફર છે. એક, ક્યારેક કોઈ જાદુ જેવો ચમત્કાર થઈ શકે છે અને બે, એ જાદુ કે ચમત્કાર જીરવી લેવો એ કોઈ આસાન કામ નથી…

માની લો કે તમારા જીવનની કોઈ સબળી પળે ઈશ્વર કે કોઈના આશીર્વાદથી તમારા હાથમાં કે તમારી કિસ્મતમાં કોઈ ચમત્કાર સર્જાય તો તમે શું કરશો? વાતને જરા સરળ બનાવીએ…

ધારી લો કે બે – ચાર કલાક કે એકાદ દિવસ પછી બનવાની છે એ ઘટનાની જાણ તમને વહેલી થવા માંડે તો? બેશક , તમારી કૂકરી ગાંડી જ થઈ જાય. મહોલ્લાના સુલભ શૌચાલયનો વહીવટ કરતાં કરતાં આખો દિવસ પેશાબ-ગૂની બદબુ વચ્ચે જીવતાં વસંત ગાવડે સાથે પણ આવો જ ચમત્કાર થાય છે: ઘટનાઓની `તાઝા ખબર’ એને વહેલી મળવા લાગે છે અને…વસંત ગાવડેની જિંદગી બદલાઈ જાય છે, પણ…

જ્યાં સંતોષ નથી યા જ્યાં લક્ષ્મણ રેખા નથી ત્યાં કશુંય સુખદ પરિણામ આવતું નથી. અત્યધિક સુખ હોય કે પારાવાર પીડા, માણસને અનકન્ટ્રોલ્ડ-બેકાબૂ બનાવી દેવા માટે પૂરતું છે અને આ બોધપાઠ આપણને સોની લીવ' પરની વેબસિરીઝતાઝા ખબર’ આપે છે અને એ પણ એકદમ રોમાંચક શૈલીમાં.

મુંબઈની ચાલમાં ઓલાં સુલભ શૌચાલયનો વહીવટ સંભાળતા વસંત ગાવડેની હાલત પણ દયનીય છે. એના પચ્ચીસમાં જન્મદિવસે કેક ખરીદવા અને શર્ટ ભેટ આપવા માટે એની માતા, જ્યાં ઘરકામ કરે છે એ ઘરમાંથી જ બે હજાર રૂપિયા ચોરતાં પકડાઈ જાય છે. ચોરટી માને પિતા જાહેરમાં ફટકારે છે ત્યાર સુલભ શૌચાલયના હિસાબના પૈસામાંથી પુત્ર વસંત બે હજાર રૂપિયા લાવીને પાછાં આપે છે અને થોડાં પૈસા ગુસ્સાવાળા બાપના ગજવામાં મૂકે છે દારૂ પીવા માટે.

તાઝા ખબર'ના પ્રથમ એપિસોડમાં જ આપણને સમજાય જાય છે કે એકદમ નિમ્ન સ્તરના લોકોની વાતનો આપણી સામે ઉઘાડ થઈ રહ્યો છે. અહીં મૂતરી (જાહેર જાજરૂ) સંભાળનારો યુવાન છે. વૈશ્યાલયની જ યુવતી મધુના એ પ્રેમમાં છે. એ મધુ, જેનો એક આશિક એરિયાનો માથાભારે કોર્પોરેટર છે. વૈશ્યાલયની માલકણ હસ્તક એ પોતાના સાચા-ખોટા વહીવટ ચલાવે છે. અહીં બેકાર-દારૂડિયો છતાં સ્વામાની પિતા છે તો તેનાથી દબાયેલી પણ પુત્રને ચાહતી માતા છે. ઓનલાઈન માર્કેટથી પરેશાન રેસ્ટોરાંનો માલિક અને એની પુત્રી છે અને વસંત ગાવડેનો એક લંગોટિયો મિત્ર છે... ક્યાંય કશું નવું બનવાની શકયતા નથી અને એ વસંત ગાવડેના જ એક સંવાદમાં વ્યક્ત થાય છે:આજે લોકોના પેશાબ – ગૂને દિવસભર સૂંઘતો રહ્યો, કાલે પણ એ જ કરવાનો છું!’

જોકે એવું નથી થતું, એક દિવસ ચમત્કાર થાય છે. એક વયોવૃદ્ધ મહિલા જાહેર જાજરૂના ઉપયોગ દરમિયાન ફસડાઈને બેહોશ થઈ જાય છે. લોકોના મળ – મૂતરથી ખરડાયેલી આ મહિલાને વસંત ગાવડે માનવતાના ધોરણે ગંદા પાયખાનામાંથી કાઢી, ગૂ-મુતર સાફ કરીને ઘરે પહોંચાડે છે. એટલું જ નહીં, વેશ્યા – પ્રેમિકા મધુએ બર્થ- ડે ગિફટમાં આપેલું કવર પણ વસંત પેલી વૃદ્ધાને આપી દે છે ત્યારે એ કૃશકાય મહિલા આશીર્વાદ આપે છે:

`તને બધી વાતની ખબર (ઘટના બનતાં) પહેલાં જ મળી જશે!’

ખરેખર એવું જ બને છે. વસંત ગાવડે (ભુવન ભામ) આ ચમત્કારી શક્તિનો ઉપયોગ કરીને પ્રથમ વખતે જ પચાસ – સાઈઠ લાખ રૂપિયા કમાઈ લે છે. દરમિયાન એને ખ્યાલ આવે છે કે વહેલાં મળી જતાં તાઝા ખબર'ને કારણે એ ક્રિકેટનું બેટિગ કરીને કરોડો કમાઈ શકે છે. બસ, એ પછી વસંત ગાવડે, પ્રેમિકા મધુ અને પાર્ટનરોની જિંદગીમાં કેવા વળાંક આવે છે તેની કથા હિમાંક ગોર દિગ્દર્શિત અને હુસૈન દલાલ - અબ્બાસ દલાલ લિખિત વેબસિરીઝતાઝા ખબર’ની છે. જાણીતો યુ ટ્યૂબર ભુવન ભામ (એ પ્રોડ્યુસર પણ છે)ની આ પ્રથમ કોમર્શિયલ વેબસિરીઝ છે (બીજી સિઝન પણ આવી ગઈ છે) પણ લખી રાખો કે, આ કોમેડિયન એકદમ લંબી રેસ કા ઘોડા' સાબિત થવાનો છે. તેની સાથે શ્રીયા પિલગાંવકર, શિલ્પા શુકલા, દેવેન ભોજાણી અને (સત્યા’ ફેમ) જે. ડી. ચક્રવર્તી પણ તાઝા ખબર'માં છે. વેબસિરીઝનું પાત્રાલેખન, લોકલ સંવાદો તેમજ અભિનય એટલાં સચોટ છે કેચમત્કાર’ની વિચિત્રતા ખટકવાની બદલે તમે વાર્તા પ્રવાહમાં વહેવા લાગે છો.

આફટર ઓલ, વાત ચમત્કાર અને તેમાંથી સર્જાતી ચમત્કૃતિની છે. અહીં બે વાત તરફ ધ્યાન ખેંચવું છે. ચમત્કારમાં આપણને રસ એટલા માટે પડે છે, કારણ કે, એ અહીં અતિ સામાન્ય માણસના જીવનમાં થાય છે. ગર્ભ શ્રીમંત (માની લો મુકેશ અંબાણી)ના જીવનમાં ચમત્કાર થાય અને એ દરરોજ સો-બસ્સો કરોડ કમાવા લાગે તો તેમાં આપણને બિલકુલ રસ ન પડે. બીજી રસપ્રદ વાત છે કે વસંત ગાવડેમાં ચમત્કાર' રોપતાં એ આશીર્વાદની. એ આશીર્વાદ સગી માતા કે ખુદ્દાર પિતાએ નથી આપ્યાં કે નથી એને અખૂટ ચાહતી વેશ્યા મધુએ આપ્યા. આ આશીર્વાદ વસંતને એક અજાણી, કૃશકાય વૃદ્ધા આપે છે, જેની વસંત ગાવડેએ દરકાર (નિસ્વાર્થ સેવા) કરી હતી. નિસ્વાર્થ સેવા જ જિંદગીમાંચમત્કાર’ સર્જી શકતી હોય છે એ વાત `તાઝા ખબર’ વેબસિરીઝની સૌથી મોટી હાઈલાઈટસ છે…

આઈ બાબત સમજ મેં!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button